ઉંબરો
ઉંબરો
ફુગ્ગામાંથી હવા નીકળી જાય અને જે દશા થાય તેવી દશા હું અનુભવી રહ્યો હતો, મારા અસ્તિત્વનો જાણે ઉપહાસ!
એવો બદ્નશીબ બાપ કે મારી પીડાને વ્યક્ત કરી શકતો નથી! પુરુષ, પુરુષને સમજી શકતો હોય છે કે પથ્થર જેવો પુરુષ માખણ કરતાં પણ સુંવાળો હોય છે.
સૌ મહેમાનો આવજો, બાયબાય, ફરી મળશું, કહી વિદાય લઈ રહ્યાં હતાં.રાત્રિનાં આઠ નાં અંધકારને બારી બારણે લટકટતાં ટમટમ તારલિયાં જેવાં લાઈટનાં તોરણો અજવાળી રહ્યાં હતાં.એ ઉજાસમાં મને ઉદાસી વર્તાતી હતી. કારણ હુ્ પોતે જ ઉદાસ, બેચેન, થાકેલો હતો. બે મહિનાનો ઉત્સાહ પ્રસંગ પત્યા પછી પેલા ફુગ્ગાની હવાની જેમ નીકળી ગયો હતો.સોફા પર બેઠો હતો વિરહનો ટોપલો પકડીને. મારી પત્ની ધમાધમ કરતી આડોઅવળો પડેલો સામાન ઠેકાણે પાડી રહી હતી, સ્વસ્થ ચિત્તે. ધન્ય છે એક ઉદ્ ગાર સરી પડ્યો.દીકરીને વળાવતી વખતે ગળે લગાડી ફક્ત બે શબ્દો બોલી જિંદગીના પાઠ ભણાવી દીધાં હતાં, ‘બેટાં, આવેશમાં આવી કોઈનાં હૈયાને ઠેસ ના લગાવતી,મારી વહાલી દીકરી”. કહી ભીની પાંપણ પરનાં આંસુ પાલવથી લૂછી માથા પર હાથ મૂકી આર્શીવાદ આપી એક સાંસારિક જવાબદારીથી મુક્ત થયાનો સંતોષ અનુભવી રહી હતી.જ્યારે હું ખૂણામાં ઊભો ઊભો મારી દીકરીને જોઈ રહ્યો હતો.મારા પર નજર પડતાં બોલી ઊઠી, “એય પપ્પા ત્યાં કેમ ઊભા છો? “ જેમતેમ કરી રસ્તો કાઢી તેની નજીક પહોંચ્યો અને આંખમાંથી આંસુઓનો ધોધ સરી પડ્યો.આ જોઈ હસતાં હસતાં મારી પીઠ થાબડતાં તે બોલી, “ પપ્પા, હું ક્યાં દૂર છું.” કહી મારાં આંસુ લુછ્યાં.એનાં હૂંફાળા શબ્દોથી હું સ્વસ્થ થયો અને એ બાય બાય કરતી ચાલી નીકળી.
“ શું વિચારે ચઢ્યાં છો?” હાથ મોઢું લૂછતાં લૂછતાં મારી બાજુમાં બેસતાં મારી પત્નીએ પૂછ્યું.
“ ખાસ કાંઈ નહી.” કહી તસ્વીર જોવા લાગ્યો.
“ અરે, આ તો રીતરિવાજ છે. છોકરી સાસરે જાય અને દીકરો પરદેશ જાય કમાવવા..હું થાકી ગઈ છું, તમે પણ થાક્યા હશો. સૂઈ જાવ નિરાંતે..મને તો ઊંધ આવે છે” કહી લાઈટની સ્વીચ ઓફ કરી,ચાદર ઓઢી, મારી તરફ નજર નાખી પડતાંની સાથે ઘસઘસાટ સૂઈ ગઈ.મેં પ્રયત્ન કર્યો સુવાનો પણ ઊંઘ જ ના આવે! ઊભો થયો.ધીમેથી દરવાજો ખોલી દીવાનખંડમાં બેઠો.ટી.વી. ચાલુ કર્યો.પણ મન ભટકી રહ્યું હતું.ચેનલ બદલી રહ્યો હતો.અજબ પ્રકારનો કંટાળો આવી રહ્યો હતો,જાણે બફારો! આંખ સામે પુત્રીનો ગ્રાફ.. જન્મથી લઈને આજ સુધીનો અઠ્ઠાવીસ વર્ષ ને પચાસ દિવસ! સેકંડ કાંટો એક ચક્કર પુરુ્ં કરે એ પહેલાં ઝલક ઝબકી ગઇ વીજળીનાં ચમકારાની જેમ! ટી.વી.ની બાજુમાં બુક કેશ હતું. પુત્રીનાં બુકનો ભંડાર.ઊભો થઈ એ કબાટ ખોલવા ગયો, પણ કબાટ લોક હતું. કાચમાંથી જોઈ રહ્યો સરસ મજાનાં ગોઠવેલાં પુસ્તકો.એ પુસ્તકોની આસપાસ ફરીવળી હતાં પુત્રીની યાદોનાં લીલાછમ પર્ણો. કંટાળ્યો. વળી પાછો ગોઠવાયો ટી.વી. સામે. અચાનક મારી નજર એનાં બંધ શયન કક્ષ તરફ ગઈ.ધીમેથી એનાં દરવાજે ટકોરા મરાઈ ગયાં.જાત પર હસવું આવી ગયું. હેન્ડલ નીચું કરી દરવાજો ખોલ્યો.સામે જ પુત્રી ઊભી છે એવો ભાસ થયો.’ આવો, પપ્પા.કેમ મોડું થયું? ‘ કહી વળગી પડી.એનાં પડધાં ફરી વળ્યાં. ધણી વાર મારી રાહ જોતી તે જાગતી પડી રહેતી. ડોરબેલ સાંભળતાં દોડીને દરવાજો ખોલતી અને ફરિયાદ કરી મારી ઊલટ તપાસ કરતી,રીસાઈ જતી.માથે હાથ ફેરવી માફી માંગી લેતો.મારી પાસેથી કસમ લઈ લેતી અને કહેતી કે મોડું થવાથી તેને ખરાબ વિચારો આવી જાય છે.બાપદીકરીને વળગેલાં જોઈ મારી પત્ની લાગણીનાં તોરણ બાંધી કહેતી,”દીકરી પરણીને સાસરે જશે તો શું કરશો?” “ ત્યારની વાત ત્યારે”.પરાણે હસી જવાબ આપતો.
બારી ખૂલ્લી હતી,દરવાજો ખુલતાં હવાની અવરજવળ ને અવકાશ મળ્યો.પાયલશો અવાજ સાંભળી હું ચોંક્યો! એક કંપારી શરીરમાં પ્રસરી ગઈ! મારી દીકરી પરીની જેમ ઊડી રહી હતી તે મને જોતાં જ ભાગી ગઈ.લાઈટનું બટનદબાવ્યું.ઉજાસ ફરી વળ્યો.બારીનાં સફેદ પડદાં ઝૂમી રહ્યાં હતાં.બારી પર લટકાવેલું લોખંડનાં પાઈપનુ્ં લટકન અથડાઈ રહ્યું હતું અને મંદ મંદ સંગીતનાં સૂરો ઝરમર ઝરમર વરસાદની જેમ વરસી રહ્યાં. મારીખૂલ્લી બારી બંધ કરી.સ્વીચ ઓફ કરી,દરવાજો હળવેથી વાસ્યો. પરસેવો લૂછી ટી.વી. સામે બેઠો. પણ આ પાગલમન માને તો ને.
રસોડામાં ગયો.પનિયારે માટલું, સામેનાં ખૂણામાં
ફ્રીજનો બડબડાટ,કંઈક પીવાની અધ્ કચરી ઈચ્છા થઈ આવી,પણ મેળ નાપડ્યો.અચાનક નજર પ્લેટફોર્મ પર સૂતેલા ગેસ પર ગઈ. એની ઉપરનાં ગોખલામાં સ્ટીલનાં ડબ્બા પર ચીતરેલાં સુંદર અક્ષરો પર ગઈ.ખાંડ,ચાય પત્તી,મસાલો.આ અક્ષર પણ મારી પુત્રીનાં હતાં.જેમ પવન દિશા બદલે એમ ઈચ્છા થઈ ચા બનાવી જરા પી લઉં.
અભરાઈ પર ગોઠવેલાં લાઈનસર વાસણો તરફ ગઈ.તપેલીની લાઈન તરફ ગયો.લંબાયેલો મારો હાથ હવામાં અધ્ધર રહી ગયો! હું હસી પડ્યો.નજર સમક્ષ મારી પુત્રી ફરી વળી ધમકાવતી.
“ શું પપ્પા,આટલી રાતે જાગો છો? ઊંધ નથી આવતી કે? મમ્મીની યાદ આવે છે? “ કહી હસી પડી. વાત જાણે એમ બનેલી કે મારી પત્ની કોઈક કારણ સર એનાં પિયરે ગયેલી.તે રાતે પણ ઊંધ મારી વેરી બની ગઈ હતી.રાત્રિનાં બે થયા હશે.ચા પીવાની ઈચ્છા થઈ.ગયો રસોડામાં.તપેલી લેવા ગયો કે એક સિવાયની બધી તપેલીઓ નીચે પડી.કારણ એકનાં નીચે એક તપેલીઓ હતી.એનાં અવાજથી પુત્રી જાગી ગઈ અને દોડતી રસોડામાં આવેલી.આ દ્રશ્ય યાદ આવતાં ચેતીને હળવેથી તપેલી કાઢી.ગેસ લાઈટરથી ચાલુ કર્યો ફટાફટ..મને લાગ્યું કે હું નહીં મારી પુત્રીએ મારામાં પ્રવેશ કર્યો છે.એટલું જ નહીં એને ભાવતી કોફી બનાવી.એક નહીં પણ બે બે ગ્લાસ! ટીપોય પર બે ગ્લાસ મૂકી રસોડાની લાઈટ બંધ કરી રુમમાં આવ્યો.એક ગ્લાસ ખાલી જોઈ અંધારા આવી ગયાં! જેમતેમ કરી મારો ગ્લાસ પૂરો કરી શયન ખંડમાં આવ્યો. પત્ની ન હતી.કશું વિચારું એ પહેલાં બાથરુમમાંથી બહાર આવી.હું તેને જોઈ રહ્યો.
“ શું કરો છો” પલંગ પર સુતાં સુતાં પૂછ્યું અને સૂઈ ગઈ.મેં પણ પલંગમાં લંબાવ્યું. ગોળ ગોળ ફરતાં પંખાને જોઈ રહ્યો અને વિચારોમાં અટવાઈ ગયો.આંખ સામે બાપ દીકરીનો એક લાંબો અરસો પળબેપળમાં ખતમ થતો લાગ્યો.દીકરીનાં વર્ણવેલાં ગીતો,વાર્તાના પડધાં મારા કાનમાં અથડાવા લાગ્યાં.મેં મારા મોંઢાને ચાદરથી ઢાંકી દીધું. “ એય પપ્પા, આ શું? ચહેરો ઢાંકીને ન સુવાય. અમારા ટીચરે કહ્યું હતું કે આવી રીતે સુવાથી રુંધામણ થાય, શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ પડે.ક્યારે ક મૃત્યુ પણ આવે.” આ છોડી મને જંપવા નહીં દે.પથારીમાં બેઠો થઈ ચારેબાજુ જોવા લાગ્યો. વર્ષો જૂની વાત અત્યારે કેમ યાદ આવી? કે એનો અદ્રશ્ય આત્મા મારી દેખરેખ રાખી રહ્યો છે! પણ મારી જ કેમ? આ બાજુ મારી પત્ની નિરાંતે નીંદર માણી રહી છે! જરુર કંઈક ઞરબડ છે.ગળે શોષ પડવા લાગ્યો. ગભરામણ જેવું થવા લાગ્યું.મને યાદ આવી ગયું. નાનપણમાં એક નહીં ત્રણ જ્યોતિષો એ મારું ભવિષ્ય ભાખેલું કે મારું આયુષ્ય ૬૦ વર્ષ જેટલું જ છે.મને ૬૦ મું ચાલે છે.. કદાચ આ આજ આખરી હશે.આંખો બંધ કરી શ્રી કૃષ્ણ શરણમ્ મમ મંત્ર જપવા લાગ્યો.ડરતાં ડરતાં રસોડામાં ગયો.પાણી પી વિચારવા લાગ્યો કે આમ કેમ થાય છે? તે મુશ્કેલીમાં તો નથી ને? મારા બંધ દરવાજાને જોઈ રહ્યો. દરવાજે કાન માંડ્યાં. કોઈ ખટખટાવતું તો નથી ને? કદાચ આ ક્ષણ આખરી હશે? અફસોસ રહી જશે.. આવું જ થયેલું. મારા કાકા જાત્રાએ જઈ રહ્યાં હતાં.દરરોજ હું મળતો હતો. તે દિવસે કોણ જાણે કેમ આખા દિવસમાં મળી ના શક્યો. રાત્રે મેં ફોન કર્યો. સવારે મળીશ એમ કહ્યું. ઘક્કો ના ખાવાની સલાહ આપી. બીજા દિવસે વહેલી સવારે ઊઠવાનો કંટાળો આવ્યો. ત્રીજે દિવસે સમાચાર આવ્યા કે હાર્ટ એટેકમાં તેઓ મૃત્યુ પામ્યા છે. હજુ આ ઘટનાં ભૂલી શક્યો નથી.મેં દરવાજો ખોલ્યો.સામેનો દરવાજો બંધ હતો.રીતરિવાજ, મર્યાદા, ની લક્ષ્મણ રેખાઓ ફરી વળી. દરવાજો ખટખટાવું કે નહીં? એક બાજુ લાગણી, બીજી બાજુ સામાજીક બંધન! વિચારોનું વાવાઝોડું ઉમટ્યું હતું.
દેખા જાયેગા એમ વિચારી જમણો પગ ઉપાડવા ગયો.ઓમા.. તીક્ષ્ણ અશબ્દ ચીસ નીકળી ગઈ ઠેસ વાગતાં તમ્મર આવી ગયાં.નીચે બેસી અંગૂઠો દબાવી દીધો.જોતો રહ્યો મારા ઘરનો ઉંબરો જાણે લક્ષ્મણ રેખા! એક ધુમાડો આકાર લઈ ઊડી રહ્યો હતો- દીકરી તો પારકી થાપણ કે’વાય...
ધીરેથી દરવાજો બંધ કરી બારીમાંથી ઊભો ઊભો ખૂલ્લું સ્વચ્છ આકાશ જોઈ રહ્યો ...