Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

Prafull Shah

Drama Others Inspirational

4  

Prafull Shah

Drama Others Inspirational

લવ સ્ટોરીઝ

લવ સ્ટોરીઝ

15 mins
14.3K


મારે ધણું બધું બોલવું છે, પણ ચૂપ છું. જે રીતે શબ્દોની ધૂળ મારા પર તે એટલે મારી પત્ની વરસાવી રહી છે તેનાથી મને શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. હું આંખો બંધ કરીને સોફા પર બેસી રહ્યો છું.

“ચા મૂકી છે, પી લો.” કહેતી રસોડામાં જતી રહી. મેં બંધ આંખો મારી ખોલી. મારી ઈચ્છા જરા પણ ન હતી ચા પીવાની, છતાં ચૂપચાપ પી લીધી. તે રસોડામાં હતી, હું સોફા પર બેઠો હતો. અમારી વચ્ચે હું પણાનું ધુમ્મસ હતું. જો કે મારા માટે આ સ્થિતિ નવી ન હતી. મારી ચુપ્પીથી એનો લાવારસ જેવો ગુસ્સો પાણીનાં પરપોટાની જેમ ફૂટીને ઓગળતો ગયો.

“જમવા બેસો..” ડાઈનીંગ ટેબલ પર ગોઠવતાં તે બોલી.

“બેસું છું.” કહી હાથ ધોવા ગયો ચાના કપરકાબી લઈને. ઈચ્છા તો હતી કે ખાલી કપરકાબી ત્યાં જ મૂકી રાખું. પણ ઠરી ગયેલી આગને ફૂંક મારવા માંગતો ન હતો.

હું મારી જાતે સંવાદ કરી રહ્યો હતો. ત્રીસ વરસ અમારાં લગ્નને થઈ ગયાં અને આ અચાનક મીન્ટુ ક્યાંથી ફૂટી નીકળ્યો. જેની સાથે નાહવાનીચોવાનો સંબંધ નથી તે કંકોત્રી આપી ગયો બેશરમ બનીને એ પણ મારી ગેરહાજરીમાં અને મારી પત્ની પૂછે છે કે એની દીકરીનાં લગ્નમાં જઈએ કે? આજ મીન્ટુએ મારી પત્ની દીશાને પહેલાં-પહેલાં પ્યારમાં દગો આપ્યો હતો અને દીશાએ ઝેર પીને જીવન ટુંકાવાનો પ્રયત્ન કરેલો. કદાચ સમયસર હું ત્યાં ન પહોંચ્યો હોત તો?

એ થાળીમાં પીરસી રહી હતી. હું એને જોઈ રહ્યો હતો. એ જ્યારે ગુસ્સામાં હોય કે મસ્તીમાં એને હું જોયા કરતો. મને મજા આવતી એનો રતુંમડો ચહેરો જોવાની જાણે સૂર્યોદય કે સૂર્યાસ્ત!

અમારી વચ્ચે ઝધડો થવાનું કારણ પણ મીન્ટું હતો. તે દિવસે ઓફિસથી ઘરે આવ્યો. વિચાર્યું હતું કે કાલે રવિવાર છે. આજે એટલે કે શનિવારે લાસ્ટ શોમાં પિક્ચર જોવા જઈએ. હરખાતો મલકાતો ઘરમાં પ્રવેશ્યો. “શું વાત છે? આજે બહુ ખુશમાં છો?”

“કેમ એમ પૂછીયું?” મેં નાટકીય અદાજમાં મારી ખુશી વ્યક્ત કરી. અને એ આદત મુજબ મારું નાક પકડી હસી પડી. હું સોફા પર બેઠો. પાણીનો ગ્લાસ લાવી તે મારી બાજુમાં બેઠી. અને ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ. મને અજીબ શું લાગ્યું. એકીટશે હું જોઈ રહ્યો. તે ઊભી થઈ. ખાનું ખોલ્યું. એક પ્લાસ્ટીકની થેલી લઈ મારી પાસે બેઠી. થેલીમાંથી કંકોત્રી કાઢીને તેણે કહ્યું, “આજે મીન્ટુ   આવ્યો હતો. એની દીકરીનાં લગ્ન છે. આપણને આમંત્રણ આપી ગયો છે.”

મીન્ટુનું નામ સાંભળતાં જ હું મારો મિજાજ ખોઈ બેઠો. “તે એને અંદર કેમ ઘુસવા દીધો? એ નાલાયકની હિંમત ક્યાંથી કે આમ ઘરમાં ઘૂસે? તે શું કહ્યું? પુરાણી વાતો કાઢી હશે તે નાલાયકે? માફી માંગી હશે? કદાચ તમે બંને રડ્યાં હશો? આપણને સંતાન નથી તે જાણી ખોટો ખોટો અફસોસ વ્યક્ત કર્યો હશે? લગ્નમાં આવવા આજીજી કરી હશે? અને તે હા પાડી હશે!”

એક ક્ષણ આવા તોફાની વિચારોને મેં શાંત પાડ્યાં. હું સ્વસ્થ થયો. સહજતા લાવી મેં પૂછ્યું, “તે શું કહ્યું. તેને જોઈ તું આશ્ચર્ય પામી હશે?”

“દેખીતી વાત છે. હું તો આભી જ બની ગઈ. શું કરવું શું ના કરવું, કશું ના સમજાયું. ગુસ્સો પણ આવી ગયો. પણ માનવતા દાખવી બારણાંમાં જ પૂછ્યું કે તે કેમ આવ્યો છે. પરાણે શબ્દો નીકળ્યાં. મેં કહ્યું, અંદર આવો. તે પરાણે અંદર આવ્યો. કંકાત્રી કાઢીને આપી. તારા વિશે પૂછ્યું. ચા પાણીનો ઈન્કાર કર્યો.”

“પણ તારે ફોર્સ તો કરવો જોઈતો હતો.”

“તેને જોઈ મારું મગજ બહેર મારી ગયું હતું. સાચું કહું તો હું ગભરાઈ ગઈ હતી.” “ખાસ કાંઈ બોલ્યો?”

“ના ઉતાવળમાં હતો. કંકોત્રી આપી આપણને આવવાની વિનંતી કરી છે. કશું લીધું નહીં. બીજી વાર આવીશ તો લઈશ. કહી નીકળી ગયો. તને ના મળ્યાનો અફસોસ જતાવ્યો. સાવ નંખાઈ ગયો હતો.”

“બીજું કાંઈ બોલ્યો?”

“ના. જતાં જતાં બે વાર પૂછ્યું કે તમો આવશો? મેં જવાબ ના આપ્યો. છેલ્લે એટલું જ કહ્યું કે આવશો તો સમજીશ તમે મને માફ કર્યો છે.”

થોડી ક્ષણો અમે બંનએે મોનનું આવરણ ઓઢી લીધું. તે ઊભી થઈને બારી બહાર આકાશ જોઈ રહી હતી અને હું તેને.

“ત્યાં કેમ ઊભી છે? શું વિચારે છે?”

“અમસ્તી.” કહેતાં મારી બાજુમાં બેઠી. પછી ધીમેથી મને પૂછ્યું, “તને  શું લાગે છે? જવું જોઈએ?” “તારી શી ઈચ્છા છે?”

“મેં તને પૂછ્યું છે.”

“તારી ઈચ્છા હોય તો તું જઈ શકે છે. પણ હું નહી આવું...”

“હું ક્યાં જવાની છું. આ તો જસ્ટ.”

“આ તો જસ્ટ મેં તને કહી દીધું. આ વાત અહીં ખતમ.”

“ઠીક છે.” કહી તે તેનાં કામમાં ઓગળી ગઈ.

આ વાતને બે દિવસ વીતી ગયાં. આ દરમ્યાન બે દિવસમાં આડકતર રીતે પાંચ છ વાર પૂછ્યું કે મારો શો વિચાર છે. પણ હું જવાબ આપવાનું ટાળતો હતો. આજે ફરી એ જ વાત કાઢતાં મારી કમાન છટકી, “દીશા, એકની એક વાત દસ વાર તે કાઢી પણ હું ચુપ છું. તને તારા પ્રેમી પ્રત્યે હમદર્દી થતી હોય ત્રીસ વરસે, તો તું જઈ શકે છે.” ભૂલથી એની દુખતી નસ દબાઈ ગઈ અને તે સ્પ્રીંગની જેમ ઉછળી અને હું એની  તોફાની અદા ઝીલતો રહ્યો.

“આમ મને શું જોઈ રહ્યો છે.” પીરસતાં પીરસતાં તેને પૂછ્યું. મેં જવાબ ન આપ્યો.

મારી બાજુમાં બેસી જાણે કશું બન્યું નથી એમ બેસીને ધીમે ધીમે ચાવીને ખાવા લાગી. એક હાથ ગાલ પર બીજો હાથ થાળીમાં. ખાતાં ખાતાં જ પૂછ્યું કે ભાખરી લો. મેં ના પાડી. બબડતાં બબડતાં તે બોલી, “ભગવાને શાંતિથી ખાવાનું આપ્યું છે તો ખાવને.” કહી મારી થાળીમાં ભાખરી મૂકી. હું એને જોઈ રહ્યો. “આમ ધૂરકી ધૂરકીને શું જોઈ રહ્યા છો?” કહી હસી પડી. હું સમજી શક્યો નથી કે તે નાદાન છે કે નિર્દોષ કે માસુમ. કદાચ આ જ કારણ છે મારી ચાહતનું. મારા આર્કષણનું.

આમ તો અમે હોસ્ટેલમાં જ ભણતાં હતાં. એક જ કોલેજ હતી. તે સીધીસાદી પણ એની તરફ નજર જાય. દરરોજ ડ્રેસ નવો જ હોય. અમે મિત્રો આપસમાં વિચારતાં કે શું આ છોકરી ડ્રેસ ભાડેથી લાવે છે કે? ઘઉંવરણની, નાજુક, રોજ નવાનવા ડ્રેસ, આંખે ગોગલ્સ, સીધું આવવું ને સીધું જવું. કામ પૂરતી વાત. કોણ જાણે કેમ, અમે સામસામે ધણીવાર અથડાઈ જતાં. નજરથી નજર મળી જતી. સાચું કહું તો હું મનોમન ચાહવા લાગેલો. વાત કરવાનો મોકો ગોતતો પણ મળતો નહીં.

વાતમાંથી વાત મળી મિથુન ઉર્ફે મીન્ટુ જે અમારા ગૃપમાં હતો તેમની વચ્ચે પ્રણય પાંગર્યો હતો. છૂપોછૂપો. જે અમારા સૌની જાણબહાર હતો. એક દિવસ દીશા મને મળી અને પૂછ્યું કે હું મીન્ટુ વિશે કાંઈ જાણું છું? ત્યારે અમને તેમનાં વિશે ખબર પડી. એથી વિશેષ અમે જાણ્યું કે તે પંદર દિવસથી ગાયબ છે. છેલ્લે ખબર મળ્યા કે તે કોઈ છોકરી જોડે ભાગી ગયો છે. દીશાને આ વાતની જાણ થઈ ત્યારે માનસિક રીતે ભાંગી પડી હતી. એટલી હદે કે વિષ પી લીધું. નસીબ જોગે મને જાણ થતાં સમયસર પહોંચ્યો અને સારવાર મળી અને બચી ગઈ. માનસિક રીતે સ્વસ્થ થતાં છ મહિના લાગ્યા અને અમારા વચ્ચે ખાસ કરીને તેનાં હૈયામાં મારા પ્રત્યે લાગણીનાં બીજ રોપાણાં. હું તેને જોયા કરતો અને તે મને પૂછી બેઠી, “આમ મને શું જોયા કરો છો?”

મેં કહ્યું, “તારો ચહેરો.” એ શરમાઈ ગઈ. “તું મને પ્રેમ કરે છે.”

“આ પ્રશ્ન મારે તને પૂછવો જોઈએ.”

“કેમ?”

“સાચું કહું તો જે દિવસથી મેં તને જોઈ છે તે દિવસથી તારા પ્રેમમાં છું.”

“શું વાત કરે છે?”

“પણ તું મને ભાવ ક્યાં આપતી હતી !”

“ઓહ!”

“નારાજ છે?”

“બિલકુલ નહીં.”

“ખરેખર, તારા સમ..”

“પ્લીઝ સમ ના ખા.. મને તારામાં ટ્રસ્ટ છે. પેલો તારાસમ તારા સમ કરીને છેતરી ગયો.. ડેમ ઈટ..”

“દીશા, ખરાબ શમણું ગણી ભૂલી જા પ્લીઝ.”

“પણ તું ભૂલી શકીશ? ભૂલમાં પણ ભૂલી શકીશ?”

“તને શક છે?”

“મને મારા પર વિશ્વાસ હવે રહ્યો નથી.”

“પણ મારા પર વિશ્વાસ રાખજે. હું તને ચાહું છું મારાથી પણ વધુ..” કહી તેને જોઈ રહ્યો. તે ઝરણાની જેમ હસી પડી. તેનાં હવામાં ઉડતાં ઝૂલ્ફો, મુક્ત રીતે હસવાનો કલરલ અને હરણાં પેઠે દોટમાં હિલોળા લેતું એનું યોવન મને આકર્ષિ ગયું અને હું પ્રેમ દિવાનો એટલી હદે બની ગયો કે મનોમન ભગવાન સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે એનાં હ્રદયને ચોટ તો નહીં જ પહોંચાડું.

આખરે તે થાકીને બેસી ગઈ. હું તેની પાસે ગયો.

“એક વાત કહું?”

“જરૂર કહે..”

“મારો ગુસ્સો સહન કરી શકીશ?” મેં માથુ હલાવ્યું.

“જો તું મારો ગુસ્સો સહન કરી શકીશ તો તું મારો પ્રેમ પચાવી શકીશ.”

“તું શું બોલે છે તે જ સમજાતું નથી.”

“સમજાશે બધું આસ્તે.. આસ્તે…” કહી મારા ખોળામાં પડી. અમે એકબીજાને ક્યાંય સુધી જોતાં રહેલાં.

“આજથી આપણાં ભૂતકાળને દફનાવી દીધો છે કબૂલ?”

“કબૂલ.”

અને અમારી એક નવી જિંદગીની શરૂઆત થઈ. પરીક્ષા પછી અમે અમારા ઘરે ગયાં. મારા માતપિતા અમને જોતાં જ સમજી ગયાં અને હસતા વદને અમને આવકાર્યાં. મારી બહેનને ના જોતાં ફાળ પડી. તે કોઈની સાથે ભાગી ગઈ હતી. મારી પરીક્ષાનાં લીધે મને સમાચાર આપ્યાં નહીં. સમયનાં વહેણમાં તરતાં રહ્યાં… તરતાં રહ્યાં…

રાત આખી અજંપામાં વીતી ગઈ. એનાં ભૂતકાળનાં અવશેષને મેં ખોદીને બહાર કાઢ્યાં અને પુરુષજાતની નબળાઈ છતી કરી નાખી. તે કદાચ ધસધસાટ સૂતી હતી. સવાર રાબેતા મુજબ ઊગી. હું ગડમથલમાં હતો. ટીપોય પર મૂકેલી કંકોત્રી વાંચી.

“અરે, મીન્ટુ કલકત્તામાં રહે છે.” એને કોઈ જવાબ ન આપ્યો.

“મહિનાની વાર છે. ટિકિટ બુક કરાવું છું.”

“ના. મારે નથી જવું. આમંત્રણ મને નહીં તમને આપેલું છે. મારું નહીં તમારું નામ લખ્યું છે.” કહેતાં ચાનો ગ્લાસ મૂક્યો.

“કેમ?”

“રાતે તમાશો ઓછો કર્યો છે?”

“હું જાણું છું. ભૂલ થઈ ગઈ.”

“આને તું ભૂલ કહે છે?”

“તારે જે સમજવું હોય તે સમજ. તારી ઓકાત તે બતાવી દીધી. એક બાજુ ખીણ એક બાજુ..” આગળ બોલતાં અટકાવીને કહ્યું, “મને મૂડ નથી ઝઘડવાનો. જે કહેવું હોય તે રાતે કહેજે.. મારે ઓફિસ જવાનું છે. પ્લીઝ…”

“ઓહ, તો રાતે તૈયાર થઈને આવજે.. બરાબર ઝધડશું.” કહી તે હસી પડી અને મારા હાથમાંનો ચાનો ગ્લાસ ધ્રુજી ગયો. મેં હળવાશ અનુભવી. “ઓહ ભગવાન!” કહી હું ઊભો થયો. રસોડામાંથી બહાર આવતાં તે ટહૂકી ઊઠી, “કેમ ભગવાનને યાદ કર્યા. મારાથી ઝઘડવાનો ડર લાગે છે કે?”

“તારાથી ઝઘડીશ તો તને પ્યાર કોણ કરશે?” કહેતાં તેની તરફ ઝૂક્યો. તે આઘી ખસી ગઈ અને બોલી, “રાત ભર પડખાં ફેરવીને થાકી ગયો. કેમ ખરું ને?”

“ઓત્તારીની તો રાતે તું જાગતી હતી?”

“તારી મજા લેતી હતી.. જા બાથરુમમાં હવે મોડું થશે તો મને બદનામ કરીશ.” “ખરેખર તને સમજવી મુશ્કેલ છે.” એમ મનોમન બબડતો બાથરુમમાં ગયો. દરવાજો વાસવા જતો હતો ત્યાં તે આવીને સંભળાવતી ગઈ, “કંઈ સંભળાય એવું તો બોલ.”

ઓફિસમાં મન વંટોળમાં પતંગ જેમ ઝોલાં ખાય તેમ ઝોલાં ખાઈ રહ્યું હતું. મીન્ટુ નામનો વંટોળ મારા મનને અહીંતહીં અથડાવી રહ્યો હતો શંકાકુશંકા એ મારા સ્થિર જીવનમાં વમળ પેદા કર્યા હતાં. દીશા પ્રત્યેનાં પ્રેમ, વફાદારીનું કોંક્રિટનું ચણતર પાણીની દિવાલની જેમ છિન્નભીન્ન થઈ ગયું હતું. બેવફાઈની રજકણો મારા સમગ્ર અસ્તિત્વને ધ્રૂજાવી રહ્યું હતું. જે મીન્ટુને એનાં નામ માત્રથી ધિક્કારતી હતી તેનાં તરફ સહાનૂભુતિ! મારું મન ચક્રવાતમાં ખૂંપી ગયું હતું. ન સમજાય તેવા પ્રશ્નો પ્રતિપ્રશ્નોની ડમરીમાં ધેરાઈ ચૂક્યો હતો. શું હું બેવકૂફ હતો? શું તે મારી સાથે સંજોગોનો શિકાર બની અત્યાર સુધી બનાવટ કરતી હતી? મને ખરેખર પ્રેમ કરતી હતી? શું મીન્ટુ સાથેની બંધ થઈ ગયેલી ફાઈલને મારી જાણ બહાર ખોલી હતી? વરસોથી જેની સાથે બોલવાનોય સંબંધ નથી તેને મારાં ઘરનું સરનામું ક્યાંથી મળ્યું હશે? કદાચ દીશા તો નહીં હોયને?

મને ફિલ્મી એક ડાયલોગ યાદ આવી ગયો. જેમાં હિરોઈન કહેતી હોય છે કે પ્યાર એક હી બાર હોતા હૈ. દૂસરી બાર જો હોતા હૈ વો હૈ સિર્ફ સમજોતા. તો દીશા અને મારા વચ્ચે પ્રેમ નહીં પણ તેના માટે સમયની જરૂરિયાત હતી અને મારા માટે એ બીજાની ના થઈ તેની ખુશી. મને મારી વસ્તુ મળી તેનો ગર્વ કે દ્રેષ ભાવ જેને મેં પ્રેમનું સોહામણું વસ્ર જાણેઅજાણે પહેરાવ્યું હતું. મારી જાણ બહાર! આ બાબતનો ફેંસલો તો કરવો જ પડશે. કહી દઈશ કે હજી મીન્ટુ પ્રત્યે લાગણી હોય તો તેની સાથે જઈ શકે છે. તને મારા બંધનમાંથી મુક્ત કરું છું.

લાગણીનું બીજું નામ એટલે ઊભરો. જે ઢોળાઈ પણ જાય છે અથવા ધીમે ધીમે ઊકળી વરાળ થઈ ક્યાંક વાદળ રૂપે બંધાઈ જાય છે. જેમ જેમ હુંપણું મારું ઓગળતું ગયું તેમ તેમ દીશા તરફી વલણ મારામાં પ્રવેશતું ગયું!

હું મારી જાતને પૂછી રહ્યો હતો કે મીન્ટુ અને મારી વચ્ચેનાં સંબંધમાં આત્મીયતા જ ક્યાં હતી. હાય, હલ્લો કે બાય એથી વિશેષ ક્યાં કશું હતું. દીશા મારી પત્ની બની ત્યારે મીન્ટુનું અસ્તિત્વ જ ક્યાં હતું. ત્રીસ વર્ષ પછી જૂનાં સંબંધોની અહેમિયત પણ કેટલી? કદાચ ધૃણા જો હોવી જોઈએ તો દીશાને હોવી જોઈએ. મારે શા માટે આટલા પજેસીવ બનવાની જરૂર હતી. મારે પૂછવું જોઈતું હતું શાંતિથી ત્યાં જવાનું કારણ. એનાં બદલે ના કહેવાનાં શબ્દો હું બોલી ગયો! શંકા કરવા લાગ્યો. એને કેવી ઠેસ પહોંચી હશે? છતાં કડવાં ઘુંટ પી ગઈ અને સોરી જેવા બે શબ્દો હું બોલી ના શક્યો. મને મારી જાત પર શરમ આવી.

જેમતેમ કરી ઓફિસ અવર પૂરો કર્યો. ઘેટાબકરાંની ભીડમાં સામેલ થઈ ગયો. મારા થાકેલા પગ રોજની દિશામાં ફંટાવા લાગ્યા. મારી ચાલ, મારા હાવભાવ, મારું અસ્તિત્વ, મારાં હૈયાની ઘડકન, મારા વિચારોનો ગ્રાફ, બધું એકબીજાથી વિપરીત ચાલી રહ્યું હતું. નકારાત્મકનો અંધકાર મને ડરાવી રહ્યો હતો. કદાચ એ જ કહી દે કે હું તારાથી અલગ થવા માગું છું તો? આનો મારી પાસે કોઈ ઉકેલ નથી. એઝ યુ વીશ આ જ મારો ઉત્તર હશે. કદાચ ઘર ખોલતાં ટીપોય પર કાગળ હશે. કાગળ ને ફરિયાદોથી રંગ્યો હશે અને લખ્યું હશે ગૂડબાય! અને એથી વિશેષ કદાચ સૂસાઈડ કર્યું હશે તો? તો એ વિચાર આવતાં જ હું ધ્રૂજી ઊઠ્યો. પરસેવાનાં તાંતણા વીંટળાઈ વર્યાં. એક બિહામણું દ્રશ્ય મારી આંખો સમક્ષ ફરી વળ્યું. સૌ જાણે મારી રાહ જોઈ રહ્યાં ના હોય, એમ ઊભા હશે! પોલીસવાન, ટોળું, પ્રશ્નોની કાંટાળી વાડ, ગુનેગારની ચીપક પટ્ટી લઈને સૌ ઊભા હશે મારી રાહ જોતાં જોતાં અને હું આરોપી બની આજીજી કરતો હોઉં કે મને કશી ખબર નથી, ખબર નથી, પોલીસચોકીની અંધારી રૂમ, આવનારા ડરે મને અધમુવો કરી નાખ્યો.

“સાહેબ, તબિયત તો સારી છે ને?” મને જોતાં ખૂરશી પર બેઠેલા વોચમેને સલામ કરતાં પૂછ્યું. હું વાસ્તવિક જગતમાં આવ્યો. “જગત કેમ છે?” મેં મારી અસ્થિર માનસિક અવસ્થા છૂપાવતાં હસતાં હસતાં પૂછ્યું. તે માત્ર હસ્યો. લીફ્ટનો દરવાજો બંધ કરી હું દર્પણમાં મારી જાત નીરખવાં લાગ્યો. ચોળાઈ ગયેલાં કપડાં, વાળ, ચહેરો ઠીક કર્યો. લીફ્ટનો દરવાજો ખૂલ્યો. ખુશીનો નકાબ ઓઢી ડાબી તરફ વળ્યો. ઘરનો દરવાજો અર્ધ ખૂલ્લો હતો. હું ચોંકયો.

દીશા બનીઠનીને બારી બહાર નજર નાખીને ઊભી ઊભી લહેકા સાથે વાતો કરી રહી હતી. મારો ઘરમાં પ્રવેશ નજર અંદાજ કર્યો છે એવું એના હાવભાવથી લાગ્યું. વળી પાછો શંકાનો સૂતેલો કીડો સળવળવા લાગ્યો. જેવા સાથે તેવા એમ વિચારી હું બાથરૂમમાં ગયો. શાવર ચાલુ કરી મારા શમણાની દુનિયામાં ખોવાઈ ગયો.

આપણું મન પણ કેવું અજીબ છે. ગમે ત્યાં, ગમે ત્યારે તરાપ મારે છે. ના આગળપાછળનો વિચાર કરે છે! પડ્યા પછી ડહાપણ અને પામ્યા પછી શાણપણ ફૂટી નીકળે છે. મેં સમજણની સાવરણી લઈ નકારાત્મક ધૂળ વાળી હકારત્મક આકાશ નીચે વરસતા વરસાદનાં જેવી રોમાન્ટીક પળ માણવા લાગ્યો. દીશાનાં અવગુણોનું ધુમ્મસ જે મેં વસાવ્યું હતું તે સમજદારીનાં સૂર્ય પ્રકાશમાં ઓગળી ગયું શાવરની મઝા માણતાં માણતાં..

“અરે, કેટલી વાર લગાડી? જલ્દી બાથરૂમમાંથી બહાર નીકળ. તૈયાર થઈ જાવ જલ્દીથી. બહાર જવાનું  છે.. હરી અપ..”

સુખદ પળની પાંખડી પર ઝૂલતાં ખુશીઓનાં ઝાકળ લહેરાઈ ઊઠ્યાં દીશાનો કોકીલ શો ટહૂકો સુણતાં. પણ મેં જવાબ ન આપ્યો. આશા રાખી હતી પુનરાવર્તનની. પણ હું નિરાશ થયો. કદાચ ઉતાવળમાં હશે એમ મન મનાવી હું તૈયાર થવા મારાં રૂમમાં ગયો.

તૈયાર થઈ હોલમાં આવ્યો. દીશાએ મારી તરફ જોયું. પરાણે ખુશીઓનું લીપણ લગાવી પૂછ્યું, “આજ સરપ્રાઈઝ છે કે શું?”

“હા. તે કલ્પનાં પણ નહીં કરી હોય?” ઊભા થતાં તે બોલી. “આજે જરૂરી ચોખવટ કરવી છે. હોટલમાં જઈએ. શાંતિથી વાત કરીએ.. ચલ..” મારકણું સ્મિત કરતાં બોલી. જ્યારે કોઈ વાત મારી સમજણ બહાર જાય ત્યારે આગે આગે દેખા જાયેગા, પડશે એવા દેવાશે જેવી નીતિ અપનાવી ચૂપ રહું છું.

“આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?” જમણી તરફ નજર માંડતા પૂછ્યું. ના જવાબ મળ્યો. એની નજર બારી બહાર હતી. ટેક્ષી સડસડાટ દોડી રહી હતી. હવામાં લહેરાતી લટને વારેવારે સરખી કરી રહી હતી. “દીશા, મેં તને કશું પૂછ્યું?”

“મેં સાંભળવાનું બંધ કરી દીધું છે.”

“એટલે?”

“તારે જે સમજવું હોય તે સમજ.” કહી મારી સામે જોયું. “ઠીક છે.” કહી મેં મોબાઈલ કાઢ્યો અને...

આ જાતનું એનું વર્તન મારા માટે નવું ન હતું. ખરેખર તો એ પર્વતીય મોસમ હતી. સૌથી મજાની વાત તો એ કે પળપળ બદલાતી જાણે મોસમ. ક્યારે એનો સ્વભાવ બદલાય એ ખબર ના પડે. અને હું એનું આવું વર્તન સહી લેતો તેનું એક માત્ર કારણ હું એને ચાહતો હતો. મારી પાસે ચાહતની વ્યાખ્યા તો નથી. પણ એ ના હોય, રીસાઈ જાય ત્યારે હું આકુળવ્યાકુળ બની જતો. કદાચ મારો શ્વાસોશ્વાસ હતી! આ મારી નબળાઈ નહીં પણ મારો સ્વભાવ હતો.

“યુ ટર્ન લેકર, ‘મિલન’ હોટલ કે અંદર લો.”

“જી, મેમસાહેબ.”

ટેક્ષીએ ધીમેથી યુ ટર્ન લીધો. ગેટ પાસે ટેક્ષી ઊભી રહી. ખિસ્સામાંથી પાકિટ કાઢી મેં બીલ ચૂકવ્યું. ત્યાં સુધીમાં દિશાએ વેરવિખેર એનાં ઝુલ્ફોને સરખાં કર્યાં,  જેમ ગોવાળિયો આડાઅવળાં દોડતાં ગાયવાછરડાંને લાઈનદોરીમાં લે!

“ચાલો.” રાતરાણી શું સ્માઈલ ચહેરા પર લાવી મને આજ્ઞા કરી! હું તેની પાછળ ઘસડાયો રિસાયેલા બાળકની જેમ.

કાઉન્ટર પર ગપસપ થઈ. “મેડમ રૂમ નબર ૩૦૪.” લીફ્ટ આવી, દરવાજા બંધ થયા. પલ પલ દિલ કે પાસ ટ્યુન વાગી. દરવાજો ખૂલ્યો. જમણી તરફ વળ્યાં. ટોટલી એશી હોટલ, ડીમ લાઈટ, માદક સુવાસ, મનોહારી ઈન્ટેરીયર ડેકોરેશન જોતાં જોતાં શબ્દો સરી પડ્યાં

“અહીં સુહાગરાત માણવા આવ્યાં છીએ?” પસીનો લૂછતાં લૂછતાં બોલાઈ જવાયું.

“સુહાગરાતનો આનંદ એકવાર આવે જે ભૂલે ના ભૂલાય!”  હસતાં હસતાં આંખ મીંચકારતાં તે બોલી. “પણ તને એવું સરપ્રાઈઝ આપીશ કે છતે દિવસે તારા નજરે આવશે…” કહેતાં ડોર બેલ વગાડ્યો.

મનમાં વલોવણ શરૂ થઈ ગયું. બહુબહુ તો રાતની વાત લઈને ડાયવોર્સની માંગણી કરશે. નો પોબ્લેમ. એને મનાવા કરતાં એ જેનાથી રાજી રહે તે કરવું. તે ખુશ રહે એમાં અમારી જિંદગી છે.

દરવાજો ખૂલ્યો. લગભગ પચ્ચીસ વર્ષની છોકરી હશે. સસ્મિત કહ્યું, “આવો.”

યંત્રવત અંદર પ્રવેશ કર્યો. અમને પગે લાગી. આશ્ચર્ય પર આશ્ચર્ય! તે અંદર ગઈ. મેં પૂછ્યું, “કોણ છે?” ઈશારાથી દીશાએ સમજાવ્યું કે થોભો, રાહ જુઓ. તેણે દૂધ કોલ્ડીંગના ગ્લાસ ટીપોય પર મૂક્યાં. “મામા મામી લો..” હું મનોમન હસ્યો, બબડ્યો, ખરેખર હું મામો બની રહ્યો જ છું ને! પરાણે ગ્લાસ મોઢે માંડ્યો. તે અંદર ગઈ. થોડી વારમાં કપડાં બદલીને પાછી આવી. સરસ લાગતી હતી. કદાચ પોતીકી! પરફ્યુમની સુગંધ અને દૂધકોલ્ડીંગનો સ્વાદ માનીતો ને જાણીતો લાગ્યો. હું વિચારમાં પડી ગયો. “મામા, દૂધ કોલ્ડીંગ કેવું લાગ્યું? આ પરફ્યુમની સુગંધ કેવી લાગી?” મેં કોઈ જવાબ ન આપ્યો.

“મમ્મીએ તમારી ભાવતી, મનગમતી ચીજોની ધણી વાતો કરેલી. આ દૂધ કોલ્ડીંગનો સ્વાદ, મેં લગાવેલ પરફ્યુમની સુગધ તમારી ફેવરીટ છે. કેમ ખરું ને? કદાચ મેં પહેરેલા ડ્રેસનો કલર પણ..”  ભાવુક નજરે એ મને જોઈ રહી હતી. હું હસ્યો. “પણ તારી મમ્મી ક્યાં છે?”

મારી જાણ બહાર એની માસૂમિયત જોઈ મારા મુખમાંથી શબ્દો સરી પડ્યાં.

“મમ્મી!” એક ઊંડો શ્વાસ લઈ બારી પરનાં પડદાં બાજુ પર લઈ ખૂલ્લું આકાશ જોઈ રહી હતી. થોડી ક્ષણો મૌનની પારદર્શક દીવાલ રચાઈ ગઈ, એકબીજાને સમજવા. રૂમમાં શૂન્યાવકાશ છવાઈ ગયો. નીરવતાનાં પડધાં સૌને સંભળાઈ રહ્યાં હતાં. છતાં સૌ ખામોશ હતાં. બારીનાં પડદાં જેમ હતાં તેમ કરી મારી બાજુમાં બેઠી. ટીપોય પરનો કાચનો ગ્લાસ લઈ પાણીનો ધૂંટડો ભર્યો. સ્વસ્થ થઈ ધીમેથી બોલી, “તમને યાદ કરતાં કરતાં પરભુજીને વહાલી થઈ ગઈ. મામા મમ્મીએ મરતાં લગી તમને યાદ કર્યાં છે તમારું ગીત ગાતાં ગાતાં કોણ હલાવે....”

“તું કોની વાત કરે છે? સરલાની? મારી મા જણી બેનની?” અચાનક સ્પ્રિંગ ઊછળે એમ હું મારી બેઠક પરથી ઊછળ્યો.

“હા મામા. તમારી સરલુની વાત કરું છું.”

“એટલે તું એની દીકરી અને મારી ભાણી?”

“હા મામા..” કહેતાં મને વળગી પડી. શબ્દો નહીં આંસુ બોલતાં હતાં. સન્નાટો હતો કોમળ તડકા જેવો. દીશા ઊભી થઈ. અમને પાણીનો ગ્લાસ આપ્યો. “બેટા, તારું નામ..”

“તમે કંકોત્રી નથી વાંચી? પપ્પા તમને આપી ગયા હતા..”

પરિસ્તિથી હું પામી ગયો. છોભીલો પડ્યો. પણ હકીકત સ્વીકારી લીધી. “ના, બેટા..”

માંડમાંડ બોલી શક્યો. ત્યાં જ મોન્ટુ અંદરનાં રૂમમાંથી બહાર આવ્યો. ચોખવટ કરતાં કહ્યું, “બેટા, તારા મામા મને મળ્યા ન હતા.”

“પણ, પપ્પા તમે તો..”

“બેટા,તને ખુશ રાખવા.. સિર્ફ તારા મામી મળ્યાં હતાં..”

“બેટા, યામીની તારા પપ્પાએ તો પાણી પણ પીધું ન હતું..”

“કારણ હું જાણું છું. નફરત..”

“ના બેટા એવું નથી..”

“એવું જ હતું પપ્પા..”

“યામિની, તારી વાત સાચી છે. કદાચ તારી મમ્મીએ હકીકત કહી હશે..” મેં ગંભીર થઈને કહ્યું.

“મામા, હકીકત તો તમે કે મામી પણ જાણતાં નહીં હોય. મૃત્યુનાં થોડા દિવસ પહેલાં મમ્મીએ પોતાનાં અતીતનો દાબડો ઢોળીને મને બતાવ્યો હતો. હું મારા પપ્પા એટલે કે તમારા મિત્ર મોન્ટુ અને મામી તમારા પ્રેમી મીન્ટુની દીકરી નથી. મામા, તમારા સર્કલમાંથી કોઈએ તમારી બહેનને ફસાવી પ્રેગન્ટ કરી હતી. અને તમારા મિત્ર મીન્ટુએ તળાવમાંથી બહાર કાઢી હતી મારી મમ્મીને. મરતાં મરતાં બચી ગઈ. મામા તમારી દોસ્તીની લાજ રાખવા, કુટુંબ કલંકમાંથી બચાવવા રાતોરાત ઘર છોડી કલકત્તા જઈને વસ્યાં. એટલું જ નહીં પણ મારા લાલનપાલન પર અસર ના પડે તે માટે નસબંધી કરાવી નાખી.

છેલ્લાં પંદર વર્ષથી રાતદિ’ની પરવા કર્યા વગર કેન્સરથી પીડાતી મારી મમ્મીની સેવા કરી છે..”

“યામીની, પ્લીઝ સ્ટોપ ઈટ. અને મેં જે કર્યું છે તે નવાઈની વાત નથી.” દીશા અને હું મીન્ટુનાં પગ પકડી  બોલ્યા, “ખરેખર અમે તારી માફી માગવાને લાયક નથી..”

“ચલ, હવે ઊભા થાવ. હું અહીં મારી મહાનતા બતાવવા આવ્યો નથી. મારે મારી દીકરીનાં લગ્નની તૈયારી કરવાની બાકી છે. તમારે તો કન્યાદાન કરવાનું છે સમજ્યાં કે..”

“કન્યાદાન નથી કરવાની હું..” અમે સૌ સ્તબ્ધ બની દીશાને જોઈ રહ્યાં.

તે હસતાં હસતાં બોલી, “કન્યાનું દાન કરવાની જરૂર નથી. યામિની પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે તો સંસ્કારદાન આપણે કરશું.” કહી યામિનીને વળગીને બોલી, “હવે તો જવાનું છે ને..”

મેં ભાવભરી આંખે સંમતિ દર્શાવી અને મારાં કાનમાં શહેનાઈનાં સૂરો ગૂંજી રહ્યા હતા.


Rate this content
Log in

More gujarati story from Prafull Shah

Similar gujarati story from Drama