Rahul Makwana

Action Inspirational

4  

Rahul Makwana

Action Inspirational

એકતા

એકતા

8 mins
708


(સંગઠનમાં રહેલ શક્તિનો ચિતાર આપતી એક વાર્તા)

આપણે બધાં જાણીએ જ છીએ કે ભારતે ઔદ્યોગિક ક્ષેત્રે હાલ ખૂબ જ મોટી હરણફાળ ભરેલ છે, જેની પાછળનું એક માત્ર જો કારણ હોય તો તે આપણાં દેશનાં નાનામાં નાનાં મજૂરો કારીગરો કે જેતે કંપનીનાં મેનેજરો. આમ આ ત્રણેય એ ઔધોગિક ક્રાંતિનાં ત્રણ આધારભૂત સ્તંભ છે. આ ક્રાંતિમાં મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશનનો પણ અગત્યનો ફાળો રહેલો હોય છે જેમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ ઉપર જણાવ્યું તે મુજબ ઉપરના ત્રણ સ્તંભ જ ના હોય તો પછી મેનેજમેન્ટ કે એડમિનિસ્ટ્રેશનનુ કોઈ કામ રહેતું જ નથી.

કોઈપણ કંપની કે ઉદ્યોગો પડી ભાગ્યા હોય તો તેનું એકમાત્ર કારણ એ જ હોય છે કે આ ત્રણ આધારભૂત સ્તંભમાં જ કોઈ સંકલનનો અભાવ હોય.

સ્થળ : શાહ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી 

સમય : સવારનાં 11 કલાક.

શાહ ટેક્સટાઇલ કંપનીનાં દરવાજા બહાર, "હમારી માંગે પુરી કરો" "સમાન કામ સમાન વેતન" "ફરજની કલાકો નક્કી કરો" "પગાર બઢાવો" આવા વગેરે બેનરો લઈને કંપનીનાં દરવાજા બહાર બેસેલા હતાં. બધાની આગળ વર્કર યુનિયનનો લીડર રાકેશ બેસેલ હતો. તે બધાં જ કારીગરોમાં ઉત્સાહ ભરવાં માટે પુરે પુરા જોશથી નારાઓ લગાવી, સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો. 

બરાબર એ જ સમયે મનસુખ શાહ પોતાની આલીશાન કાર લઈ ત્યાં આવી પહોંચે છે. કંપનીની બહાર પહોંચતાની સાથે જ તેની નજર રાકેશ અને અન્ય કારીગરો તરફ ગઈ. આથી તે રાકેશને પોતાની કાર નજીક બોલાવી તેને ઓફિસમાં મળવા માટે સમજાવે છે.

"સાથીઓ તમે જરાપણ ચિંતા ના કરશો, અને આવો જ જુસ્સો જાળવી રાખતો. જ્યાં સુધી આપણી બધી જ માંગો પુરી નહીં થશે ત્યાં સુધી આપણે હથિયાર હેઠાં મુકવાના થતાં જ નથી." રાકેશ અન્ય કારીગરો સામે જોઇને મક્કમતા સાથે બોલે છે.

"હા...હા...ચોક્કસ…! તમે મનસુખ સાહેબને મળીને આપણી બધી જ માંગો વિશે જણાવો.!" એક કારીગર રાકેશની સામે જોઈને બોલે છે.

"હા ! ચોક્કસ હવે કોઈપણ સંજોગોમાં આપણે ઝૂકવાનું થતું નથી જ !" રાકેશ આટલું બોલી મનસુખ શાહને મળવા કંપનીમાં પ્રવેશે છે.

***

શાહ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આખા શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય અને દેશમાં સારી એવી ખ્યાતિ ધરાવતી હતી. શાહ કંપનીની શરૂઆત આજથી 20 વર્ષ અગાવ મોહનલાલ શાહએ પોતાની પુરોગામી બુદ્ધિ અને દીર્ઘદ્રષ્ટિ દ્વારા આ શહેરમાં સ્થાપેલ હતી.  આ ઉપરાંત સમગ્ર શહેરમાં શાહ કંપની એટલા માટે જાણીતી હતી કારણ કે શહેરનાં લગભગ 60 ટકા લોકોને આ જ કંપનીમાં ધંધા રોજગાર મળી રહેતો હતો. આથી તમામ લોકોને પણ પોતાના જ શહેરમાં ધંધા રોજગાર મળી રહેતો હતો.

ધીમે ધીમે દિવસો, અઠવાડિયા અને વર્ષો વિતાવા લાગ્યાં, શાહ કંપનીમાં પણ મોહનલાલનાં વારસદારો પોત પોતાનું આધિપત્ય જમાવી રહ્યાં હતાં. એવામાં મોહનલાલ શાહનાં પૌત્ર મનસુખ શાહએ કંપનીનો સી.ઈ.ઓની કમાન સંભાળી, જ્યારથી મનસુખ શાહે કંપનીનું સી.ઈ.ઓ નો હોદ્દો સંભાળ્યો ત્યારથી શાહ કંપનીએ સારો એવો પ્રોફિટ કર્યો હતો. કંપનીએ ફાયદો મેળવ્યો હતો એમાં કોઈ બેમત ના હતો, પરંતુ મનસુખ શાહે ક્યારેય પોતાની કંપનીનાં વર્કર્સ વિશે કે પછી તેનાં ફાયદા વિશે ક્યારેય વિચાર કર્યો જ ન હતો. આથી કંપનીમાં કામ કરી રહેલાં બધાં જ વર્કરોમાં ગુસ્સો, અવિશ્વાસ અને વિગ્રહનું વંટોળ ઉદ્દભવવાની શરૂઆત થઈ રહી હતી.

એવામાં આ બધાં વર્કરોની સાથે જ કામ કરી રહેલાં એક વર્કર રાકેશે આ કંપનીમાં કામ કરી રહેલાં તમામ વર્કરોનું એક યુનિયન બનાવ્યું અને પોતે આ યુનિયનનો લીડર બની બેસેલ હતો. બધાં વર્કરોને તેણે આ યુનિયનનાં ફાયદાઓ વિશે જણાવી તે બધાની સ્ટેમ્પ પર સહી કરાવી હતી. હાલ પરિસ્થિતિ એવી નિર્માણ પામી હતી કે બધાં કારીગરોને રાકેશની વાત પર સહેલાયથી વિશ્વાસ આવી ગયો. આથી રાકેશ જેમ કહેતો તેમ બધાં લાચાર કારીગરો કરતાં હતાં.

હાલમાં એક તરફ લગ્નગાળો પુર જોશમાં જામી રહ્યો હતો, તો બીજી તરફ શાહ કંપનીને કાપડ માટે મળતાં ઓર્ડરમાં પણ ખાસ્સો એવો વધારો થઈ રહ્યો હતો. આથી મનસુખ શાહે કંપનીમાં કામ કરી રહેલાં તમામ કારીગરોને "ઓછામાં ઓછી 15 કલાક, ફરજીયાત પણે નોકરી કરવી પડશે અને અઠવાડિયામાં ત્રણ વખત નાઈટ શિફ્ટ કરવી પડશે." - આવો જોહુકમ બધાં કારીગરોને ફરજિયાત પણે લાગુ કરવાં માટે તમામ વિભાગનાં મેનેજરોને સૂચના આપી દીધેલ હતી, અને સાથો સાથ એ પણ જણાવ્યું હતું કે,"જે કારીગરોને આ નિયમ મંજુર ના હોય તેઓએ પોતાની નોકરીથી હાથ ધોવા પડશે." - મનસુખ શાહનાં આ જોહુકમને લીધે તમામ કારીગરોમાં અસંતોષની લાગણીઓ વ્યાપેલ હતી. રાકેશ આ તકનો લાભ જોઈને તમામ કારીગરોને હડતાળ પાડવા માટે સમજાવે છે, અને બધાં જ કારીગરો મનસુખ શાહની જોહુકમીથી ખૂબ જ ત્રાસી ગયેલાં રાકેશની વાત હડતાળ પાડવાની વાત સાથે સહમત થઈ જાય છે.

***

સ્થળ : મનસુખ શાહની ચેમ્બર.

સમય : સવારનાં 11 : 30 કલાક.

રાકેશ મનસુખ શાહની ચેમ્બરમાં પ્રવેશે છે, હાલમાં મનસુખ શાહનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો, તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો, તેનાં કપાળ પર કરચલીઓ છવાઈ ગઈ હતી. તેનાં ચહેરા પર ચિંતાઓની લકીરો છવાય ગયેલ હતી. એક સમયે તો તેને બધાં જ કારીગરોને છુટ્ટા કરવાનો વિચાર આવ્યો પરંતુ હાલ લગ્નની સિઝન ચાલી રહેલ હોવાથી મનસુખ પોતાનો ગુસ્સો ગળા નીચે ઉતારી દે છે.

"રાકેશ ! આ બધું શું માંડ્યું છે ? શું તને તારી નોકરી વ્હાલી નથી ?" મનસુખ શાહ થોડા ગંભીર અવાજે રાકેશને પૂછે છે.

"સાહેબ ! આ મારા એકની રજુઆત નથી પરંતુ આ અમારા સમગ્ર "વર્કર્સ યુનિયન"ની માંગ છે, અને જે યથાયોગ્ય પણ છે!" રાકેશ મનસુખ શાહની આંખો સામે આંખો મેળવી બોલે છે.

"તો તને શું લાગે છે કે હું તમારી બધી રજુઆત માની લઈશ એમ..?" મનસુખ શાહ થોડાં ગુસ્સા સાથે રાકેશને પૂછે છે.

"માનશો નહીં...પરંતુ તમારે અમારી રજુઆત માનવી જ પડશે..!" રાકેશ મનુસખ શાહની સામે જોઈને એક અલગ જ આત્મવિશ્વાસ સાથે જણાવે છે.

"વ્હોટ યુ મીન..! તને એ બાબતનું ભાન છે કે તું હાલ કોની સામે વાત કરી રહ્યો છો ?" મનસુખ શાહ ગુસ્સા સાથે પૂછે છે.

"હા ! હું હાલ શાહ ટેક્સટાઇલ કંપનીના સી.ઈ.ઓ મનસુખ શાહ સાથે વાત કરી રહ્યો છું, કે જેને હાલ પુરજોશમાં સિઝન ખીલેલ હોવાથી કારીગરોની ખૂબ જ જરૂરિયાત છે !" રાકેશ મનસુખ શાહની દુખતી રગ દબાવતા બોલે છે.

"તો શું તું કોઈપણ રીતે ઝુકીશ નહિ..? હું તને નોકરી પરથી કાઢી મુકીશ." મનસુખ શાહ રાકેશની ધમકાવતા બોલે છે.

"તમે ધારો તો મને આજે જ, અત્યારે જ નોકરી પરથી કાઢી શકો છો, પરંતુ એ બાબત ના ભૂલતા કે જો મને એકને કાઢ્યો તો બાકીનાં 500 કારીગરો પણ મારી સાથે રાજીનામુ આપશે. જેનાથી કદાચ તમારે રસ્તા પર આવી જવાની પણ નોબત આવી શકે છે." રાકેશ મક્કમ ઈરાદા સાથે મનસુખ શાહની સામે જોઇને બોલે છે.

"તો તું કોઈપણ શરતે કે કિંમતે તારા હથિયાર હેઠાં નહીં મુકીશ એમ..?" મનસુખ શાહ પરિસ્થિતિનો તાગ મેળવતાં રાકેશની સામે જોઇને પૂછે છે.

"જી..બિલકુલ નહિ..!" રાકેશ પોતાની વાત પર અડગ રહીને મનસુખ શાહને જણાવે છે.

"જો તારો પગાર 60000 હજાર કરી આપું અને તને શહેરમાં મારો એક 3 બી.એચ.કે ફ્લેટ છે, એ તને ગિફ્ટમાં આપું તો પણ નહી ?" મનસુખ શાહ થોડું વિચાર્યા બાદ રાકેશની સામે જોઇને પૂછે છે.

"સાહેબ ! હું થોડો કોઈ પાગલ છું, કે તમારી આવી સારી ઓફરને સાવ સામાન્ય એવાં કારીગરો માટે ઠુકરાવું. ડીલ ફાઇનલ...આવતીકાલથી બધાં જ કારીગરો કામ પર આવી જશે." રાકેશ પોતાનું મૂળ સ્વરૂપમાં આવતાં આવતાં મનસુખ શાહની વાત સાથે સહમત થતાં બોલે છે.

ત્યારબાદ રાકેશ મનસુખ શાહની ચેમ્બરની બહાર નીકળે છે, પોતાનાં લીડરને બહાર આવતો જોઈને "આપણાં લીડરની જય હો" એવાં નારાઓ લગાવે છે. એવામાં રાકેશ ટોળાની વચ્ચોવચ આવી પહોંચે છે, અને બધાં જ કારીગરો રાકેશને ઘેરી વળે છે, અને તે ટોળા સાથે ચર્ચા વિચારણા કરવાં માંડે છે.

"સાથીઓ આપણી જે કાંઈ માંગ હતી, તે પુરી કરવાં માટે મનસુખ સાહેબ તૈયાર થઈ ગયાં છે...પણ…!" રાકેશ પોતાની મૂળ વાત છુપાવતા બધાં કારીગરોની સામે જોઈને જણાવે છે.

"પણ...પણ...શું….રાકેશભાઈ…?" ટોળામાંથી એક કારીગર રાકેશની સામે જોઇને પૂછે છે.

"મનસુખ સાહેબનું કહેવું છે કે હું તો મારા તમામ કારીગરોના સારામાં જ રાજી છું, જો મારું ચાલતું હોય તો હું હાલ જ તમારા બધાનો પગાર વધારી આપત, પણ મારે આ નિર્ણય માટે મારા પિતાને અને ભાઈઓને પૂછવું પડે. જેનાં માટે થોડો સમય લાગશે. બાકી તમને બધાને આ વર્ષે 5000 હજાર રૂપિયા દિવાળી પર બોનસ પણ આપવા માટે પણ મનસુખ સાહેબ તૈયાર થઈ ગયાં છે, અને બાકી બધી રજુઆતોનો પણ થોડાં જ સમયમાં પુરી થશે એવો મને તેઓએ વિશ્વાસ આપ્યો છે. આથી આપણે બધાએ આવતીકાલથી નોકરીએ આવી જવાનું રહેશે" રાકેશ બધાં કારીગરોને પ્રલોભન આપતાં જણાવે છે.

બધાં કારીગરોને રાકેશ પર ખૂબ જ વિશ્વાસ હોવાને લીધે અને રાકેશે આપેલ દિવાળી બોનસનાં પ્રલોભનને લીધે બધાં જ કારીગરો આવતીકાલથી નોકરી પર ચડવાં માટે તૈયાર થઈ જાય છે. આ જોઈ રાકેશ મનોમન ખૂબ જ ખુશ હતો. જાણે કોઈ ભયંકર યુદ્ધમાં પોતાનો વિજય થયો હોય તેવુ રાકેશ અનુભવી રહ્યો હતો. 

બરાબર એ જ સમયે 

મહેશ કરીને એક પટ્ટાવાળો ત્યાં આવી પહોંચે છે, અને રાકેશનાં આ ચહેરા પાછળ છુપાયેલ બીજા ચહેરાને બધાં જ કારીગરો સામે બેનકાબ કરીને ખુલ્લો પાડતાં, મનસુખ શાહ અને રાકેશ વચ્ચે જે કંઈપણ વાત થઈ હતી, તે બધાને જણાવે છે, આ સાંભળીને બધાં કારીગરોને પોતાનાં કાન પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. પોતે જેનાં પર આંખો બંધ કરીને અતૂટ આંધળો વિશ્વાસ મુકીને લીડર બનાવેલ હતો, તે લાલચમાં આવીને તેઓ સાથે વિશ્વાસઘાત કરશે એવું તેઓએ સપનામાં પણ વિચાર્યું ન હતું.

"મહેશ ! તને અમારી યુનિટી તોડવા માટે જ મનસુખ શાહે મોકલ્યો છે ને ?" રાકેશ પોતાનો તેજ દિમાગ વાપરતાં આખી પરિસ્થિતિને પોતાની તરફેણમાં કરતાં કરતાં મહેશની સામે જોઇને પૂછે છે.

"રાકેશભાઈ ! મને આ બાબતનો પાક્કો વિશ્વાસ હતો કે આ લાચાર અને ભોળા મજૂરોને તમે ગમે તેમ કરીને ભોળવી લેશો જ તે. એટલે મેં તમારી મનસુખ સાથે જે મુલાકાત થઈ હતી, તેનો ચોરી છુપીથી સંપૂર્ણ વિડિયો ઉતારી લીધેલ છે." પોતાનાં મોબાઈલમાં વીડિયો બતાવતાં મહેશ જણાવે છે.

"અમારે હવે કોઈ જ લીડરની જરૂર નથી. અમે હવે અમારી આ લડત લીડરનાં દમ પર નહીં પરંતુ એકતાના દમ પર લડીશું." એક કારીગર રાકેશની સામે ગુસ્સા સાથે બોલે છે.

બરાબર આ જ સમયે રાકેશને જાણે પરિસ્થિતિનો તાગ મળી ગયો હોય તેમ તે એક્દમથી દોડીને નાસી છૂટે છે. બીજે દિવસે એકપણ કારીગર નોકરી પર આવેલ ના જોઈને મનસુખ શાહ વિચારોમાં ગરકાવ થઈ જાય છે, તે રાકેશને કોલ પણ કરે છે, પરંતુ રાકેશનો મોબાઈલ "સ્વીચ ઓફ" બતાવી રહ્યાં હતાં. અંતે પોતાની પાસે અન્ય કોઈ જ વિકલ્પ ના હોવાને લીધે મનસુખ શાહ બધાં કારીગરોની માંગો સાથે સહમત થઈ જાય છે, અને અંતે તે બધાં કારીગરોની કોઈપણ લીડર વગર જીત થાય છે જેનું એકમાત્ર કારણ હતું તેઓની વચ્ચે રહેલ "એકતા".

મિત્રો આથી જ કહેવાય છે કે, "એકતામાં જ સાચું બળ રહેલું છે." તમે એક લાકડીને તો સહેલાયથી તોડી શકો છો પરંતુ એ લાકડીના ભારાને નહીં…માટે આપણે પણ સંગઠિત થઈને રહેવું જોઈએ, ઇતિહાસ પણ એ બાબતની સાક્ષી પુરાવે છે કે જેઓ સંગઠિત નથી થયાં, તેઓનું ચોક્કસપણે પતન થયેલું છે. ઉપરાંત આપણે જે લીડર પસંદ કરીએ છીએ, તેની પૂરેપૂરી રીતે ચોકસાઈ કર્યા બાદ જ પસંદગી કરવી જોઈએ, અથવા તેનું ખરાબ પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Action