પાણીપૂરી
પાણીપૂરી
ઘડિયાળમાં નજર નાખતાં ગીતાનાં મુખમાંથી નીકળેલા શબ્દો પડઘાં થઈને આંખમાં વિલીન થઈ ગયાં. 'હાય રે! પાંચ વાગી ગયા! આજે તો શનિવાર, હમણાં આવી પહોંચશે અને હું સાવ લઘરવઘર ઊભી છું! અરે હું કંઈ બેસી નથી રહી.. સવારથી કામમાં ગુંદાણી છું!' હાશ કરતાં હોલમાં હળવે હળવે પવન સંગ ઝૂલતાં હીંચકા પર બેઠી અને વાંસળી જેવા પોલા કંઠમાંથી શબ્દો ભમરની જેમ ગૂંજવા લાગ્યાં, છેલાજી રે મારી માટે પાટણથી પટોરા લાવજો..
ગીતા ગાતી જાય અને એની નજર ડાઈનીંગ ટેબલ પર મંડાયેલી હતી. મીઠી ચટણી, તીખું પાણી, રગડો, બટાટાચણાનું મિશ્રણ, કડક બૂંદીની નાની પડીકી અને એક થેલી ગોળમટોળ ફૂલેલી પૂરીની, જોઈ રહી. કશું બાકી તો નથી રહી ગયું ને? વિચારવા લાગી. કદાચ દહીંપૂરી બનાવાનું કહે તો? એ વિચાર આવતાં ફટાક કરતી ઊભી થઈ. કીચનમાં જઈ દહીં ઘૂંટી એક બાઉલમાં કાઢ્યું. ચાખીને, ખટાશ ઓગાળવા ચમચી સાકર નાખી એકરસ કર્યું. કોથમરી સમારી રકાબીમાં એવી રીતે શણગારી જાણે લીલી ટેકરી.
મીઠું, મરચું, ધાણીજીરુનો પાવડર અલગ અલગ નાની વાટકીમાં કાઢ્યું. બધું ડાઈનીગ ટેબલ પર ગોઠવીને પાણીપૂરીનું પાણી ચમચીમાં લઈ ચાખ્યું. "વા..હ!" કહેતાં ફરીથી નાની ચમચીમાં લઈ અર્ધ ખૂલ્લાં હોઠમાં રેડ્યું. થોડું હોઠોની આસપાસ પ્રસરી ગયું. એક સિસકારો બોલાવી ચાટી ગઈ મનોમન હસતાં હસતાં. ઘડિયાળ તરફ નજર નાખી.
"ઓહ.. છ વાગી ગયા, હમણાં આવતો હશે.." બબડતાં બાથરૂમમાં સાપોલિયાની જેમ સરકી ગઈ. ગરમાગરમ પાણીનો શાવર ખોલ્યો. શરીર પરનાં પરસેવાથી લથડિયાં મારતાં આવરણ દૂર કરી નિવસ્ર કમનીય કાયા આયનામાં જોઈ લજ્જાથી ઝૂમવા લાગી. હુંફાળા પાણીની બાફ આયનાને વળગી પડી. આંગળી વડે આઈ લવ યુનું ચિત્રણ કરી વરસતાં પાણીનાં પ્રવાહમાં શેમ્પૂનાં સપ્તરંગી રંગોમાં રંગીન શમણાંમાં તરવા લાગી. છબછબ છાબીયાં કરતી. ગૃહસ્થીનો શણગાર કરી પોતાનું રૂપ નીહાળવા લાગી. પનિયારે મૂકેલી ગજરાની પડી ખોલી નાજુક અંબોડીને વીંટાળી મોબાઈલ હાથમાં લીધો. રીંગ જતી હતી.. ત્યાં ડોરબેલની કીલ્લોલ કરતી ઘંટડી વાગી. આઠ થયા હતા. "જરૂર સૂકેતુ હશે.. ઓલવેઝ લેટ.. કદાચ આદત.. મોડા પડીને પોતાની અગત્યા સ્થાપવી.. આજે તો ધોઈ નાખું છું." રીસામણાનો ઢોકો લઈ દરવાજા તરફ પગ ઉપાડ્યાં.
દરવાજો ખોલતાં જ શબ્દો હોઠમાં અટવાઈ ગયા. "માસી.. તમે અત્યારે.." કહેતાં વળગી પડી.
"અરે મારી બચ્ચી, ઘરમાં તો આવવા દે.. આમ બહારથી જ કાઢી મૂકવી છે?" હસતાં હસતાં તેમને લાડથી કહ્યું.
"આવો, આવો માસી.." કહી હસતાં હસતાં ઘરમાં લઈ ગઈ. પાછળ પાછળ માસા તથા બે છોકરાં પ્રવેશ્યાં.
અચાનક માસા, માસીનાં પરિવારને આવેલો જોઈ ગીતા આનંદવિભોર થઈ ગઈ. "સૂકેતુકુમાર નથી આવ્યા?" ત્યાંજ ડોરબેલ વાગી. "એ જ હશે.." કહી દરવાજો ખોલ્યો. "આવો.. આમ અચાનક!" ખૂરશી પર બેસતાં પૂછ્યું. માસીએ થેલીમાંથી કંકોત્રી કાઢીને કહ્યું, "તમારે તથા ગીતાએ લગ્નમાં આવવાનું છે. ચાર દિવસ રોકાવાનું છે. કોઈ બહાનું ના કાઢતા.." હરખથી માસામાસીએ કહ્યું. "જરૂર!" બંને જણે પ્રેમથી કહ્યું.
"માસામાસી, જમીને જજો.. શું ચાલશે માસામાસી? ગરમાગરમ રસોઈ.."
"અરે, ગાંડી થઈ છે કે.. નવની બસ છે ઘરે પહોંચવાનું છે.." ઊભા થતાં માસીએ કહ્યું. "અરે એમ થોડું ચાલે? પહેલીવાર આવ્યાં અને કાંઈ લીધા વગર થોડું જવાય? જો તમને પાણીપૂરી ભાવતી હોય તો તૈયાર છે."
"પાણીપૂરી કોને ન ભાવે? તારા માસાને તો... તારો આગ્રહ છે તો ચાલશે. પણ મોડું ના કરતી.. જે હશે તે ચાલશે."
ડાઈનીંગ ટેબલ પર ચાર જણ ગોઠવાઈ ગયાં. સૂકેતુ અને ગીતાએ કહ્યું, "અમે પછીથી બેસીશું તમને મોડું થશે.." માસામાસી ના.. ના.. કરતાં ગયાં, ગીતા જરા લો, જરા લો માસામાસી, અરે! ગીતા તારા હાથની પાણીપૂરી ખાવા ફરી આવવું પડશે. સરસ બની છે એમ કહી વખાણ કરતાં ગયાં, અને માસી માસાનું પાણીપૂરી પુરાણ સુણાવતાં ગયાં. અચાનક માસીની નજર ખાલી થવા આવેલી પાણીપૂરી તરફ ગઈ.
"ચલો ઊઠો, હવે. સમય થઈ ગયો છે. " સૌ હસતાં હસતાં ઊભાં થયાં. " ગીતા, નવા ઘરમાં ફાવી ગયું?"
"હા, માસી. અઠવાડિયું ક્યાં વીતી ગયું તેની ખબર ના પાડી. શાંતિ છે. ટીવી, રેડિયો અને મોબાઈલ સમય પસાર થઈ જાય છે.."
"અને જલ્દી જલ્દી ખુશ ખબર આપો,પછી તો.."
"શું માસી.. જરા મજા કરી લેવા દો..
" હસતાં હસતાં ગીતાએ કહ્યું.
"ચાલો, આવજો. લગ્નમાં આવી જજો. રોકાવ એવા.." આવજો, આવજોનો કલશોર શાંત પડતાં ઘરમાં શાંતિ છવાઈ ગઈ. "હું ફ્રેશ થઈને આવું." કહી સૂકેતુ બાથરૂમમાં ગયો. ગીતા સોફા પર બેઠી બેઠી ડાઈનીંગ ટેબલ પર પડેલી પાનીપૂરીની ખાલી થેલી જોઈ રહી. અને આંખમાંથી બે બુંદ સરી પડ્યાં..
સૂકેતુ પહેલી નજરમાં ગીતાને ગમી ગયો હતો. શા માટે? કોઈ જવાબ ન હતો. શહેરી જીવનથી રંગાયેલી ગીતા જાતને પૂછી રહી હતી કે ગામડાં ટાઈપ નાના શહેરમાં પોતાની જાતને ઢાળી શકશે કે? એક પલ્લે ઘર તો બીજે પલ્લે વર. વચમાં પોતે! સૂકેતુએ પણ આ વાત પૂછેલી, "ગીતા, શહેરી જીવન છોડી મારાં નાના ટાઉનને અનુરૂપ થઈ શકીશને? તારું ભણતર, તારી કેરીઅરનું શું?"
ગીતાએ પોતાનાં મનની મૂંઝવણ દૂર કરવા પોતાની સખી મીતાની મમ્મીને પૂછ્યું. જબાબ આ પ્રમાણે હતો. "ગીતા જીવનને હકારાત્મક દષ્ટિથી જોઈએ તો ઉકેલ મળી જાય છે. તારા ભણતરને આજુબાજુનાં ગામડાને લાભ મળી જાય. જો તું તેમના માટે પરબ બની જાય તો. અજ્ઞાનતા દૂર કરવાના યજ્ઞમાં તું તારો ફાળો આપી શકે." આ વાત સૂકેતુને કરી ત્યારે તે ખુશીથી ઝૂમી ઊઠેલો અને પૂર્ણ સહકાર આપવાનું વચન આપેલું.
ધડામ્ કરતો અવાજ થયો ગીતા ઝબકી.. આખા દિવસની ધમાલથી, અને અચાનક માસામાસીનાં આગમનથી સેવેલાં સ્વપ્નનોનું બાષ્પીભવન થવાથી ગીતાને લાગેલાં થાકને કારણે બેઠાં બેઠાં ઝોકું આવી ગયું હતું. પાંપણો ફફડી ઊઠ્યાં..! સૂકેતુ નીચે પડેલા વેરણછેરણ કાચનાં ગ્લાસનાં ટુકડા જોઈ રહ્યો હતો. પણ ગીતા તો ડઘાઈ ગઈ ટેબલ પરની ગોઠવણી જોઈ. જે રીતે ગીતાએ સૂકેતુ માટે પાણીપૂરીની સજાવટ કરી હતી તેવી જ સજાવટ ડાઈનીંગ ટેબલ પર હતી. "અરે! આ શું?!"
"આ ગ્લાસ.."
"હું ટેબલ પરની સજાવટની વાત કરું છું સૂકેતુ."
"ઓહ.. એમ વાત છે?" કહી ગીતાને જોઈ રહ્યો. ગીતાએ ફટાફટ કાચનાં ટુકડા, રજકણ વાળી લીધી.
"તારા માટે વધારેલો ભાત મૂકી દઉં છું. મને ભૂખ નથી."
"કેમ?"
"શું કેમ?"
"પાણીપૂરી ખલાસ!"
"બધું છે સિવાય પૂરી."
"ઓહ! એક કામ કર. તું જરા ફ્રેશ થઈને આવ. આજે આપણે પાણી પૂરી જ ખાશું."
"અરે,વાત સમજ જરા. રાતનાં દસ થયા છે. અહીં તો આઠ વાગે દુકાનો બંધ થઈ જાય છે. આપણાં કરિયાણાવાળાને ફોન કર્યો હતો પણ રીંગ જતી હતી."
"કાંઈ વાંધો નહીં. પણ તું ફ્રેશ થઈને તો આવ. પ્લીઝ."
"ઠીક છે, પણ હું થાકી ગઈ છું. ઘરની બહાર નહીં નીકળું.."
"ઓ.કે બાબા.પણ તું તૈયાર થા જરા.."
"ઠીક છે." કંટાળ્યા ભર્યાં સ્વરે બબડતાં બાથરૂમ તરફ ગઈ.
"વાહ, ક્યા બાત હૈ. પાણીપૂરી તો પછી ખવાશે પણ પ્રથમ તારો ગોળમટોળ પૂરી જેવો ચહેરો ખાઈ લઉં!" કહેતાં સૂકેતુએ પ્રસન્ન દાંપત્યનું ચુંબન કરી લીધું અને ગીતા રતુમડાં ચહેરાને જોઈ રહી.
"હવે એક કામ કર."
"મહેરબાની કરીને એમ ના કહેતો કે પ્લીઝ, માય ડારલીંગ ગીતા આપણે બહાર જઈએ પાનીપૂરી ખાવા. અતિ ઉત્સાહમાં હું થાકી ગઈ છું. એક ડગલું ચાલવાની મારામાં હિંમત નથી."
"ગીતા, પ્લીઝ તારી આંખો બંધ કર. મારા ખાતીર.."
"ઓકે." કહેતાં ગીતાએ આંખો બંધ કરી. સૂકેતુએ ગીતાની આંખો પર રૂમાલ બાંધ્યો. ધીરે ધીરે ગીતાનો હાથ પકડી ડાઈનીંગ ટેબલ પર બેસાડી કહ્યું "ગીતા, બે મિનિટ બેસી રહેજે પ્લીઝ."
ગીતા મનોમન વિચારવા લાગી કે સૂકેતુ અત્યારે શું કરી રહ્યો છે. હોઠ ખોલે એ પહેલાં સૂકેતુએ ધીમેથી કહ્યું, "ગીતા નાઉ સરપ્રાઈઝ ફોર યુ." કહેતાં આંખ પર બાંધેલો રૂમાલ છોડી નાખ્યો.
આંખ ખોલતા જ ગીતાને તમ્મર આવી ગયા. તે જોતી જ રહી ગઈ આ શું? ડાઈનીંગ ટેબલ પર રાખેલી પ્લેટમાં દહીપૂરી અને પાણીપૂરી સરસ મજાની ગોઠવીને રાખી હતી. ખુશીનાં સપ્ત તરંગોમાં ગીતા ઝૂમી રહી હતી.
ઈશારાથી પૂછ્યું કે આ બધું કેવી રીતે? સૂકેતુએ કહ્યું કે તેણે માસામાસીનાં ફેમિલીને જોયું અને વિચાર આવ્યો કે કદાચ પૂરી ખૂટી પડશે. એટલે તાબોડતોબ સ્કૂટર હાઈ-વે તરફ લઈ..
"ઓહ!" કહેતાં સૂકેતુનાં રસીલા હોઠ પર પાણીપૂરીની મહોર લગાવી દીધી અને ગાવા લાગી, છેલાજી રે મારા માટે પાણીપૂરી લાવતાં રે..જો..