ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 22
ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 22


(અગાઉના અંકમાં આપણે કુંતીની જન્મગાથા જાણી. જેના લીધે કુંતીને નવજીવન પ્રાપ્ત થયું હતું એ ઋષિ દુર્વાસા કુંતલેશ્વર ઉદ્યાનમાં તપસ્યાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. રાજકુમારી કુંતી ઋષિ દુર્વાસાની આ કઠોર તપશ્ચર્યામાં પોતાની સેવા સ્વીકારવા વિનંતી કરે છે. તમામ રાજવૈભવ ત્યજી રાજકુમારી કુંતી ઋષિ દુર્વાસાની સેવામાં મગ્ન થઈ જાય છે. ઋષિ દુર્વાસાએ રાજકુમારી કુંતીની નિઃસ્વાર્થ સેવા જોઈ અને તેને વરદાનયુક્ત મંત્ર આપ્યો જેનાથી તે કોઈપણ દેવનું આહ્વાહન કરી શકે અને તે દેવ દ્વારા પુત્ર પ્રાપ્ત કરી શકે. રાજકુમારી કુંતીને આ મંત્ર અજમાવવાનું મન થયું. પોતાની સખીને આ વાત જણાવી અને મંત્ર દ્વારા સૂર્યદેવનું આહ્વાહન કર્યું. રાજકુમારી કુંતીના શરીર પર ઉષ્ણતા ફરી વળી. રાજકુમારી કુંતી અને તેની સખી ગભરાઈ ગયા તેઓ રાજમહેલમાં પાછા ફર્યા અને માતા રિષાને સમગ્ર વાત કરી. માતા રિષાએ પુત્રીને આશ્વાસન આપ્યું, પરંતુ મા અને પુત્રી એ વાતથી અજાણ હતાં કે, સૂર્યદેવનો અંશ કુંતીના ગર્ભમાં આકાર લઈ રહ્યો હતો. હવે આગળ...)
ત્રણ મહિના વીતી ગયા અને રાજકુમારી કુંતીનું શરીર તેના સગર્ભા હોવાની ચાડી ખાવા લાગ્યું. માતા રિષા છળી ઊઠી. તેણે મહારાજ કુંતલેશ્વરને ઋષિ દુર્વાસાના વરદાનને અજમાવવાની ભૂલ અને તત્કાલિન પરિસ્થિતિ જણાવી. મહારાજ કુંતલભોજ સમગ્ર વાત જાણી આશ્ચર્ય સાથે દુઃખની લાગણી અનુભવી રહ્યા. હવે શું કરવું ? એ વિચારમાં રિષા અને કુંતલભોજની નિદ્રા વેરણ બની ગઈ.
દીકરી કુંતીના ચારિત્ર્ય પર તેમને તો અતૂટ શ્રદ્ધા હતી અને સમગ્ર પરિસ્થિતિ પણ સમજી શકતા હતા પરંતુ આ જગત ! આ જગત આવી વાત પર કેવી રીતે વિશ્વાસ કરે ? કુંતીના ચારિત્ર્ય પર કેવા પ્રશ્નો ઊઠે ? તેના ભવિષ્ય પર કેવી અસર પડે ? એક અવિવાહિત સ્ત્રીનું માતા બનવું એનો સીધો અર્થ શું કરશે આ સંસાર ? ઋષિ દુર્વાસાના વરદાન અને રાજકુમારી કુંતીથી નિર્દોષતામાં થયેલ ભૂલને કોઈ સ્વીકારશે ? રાજકુમારી કુંતીના જન્મદાતા રાજા શૂરસેન અને મારિષાને શું કહેવું ? આવા કેટલાય પ્રશ્નો કુંતલભોજ અને રિષાને સતાવી રહ્યા હતા.
રાજા કુંતલભોજ અને રિષાને હાલ તો રાજકુમારી કુંતીની સગર્ભાવસ્થાનો પ્રશ્ન ઉકેલવાનો જરૂરી લાગી રહ્યો હતો. આખરે તેમણે રાજકુમારી કુંતીને જ્યાં દુર્વાસા ઋષિએ તપશ્ચર્યા કરી હતી એ કુંતલઉદ્યાનમાં જ પર્ણકુટિમાં એકાંતવાસમાં મોકલી, જેથી તે બાળકને જન્મ આપી શકે. સખી વત્સલાને કુંતી સાથે રાખવામાં આવી. કુંતીએ પૂરા દિવસે એક સુંદર શિશુને જન્મ આપ્યો. કેટલું અદભૂત બાળક ! સુવર્ણ કવચ અને કુંડળ સાથે જન્મેલું આ બાળક સાધારણ હોય જ કેવી રીતે ? સૂર્યદેવ જેવું જ તેજસ્વી અને કોઈની પણ દ્રષ્ટિને આંજી નાખે તેવા આ બાળકને જોતાં કેવી રીતે માની શકાય કે આ એક નિર્દોષ ભૂલનું પરિણામ હતું ?
કુંતીની કુખે જન્મેલ આ અદભૂત અને અસાધારણ બાળકના મુખને જોતાં જ કુંતલભોજ અને રિષાની સમગ્ર ચિંતા એક પળ માટે વિસરાઈ ગઈ અને હ્રદયથી આશીર્વાદ નીકળી ગયા. માતાપિતાની પોતાના પુત્ર પ્રત્યેની અમીદ્રષ્ટિ જોઈ કુંતીની આંખો પણ ભરાઈ ગઈ. થોડીક પળો માટે સમાજ અને લોકલાજ બધું જ ભૂલી આ બાળકની વશીકરણ કરતીં આંખોમાં સૌ કોઈ ખોવાઈ ગયા. અચાનક દુન્યવી ભાન આવતાં જ રિષાનું હ્રદય જોરથી ધબકવા લાગ્યું. તેણે એક પ્રશ્નાર્થભરી દ્રષ્ટિ પતિ તરફ નાખી. હવે શું કરવું ?
પત્નીની ચિંતાતુર આંખોથી પોતે નજર મેળવી શક
તા નહોતા. નજર ન મેળવવાનું કારણ આગલી રાત્રે પોતે કરેલ આ બાળકના ભાવિની ચિંતા અને તેનું નિરાકરણ હતું. દરેક માર્ગ પર વિચાર કરી આખરે પોતે લીધેલ નિર્ણય કુંતીને કે પત્ની રિષાને માન્ય રહેશે ? ક્યાંક પુત્રી કુંતી પોતાને નિષ્ઠુર અને નિર્દય માની બેસશે તો ?
`પિતાજી ! પિતાજી ! શું વિચારી રહ્યા છો ?’ અચાનક કુંતીએ કુંતલભોજને વિચારોમાંથી બહાર લાવતા પૂછ્યું.
નેત્રમાં બાઝી ગયેલા અશ્રુને છૂપાવતા કુંતલભોજે ચહેરા પર ખોટુ હાસ્ય લાવી કહ્યું, `કંઈ નહી પુત્રી ! આ તો આ તારા પુત્રના તેજથી આંખો અંજાઈ ગઈ.’
કુંતી અને પત્ની રિષા કુંતલભોજના હ્રદયમાં ચાલતી ઉથલપાથલને સમજી ગઈ હતી. આખરે કુંતીએ હિંમત એક્ઠી કરીને પૂછી લીધું, `પિતાજી ! મારા અને આ બાળકના ભાવિ માટે તમે શું વિચાર્યું છે ? મેં તમને દુવિધામાં નાખી દીધા છે એ માટે મને ક્ષમા કરી શકશો ?’
`અરે ! અરે પુત્રી ! આ શું બોલે છે ? તારા શુભ પગલે તો અમારું આંગણું ભર્યું ભર્યું છે. તારા અમારા જીવનમાં આવવાથી અમારું વાંઝિયાપણું ભાંગ્યું છે.’ કુંતલભોજે કુંતીના માથે હાથ મુકતા કહ્યું.
`ના ના પિતાજી ! જન્મ મને ભલે મારિષા માતાએ આપ્યો પરંતુ રિષામાએ મને નવજીવન આપ્યું છે. મારું આ જીવન તમારુ ઋણી છે, પરંતુ હું અભાગણી તમારી શરમિંદગીનું કારણ બની ગઈ છું.’ કુંતીથી ડૂસકુ ભરાઈ ગયું.
`દીકરી ! તું અમારું સૌભાગ્ય છે. અમને તારા ચારિત્ર્ય, તારા સંસ્કાર પર ગર્વ છે, પરંતુ આ સંસાર ! એને કોણ સમજાવે ? કે આ માત્ર તારી નિર્દોષતાનું પરિણામ છે. આ માટે મેં કંઈ વિચાર્યું છે જો તને માન્ય હોય તો.’ કહેતા કુંતલભોજ નીચું જોઈ ગયા.
અત્યાર સુધી બાપદીકરીની લાગણીમય વાતો સાંભળી રહેલી રિષાએ મૌન તોડ્યું. કુંતલભોજની થોથવાતી વાણી અને લાચાર ચહેરો જોઈ પૂછી જ લીધું, `શું વિચાર્યું છે ? શું વિચાર્યું છે આપણી કુંતી અને એના આ બાળક માટે ?
`જો રિષા ! કુંતીના ઉજ્જવળ ભાવિ માટે એક માર્ગ એ છે કે આપણે આ બાળકને સગાવહાલાને દત્તક આપી દઈએ અથવા તો કોઈ દાસ-દાસીને ઉછેરવા આપી દઈએ, પરંતુ એમ કરવામાં આપણે આ બાળકના માતા-પિતાનું નામ જણાવવું પડે. એ કેવી રીતે શક્ય છે ? ઋષિ દુર્વાસાનું વરદાન, સૂર્યદેવનું આહ્વાહન અને તેને મળેલ આ બાળક.. કોઈને પણ માનવામાં નહિ આવે અને તેના ચરિત્ર પર પ્રશ્નો ઊઠશે.’
`આ માર્ગ ઉચિત નથી, માટે આપણે ! આપણે આ બાળકને કોઈ મંજુષામાં રાખી તેને નદીમાં વહાવી.’
`નહિ.... નહિ..’ કુંતી ચિત્કારી ઊઠી. માતા રિષાના આંસુ ચોધાર વહેવા લાગ્યા. થોડીવાર બધા જ શાંત થઈ ગયા. બહાર તો શાંતિ હતી પણ ત્રણેયના મનમાં વંટોળ ચડ્યું હતું. કુંતલભોજ અને રિષા કુંતીના માથે હાથ મૂકી પર્ણકુટિની બહાર ચાલ્યા ગયા.
પ્રભાત થયું. સૂર્યની પ્રથમ કિરણ કુંતી અને તેના નવજાત શિશુ પર પડી. આખી રાત મન સાથે યુદ્ધ કરી રહેલી કુંતીનુ માતૃત્વ પરાજીત થયું અને પુત્રી ધર્મનો વિજય થયો. સખી વત્સલા આગળ હૈયું ખાલી કર્યું અને બાળકને હૈયાસરસો ચાપીને 'કર્ણ' નામથી સંબોધન કર્યું.
`હે સૂર્ય ભગવાન ! આપના પુત્રની રક્ષા હવે આપે કરવાની છે..’ કહી કુંતીએ પોતાના કાળજાનો કટકો એક મંજૂષામાં મૂક્યો અને તેની સાથે પોતાનું એક કંગન મૂક્યું અને મંજૂષાને નદીમાં વહાવી દીધી. પાણીમાં સરી જતી મંજૂષાને ક્યાંય સુધી જોઈ અને પછી વત્સલાના હાથમાં મૂર્છિત થઈ ઢળી પડી.