ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 17
ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 17


(આગળના અંકમાં આપણે જોયું કે, હસ્તિનાપુરની રાજ્યસભામાં ભાવિરાજા નિશ્ચિત કરવાની ચર્ચા ચાલી રહી છે. એવામાં સમાચાર મળે છે કે, ગાંધારરાજ સુબાલબાહુ પોતાની દીકરી ગાંધારીનો સ્વયંવર યોજે છે જેમાં હસ્તિનાપુરના રાજકુમાર પણ નિમંત્રિત છે. સ્વયંવરમાં જે રાજા કે રાજકુમાર ગાંધારરાજના સોમાંથી એક મલ્લને પણ હરાવે તો તેની સાથે રાજકુમારી ગાંધારીના વિવાહ કરવામાં આવશે, એવી શરત રાખવામાં આવી હતી. હસ્તિનાપુરની રાજસભામાં આ સાંભળી નિર્ણય લેવામાં આવે છે કે, રાજકુમાર ધૃતરાષ્ટ્ર જ્યેષ્ઠ છે તેથી તેમના વિવાહ અર્થે આ નિમંત્રણ સ્વીકારવામાં આવે. કુમાર ધૃતરાષ્ટ્ર દેવવ્રત ભીષ્મ સાથે સ્વયંવર અર્થે પ્રસ્થાન કરે છે. સમગ્ર આર્યવર્તમાં દેવવ્રત ભીષ્મની શૂરવીરતા સન્માનનીય હોવાથી તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું, પરંતુ અંધ રાજકુમાર સ્વયંવરમાં ભાગ લેશે એ જાણી ગાંધારરાજ સુબાલરાજ તથા રાજકુમાર શકુની હતાશ તથા ભયભીત હતા. હવે આગળ...)
વચનથી બંધાયેલ સુબલરાજ તથા શકુની માટે કોઈ જ માર્ગ નહોતો. વચનભંગ થશે તો અધર્મ કહેવાશે અને અધર્મ દેવવ્રત ભીમ જરાપણ સાંખી નહિ લે. હસ્તિનાપુર જેવા બળશાળી રાજ્ય સામે યુદ્ધમાં વિજયી તો દૂર પણ ટકી રહેવુંય અશક્ય છે. વળી હસ્તિનાપુર સામે યુદ્ધમાં કોઈ રાજ્ય તેમની સહાયતા નહિ કરે. હવે માત્ર એક જ ઉપાય હતો, સ્વયંવર થવા દેવો અને તટસ્થ રહી નિર્ણય લેવો. રાજકુમાર શકુની બને તેટલા પ્રયત્ન કરી રહ્યા હતા કે, મલ્લ પોતાનું શક્તિપ્રદર્શન સારી રીતે કરે અને અંધ રાજકુમારને વિજયી બનવાની તક ન મળે.
આ બધાથી અજાણ એવી કુમારી ગાંધારીની આંખોને ભવિષ્યના સપનાઓ જરા પણ નિદ્રાધીન થવા દેતા નહોતાં. એવામાં ગાંધારીની સખીએ તેને સમાચાર આપ્યા કે, હસ્તિનાપુર જેવા બળશાળી રાજ્યના રાજકુમાર ધૃતરાષ્ટ્ર પણ સ્વયંવરમાં પધાર્યા છે. ધૃતરાષ્ટ્રના બળશાળી વ્યક્તિત્વના ભરપૂર વખાણ ગાંધારીને કહી સંભળાવ્યા. રાજકુમારી ગાંધારીએ પણ હસ્તિનાપુરની વિજયગાથા તથા તેમના પૂર્વજોની યશોગાથા અગાઉ સાંભળી હતી. તે આશાભર્યા નયને અને ઉત્સુકતાભર્યા મનથી રાજકુમાર ધૃતરાષ્ટ્રને મળવા અધીર બની ગઈ હતી. સંપૂર્ણ રાત્રી રાજકુમારી ગાંધારીએ ધૃતરાષ્ટ્રના વિજય માટેની પ્રાર્થના કરવામાં જ વીતાવી દીધી. આ તરફ રાજકુમાર ધૃતરાષ્ટ્ર પોતાના બળ અને સામર્થ્યને પોતાના અંધત્વ પર વિજયી બનાવવા અધીર બન્યા હતા. રાજકુમારી ગાંધારી વિશે જાણવા કરતાં તેમને સમગ્ર આર્યવર્તને પોતાના બળ અને કૌશલ્યથી આંજી દેવાની વધુ તાલાવેલી હતી. આજની રાત્રી રાજકુમારી ગાંધારી માટે કુમાર ધૃતરાષ્ટ્રના દીદાર કરવા માટે લાંબી થઈ પડી હતી, તો કુમાર ધૃતરાષ્ટ્ર માટે સ્વયંવરમાં વિજયી થવાની આતુરતાને કારણે આ રાત વીતતી નહોતી.
સૂર્યના કિરણો આજે ચારે તરફ માત્ર અજવાળુ જ નહોતા પાથરી રહ્યા પરંતુ પૃથ્વીને સુવર્ણમયી બનાવી રહ્યા હતા. આજે આ સુવર્ણમયી પ્રભાત કોઈના અંધકારમય જીવનમાં પ્રકાશ લાવવાનું હતું તો કોઈના પ્રકાશમય જીવનમાં અંધકાર પાથરવાનું હતું.
રાજપ્રાંગણ આખું ખીચોખીચ ભરાઈ ગયું હતું. કોઈએ કલ્પ્યુ પણ નહોતું કે, એક અંધ રાજકુમાર ગાંધારના મહાશક્તિશાળી મલ્લ સાથે યુદ્ધ કરવાનો હતો. ધડકતા ધબકતા હ્રદયે નગરજનો આ અભૂતપૂર્વ મલ્લયુદ્ધની પ્રતિક્ષા કરી રહ્યા હતા.
આખરે એ ક્ષણ આવી પહોંચી. પ્રાંગણમાં તેલમર્દન કરેલ વિશાળકાય ભુજાધારી મલ્લ અને સામે લોખંડી અને કસાયેલ સ્નાયુબદ્ધ શરીરધારી ધૃતરાષ્ટ્ર. મલ્લયુદ્ધ આરંભ થયું. ધૃતરાષ્ટ્રના મુષ્ઠિપ્રહારો મલ્લ પર ભારે પડી રહ્યા હતા. હાહાકાર અને પ્રશંસાથી પ્રાંગણ ગાજી ઊઠ્યું. ચતુર શકુનીએ પોતાની કપટતા દેખાડવી શરૂ કરી. એક ઈશારાથી બીજો મલ્લ પાછળથી આવ્યો અને ધૃતરાષ્ટ્રને ગળેથી પકડ્યો. ધૃતરાષ્ટ્રે તેને તણખલાની જેમ ફંગોળી દીધો. દેવવ્રત ભીષ્મને શકુનીનું કપટ જોઈ ક્રોધ આવ્યો, પરંતુ પરિસ્થિતિ જોતાં તેમણે પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખ્યું. શકુનીએ હજુ પણ પોતાની લંપટવૃત્તિ ત્યાગી નહિ. એક પછી એક ઈશારા પર એક પછી એક મલ્લ ધૃતરાષ્ટ્રને દબોચવા પ્રયત્ન કરવા લાગ્યા. નગરજનો પણ એક અંધ રાજ
કુમારને એક નહિ બે નહિ છેવટે તો સો-સો મલ્લને એકલે હાથે ફંગોળતા, મારતા, ભુજાઓમાં દબાવતા જોઈ હતપ્રભ થઈ ગઈ હતી. શકુની એક તરફ આશ્ચર્યચકિત થઈ ગયો હતો તો બીજી તરફ નિરાશ થઈ ગયો હતો. તેને તો ધૃતરાષ્ટ્રનું અંધત્વ તેના સામર્થ્યથી વધુ પ્રભાવિત કરી રહ્યું હતું. પોતાની બહેનનો ભાવિ પતિ અંધ હોય એ તે પચાવી શકતો નહોતો. સમગ્ર આર્યવર્તના આમંત્રિત રાજાઓના મોં આશ્ચર્યથી ખુલ્લા રહી ગયા હતા. ગઈકાલ સુધી આ અંધ રાજકુમાર તરફ જેઓ અપમાનિત નજરે જોતા હતાં તેઓ આજે તેને અહોભાવથી જોઈ રહ્યા હતા.
અવિશ્રાંત મલ્લયુદ્ધ ચાલ્યું. પછડાટ ખાતા મલ્લો એક પછી એક નાસી જવા લાગ્યા. લોકો ગાંડાતૂર બની ગયા. એકસોમાં મલ્લને ધૃતરાષ્ટ્રે પછાડ્યો અને લોકોએ ગગનભેદી જયનાદ કર્યો. ભીષ્મે ધૃતરાષ્ટ્રને બાથમાં લઈ લીધો.
રાજકુમારી ગાંધારીને જાણ થઈ કે, હસ્તિનાપુરના જે રાજકુમારના સ્વપ્ન તે પૂરી રાત જોઈ રહી હતી તે અંધ છે. આ છતાંય તેને કંઈ જ ફરક પડ્યો નહિ. મનોમન ભાવિ પતિ સ્વરૂપે ઝંખતી ગાંધારીને કુમાર ધૃતરાષ્ટ્રના બળ અને સામર્થ્યના ડંકા પોતાના કક્ષ સુધી સંભળાયા ત્યારે તેના મનમાં ધૃતરાષ્ટ્ર પ્રત્યે પ્રેમ અને માન વધી ગયા.
રાજકુમારી ગાંધારી નવવધૂના શણગાર સજી હાથમાં વરમાળા લઈ ધીમે પગલે સભામાં પ્રવેશી. `અરે ! આ શું ?' નગરજનો તથા સભાસદોમાં અંદરોઅંદર ગુસપુસ થવા લાગી. ગાંધારરાજ સુબલરાજ પુત્રીની આ સ્થિતિ જોઈ આશ્ચર્ય સાથે દુઃખની લાગણી અનુભવવા લાગ્યા. રાજકુમાર શકુની તો બહેનની સ્થિતિ જોઈ અંદર ને અંદર સમસમી ગયો હતો. આજે જાણે કે ધૃતરાષ્ટ્ર તેનો સૌથી મોટો શત્રુ અને હસ્તિનાપુર તેનું દુશ્મન રાજ્ય બની ગયું હતું. આખરે રાજકુમારી ગાંધારીને જોઈને આટલો હાહાકાર કેમ મચી રહ્યો હતો ? એનું કારણ હતું, રાજકુમારી ગાંધારીની આંખો પર બાંધેલી પટ્ટી. સૌભાગ્યકાંક્ષિણી ગાંધારીએ પતિના દુઃખને સ્વયં અનુભવવા, પોતાના જીવનને પણ અંધકારમય કેડી તરફ વાળી દીધું હતું. આંખે પાટા બાંધી ધૃતરાષ્ટ્રના અંધત્વને પોતે આજીવન અપનાવી લીધું હતું.
વિજયવંતો, ગૌરવવંતો કુરુકુમારિ ધૃતરાષ્ટ્ર ગાંધારરાજ કન્યા ગાંધારી સાથે પરણીને આવી રહ્યો હતો, એ સમાચારથી માતા અંબિકા અને અંબાલિકા હર્ષઘેલી બની ગઈ હતી. રાજમાતા સત્યવતી ગૌરવથી ફાટફાટ થતી છાતીએ આખી નગરીને ધૃતરાષ્ટ્ર કુમારને વધાવવા સજાવવા આદેશ આપવા લાગ્યા હતા. ભવ્ય સત્કાર પછી પૂરા એકસો દિવસનો મહોત્સવ કરવાની ભીષ્મે આજ્ઞા કરી અને આખુ રાજ્ય આનંદ ઉત્સવમાં ગરકાવ થઈ ગયું. રાજસભામાં ધૃતરાષ્ટ્રકુમારના અભૂતપૂર્વ મલ્લયુદ્ધનું રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું. જાણે એ મલ્લયુધ્ધ નજર સામે જ જોતાં હોય એમ હસ્તિનાપુરની પ્રજા કુમારને બિરદાવતતી રહી અને જયઘોષ કરતા જ રહી.
દેવી ગાંધારીએ આવી લોકપ્રિયતાના જુવાળમાં મહત્ત્વનું સ્થાન મેળવી લીધું હતું. સમગ્ર હસ્તિનાપુરમાં પતિના અંધત્વમાં સહભાગી થનાર પતિવ્રતા પત્નીને સન્માનનીય સ્થાન મળ્યું હતું. નગરજનોમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ હતી કે, પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી થવા માટે આ મહા સતીએ અંધાપો વહોરી લીધો હતો. રાજમાતા સત્યવતી, માતા અંબિકા અને અંબાલિકા પણ આવી પુત્રવધુ અને કુમાર ધૃતરાષ્ટ્રને આવી જીવનસંગિની મળ્યા બદલ મનોમન દેવની કૃપા માની રહ્યા હતા. કુમાર પાંડુ અને કુમાર વિદુર પણ જ્યેષ્ઠ ભ્રાતા અને ભાભીના દામ્પત્યનો સુખદ પ્રારંભ જોઈ પ્રસન્ન હતા. સૌ કોઈ હર્ષાન્વિત હતું. સૌ કોઈ આનંદમાં મહાલી રહ્યા હતા. છતાં એક જણ ઉદાસ હતો, અસંતુષ્ટ હતો, નિરાશ હતો. જેના થકી આખુ હસ્તિનાપુર રાજ્ય ગર્વાન્વિત હતું, તે કુમાર ધૃતરાષ્ટ્ર. જેમ જેમ પોતાની નબળાઈ પર વિજયી થઈ તે પોતાને સમર્થ સાબિત કરતો ગયો તેમ તેમ તેમનામાં રાજ્ય પામવાની ઉત્કંઠા વધતી ગઈ. મનમાં એક પ્રશ્ન પોતાનું જડ સ્થાન લઈ ચૂક્યો હતો.. `માત્ર અંધ હોવાથી જ મને રાજ્યાધિકાર નહિ ? મારા સામર્થ્યનું કોઈ મૂલ્ય્ નહિ ?'
શું રાજકુમાર ધૃતરાષ્ટ્રને પોતાના આ પ્રશ્નનો સંતોષકારક ઉત્તર મળશે ? કે પછી આ પ્રશ્ન તેના જીવનમાં ઉપેક્ષા અને અન્યાયનો પર્યાય બની રહેશે ?