Rahul Makwana

Tragedy Fantasy

4  

Rahul Makwana

Tragedy Fantasy

કોણાર્ક સૂર્યમંદિર

કોણાર્ક સૂર્યમંદિર

12 mins
553


પ્રવાસ વિશે એક વાક્યમાં કહેવું હોય તો,"પોતાની જાત માટે, પોતાની જાત સાથે વિતાવેલ અમુક સમય એટલે પ્રવાસ. પ્રવાસ એ આપણી આ ભાગદોડ અને દોડાદોડ ભરેલ જિંદગી એક નાનકડો બ્રેક એટલે પ્રવાસ. પ્રવાસ શબ્દ સાંભળતાંની સાથે જ આપણાં મનમાં આપણે ભૂતકાળમાં ખેડેલ પ્રવાસનું ચિત્ર ખડુ થઈ જતું હોય છે, ભલે પછી એ પ્રવાસ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક કે પછી કોલેજનો પ્રવાસ કેમ ના હોય, પણ એની સમગ્ર યાદો એક પછી એક તરોતાજા થઈ જતી હોય છે.

પરંતુ પ્રવાસ એ બધાં માટે એકસરખી યાદો ક્યારેય ધરાવતો નથી હોતો. અમુક લોકો માટે પ્રવાસ એ દુઃખ, દર્દ, રહસ્ય, અંધકાર, ડર ભરેલ હોતો હોય છે, જે ઘટનાઓને લોકો પોતાનાં જીવનમાં ફરી ક્યારેય યાદ કરવાં નથી માંગતા. 

રાહુલ, સાગર, મમતા અને સ્વીટી કોલેજની કેન્ટીનમાં બેસીને ચાની ચૂસકીઓ લગાવતા લગાવતાં જાણે કોઈ મોટા મહાનુભાવોની માફક "ચાય પે ચર્ચા" પ્રોગ્રામનું સંચાલન કરી રહ્યાં હોય તેવી રીતે ગંભીર ચર્ચાઓ કરી રહ્યાં હતાં. એવામાં સ્વીટી બધાં મિત્રોની સામે જોઈને બોલે છે.

"ગાયઝ ! કોરોનાને કારણે આપણે છેલ્લાં બે વર્ષથી ક્યાંય પણ ફરવાં માટે નથી ગયાં. આ વર્ષે તો સરકારે પણ ઘણીખરી છૂટછાટ આપેલ છે. તો આપણે આ દિવાળી વેકેશનમાં ક્યાંક ફરવાં જઈએ તો કેવું રહેશે ?" સ્વીટી પોતાનાં મિત્રો સમક્ષ પ્રસ્તાવ મૂકતાં બોલે છે.

"યસ ! વ્હાઈ નોટ...સ્વીટીની વાત એકદમ સાચી છે. હું તેના આ પ્રસ્તાવ સાથે સહમત છું." રાહુલ સ્વીટીની વાત સાથે પોતાની સહમતિ દર્શાવતા પોતાનો મંતવ્ય જણાવે છે.

"હા….આમેય તે આપણે ક્યાંય ફરવા નથી ગયાં એનાં બે વર્ષ થઈ ગયાં છે." મમતા નિરાશા સાથે બધાં મિત્રોની સામે જોઈને બોલે છે.

"યસ ! તો રાહ શેની જોવો છો ? "તો કરો કંકુનાં." સાગર ચહેરા પર હળવા સ્મિત સાથે બોલી ઊઠે છે.

"પણ...ગાયઝ આપણે ફરવાં ક્યાં જઈશું..?" સ્વીટી પોતાની મૂંઝવણ જણાવતાં પૂછે છે.

"હા...પહેલાં એ તો નક્કી કરો..!" મમતા સ્વીટીની વાત સાથે સહમત થતાં થતાં બોલે છે.

"ગાયઝ ! આ વખતે આપણે ઓરિસ્સામાં આવેલ "કોણાર્ક સૂર્યમંદિર" જઈશું." રાહુલ પોતાનો નિર્ણય જણાવતાં બધાં મિત્રોની સામે જણાવે છે.

"કોણાર્ક સૂર્યમંદિર" કેમ ત્યાં જ બીજે ક્યાંય નહીં ?" સાગર હેરાનીભર્યા અવાજે રાહુલની સામે જોઈને પૂછે છે.

  કોણાર્ક સૂર્યમંદિર એ ઓરિસ્સા રાજયનાં પુરી જિલ્લા ના પુરી નામક શહેર માં સ્થિત છે. તે લાલ બલુઆ પત્થર તથા કાળા ગ્રેનાઈટ પત્થર થી ઈ.સ. ૧૨૩૬– ૧૨૬૪ માં ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા બંધાવવામાં આવ્યું. આ મંદિર, ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં એક છે. જેને યુનેસ્કો દ્વારા સન ૧૯૮૪માં "વિશ્વ ધરોહર" સ્થળ ઘોષિત કરાયું છે. કલિંગ શૈલીમાં નિર્મિત આ મંદિર સૂર્ય દેવના રથ ના રૂપ માં નિર્મિત છે. જેને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયા છે. સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડી ચક્રોવાળા, સાત ઘોડા થી ખેંચાતા સૂર્ય દેવના રથના રૂપમાં બનાવ્યા છે. મંદિર પોતાની કામુક મુદ્રાઓવાળી શિલ્પાકૃતિઓ માટે પણ પ્રસિદ્ધ છે. આજે આ મંદિરનો ઘણો ભાગ ધ્વસ્ત થઈ ચૂક્યો છે. જે પાછળનું મુખ્ય કારણ વાસ્તુ દોષ તથા મુસ્લિમ આક્રમણો કહેવાય છે. અહીં સૂર્યને બિરંચિ-નારાયણ કહેતા હતાં.

"સારું સજેશન છે રાહુલ તારું...પ્રવાસ માટે મંદિરની પસંદગી એ મને કાંઈ સમજાતું નથી..શું ત્યાં થ્રિલ, રોમાંચ અને મજા આવશે ખરી ?" સ્વીટી રાહુલની સામે જોઈને પોતાની મૂંઝવણ જણાવતાં પૂછે છે.

"હા ! ચોક્કસ કારણ કે આ મંદિરે પોતાની અંદર એટલાં બધાં રહસ્યો છુપાવેલ છે કે જો એ રહસ્યો વિશે આપણે જાણી જઈએ તો આપણે ઘણી એવી માહિતી પણ જાણી શકીશું કે જેનાંથી હજુ આખી દુનિયા અજાણ છે." રાહુલ પોતાનો મંતવ્ય જણાવતાં બોલે છે.

"એવું તે "કોણાર્ક સૂર્યમંદિર" માં કેવું રાઝ કે રહસ્ય દટાયેલ છે કે જે આપણને થ્રિલ કે રોમાંચ પૂરો પાડશે ?" સાગર રાહુલની સામે પોતાની ગડમથલ રજૂ કરતાં પૂછે છે.

"એક તો આ મંદિર સ્થાપત્ય ક્ષેત્રે એક બેનમૂન નમૂનો છે, કારણ કે આખા ભારત દેશમાં આ એક જ મંદિર એવું છે કે "સૂર્ય ભગવાન" ના રથ જેવો આકાર ધરાવે છે, અને જે સાત ઘોડાઓ સાથે જોડીને સૂર્યભગવાનનાં રથ જેવો આકાર આપાયેલો છે, ઉપરાંત આ રથની ફરતે કુલ બાર ચક્રો આધાર આપે છે, જે બારી મહીનાઓ પ્રતીક સમાન છે, જ્યારે પ્રત્યેક ચક્રમાં આઠ આરા આવેલાં છે જે દિવસનાં આઠ પહોરને દર્શાવે છે. આમ આ મંદિર પોતે જ એક મોટું રહસ્ય છે, જે ઓરિસ્સાનાં પુરી જિલ્લાનાં કોણાંર્ક ગામમાં આવેલ છે." રાહુલ આ મંદિર વિશે પોતાનાં મિત્રોને જણાવતાં બોલે છે.

રાહુલનાં મોઢે કોણાર્ક સૂર્યમંદિરનાં વખાણ સાંભળીને બધાં જ મિત્રો આ વખતે કોણાર્ક સૂર્યમંદિર ખાતે પ્રવાસે જવાનું નક્કી કરે છે. "ઘણાં સમય બાદ આજે બધાં મિત્રો એકસાથે ફરવાં જતાં હોવાને લીધે તે બધાં હાલ ખૂબ જ ખુશ કે આનંદીત હતાં, પરંતુ તે લોકોને એ બાબતનો જરાપણ ખ્યાલ નહોતો કે તેઓએ જાણતાં કે અજાણતાં કોઈ મોટી આફત કે મુશીબતને નોતરું આપેલ હતું, આ પ્રવાસ તેઓ માટે અવિસ્મરણીય અને ડરામણો સાબિત થનાર હતો. કેટલો ડરામણો કે કેટલો ભયંકર એ તો માત્ર આવનાર સમય જ બતાવી શકે તેમ હતો. 

પાંચ દિવસ બાદ 

રાહુલ પોતાનાં અન્ય મિત્રો સાથે કોણાર્ક સૂર્યમંદિરે જવાં માટે પોતાનાં શહેરથી ઈનોવા કાર લઈને નીકળે છે, અને ડ્રાઈવર ઈનોવા કાર ઓરિસ્સા તરફ જતાં નયન રમ્ય રસ્તા પર ભગાવે છે.

સ્થળ : કોણાર્ક સૂર્યમંદિર

સમય : સવારનાં 11 કલાક.

રાહુલ, સ્વીટી, સાગર અને મમતા કોણાર્ક સૂર્યમંદિર ખાતે આવી પહોંચે છે. અહીં પહોંચતાં સાથે જ આ મંદિર જોઈને તેઓની આંખો નવાઈને લીધે પહોળી થઈ જાય છે. જેનું કારણ આ મંદિર રાહુલે જે પ્રમાણે વર્ણવેલ હતું બરાબર એ જ મુજબનું હતું. આ મંદિર જાણે ભારતનાં ભવ્ય પ્રાચીન વિરાસત કે સ્થાપત્ય કલાનાં ભવ્ય ઈતિહાસને પોતાનાં પેટાળમાં વર્ષોથી સાચવીને બેસેલ હોય તેવુંં લાગી રહ્યું હતું. 

આથી તે બધાં મિત્રો ખુશ થતાં થતાં જિજ્ઞાસા અને આતુરતા સાથે આખા કોણાર્ક સૂર્યમંદિરમાં ફરવાં માંડે છે, આવુ સરસ મંદિર જોઈ તેઓ એકદમ ખુશ ખુશાલ થઈ જાય છે. પ્રવાસ માટે કોણાર્ક સૂર્યમંદિરની પસંદગી કરવાનો નિર્ણય યથાયોગ્ય હોય તેવું તે બધાં અનુભવી રહ્યાં હતાં. હાલ તે બધાં જ મિત્રોનાં ચહેરા પર એક અલગ જ પ્રકારની ખુશીઓ છવાયેલ હતી, પરંતુ તેઓની આ ખુશીઓને થોડાં જ સમયમાં એક મોટું ગ્રહણ લાગવાનું હતું તે બાબતથી હાલ તે બધાં એકદમ અજાણ જ હતાં.

એ જ દિવસે.

સમય સાંજનાં 6 : 30 કલાક.

  હાલ કોણાર્ક સૂર્યમંદિર દર્શને આવેલાં પ્રવાસીઓ સૂર્યાસ્ત થવાં આવ્યો હોવાને લીધે આ મંદિરેથી પરત ફરી રહ્યાં હતાં. આ સાથે રાહુલ અને બીજા મિત્રો પણ મંદિરેથી પરત ફરવાનું નક્કી કરે છે.

"ગાયઝ ! હવે આપણે નીકળવું જોઈએ." રાહુલ સાગરની સામે જોઈને બોલે છે.

"હા ! ચોક્કસ..પણ મમતા અને સ્વીટી ક્યાં છે ?" સાગર રાહુલની સામે જોઈને પૂછે છે.

આ વિચાર અવાતાની સાથે જ સાગર અને રાહુલ પોતાની ચારેબાજુએ નજર દોડાવે છે, ત્યારબાદ તે લોકોને ખ્યાલ આવે છે કે મમતા અને સ્વીટી મંદિરનાં આધાર કે જયાં પેલાં 12 ચક્રો આવેલાં હતાં ત્યાં એકબીજાનાં ફોટોઓ પાડવામાં વ્યસ્ત હતાં.

"એ રહી આપણી હીરો ત્યાં ફોટા પડાવી રહી છે." રાહુલ મમતા અને સ્વીટી તરફ પોતાનાં હાથ વડે ઈશારો કરતાં કરતાં સાગરની તરફ જોઈને બોલે છે.

"હા...યાર તે બંને ફોટા પાડવામાંથી જ ઊંચા નહીં આવે. તેને ગમે તેટલા અને ગમે તેવાં સારા ફોટો પાડી આપશો તો પણ તેમને સંતોષ જ નથી થતો." સાગર પોતાની વ્યથા રાહુલને જણાવતાં બોલે છે.

આથી રાહુલ અને સાગર સ્વીટી અને મમતા જે સ્થળે ફોટો પાડી રહ્યાં હતાં ત્યાં જાય છે. રાહુલ તે બંનેની સામે જોઈને બોલે છે.

"તો ગાયઝ આપણે જઈશું હવે…?" 

"બસ બે જ મિનિટ...મમતા મારો છેલ્લો ફોટો ક્લિક કરી રહી છે, એ ફોટો પડે એટલે આપણે નીકળીએ…!" સ્વીટી રાહુલને આજીજી કરતાં જણાવે છે.

ત્યારબાદ સાગર અને રાહુલ ત્યાં ઊભાં ઊભાં સ્વીટીનો ફોટો ક્લિક થાય તેની રાહ જોવા લાગે છે.

બરાબર એ જ સમયે એકાએક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાય જાય છે, જોર જોરથી પવન ફૂંકાવા લાગે છે, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્રને માત્ર ધૂળની ડમરીઓ જ જોવાં મળી રહી હતી, હાલ તે બધાં મિત્રો એકબીજાનો ચહેરો પણ જોઈ શકતા નથી. માત્ર એકબીજાનો અવાજ જ સંભળાય છે. હાલ તેઓ સાથે શું ઘટના ઘટી રહી હતી તે કંઈ સમજમાં નહોતું આવી રહ્યું...શાં માટે વાતાવરણ એકાએક પલટાય ગયું ? શા માટે આવી રીતે જોર જોરથી પવન ફૂંકાવવા લાગ્યો ? હાલ તેઓ સાથે જે કોઈ રહસ્યમય કે અવિશ્વનિય ઘટનાઓ ઘટી રહી હતી તે પાછળનું શું કારણ હશે ? આવા ઘણાં બધાં વિચારો હાલ તે બધાં મિત્રોને પેલાં તુફાનની માફક ચારેબાજુએથી ઘેરી રહ્યાં હતાં. 

એવામાં એકાએક લગભગ પંદરેક મિનિટ બાદ વાતાવરણ આપમેળે જ અગાવની માફક શાંત બની ગયું. એ સાથે જ તેઓનાં મનમાં એક વિસ્મય સર્જાય છે, આ તુફાન પહેલાં સૂર્યાસ્ત થવાં આવ્યો હતો, જયારે હાલનું વાતાવરણ જોતાં તે લોકોને એવું લાગી રહ્યું હતું કે હજુપણ સૂર્યાસ્ત થવામાં અડધી કલાક જેટલો સમય બાકી હોય.

"ગાયઝ ! આ આપણી સાથે શું ઘટી રહ્યું છે એ કોઈને આઈડિયા છે ખરો ?" સાગર બધાં મિત્રોની સામે જોઈને પૂછે છે.

"હા ! યાર મને એવું લાગી રહ્યું છે કે જાણે આપણે કોઈ ટાઈમ ટ્રાવેલિંગ કરીને અડધી કલાક અગાવનાં સમયમાં આવી ગયાં હોઈએ." સ્વીટી અચરજ પામતાં પામતાં બોલે છે.

"હે ! તો શું આપણે સાચે જ ટાઈમ ટ્રાવેલિંગ કર્યું છે ? તો શું આપણે પાછા આપણા સમયમાં પરત ફરી શકીશું ? કે પછી સમયચક્રની આ માયાજાળમાં જ કાયમી માટે ફસાયેલા રહી જશું ? મમતા પોતાનાં મનમાં ચાલતી ગડમથલ જણાવતાં બોલે છે.

"ગાયઝ એક મિનિટ મને થોડો વિચારવાનો સમય આપો…!" આટલું બોલી રાહુલ પોતાનાં મનમાં વિચારોની ટ્રેન દોડાવે છે. 

આથી રાહુલ અને સાગર મમતા અને સ્વીટી ફોટો પડાવી રહી હતી, ત્યાં સુધીની બધી ઘટનાઓ ક્રમ રિવર્સ કરીને યાદ કરવામાં વયસ્ત બની જાય છે. લાંબો વિચાર કર્યા બાદ રાહુલ બધાં મિત્રોની સામે જોઈને બોલે છે કે 

"ગાયઝ મને એવું લાગે છે કે કદાચ આપણે આપણાં સમયમાં પાછા ચોક્કસ ફરી શકીશું." 

"હા...પણ કેવી રીતે ?" બધાં જ મિત્રો રાહુલની સામે જોઈને એકસાથે બોલી ઊઠે છે.

"ગાયઝ ! જો તમે મને મદદ કરશો તો આપણે ચોક્કસ આમાં સફળ રહીશું." બધાં મિત્રોની સામે જોઈને મજબૂત મનોબળ સાથે રાહુલ બોલે છે.

"હા...શ્યોર..!" બધાં મિત્રો પોત પોતાની સહમતી દર્શાવતા રાહુલની સામે જોઈને બોલે છે.

"તો ચાલો મારી સાથે…!" રાહુલે જાણે મનોમન કાંઈ વિચાર્યું હોય તેવી રીતે બધાં મિત્રોની સમક્ષ જોઈને પૂછે છે.

ત્યારબાદ રાહુલ અને અન્ય મિત્રો કોણાર્ક સૂર્યમંદિરની બરાબર બાજુમાં આવેલ એક નાના મંદિર પાસે જાય છે, અને તે નાના મંદિરનો મુખ્ય દરવાજો જે સિમેન્ટની દીવાલ ચણીને બંધ કરેલો હતો. તે દીવાલને બધાં મિત્રો ભેગા મળીને એક વ્યક્તિ સરળતાથી પસાર થઈ શકે તેટલી તોડી પાડવામાં સફળ રહે છે. 

મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતાની સાથે જ તે લોકોનાં આશ્ચર્યનો કોઈ પાર જ ના રહ્યો કારણ કે તે મંદિરના ગર્ભગૃહમાં કોઈ દેવી કે દેવતાની મૂર્તિ હતી જ નહીં...પણ તે મંદિરના ગર્ભગૃહની દીવાલો પર મંદિરની ફરતે જે બાર ચક્રો આવેલ હતાં, બરાબર તેવાં જ ચક્રો કોતરાયેલા હતાં, અને તેઓની બરાબર સામેની દીવાલ પર સમય ચક્ર દોરેલ હતું, જે ચક્રનાં દરેક આરા પર દિવસનાં આઠ પહોર વિશે સારી એવી માહિતી લખેલ હતી. આથી બધાં જ મિત્રો હાલ આવી પડેલ આફતમાંથી બચવા માટેનો કોઈને કોઈ રસ્તો મળી જ જશે એવાં ઉદેશય સાથે શોધખોળ આદરી દે છે. 

"ગાયઝ ! ચાલો મને હવે રસ્તો મળી ગયો છે." રાહુલ એક અલગ જ પ્રકારનાં આનંદ સાથે બધાં મિત્રોની સામે જોઈને બોલી ઊઠે છે.

શું ? કેવી રીતે ? કયો રસ્તો ?" બધાં મિત્રો આશ્ચર્ય કે નવાઈ સાથે રાહતનો એક ઊંડો શ્વાસ લેતાં લેતાં રાહુલને પૂછી ઊઠે છે.

"ગાયઝ એ હું તમને પછી જણાવીશ જો આપણે આપણાં ભૂતકાળમાં જેટલો પણ વધુ સમય વિતાવીશું એટલી વધુ તકલીફોનો સામનો આપણે આવનાર ભવિષ્યમાં કરવાની નોબત આવશે...માટે સૌ પ્રથમ તો અહીંથી જેટલું શકય હોય તેટલું વહેલું આપણે આપણાં વર્તમાનસમયમાં ફરવું એ જ મુનાસિફ ગણાશે." રાહુલ બધાં મિત્રોને વાસ્તવિકતાથી વાકેફ કરાવતા જણાવે છે.

ત્યારબાદ બધાં મિત્રો મમતા અને સ્વીટી કોણાર્ક સૂર્યમંદિરનાં જે પેલાં સમયચક્ર પાસે થોડા સમય પહેલાં ફોટો પાડી રહ્યાં હતાં ત્યાં આવી પહોંચે છે. આથી સાગરને એક લાકડાંના કોઈ બે ટુકડો લઈને આવવા માટે જણાવે છે કે જેની મદદથી રાહુલ મશાલ બનાવી શકે. થોડીવારમાં સાગર રાહુલે જણાવ્યું હતું તે મુજબ બે લાકડાનાં ટુકડા લઈને આવી પહોંચે છે.

ત્યારબાદ રાહુલ તે મંદિરનાં આઘાર પાસે રહેલ એક સમય ચક્ર પાસે બેસે છે, અને જે લાકડાનાં ટુકડાની મદદથી મશાલ બનાવી હતી, તે મશાલ સમયચક્ર પાસે એવી રીતે ગોઠવે છે કે જેનો સીધો પ્રકાશ પેલાં સમય ચક્ર પર પડે, ત્યારબાદ બીજા લાકડાનાં ટુકડાને પોતાનાં હાથમાં એવી રીતે ગોઠવે છે કે જેથી બીજા લાકડાનાં ટુકડાને કોઈ ચોક્કસ પોઈન્ટ પર પાડી શકાય.

આમ રાહુલ આવી રીતે બે ત્રણ વાર પ્રયત્ન કરે છે, પરંતુ તેને સફળતા મળતી નથી, આથી રાહુલના મનમાં ક્યાંક કોઈ જગ્યાએ હતાશા કે નિરાશા વ્યાપી રહી હતી. આથી રાહુલ સૂર્યદેવ ભગવાનને યાદ કરીને ફરી એવો જ પ્રયાસ કરે છે. બીજા બધાં મિત્રો રાહુલ હાલ જે કાંઈ ક્રિયા કરી રહ્યો હતો તે સમજાય રહી ન હોવાથી, એકદમ અવાક અને મુક બનીને કાગડોળે નિહાળી રહ્યાં હતાં.

બરાબર એ જ સમયે અગાવની માફક ફરી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયાં, જોરજોરથી પવન ફૂંકાવા લાગ્યો, અને ઊંચી ઊંચી ધૂળની ડમરીઓ ઉડવા લાગી, અને અગાવની માફક વાતાવરણ ફરી પાછું નોર્મલ થઈ ગયું. બધાં પોતાની આસપાસ નજર ફેરવે છે, તો તેઓને ખ્યાલ આવે છે કે તેઓ જે સમયથી પોતાનાં ભૂતકાળમાં ગયેલાં હતાં હાલ તે જ સમય પર પાછા આવી પહોંચે છે. આ જોઈ બધાં મિત્રોના જીવમાં જીવ આવ્યો. તે બધાંએ રાહતનો એક ઊંડો શ્વાસ લીધો.

"હાવ….રાહુલ…?" સાગર એકદમ અચરજ પામતાં રાહુલનાં ચહેરા તરફ જોઈને હેરાનીભર્યા અવાજે પૂછે છે.

"ગાયઝ ! એના માટે થેન્ક્સ ટુ માય દાદી...ગાયઝ આજનો મનુષ્ય ભલે સમય, ચોઘડિયા કે પહરમાં વિશ્વાસ ના કરી રહ્યો હોય પરંતુ આપણાં પૂર્વજો આ બાબતમાં ચુસ્તપણે અતૂટ વિશ્વાસ ધરાવતાં હતાં, જે હાલ આપણે બધાએ સારી રીતે અનુભવેલ છે." રાહુલ પોતાની વાત શરૂ કરતાં કરતાં બોલે છે.

"બટ...તને આ યુક્તિ કેવી રીતે સૂઝી..?" સ્વીટી રાહુલની સામે જોઈને પૂછે છે.

"સ્વીટી તને કદાચ મારી વાત પર વિશ્વાસ નહીં આવે પણ તું જાણતાં અજાણતાં જ સમય સાથે ચેડાં કરી બેસી છો." રાહુલ સ્વીટીની સામે જોઈને બોલે છે.

"એ કેવી રીતે..?" મમતા હેરાનીભર્યા અવાજે રાહુલને પૂછે છે.

"ગાયઝ ! હું જ્યારે આપણી સાથે આ ઘટના ઘટી એ પહેલાંનો ઘટનાક્રમ યાદ કરી રહ્યો હતો, ત્યારે મારા મનનાં એકાએક ઝબકારો થયો, અને મને યાદ આવ્યું કે સ્વીટી જે સમયે ફોટો પડાવી રહી હતી, ત્યારે તેનાં પગનો પડછાયો પેલાં સ્મયચક્ર પર પડી રહ્યો હતો. જેને લીધે એ સ્મયચક્રએ સ્વીટીનાં પગના પડછાયાને ઘડિયાળનો કાંટો સમજી તે સમય મુજબ આપણને ભૂતકાળમાં લઈ ગયો." રાહુલ આ રહસ્ય બીજા મિત્રોને જણાવતાં બોલે છે.

"પણ...તને પેલી યુક્તિ કેવી રીતે સૂઝી ?" સાગર રાહુલની સામે જોઈને જિજ્ઞાસા સાથે પૂછે છે.

"એનું કારણ છે આપણે પેલાં મંદિરનાં ગર્ભગૃહમાં જોયેલ બધી પ્રતિકૃતિઓ જેમાં વર્ષો, મહિનાઓ, દિવસો અને તેનાં આઠ પહરનો ઉલ્લેખ હતો, અને મને એ પાકું યાદ છે કે મારી દાદી મને કહેતાં હતાં કે,"બેટા દિવસમાં કુલ આઠ પ્રહર હોય છે જેમાં પ્રથમ ચાર પ્રહર સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધીનાં (દિવસનાં) અને બીજા ચાર પ્રહર સૂર્યાસ્તથી માંડીને સૂર્યોદય સુધીનાં (રાતનાં) હોય છે." જેનો ઉલ્લેખ મંદિરના ગર્ભગૃહની દીવાલો પર પણ કરવામાં આવેલ હતો. આ વાત યાદ આવી એટલે મારા મનમાં વિચાર આવ્યો કે, "જ્યારે આ ઘટનાં આપણી સાથે ઘટી ત્યારે લગભગ સૂર્યાસ્ત થવા જ આવ્યો હતો, એટલે કે તે સમયે દિવસનો છેલ્લો પ્રહર ચાલી રહ્યો હતો. જ્યારે આપણે ભૂતકાળમાં ટાઈમ ટ્રાવેલિંગ કરીને પહોંચ્યા ત્યારે મેં જોયું કે એ સમયચક્રમાં હજુ છેલ્લો પહર પૂરો થવાના ઘણો જ સમય બાકી હતો...બસ પછી શું જેવી રીતે સ્વીટીનાં પગનાં પડછાયાને લીધે આપણે ભૂતકાળમાં આવી પહોંચ્યા હતાં, એ જ યુક્તિનો પ્રયોગ કરીને આપણે ફરીપાછા વર્તમાનમાં આવી ગયાં… ધેટ્સ ઓલ..!" રાહુલ પોતાની જાત પર ગર્વ અનુભવતા શર્ટનો કોલર ઊંચો કરતાં કરતાં બધાં મિત્રો સામે જોઈને "ટાઈમ ટ્રાવેલિંગ" પાછળનું રહસ્ય જણાવતાં બોલે છે.

"ઓહ..ગુરુજી આપ મહાન હો…!" બધાં મિત્રો આવું બોલીને રાહુલના પગે પડી જાય છે.

"અબ કયાં બચ્ચે કી જાન લોન્ગે ક્યાં ?" રાહુલ ચહેરા પર સ્મિત સાથે બધાં મિત્રોને ગળે વળગાળતા બોલી ઊઠે છે.

આ સાંભળતાની સાથે જ તે બધાં મિત્રોનાં ચહેરા પર હાસ્ય છવાઈ જાય છે, અને તેઓ કોણાર્ક સૂર્યમંદિરથી પોતાનાં શહેર તરફ પાછા ફરવાં માટે ઈનોવા કારમાં બેસીને રવાના થાય છે. ભલે આ પ્રવાસમાં તેઓ માટે ઘણી મોટી આફત કે મુશ્કેલીઓ આવી પણ આ પ્રવાસમાં જે રોમાંચ, થ્રિલ કે મજા હતી તેવી મજા હજુસુધી તે બધાંને ક્યારે આવી ન હતી, અને કદાચ આવી મજા બીજા કોઈ પ્રવાસમાં આવશે પણ નહીં. આમ આ પ્રવાસ તે બધાં મિત્રો સાથે પ્રવાસ ના રહેતાં એક "ટાઈમ ટ્રાવેલિંગ" માણવાની એક રોમાંચક સફર બની ગયેલ હતો. 

કુદરત પણ આપણને ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિમાં લાવીને ઊભાં રાખી દે છે, કે થોડા સમય પૂરતું તો આપણને એવું લાગે કે આપણાં શરીરને કે મગજને લકવો મારી ગયો હોય, પણ જો એ સમયે આપણે શાંત ચિત કે શાંત મને વિચારીએ તો તે બધી મુશ્કેલીઓ કે આફતોમાંથી આપણે રાહુલ અને તેનાં મિત્રોની માફક ચોક્કસપણે બહાર આવી શકીએ છીએ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy