બારી જીવતરની
બારી જીવતરની
"આવો.." કાકીએ બેઠાં થતાં કહ્યું.
"શું કહે છે તમારી તબિયત.." મેં હસતાં હસતાં પૂછ્યું.
"જો દવા ખાઉં છું, પીડા ભોગવું છું. ગયા જનમનાં પાપ ભોગવી રહી છું.."
"શું કાકી તમે પણ આમ નીરાશ થઈ જાવ છો."
"જો ગૌરી મોડું કે વહેલા સૌને જવાનું તો છે જ. પણ.." કહેતાં કાકી નિશ્વાસ ભરી નજરે મને જોઈ રહ્યાં.
"તું તો તારા કાકાની લાડકી છે કેમ ખરું ને?" કાકીએ તકીયાનો સહારો લેતાં પૂછ્યું.
"ના કાકી, ખોટું.." હસતાં હસતાં મેં કહ્યું.
"કેમ અલી આમ બોલે છે?" છણકો કરતાં કાકી બોલ્યાં.
"કાકી, હું તો ભાગ્યશાળી છું કે તમારા સૌની હું લાડકી છું. તમે સૌ ના હોત તો મારું જીવન કટી પતંગ જેવું હોત.." મેં રડમસ અવાજે કહ્યું.
"મેલ વાત.. બેઠો છે હજારો હાથ વારો તારા પર કૃપા દર્શાવતો. મજા કરતી તુ સુખ ભોગવીશ.." કહી મને એમની બાહુમાં લઈ લીધી વહાલથી.
થોડી ક્ષણ મૌન પથરાઈ ગયું.
"શું કાકા ઑફિસે ગયા છે?" સહજ પૂછી લીધું.
"બીજે ક્યાં જવાના હતાં. શાંતિ છે. આવશે એટલે થઈ જશે કચકચ શરૂ. ઠીક છે વહુઓ બધું સાંભળી લે છે. કશું સમજતા નથી. શું કહેવું?"
"કાકી, સ્વભાવ આ ઉંમરે ક્યાંથી બદલવાનો.."
"જરા તું સમજાવ.આ તો હું છું, પણ જે દિ નહીં હોઉં તે વખતે કાઠું પડશે છોડી.." કહી નિશ્વાસ નાખ્યો.
કાકીની વાત પણ સાચી હતી. કાકા સ્વભાવે જ કડક. જેવું તેવું જરા પણ ના ચાલે. વસ્તુ આમથી તેમ થઈ જાય તો બૂમાબૂમ કરી મૂકે. શિસ્તનાં પાક્કા આગ્રહી. ચાલીનાં છોકરાઓ તેમને જોતાં રમત છોડીને સંતાઈ જતાં. ઘરમાં પણ જબરી તેમની ધાક. કોઈ ચૂં કે ચા ન કરી શકે તેમની હાજરીમાં. પણ હું તેમની જોડે મજા મશ્કરી કરી લેતી. તેથી કાકી કહ્યાં કરતાં કે હું તેમની લાડકી છું. મારાં માબાપ નાનપણમાં મૃત્યું પામેલાં. નાનીમોટી ત્યાંજ થયેલી. નસીબ જોગે મારું સાસરું પણ એ જ બીલ્ડીંગમાં હતું. સ્વભાવે સરલ, પરોપકારી, વહેવારું, કોઈને મદદ કરે તો ડાબા હાથને ખબર ના પડે. પણ ખાટલે મોટી ખોડ તેમનો તામસિ સ્વભાવ..
અસહ્ય દુખાવો પેટમાં થયા કરે. આખરે નિદાન થયું. કેન્સર. કાકી સ્વસ્થ હતાં, કાકા સહિત ઘર આખું અસ્વસ્થ થઈ ગયું હતું. ડૉક્ટર સહિત ઘરનાં સભ્યોની મીટીંગ કાકીએ બોલાવી. ડૉકટરને સ્પષ્ટ પૂછી લીધું એમની આવરદા વિશે. ડૉકટરે ગોળગોળ અસ્પષ્ટ ઉત્તર આપ્યો.કાકી સાનમાં સમજી ગયાં કે છ મહિનાથી વધું નહીં કાઢી શકાશે.દવાના ખોટા ખરચાથી ઘરને તબાહી થતું અટકાવ્યું. જેનો ઈલાજ નથી તેને માટે ફાંફાં શા માટે મારવા." મને શાંતિથી મૃત્યુનો સાક્ષારત્કાર થવા દો." સગાસબંધીને કહેતાં રહેતાં.
જાત્રાએ જઈને આવ્યાં. ધીમે ધીમે, ધીરે ધીરે કાકીનું શરીર ધસાતું ગયું. કાકા કાકીની સામે બારી ઓટલે બેસી કાકીને ઉદાસભરી નજરે જોયા કરતાં હતાં. શરુઆતમાં કાકીને ડૉક્ટર પાસે જઈ બતાવાનો સખત સતત આગ્રહ કર્યો. પણ કાકીનાં હઠાગ્રહ સામે કોઈનું ચાલ્યું નહીં.
સમય પાણીની જેમ વહેતો ગયો. ચાર મહિનાં થઈ ગયા પસાર. કાકી બર્ફની જેમ પીગળતાં ગયાં. શરીર હાડપિંજર જેવું થઇ ગયું. પીડા અજગરની જેમ ભરડો લેતી ગઈ.વારાફરતી રાત્રે અમે સૂતાં. રાત્રે દર્દ એવું ઉપડતું કે જોયું ન જાય! કાકી બેવડ વળી જતાં. ક્યારેક બરાડી ઊઠતાં, "મને ઝેર આપી મુક્ત કરો." સગાસબંધી આવતાં. જાતજાતની ભાતભાતની વાતો થતી. મુખ્ય સૂર એક જ હતો કે ડૉક્ટરો જાણીજોઈને ખોટી આશા આપી પૅશન્ટને પાયમાલ કરી નાખે છે. અને કાકીની હિંમતને દાદ દેતાં. આખરે એ દિવસ પણ આવ્યો,કાકી અમને સૌને છોડી પરમધામ પહોંચી ગયાં. મૃત્યુ પછીનાં રીતરિવાજોનો અમલ કરવાની મનાઈ ફરમાવી હતી.
જિંદગીની અજાયબી પણ કેવી વિચિત્ર છે! સમયની સાથે સાથે બધું ભુલાતું જાય છે, રહી જાય છે એક યાદ રુદિયાનાં એક ખૂણામાં,જે પ્રસંગે યાદ આવી જાય છે. કાકીનું ઘર પણ સામાન્ય થઈ ગયું. એક દિવસ અચાનક કાકીનાં ઘરે ગઈ. કાકાને ના જોતાં પૂછ્યું "કાકા દેખાતા નથી?" ભાભીએ કહ્યું કે તેઓ સવારે છ વાગે નીકળી જાય છે મૉરનીંગ વૉક માટે અને બાર વાગે આવે, બપોરે ચાર વાગે જાય અને સાત વાગે આવે.
હું અચરજથી સાંભળી રહી પણ કશું સમજી ના શકી. મારાં મનોભાવ સમજી ભાભી બોલ્યાં, "નણંદજી ઓલ ઈઝ વૅલ, બપોરે સમજાવીશ." કહી મારાં ગાલે ટપલી મારી હસતાં હસતાં કહ્યું.
ઘરમાં કોઈએ ધાર્યું પણ ન હતું કે કાકાની જિંદગીમાં આટલું જલ્દી પરિવર્તન આવશે. કાકીની માંદગી જેમ જેમ વકરતી ગઈ તેમ તેમ કાકા સમાધિ અવસ્થામાં હોય તેમ રહેવા લાગ્યાં. ઘર તેમની કચકચ વગર અકળામણ અનુભવવા લાગ્યું. કાકીનાં મૃત્યું પછી તો કાકા ઘરમાં છે એવું વરતાતું નહીં. સવારે છ વાગે જાતે જ પ્રાત:કર્મ પતાવી ગાર્ડનમાં જતાં રહેતાં.
ભાભીને ખબર કે કાકાને સવાર ઉઠતાંવેંત ચા જોઈએ એટલે બનાવીને તૈયાર રાખતાં. મૉરનીંગ વૉક પતાવી તેમની સરખેસરખી ઉંમરની વ્યક્તિઓનું સીનીયર સીટીજન ગૃપમાં જોડાઈ વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લેતાં. પછી મંદિરે ગ્રુપમાં દર્શન કરવા જતાં. ત્યાંથી સૌ હૉટલમાં જઈ ચાયનાસ્તો કરતાં. કોઈનો જન્મદિ' હોય તો તે પણ ઉજવતાં. બાર વાગે ઘરે આવતાં. ભાભીઓ પ્રેમથી ગરમગરમ રસોઈ કરીને જમાડતી. કાકાનાં જમ્યા પછી ભાભી જમતી. એકવાર કાકાએ ટકોર પણ કરેલી કે મોડું થાય તો થાળી ઢાંકી દેવી, પણ ભાભીએ કહ્યું, "બાપુજી આ તમે શું બોલો છો? તમે અમારો ભાર નથી. ફરી આવા વેણ ના ઉચ્ચારજો. અમારી ભૂલ થાય તો જરૂર અમને બતાવજો. તમારું મૌન અમને અકળાવે છે બાપુજી." કહી ભાભી રડી પડેલાં. "ઠીક છે."કહી કાકાએ સ્મિત લાવી ઘરમાં હળવાશ ફેલાવી દીધી હતી. બપોરે પણ ચાર પાંચ વાગે નીકળી જતાં. સાત વાગે ઘરે આવતાં. સમાચાર પત્રો કે મેગેજીન વાંચતાં.
શનિવારે પુત્રો, પોત્રોપોત્રી જોડે રમી લેતાં. ચાલીમાં, સગાવહાલામાં એક જ વાત ચર્ચાતી કે કાકીનાં ગયાં પછી કાકાએ પોતાનું જીવન સુધારી લીધું છે. ખાસ કરીને ભાભી જે અંદરોઅદર ગભરાઈ ગયાં હતાં કે સાસુમાના મૃત્યુ પછી તેમનું શું થશે? કાકાનો કડક આકરો સ્વભાવ ઘરમાં તોફાન લાવશે પણ કાકીનાં ગયા પછી તો ઘરમાં આનંદની લહેર ફરી વળી હતી. ડર નામનો હાઉં ગાયબ થઈ ગયો હતો. એટલું જ નહીં માથે ઓઢ્યા વગર બેસીને વાતો પણ કરી લેતાં. મોટા ભાભીતો કાકા સાથે સવારે વૉક કરવા નીકળી પડતાં અને હું કાકીની તસ્વીર જોઈ હરખાઈ ઊઠતી.
એક વાર સાંજે ઘરમાં જઈને જોયું કાકા પૌત્રો નિકેશ, રિમેશ અને કામિની સાથે ક્રિકેટની વાતો કરતાં હતાં. હું તો આભી બની ગઈ. અચાનક સુરભી અને રીતીક્ષા ભાભીને બૂમ પાડી બોલાવ્યાં. બંને જણ દોડતાં આવ્યાં. "જુઓ વહુબેટા, છોકરાંઓની ફરિયાદ છે કે.." કહી કાકા ભાભી સામે જોઈ રહ્યા.
બંને જણ માંડમાંડ એટલું જ બોલી શક્યા,"શું?"
"તમે રસોઈ બકવાસ બનાવો છો.."
"એટલે કે તમને ભાવતું નથી.." માંડમાંડ મોટા ભાભીએ પૂછ્યું.
"રોજને રોજ એક જ વસ્તુ ! અરે ક્યારેક ચાઈનીઝ પણ બનાવો મારા માટે.. લો નામ પણ ભૂલી ગયો.." કહી છોકરાઓ સામે જોવા લાગ્યા.
"દાદા એ તો મંચૂરિયન, ચાઈનઝ ભેલ, પાસ્તા, મૅગી, પીઝા.." વચ્ચે કાકા બોલી ઊઠ્યા, "આ બધું આવડે કે નહીં?"
"આવડે."
"તો મારા માટે જરૂર બનાવો, કેમ ખરું ને છોકરાઓ?"
"પણ અમરા માટે?"
"તમે પણ ઓડૅર લખાવી દો.." કહી હસવા લાગ્યા, અને સૌને હસાવી દીધાં.
હવે તો ચાલીનાં છોકરાંઓ જે તેમનાંથી ડરતા હતા તેઓ પણ એમને મળતાં હતાં અને રમતગમતની વાતો કરતાં હતાં.
એક રાત્રે મારી હાજરીમાં ભાભી, ભાઈને બોલાવીને કહ્યું, "જુઓ, હું પારકો નથી. આ ઘર મારું પણ છે. મારી દેખરેખ, સારસંભાળ એટલી બધી ના રાખો કે હું મારા જ ઘરમાં મહેમાન બની જાઉં. બીજું તમ તમારે જ્યાં જવું હોય ત્યાં અનુકૂળ ઘરને થઈ જઈ શકો છો. જિંદગી જીવી લો તમને ફાવે તેમ આનંદથી. ઘરમાં સ્મશાન જેવી શાંતિ ના ખપે, સમજ્યાં કે.." કહી ક્યાંય સુધી કાકીની તસ્વીર જોઈ રહ્યાં.
કાકાનો આવો રોજિંદો ચુસ્ત કાર્યક્રમને લીધે કાકાને મળવું ઓછું થઈ ગયું. એક દિવસ સમય કાઢીને કાકાને મળવા ગઈ.
"આવો ગૌરી બહેન. માફ કરજે હું તને મળી નથી શકતો.. પણ શું કરું.. ચસ્કો લાગી ગયો છે અમારા ગ્રુપનો કંઈ ને કંઈ રોજ પોગ્રામ હોય અને મને બનાવી દીધો છે લીડર.." "સારુંને કાકા. પ્રવૃત્તિ તો રહે." મેં હસતાં હસતાં કહ્યું.
આજે પહેલી વખત કાકાએ બીજાનો દોષ કાઢવાને બદલે પોતાનો દોષ જોવાની દષ્ટિ કેળવી. તોછડાઈ ભરી વાણીને બદલે માનવાચક વાણી સાંભળી હું ચોંકી ઊઠી. "કાકા તમારાં સ્વભાવમાં જે પરિવર્તન આવ્યું તેનું રહસ્ય શું? મેં ગભરાતાં ગભરાતાં પૂછ્યું.
કાકા હસવા લાગ્યાં અને કહ્યું કે મને પોતાને ખબર નથી. "કાકા તમે મારાથી છૂપાવો છો." "ના બેટા, ગૌરી, તારી કસમ. પણ તારા કાકીની તબિયત જોતાં જોતાં સમજાણું કે જિંદગી શું છે? આ ઓટલાની પાળીએ બેસી બારી બહાર જોયા કરતો કે જિંદગી આખર ચપટી રાખ છે. ચપટી રાખમાં બ્રહ્માંડ છે. અને હું પણું કદાવદાર ભ્રમ છે! બેટા આ જ ભ્રમ આપણો આનંદ છીનવી લે છે.."
"કાકા, કશું નથી સમજાતું." "બેટા વખત આવશે ત્યારે બધુંય સમજાશે. ચાલ હું જાઉં? "કહેતાં તેઓ ઊભા થયા. મારી તો ઈચ્છા હતી કે તેમને રોકી વાતો કરું પણ હું તેમના જીવતરની ખૂલેલી બારી બંધ કરવા માંગતી ન હતી.