દેશ હિત સર્વોપરી
દેશ હિત સર્વોપરી


ડૉકટર આશિત એકદિવસ આર્મી કેમ્પની મુલાકાત લેવા ગયા. તેમને આમ અચાનક આવેલા જોઈ મેજર વિક્રમને આશ્ચર્યમિશ્રિત આનંદની લાગણી થઇ. ડૉ. આશિત જયારે નજીક આવ્યા ત્યારે મેજરે પોતાની ખુરશી પરથી ઊભા થઇને તેમનું હર્ષભેર સ્વાગત કર્યું. ડૉ. આશિતને એક મેજર દ્વારા આમ સન્માન આપવું સ્વાભાવિક પણ હતું. કારણ ભૂતકાળમાં તેઓ કપરા સંજોગોમાં મેજરની પડખે ઊભા રહ્યા હતા. તેઓએ પોતાના જાનની પરવા ન કરતા ઘાયલ સૈનિકોની સારવાર કરી હતી. તેઓનો ત્યારે બોલાયેલો સંવાદ પ્રત્યેક જાંબાઝ સૈનિકોના હોંસલાને આજેપણ બુલંદ કરતો હતો. “ડરના મત શેરો ચાહે કિતને ભી પડે બમ. યાદ રખના તુમ્હારે કાંધે સે કાંધા દિયે હૈ ખડે હમ !’
“કેમ ડૉકટર આજે અચાનક આ બાજુ આવવાનું થયું ?”
ડૉ. આશિતે હસીને કહ્યું, “મેજર, આજે ટીવીમાં ત્રણ આતંકવાદીઓને તમારી ટીમે મોતને ઘાટ ઉતાર્યાના સમાચાર જોયો. આ માટે સરકારશ્રી દ્વારા તમને તથા તમારી ટીમને મેડલ પણ આપવાના છે એ જાણી ઘણો આનંદ થયો. આ બાજુથી નીકળતો જ હતો તો મનમાં થયું કે તમને અભિનંદન આપતો જઉં.”
“મિત્ર, અમારું કામ દુશ્મનોને યમલોકે પહોંચાડવાનું અને તમારું યમસદને જઈ રહેલાઓને પાછા ધરતી પર તેડી લાવવાનું છે. ખેર, આ બધું તો ચાલતા જ રહેવાનું. તમારી પાસે જો સમય હોય તો મારી સાથે ચાલો. હું કેમ્પનું નિરીક્ષણ કરવા નીકળતો જ હતો. જો તમે સાથે આવવાના હોવ તો આપણે ચાલતા ચાલતા જ આગળની વાતો કરીએ. ત્યાં સુધી ઓર્ડલીને ચાપાણીની વ્યવસ્થા કરવાનો સમય પણ મળી રહેશે. કેમ્પનું નિરીક્ષણ કર્યા બાદ આપણે પાછા ફરીશું ત્યારે ચાની લિજ્જત માણીશું.”
“બહોત ખૂબ. સમયનો સદુપયોગ કરતા તો તમારા જેવા આર્મીમેન પાસેથી જ શીખાય.”
ડૉ. આશિત અને મેજર વિક્રમ બંને જણા આર્મી કેમ્પનું નિરીક્ષણ કરવા ઊપડ્યા. આસપાસ તાલીમાર્થી સૈનિકો દૈનિક કસરત કરવામાં વ્યસ્ત હતા. દુર આવેલા પરેડ ગ્રાઉન્ડમાંથી “દાયે બાયે દાયે બાયે થમ”નો અવાજ સંભળાઈ રહ્યો હતો. કેટલાક આર્મીમેન નિશાના બાજીનું અધ્યયન કરી રહ્યા હતા. જેમના દ્વારા ફાયરીંગ કરેલી ગોળીઓથી આસપાસનું પરિસર ગુંજી રહ્યું હતું. ડૉ. આશિત કેમ્પનો ચક્કર લગાવી રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન એક સૈનિક પર ગયું. તે સૈનિકના હાથ પર પાંચ પાંચ કિલોનો વજનીયા બંધાયેલા હતા. જયારે તેના પગ રેત ભરેલ પંચીગ બેગ વડે બંધાયેલા હતા. આસમાનમાં સૂર્ય ધગધગી રહ્યો હતો અને તેના ગરમીથી તપ્ત થયેલી ભૂમિ પર એ સૈનિક પેટે ઢસડીને આગળ સરકી રહ્યો હતો. તેનું શરીર પરસેવે રેબઝેબ થઇ રહ્યું હતું. તે સૈનિકના મોઢામાંથી નીકળતી ફીણ કહી રહી હતી કે તેનું ગળું તરસથી સુકાઈ રહ્યું હતું. સૈનિકની આવી હાલત જોઈ ડૉ. આશિતે સવાલભરી નજરે મેજર વિક્રમ તરફ જોયું. ડૉકટરના મનના ભાવ કળી ગયા હોય તેમ મેજર બોલ્યા, “આર્મીમાં શિસ્ત અને અનુશાસનનું કડકપણે પાલન થાય છે. અહીં પ્રેમ અને લાગણીની કોઈ કિંમત નથી. મા ભારતીના સન્માન અને સુરક્ષા આગળ બધું શુલ્લક છે. આ સૈનિકે અનુશાસનનું પાલન કર્યું નહીં જેની તે સજા ભોગવી રહ્યો છે.” ડૉકટર તરફથી નજર હટાવી મેજર વિક્રમે રોબદાર અવાજે કહ્યું, “જવાન, પાંચ રાઉન્ડ ઔર બાકી હૈ, તેજ ઓર તેજ.”
જમીન પર સરકી રહેલો સૈનિક તેની તમામ તાકાત ભેગી કરતા બોલ્યો, “યસ સર...” હવે તે ઝડપથી આગળ વધવાની કોશિશ કરી રહ્યો.
“મેજર, પણ આ સૈનિકે એવું તો શું કર્યું છે કે તેને આવી આકરી સજા આપવામાં આવી રહી છે ?”
“ડૉકટર, બે દિવસ પહેલાની વાત છે. મને મારા વિશ્વાસુ સુત્રો પાસેથી બોર્ડર પર ત્રણ આતંકવાદીઓ ઘુસપેઠ કરશે તેવી બાતમી મળી હતી. આ ખબર મળતા જ મેં મારું નેટવર્ક કામે લગાવ્યું. હવે બન્યું એવું કે મારા મોટાભાગના સૈનિકો બીજા મોરચે વ્યસ્ત હતા. તેઓને ત્યાંથી અહીં તાત્કાલિક તેડાવું શક્ય નહોતું. વળી મળેલ માહિતી પ્રમાણે આતંકવાદીઓની સંખ્યા ત્રણથી વધુ નહોતી. આ ત્રણ આતંકવાદીઓને રોકવા અમે નવ જણા કાફી હતા.
આતંકવાદીઓને ઘુસપેઠ કરતા સમયસર રોકવું અત્યંત જરૂરી હતું. તેઓ જે લોકેશન પરથી ઘુસપેઠ કરવાના હતા ત્યાં પહોંચવા અમે દુર્ગમ પહાડીઓ સર કરી. માર્ગમાં અનેકો મુશ્કેલીઓ સહન કરી અમે આખરે એ સ્થળે પર આવી પહોંચ્યા. મારા સાથે મારા આઠ સૈનિકો પણ હતા. તે આઠેઆઠ જણા કુશળ અને તાલીમ પામેલા સૈનિકો હતા. તેમાંથી એક એક જવાન સો સો આતંકવાદીઓ પર ભારે પડે તેવો તરબેજ હતો.
લોકેશન પર આવી મેં બધાને તેમની પોઝીશન સમજાવી દીધી. મારો આદેશ મળતા જ ૬ સૈનિકોએ તેમની મશીનગન સાથે પોતપોતાની પોઝીશન લઇ લીધી હતી. હવે બાકી બચ્યા બે સૈનિકો અમરજીત અને કાર્તિકેયન. આ બંને સૈનિકો પર મને સૌથી વધુ ભરોશો હતો. અને તેથી જ મેં તેમને જવાબદારીવાળું કામ સોંપવાનું વિચાર્યું હતું. આતંકવાદીઓ સાથે દુશ્મન દેશના સૈનિકો સંકળાયેલા તો નથી ને ? તે જાણવું ખૂબ મહત્વનું હતું. આ માટે મેં અમરજીતને દુરબીન વડે બોર્ડર પર નજર રાખવાની જવાબદારી સોંપી. દુશ્મન દેશના સૈનિકોની પ્રત્યેક હિલચાલથી મને વાકેફ કરાવવાની મેં અમરજીતને સુચના આપી હતી. મારો આદેશ મળતા જ અમરજીત પાસે આવેલા ખાડામાં જઈને છુપાઈ ગયો. અને આસપાસ પડેલા ઝાડી ઝાંખરાને ખેંચી તેણે ખાડો ઢાંકી લીધો. હવે અમરજીત એ ખાડામાં છુપાઈને બોર્ડરની હિલચાલ પર આરામથી નજર રાખી શકતો હતો.
કાર્તિકેયનને મેં સામે આવેલી પહાડી પર ચઢીને આંતકવાદીઓ હજુ કેટલે દુર છે તેની ચોક્કસ માહિતી લઇ આવવાની જવાબદારી સોંપી. કેટલીકવાર એવું પણ બનતું હોય છે કે મળેલ માહિતી કરતા દુશ્મનોની સંખ્યા ઘણી વધુ હોય છે. આથી કાર્તિકેયને આતંકવાદીઓ ચોક્કસ કેટલી સંખ્યામાં છે તેની પણ તપાસ લગાવવાની હતી. રાતના એ અંધકારમાં અમે નવે જણા પોતપોતાની પોઝીશન લઈને બેઠા હતા. અમરજીત દૂરબીનથી બોર્ડર પર નજર જમાવી બેઠો હતો. જયારે કાર્તિકેયન પહાડી પર ચઢી આતંકવાદીઓની જાસુસી ક્રરવાના કામે લાગી ગયો હતો. બાકી બચેલા છ સૈનિકો મશીનગન પર આંગળી મૂકી મારા “શુટ”ના આદેશની રાહ જોઈ રહ્યા હતા. હું થોડેક દૂર આવેલા એક ઝાડની આડશમાં છુપાયો હતો. આ આઠે સૈનિકો સાથે હું વોકીટોકી દ્વારા સંપર્કમાં હતો.
અમરજીતસિંહ વોકીટોકી પર મને બોર્ડરની પેલે પાર આવેલા દુશ્મન દેશના સૈનિકોના હિલચાલની રજેરજની માહિતી આપી રહ્યો હતો. તેણે આપેલ માહિતિ પ્રમાણે તેમની ગતિવિધિઓ શંકાસ્પદ જણાઈ નહીં. પરંતુ જયારે કાર્તિકેયને વોકીટોકી પર માહિતિ આપી ત્યારે હું મૂંઝાયો. કારણ તેણે આપેલી માહિતી પ્રમાણે આપણા દેશની બોર્ડર તરફ બે આતંકવાદીઓ આવી રહ્યા હતા! તે બંનેએ પીઠ પર મોટી મોટી બેગો ઊઠાવેલી હતી. કદાચ તેમાં અત્યાધુનિક હથિયારો હોવાની શક્યતાઓ હતી. હવે એ ચોક્કસ હતું કે તે બંને આતંકવાદીઓ કોઈક ખતરનાક ઈરાદા સાથે ભારતની બોર્ડરમાં ઘુસપેઠ કરી રહ્યા હતા. જોકે મને બાતમી આપનાર વ્યક્તિ એકદમ વિશ્વાસુ હતો. તેણે આપેલી માહિતી મુજબ આતંકવાદીઓની સંખ્યા ત્રણ હતી. હમણાં સુધી એવું બનતું આવ્યું છે કે મળેલ આંકડાથી દુશ્મનોની સંખ્યા થોડી વધુ હોય છે. પણ ઓછા હોવાનો કિસ્સો આજદિન સુધી મારા ધ્યાનમાં આવ્યો નહોતો. તો પછી આજે ત્રણના બે આતંકવાદીઓ કેવી રીતે થઇ ગયા ? આ ત્રીજો આતંકવાદી ગયો ક્યાં ? ખૂબ મનોમંથન બાદ મને જવાબ જડી ગયો.
“સર, તેઓ મારા મશીનગનના પોઈન્ટ પર જ છે.”
“કાર્તિકેયન, ડોન્ટ શૂટ ધેમ. તેમને હજુ નજદીક આવવા દો. બની શકે કે તેમનો ત્રીજો સાથી પાછળથી આવતો હોય. જો આપણે ફાયરીંગ શરૂ કરીશું તો તે સાવધ થઈને ભાગી જશે. ઇફ પોસીબલ આપણે આ ત્રણેને જીવતા પકડવાના છે. આખરે ખબર તો પડે કે આપણા ભારતભૂમિ પર ઘુસપેઠ કરવાનો તેમનો ઈરાદો શું છે.”
બંને આતંકવાદી નજીક અને નજીક આવતા હતાં. ત્રીજો હજુ સુધી દેખાયો નહોતો. હવે આગળ શું કરવું તેની અવઢવમાં હું હતો. જો આતંકવાદીઓ વધુ નજીક આવી જાય તો અમારા માટે મુસીબત બની શકતા હતા. વળી જો અમે આ બંને પર ફાયરીંગ શરૂ કરીએ તો ત્રીજો આતંકવાદી હાથમાંથી છટકી જવાનો ભય હતો. મને મારા સાથીઓના જીવને જોખમમાં મુક્યા સિવાય ઓછામાં ઓછા એક આતંકવાદીને જીવિત પકડવાનો હતો.
મારા મસ્તિષ્કમાં અનેકો યુક્તિઓ આકાર લઇને વિખેરાઈ રહી હતી. મને કશું સુઝી રહ્યું નહોતું. વિચારોમાંને વિચારોમાં મને જાણ જ ન થઇ કે હું ઝાડની ઓથમાંથી બહાર નીકળી આવ્યો હતો. ત્રીજો આંતકવાદી દેખાતો ન હોવા છતાં મારા માટે સરદર્દ બની ગયો હતો. હું હજુ મનોમંથન કરી જ રહ્યો હતો ત્યાં વાતાવરણમાં “ધાંય”નો અવાજ પડઘા પાડી રહ્યો. મેં પાછળ વળીને જોયું તો અમરજીતસિંહ મને કવર કરીને ઊભો હતો. તેની રિવોલ્વરમાંથી નીકળી રહેલ ધુમાડાને જોઇને હું અચરજ પામી ગયો. તેણે જે દિશામાં ગોળી ચલાવી હતી તે તરફ નજર નાખતા મને લોહીના ખાબોચિયામાં પડેલો આતંકવાદીનો દેહ દેખાયો. આ જોઈ હું આખો મામલો સમજી ગયો. ત્રીજો આતંકવાદી તે ખાડામાં છુપાઈને મારા પર નિશાનો સાધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો અમરજીતને ક્ષણનો પણ વિલંબ થયો હોત તો ડૉકટર આજે હું તારી સામે જીવિત ઊભો ન હોત!
ડૉકટર, આતંકવાદીઓનો પ્લાનીંગ જોરદાર હતો. તેમનો ત્રીજો સાથી એક દિવસ પહેલાં જ બોર્ડર પાસે આવેલા ખાડામાં છુપાઈ બેઠો હતો. તેઓના પ્લાનીંગ પ્રમાણે જેવા બીજા બે આતંકવાદી બોર્ડર નજીક આવે કે તે અમારું ધ્યાનભંગ કરવા ફાયરીંગ શરૂ કરી દેવાનો હતો. હવે આ ફાયરીંગનો ફાયદો ઊઠાવી બીજા બે આતંકવાદીઓ તેમના સામાન સાથે ભારતની સરહદમાં આરામથી ઘુસપેઠ કરવાના હતા. મેં અમરજીત તરફ આભારવશ જોયું. અમરજીત તરત પોતાના લોકેશન પર જતો રહ્યો. અહીં કાર્તિકેયેને બીજા બે આતંકવાદીઓ ભાગી રહ્યા હોવાની માહિતિ આપતા મેં શૂટઆઉટનો ઓર્ડર આપ્યો. બીજી જ ક્ષણે બંને આતંકવાદીઓ ધરાશાયી થઇ ગયા. આમ અમારું મિશન કામયાબ રહ્યું. સરકારે મારી રણનીતિની તારીફ કરી અને મને તથા મારી ટીમને મેડલ આપવાની ઘોષણા પણ કરી. હવે આગળનું તો તું બધું જાણે જ છે.”
“સાચે જ કાબીલે તારીફ.” ડૉ. આશિતે કંઈક વિચારીને કહ્યું, “પણ તેં હજુ સુધી મારા પ્રશ્નનો જવાબ નથી આપ્યો.”
“શું ?”
ડૉ. આશિત જમીન પર ક્રાઉલિંગ કરી રહેલા સૈનિક તરફ જોઇને કહ્યું, “આ સૈનિક કોણ છે અને તેને આટલી આકરી સજા કેમ કરી છે?”
મેજરે કહ્યું “ડૉકટર, સરકારના મતે તો અમે ત્રણ આતંકવાદીઓને શુટ કરી અમારુ મિશન પૂર્ણ કર્યું. પરંતુ ફકતને ફક્ત હું અને મારી ટીમ જ જાણે છે કે તે દિવસે અમારું મિશન ખરેખર ફેલ થયું હતું. કારણ ત્રણે આતંકવાદીઓ ઠાર માર્યા જતા; અમે તેમના ઘુસપેઠનો ઈરાદો જાણી શક્યા નહોતા. આર્મીના નિયમ પ્રમાણે મારે એક કામ કરવાનું બાકી રહ્યું હતું. મિશન દૌરાન શિસ્તનો ભંગ અને આદેશનું પાલન ન કરનાર સૈનિકને સજા આપવાનું કામ. આર્મીમાં શિસ્તનો દાખલો બેસાડવા એ સૈનિકને સજા આપવું અત્યંત જરૂરી હતું. અમો આર્મીવાળાઓનાં શિરે ભારતમાતાના સુરક્ષાની જવાબદારી છે, અમારા માટે જાન કરતા દેશ મહાન છે. એ દિવસે મારા ભોગે જો એ ત્રણ આતંકવાદીઓ જીવિત પકડાયા હોત તો તે દેશના હિતમાં હતું.”
“પણ આખરે એ સૈનિક છે કોણ ?”
“એ જ સૈનિક કે જેણે પોતાની પોઝીશન છોડી અને મારા ઓર્ડરની રાહ જોયા વગર ફાયરીંગ કરીને મારી આખી યોજના પર પાણી ફેરવી દીધું.”
“મતલબ આ ?”
“તમે ઠીક સમજ્યા ડૉકટર, આર્મીમાં લાગણી કે ભાવનાઓ કરતા શિસ્ત અને અનુશાસનનું મહત્વ વધારે છે.” દિલ પર પથ્થર મૂકી મેજર મોટેથી બોલ્યા, “અમરજીત, તીન રાઉન્ડ ઔર બાકી હૈ, તેજ ઓર તેજ.”
અમરજીત હાંફતો હાંફતો આગળ વધી રહ્યો. ડૉકટર આશિતે તીરછી નજરે મેજર વિક્રમ તરફ જોયું. તેમની આંખોમાં અમરજીત પ્રત્યે છલકાતો પ્રેમ સ્પષ્ટપણે ડોકાયો. અમરજીતને થઇ રહેલી પીડા મેજરના ચહેરા પર પ્રતિબિંબિત થઇ રહી હતી. મેજરે તેમની છાવણી તરફ ડગ ભરતા કહ્યું, “ડૉકટર, અમે આર્મીવાળા ફક્ત એક જ નિયમ જાણીએ છીએ ‘દેશ હિત સર્વોપરી.’