મેસ્ટરીયસ જર્ની ઓફ લાઈફ
મેસ્ટરીયસ જર્ની ઓફ લાઈફ


પુસ્તક અને મનુષ્યનો જન્મ હજારો વર્ષ જૂનો છે, જેનો આધાર કે ઉલ્લેખ આપણને આપણાં અલગ અલગ ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં જોવા મળે છે. આપણાં બધામાંથી અમુક લોકો એવાં હશે કે જેઓને વાંચનનો ખૂબ જ ગાંડો ગજબ શોખ હોય છે. એમાં પણ અમુક લોકો તો એક દિવસમાં આખે આખી નોવેલ વાંચી નાખતાં હોય છે. જ્યારે પણ આપણે આ મોબાઈલનાં યુગમાં કોઈ વ્યક્તિનાં હાથમાં પુસ્તક જોઈએ ત્યારે આપણને લાગે છે ના હજુપણ લોકોનાં હૃદયમાં "પુસ્તક પ્રેમ" ક્યાંક તો ધબકી રહ્યો છે.
નિકુંજ પણ આવો જ વાંચવાનો શોખ ધરાવતો હતો. તેનાં ઘરે આખો કબાટ અલગ અલગ ગુજરાતી સાહિત્યનાં પુસ્તકોથી છલોછલ ભરેલો હતો. નિકુંજને જ્યાંથી પણ સારા ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો મળવાની શક્યતાઓ રહેલ હોય તે બધી જ જગ્યાએથી પુસ્તકો એકઠા કરી જ લેતો હતો. આમ નિકુંજ અને પુસ્તકો એકબીજા સાથે જેવી રીતે "શરીર" અને "આત્મા" એકબીજા સાથે જોડાયેલ હોય તેવી જ રીતે જોડાયેલાં હતાં.
નિકુંજ હાંફળા ફાંફળા થતાં થતાં તેનાં ગામની બહાર આવેલાં પૌરાણિક શિવ મંદિરનાં મેદાનની બરાબર વચ્ચોવચ ગોઠણીયા વાળીને જમીન પર બેસેલ હતાં, તેનાં હાથમાં કોઈ જૂની બુક હતી. જે નિકુંજ વાંરવાર જોઈ રહ્યો હતો. તેની આંખોમાં હાલ ગભરાહટ અને એક અલગ જ પ્રકારનો ડર સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. તેનાં શરીરનાં રૂંવાટી ડરને કારણે ઉપસી આવેલ હતી. તેનાં હાથ પગ કંપી રહ્યાં હતાં. તેનાં શ્વાસોશ્વાસ અને હૃદયનાં ધબકારા ટ્રેનની માફક ધીમે ધીમે વધી રહ્યાં હતાં. આજુબાજુમાં અંધકાર છવાયેલો હતો, પવનને લીધે ધૂળ અને વૃક્ષ પરથી ખરી પડેલાં પાંદડાઓ હવામાં ઉડી રહ્યાં હતાં. નિકુંજને જોતાં હાલ તેને કોઈ મૂંઝવણ કે ચિંતાઓ અંદરોઅંદરથી કોરી ખાય રહી હોય તેવું નિકુંજ અનુભવી રહ્યો હતો. આથી નિકુંજ પોતાની બંને આંખો બંધ કરીને હિંમત એકઠી કરીને જોરથી બોલે છે.
"હું કોઈપણ સંજોગો હવે તને કોઈનું અહિત કે ખરાબ નહીં કરવાં દઈશ...કાં તું નઈ કાં હું નઈ…!" નિકુંજ પોતાનાં હાથમાં રહેલ પુસ્તક ઊંચું કરી તેની સામે જોઈને બોલે છે.
એક મહિના પહેલાં.
સ્થળ : ગવર્મેન્ટ હોસ્ટેલ
સમય : સવારનાં 8 કલાક.
નિકુંજને હાલ કોલેજમાં ઉનાળુ વેકેશન પડેલ હોવાથી તે હોસ્ટેલનાં પોતાનાં રૂમમાં બેસીને સામાન પેક કરી રહ્યો હતો, સામાન પેક કર્યા બાદ નિકુંજ તેનાં રૂમમાં રહેલ લાકડાનો કબાટ ખોલે છે, અને લાકડાનો કબાટ ખોલતાની સાથે જ તેનાં મનમાં અલગ અલગ વિચારો જેવાં કે,"ઉનાળુ વેકેશનમાં હું ઘરે સમય કેવી રીતે વિતાવીશ ? હાલ મારી પાસે વાંચવા માટેની જેટલી પણ બુક હતી, તેમાંથી એકાદ બુક છોડીને મેં બધી જ ગુજરાતી બુક વાંચેલ છે, તો હું ઘરે જઈને શું વાંચીશ ? બુક વગર મારો સમય કેવી રીતે પસાર થશે ?" વિચારો સતાવવા માંડે છે.
ત્યારબાદ નિકુંજ તેને જે ગુજરાતી પુસ્તક વાંચવાની બાકી હતી, તે પોતાની બેગનાં રાખે છે, અને બસસ્ટેશન પર આવેલાં બુકસ્ટોર પરથી બીજી અન્ય બુક ખરીદી લેશે એ વિચાર સાથે પોતાનું બેગ ભરી લે છે.
પછી નિકુંજ ફ્રેશ થઈને પોતાનો સામાન લઈને બસ સ્ટેશન જવાં માટે હોસ્ટેલની બહાર નીકળે છે. નિકુંજ હોસ્ટેલની બહાર નીકળીને બસ સ્ટેશન તરફ જતી રીક્ષામાં બેસે છે. થોડીવારમાં રીક્ષા બસસ્ટેશને આવી પહોચે છે. આથી નિકુંજ રીક્ષાભાડું ચુકવીને બસ સ્ટેશન તરફ આગળ વધવા માંડે છે.
બરાબર એ જ સમયે નિકુંજની નજર તેની બરાબર પાસેથી ભંગારની રેંકડી લઈને પસાર થતાં એક વ્યક્તિ પર પડે છે. એ ભંગારની રેકડીમાં અઢળક જુના ગુજરાતી સાહિત્યમાં પુસ્તકો પડેલાં હતાં. જે કોઈ વાંચના શોખીને વંચાય ગયાં હોવાથી પસ્તીમાં વેચી દીધેલ હશે. આથી નિકુંજ એ રેંકડીવાળાને ઊભા રહેવા માટે ઈશારો કરે છે. આથી પેલો રેંકડી ચાલક પોતાની રેંકડી રોડની એક તરફ ઊભી રાખે છે.
"શું છે આ બધાં પુસ્તકોનું…?" નિકુંજ પેલાં રેકડીવાળાની સામે જોઈને પૂછે છે.
"સાહેબ ! આ થોડીનાં બુકસ્ટોર છે, આ તો ભંગારની રેંકડી છે, મેં એ બધાં પુસ્તકો ભંગાર કે પસ્તીમાં ભાવે લીધેલાં છે, તમારે આ ઢગલામાંથી જેટલાં પણ પુસ્તકો જોઈએ એટલા લઈ લો...તમને જેટલા ઠીક લાગે તેટલા રૂપિયા આપજો." રેકડીવાળા ભાઈ નિકુંજની સામે જોઈને જણાવે છે.
આ સાંભળીને નિકુંજની આંખમાં એક અલગ જ પ્રકારની રોનક આવી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. હાલ જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ નિકુંજ માટે "ભાવતું હતું અને વૈધે કહ્યું" આ કહેવતમાં એકદમ ફિટ બેસતી હતી. ઓકિસજન માટે તડપી રહેલાં કોરોના સંક્રમિત દર્દીને ઓકિસજન મળવાથી જેટલી શાંતિ અને હાશકારો થાય હાલ તેટલી જ શાંતિ કે હાશકારો નિકુંજ અનુભવી રહ્યો હતો. આથી નિકુંજ એ પુસ્તકોનાં ઢગલામાંથી પાંચ સારા પુસ્તકો પસંદ કરે છે. જેનાં તે પેલાં રેંકડીવાળને પાંચસો રૂપિયા આપે છે, અને રેકડીવાળો પણ ખુશખુશાલ બની જાય છે. આમ હવે પોતાનું વેકેશન સરળતાથી પસાર થઈ જશે એવાં વિચાર સાથે નિકુંજ એ પુસ્તકો લઈને બસ સ્ટેશનમાં પ્રવેશે છે. હાલ નિકુંજ જાણતાં અજાણતાં જ પોતાનાં જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ કરી રહ્યો હતો, તેનું પરિણામ કેટલું ભયંકર આવશે એ તો આવનાર સમય જ જણાવી શકે તેમ હતો.
બસ સ્ટેશનમાં પ્રવેશ્યા બાદ નિકુંજ પોતાનાં ગામ તરફ જતી બસમાં બેસી જાય છે. અને જેવી રીતે એરોપ્લેનમાં કોઈ પાયલોટ આવે તેવી જ રીતે જી.એસ.આર.ટી.સી બસનાં ડ્રાઈવર કાળા રંગનાં ચશ્મા લગાવી જાણે પોતે "દબંગ" મુવીનાં ચુલબુલ પાંડેની માફક બસમાં એન્ટ્રી મારે છે. ત્યારબાદ તે બસ ડ્રાઈવર પોતાનાં જ અંદાજમાં બસ ચલાવવા લાગે છે.
એ જ દિવસે સાંજે.
સ્થળ : નિકુંજનું ઘર.
સમય : રાતનાં 9 કલાક.
નિકુંજ વાળું કરીને પોતાનાં રૂમમાં બેસેલ હતો, અને આજે સવારે તેણે જે પુસ્તકો ખરીદયા હતાં, તે પુસ્તકો ઉત્સાહ સાથે ફંગોળવા માંડે છે. ઢગલાબંધ પુસ્તકોમાંથી આ જ પાંચ પુસ્તકો ખરીદવા પાછળનું કારણ આ પુસ્તકોનું "ટાઈટલ કે શીર્ષક" હતું. આ પુસ્તકોનું શીર્ષકે જાણે નિકુંજનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કરવામાં સફળ થયેલ હોય તેવુ લાગી રહ્યું હતું. આ પુસ્તકોના ટાઈટલ હતાં.."મિસ્ટેરીયસ જર્ની ઓફ લાઈફ" પાર્ટ વન ટુ ફાઈવ. આ પુસ્તકનું કવર પેજ જ એટલું આકર્ષક હતું કે તે જોતાં જ નિકુંજને પસંદ આવી ગયેલ હતું.
આથી નિકુંજ પોતાની જિજ્ઞાશને કે વાંચાવાની તાલાવેલીને રોકી નથી શકતો આથી એ જ રાતથી નિકુંજ "મિસ્ટેરીયસ જર્ની ઓફ લાઈફ" પુસ્તકનો પહેલો ભાગ આજથી જ વાંચવાનું શરૂ કરી દે છે...આ પુસ્તક વાંચવમાં જ નિકુંજ એટલો વ્યસ્ત બની ગયો કે સવારનાં ચાર ક્યાં વાગી ગયાં, તે નિકુંજને ખ્યાલ ના રહ્યો. પણ આ પુસ્તકે શરૂઆતથી માંડીને અંત સુધી નિકુંજને જકડી રાખેલ હતો.
ચાર દિવસ બાદ.
સ્થળ : નિકુંજનું ઘર.
સમય : સાંજનાં 9 કલાક.
નિકુંજ વાળું પતાવીને પોતાનાં પિતા સુરેશભાઈ પાસે બેસેલ હતો, બરાબર એ જ સમયે તેઓનાં કાને "બચાવો… બચાવો…" એવી બૂમ સંભળાય છે. આ અવાજ સાંભળતાની સાથે જ નિકુંજ અને સુરેશભાઈ પોતાનાં ઘરની બહાર તરફ દોટ મૂકે છે. ત્યાં જઈને તે બંને જોવે છે કે આખા ગામમાં ભાગદોટ મચી ગયેલ હતી. તેઓનાં ગામના
ં સરપંચના ઘરમાં ભયંકર આગ લાગેલ હતી, એવામાં ગામનાં સરપંચ બળી જવાને લીધે ભડથું થઈ ગયાં હતાં. આ જેને લીધે લોકો એકબીજા સાથે ઝગડી રહ્યાં હતાં. અને બરાબર એ જ સમયે એકાએક ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થાય છે.
આ બધુ જોઈ નિકુંજ હેરાની સાથે એકદમથી હેબતાઈ જાય છે. આવી પરિસ્થિતિ તેણે ક્યાંક જોયેલ કે અનુભવેલ હોય તેવું હાલ નિકુંજ અનુભવી રહ્યો હતો. બરાબર એ જ સમયે તેને યાદ આવે છે કે આવી જ ઘટનાં વિશે તેણે "મિસ્ટેરીયસ જર્ની ઓફ લાઈફ" બુકમાં વાંચેલ હતી. ત્યારબાદ નિકુંજને આ પુસ્તકનાં એક પછી એક ભાગ યાદ આવવાં માંડે છે, જેના પહેલાં ભાગમાં તેણે વાંચેલ હતું કે "એક રાજા કે જેણે વર્ષોથી પોતાનું એકચક્રીય શાસન જમાવેલ હતું તેનો અંત આવે છે, બીજા ભાગમાં તેણે વાંચેલ હતું કે આ રાજાના શાસનનાં અંતનું કારણ ભયંકર કે વિકરાળ આગ જ હતી, ત્રીજા ભાગમાં નિકુંજે વાંચેલ હતું કે રાજાનું આમ આકસ્મિક સંજોગોમાં મૃત્યુ થવાને લીધે આખા રાજ્યમાં "અરાજકતા" છવાય જાય છે અને લોકો સત્તા માટે એકબીજાને કાપી મારવાં સુધી પહોંચી જાય છે. ચોથા ભાગમાં તેણે વાંચેલ હતું કે આ બધી ઘટનાઓ કળિયુગની શરૂઆત સુચવે છે, જેની સાક્ષી ખુદ કુદરત વાવાઝોડાનાં રૂપે પુરાવશે.
આમ હાલ પોતે જે પેલી ગુજરાતી બુક "મિસ્ટેરીયસ જર્ની ઓફ લાઈફ" વાંચી રહ્યો હતો, તેમાં જે જે ઘટનાઓનું વર્ણન કરેલ હતું તે બધી જ ઘટનાઓ હાલ પોતાની સાથે હકીકતમાં બની રહી છે, આ જોઈ નિકુંજને કંઈ જ સમજમાં નહોતું આવી રહ્યું. આમ એકાએક મુશળાધાર વરસાદ વરસવાને લીધે બધાં જ લોકોએ પોત પોતાનાં ઘર તરફ દોટ મૂકી હતી. જ્યારે આ બાજુ નિકુંજ અને સુરેશભાઈ પોતાનાં ઘરમાં પરત ફરે છે.
ત્યારબાદ નિકુંજ પોતાનાં રૂમમાં રહેલ ટેબલ નજીક રહેલ ખુરશી પર "મિસ્ટેરીયસ જર્ની ઓફ લાઈફ" ની પાંચે પાંચે બુક લઈને બેસેલો હતો. આ બુક જોઈને નિકુંજ વિચારી રહ્યો હતો કે "શું હાલ પોતાની સાથે જે કંઈ ઘટનાઓ ઘટી રહી છે એ બધી ઘટનાઓ અને આ પુસ્તકનાં એકથી ચાર ભાગમાં વર્ણવેલ બધી ઘટનાઓ વચ્ચે આટલી બધી સામ્યતા હોવી એ એક "જોગાનુજોગ" છે કે પછી આ પુસ્તક કોઈ "જાદુઈ કે રહસ્યમય" હશે ? જો આ પુસ્તકમાં એકથી પાંચ સુધી જે ઘટનાઓનું વર્ણન કરેલ છે એ બધી ઘટનાઓ ઘટી તો તેનો અર્થ એવો પણ થાય કે આ પુસ્તકના પાંચમા ભાગમાં પણ જે કાંઈ ઘટના વર્ણવેલ હશે એ ઘટના પણ ખૂબ જ નજીકનાં ભવિષ્યમાં ચોક્કસ ઘટશે જ તે..એવું ?" આમ હાલ નિકુંજ ટેબલ સામે બેસીને આવા વિચારોમાં ખોવાયેલ હતો.
નિકુંજનો સ્વભાવ જ જિજ્ઞાશાવૃત્તિ વાળો કે આતુર્તભર્યો હોવાથી તે પોતાની જાતને "મિસ્ટેરીયસ જર્ની ઓફ લાઈફ" પુસ્તકનો પાંચમો ભાગ વાંચતા રોકી શક્યો નહીં. નિકુંજ ધ્રુજતાં હાથે ડરતાં ડરતાં પાંચમો ભાગ વાંચવાનું શરૂ કરે છે. આ પુસ્તકની શરૂઆતમાં જે લખ્યું હતું એ વાંચીને નિકુંજ એકદમથી ગભરાય જાય છે. આ વાંચતાની સાથે જ તેનાં પગ હેઠળની જમીન જાણે એકાએક ખસી ગઈ હોય તેવો જોરદાર આઘાત લાગે છે, તેનાં કપાળે પરસેવો બાઝી જાય છે, શ્વાસોશ્વાસ અને હૃદયનાં ધબકારા એક્દમથી વધી જાય છે, તેના પુરેપુરા શરીરમાં એક અલગ જ પ્રકારની ધ્રુજારી આવવાનું શરૂ થાય છે, તેનાં હાથ પગ ડરને લીધે કંપવા માંડે છે.
નિકુંજે આ પુસ્તકની શરૂઆતમાં વાંચેલ હતું કે,"જેવી રીતે આપણે એકથી ચાર ભાગમાં વાંચ્યું હતું કે એક રાજ્યમાં રાજાનું આકસ્મિક સંજોગોમાં વિકરાળ આગને લીધે મૃત્યુ થયેલ હતું, અને સમગ્ર રાજ્યમાં અરાજકતા છવાય ગયેલ હતી, સત્તા માટે લોકો અંદરોઅંદર લડી રહ્યાં હતાં, અને કળિયુગની શરૂઆત થઈ ગઈ હતી, હવે પાંચમા ભાગમાં આપણે જોઈશું ધર્મનું પતન.."અરાજકતા ફેલાયેલ એ રાજ્ય હવે ધર્મ પતન તરફ આગળ વધે છે, ધર્મના પુરેપુરો નાશ થઈ જશે...એ સાથે જ કલિયુગનો ઉદય થઈ જશે. આ ધર્મના મુખ્ય પ્રચારકને બધાં લોકો ભેગા મળીને….!" આટલું વાંચતા જ નિકુંજનાં હાથમાં ધ્રુજારી ઉપડે છે.
જેનું કારણ હતું કે તેનાં પિતા એટલે કે સુરેશભાઈ કે જેઓ આ ગામમાં આવેલ પ્રાચીન શિવમંદિરના પૂજારી હતાં, અને હિન્દૂ ધર્મનાં પ્રચારક હતાં, તો શું આ વખતે મારા પિતા સાથે કંઈ અવિશ્વસનીય ઘટનાં ઘટશે…? શું મારા પિતા સાથે કોઈ અણબનાવ બનશે ? આવા વિચારો આવતાની સાથે નિકુંજ એ બુક એકદમ ઝડપથી બુક બંધ કરીને દોડતાં દોડતાં ગામની બહાર આવેલાં પ્રાચીન શિવ મંદિરનાં પટાંગણમાં આવી પહોંચે છે.
હાલનાં સમયે.
નિકુંજ મનોમન "મિસ્ટેરીયસ જર્ની ઓફ લાઈફ" બધી બુકનો નાશ કરવાનું નક્કી કરે છે, આ માટે તે ઘણાં જ પ્રયત્નો કરે છે, પરંતુ નિકુંજનાં તમામ પ્રયત્નો વ્યર્થ નીવડે છે, આથી નિકુંજ હતાશ થઈ જાય છે. મિત્રો કુદરત કે ઈશ્વર જ્યારે આપણને કોઈ મુશ્કેલીઓ કે આફતમાં મૂકે છે, એ સાથે જ તેમાંથી બહાર આવવાં માટેનો કોઈને કોઈ સંકેત જરૂર આપે છે. બસ આપણે જ એ સંકેત સમજવામાં નિષ્ફળ થતાં હોઈએ છીએ.
એવામાં બરાબર એ જ સમયે જાણે નિકુંજનાં મનમાં કોઈ પ્રેરણા સ્ફુરી હોય તેવી રીતે તેવી રીતે "દેવોનાં દેવ..મહાદેવની" મૂર્તિ પાસે જઈને બે હાથ જોડાતાં મનોમન પ્રાર્થના કરે છે કે..
"હે ! ભોળાનાથ હું જ્યારથી સમજતો થયો છું ત્યારથી માંડીને આજસુધી મારા પિતા સુરેશભાઈ નિ:સ્વાર્થ ભાવે તમારી પૂજા અર્ચના કરતાં આવ્યા છે. આજે મારા પિતા પર જે આફત આવી પડી છે તેમાંથી તમે એક જ તેઓને બચાવી શકો છો...તું તો ભોળીયોનાથ છો...તું જો અસુરોને પણ તેની આકરી તપસ્યાથી પ્રસન્ન થઈને આશીર્વાદરૂપે વરદાન આપી દેતાં હો તો પછી અહીં તો વાત તારા પરમ ભક્તનાં જીવ બચાવવાની છે. જો મારા પિતા સાથે કોઈ અજુગતી કે અવિશ્વસનીય ઘટનાં ઘટશે તો પછી આવનાર સમયમાં લોકો તારા અસ્તિત્વ પર પણ લોકો આંગળી ચીંધશે..અને એ બધાંની સૌથી આગળ હું જ ઊભો હોઈશ.
નિકુંજ આટલું બોલે એ સાથે ત્યાં મંદિરમાં આવેલ હવનકુંડમાં અચાનક એક પ્રચંડ ઝબકારા સાથે અગ્નિ પ્રગટી ઊઠે છે. આ જોઈ નિકુંજની આંખોમાં એક અલગ જ પ્રકારની ચમક છવાઈ જાય છે અને "હે ભોળા તારી લીલા પણ અપરંપાર છે." એવું બોલે છે. અને જાણે ઈશ્વરે આપેલ આ સંકેત નિકુંજ સમજી ગયો હોય તેમ તેની પાસે "મિસ્ટેરીયસ જર્ની ઓફ લાઈફ" ની જે પાંચે પાંચ પુસ્તકો હતાં એ બધાં જ પેલી દિવ્ય અને તેજસ્વી રોશનીવાળા હવનકુંડમાં હોમી દે છે.
આ સાથે જ નિકુંજને પોતાનાં પિતા સુરેશભાઈ વિશે વિચાર આવતાં જ તે પોતાનાં ઘર તરફ દોટ મૂકે છે. ઘરે પહોંચ્યા બાદ સુરેશભાઈને હેમખેમ જોયાં બાદ નિકુંજનાં જીવમાં જીવ આવ્યો. સુરેશભાઈને હેમખેમ જોઈને નિકુંજનાં વધી ગયેલાં શ્વાસોશ્વાસ અને હૃદયનાં ધબકારા ફરી પાછા પહેલાની માફક નોર્મલ બની જાય છે, અને આ સાથે જ નિકુંજ તેનાં પિતાને ગળે વળગી જાય છે.
આપણી આસપાસ અમુક વસ્તુઓ એવી હોય છે કે જે પોતાની સાથે અકલ્પનિય, ડરામણો અને ભયાનક ભૂતકાળ પોતાની અંદર વર્ષોથી દબાવી બેસેલ હોય છે અને જ્યારે પણ આવી પ્રાચીન વસ્તુઓ નિકુંજની માફક કોઈ વ્યક્તિનાં હાથમાં આવી ચડે છે, ત્યારબાદ તે પોતાની વાસ્તવિક અસરો બતાવવાનું શરૂ કરી દેતી હોય છે, અને એમાં પણ જો નિકુંજની માફક સમયસૂચકતા ના દર્શાવી શકીએ તો તેનું પરિણામ ખૂબ જ ભયાનક, ભયંકર કે વિનાશક આવી શકે છે, જે આપણી કલ્પના શક્તિ કરતાં બહાર હોય છે.