Prafull Shah

Others

3  

Prafull Shah

Others

શબરી

શબરી

5 mins
15K


આખરે ગામની મહિલાઓએ એકમતે કાશી માનું નામ 'શબરી મા' પાડ્યું. એમની આંખોમાં હર્ષાશ્રુનો દરિયો છલકાઈ ઊઠ્યો. ક્યાં રામ ભગવાનની શબરી અને પુત્ર પ્રેમમાં વિહવળ એક સામાન્ય સ્રી  હું! પણ કાશી માનું કશું ચાલ્યું નહીં. પુત્ર  રમેશ વીસ વર્ષોથી અમેરિકા વસવાટ કરે છે, જેની રાહ જોતાં જોતાં શબરીમાની આંખોમાં ઝાંખપ પણ આાવી ગઈ હતી.

રોજ વહેલી સવારે મેડી પર ચઢી પાંચ વાગ્યાની આવતી બસ જોયા કરતાં. કદાચ એમનો રામ દેખાય! આજ ક્રમ સાંજે સાત વાગ્યાનો હતો. જરૂર એમનો રામ આવશે મળવા. વચન આપ્યું હતું રામે માતા શબરીને. અને અતૂટ હતો વિશ્વાસ, પુત્ર રામ જરૂર આવશે ભગવાન રામની જેમ, અને જોયા કરતી રામની તસ્વીરો! નામ એક જ પણ વિભૂતિ અલગ અલગ...

એક શ્રાવણી સોમવારે સત્સંગ કરીને શબરીમા ઘર પાછા ફરી રહ્યાં હતાં, ત્યારે એમનાં મગજમાં રામ શબરીની વાર્તા ભમી રહી હતી. વર્ષો લગી રાહ જોતી શબરીને મળવા રામ આવ્યાં અને શબરીએ મીઠાં મધુરાં બોર રામને આરોગાવ્યાં એ વાત મનમાં એવી વસી ગઈ કે ચાલતાં ચાલતાં નજરમાં પુત્ર રામ દેખાવા લાગ્યો. જરૂર ઘરે આવ્યો હશે એ ખ્યાલમાં રાચી ઝડપથી ચાલવા લાગ્યાં. ઘરે કોઈ નજરે ના ચડયું. નિસાસો નાખી ક્યાંય સુધી ઓટલે બેસી રહ્યાં. અને વિચારવા લાગ્યાં કે દર મહિને નિયમિત પૈસા કોણ મોકલાવી રહ્યું છે? જરૂર કોક કારણ હશે કે તે આવી ના શકતો હોય... કદાચ ત્યાંની છોડી જેની સાથે પરણ્યો છે તે ના પાડતી હશે એમ મન મનાવતાં દરવાજો બંધ કરી સૂવા ગયાં.

અંધારી રાત, તોફાને ચડેલો વંટોળ, વીજનાં કડાકા, ભડાકા, ધોધમાર વરસતો વરસાદ, દરવાજા અથડાવાનો અવાજ શબરીમા ઝબકી ઊઠ્યાં. કદાચ રામ આવ્યો હશે એ ખ્યાલે ઊઠી દરવાજો ખોલવા ગયાં. પગ લપસ્યો ને નીચે પછડાયાં. તોફાની વરસાદનાં ધમાકામાં એમની તીક્ષ્ણ ચીસ ઓગળી ગઈ. સવાર થતાં 'શબરી મા' પડી ગયાની વાત પવનવેગે  ફેલાઈ ગઈ.

ના કોઈએ શિખામણ આપી કે અફસોસ જતાવ્યો, સૌ જાણતાં હતાં કે સંતાનોનો વિરહ કેવો ભયાનક હોય છે. કાળજે પડેલાં ધા માનવીને ભૂકંપની જેમ હમમચાવી મૂકે છે. હોસ્પિટલથી ઘરે પાછા ફર્યા પછી શબરીમા એ મૌન ધારણ કરી લીધું હતું. અચાનક બપોરે મંદિરનાં મુખ્યાજી ઘરે પધાર્યાં. 'શબરી મા' તો ડધાઈ ગયાં. થોડી ક્ષણો મૌન પથરાઈ ગયું. "શબરી મા, એક વાત કહેવા માંગુ છું." વાતને પાટા પર લેતાં મુખ્યાજી એ કહ્યું. શબરીએ મૂક સંમતિ આપી. "જુઓ મા, પુત્રની મમતાં આ ઉમરે સતાવે, પણ થોડો સંયમ રાખી મન પ્રભુભક્તિએ વાળીએ તો આત્માનું કલ્યાણ થાય અને મન શાંત રહે. મંદિરમાં તો રામ છે, શ્યામ પણ છે. સવારસાંજ દર્શન કરવા આવો તો આનંદ પણ રહે."

"જરૂર આવીશ. શું થઈ ગયું તે રાતે તે હું હજી નથી સમજી શકી." ઉદાસીથી શબરી માએ કહ્યું. "તમે મંદિરના જીર્ણોદ્રાર માટે સારી એવી રકમ વાપરી હતી.." "ક્યાં મારું હતું મહારાજ... છોકરાની મૂડીનો સદઉપયોગ કર્યો હતો...." સાંભળ્યું છે કે તમારા નામની તક્તિ મૂકવાનો વિરોધ પણ તમે કરેલો... ખરેખર તમે અજ્ઞાની કહેવાવ દુનિયાની નજરે પણ જ્ઞાની છો.." "મહારાજ મંદિરમાં મૂર્તિ ઈશ્વરની હોય કેવળ, આપણે તો ક્ષણભંગુ તક્તિ કેવી ને નામ કેવું?"
"આટલું સમજો છો છતાં.." "મહારાજ... સમજણ અને સમજવું ફરક છે."
"ધન્ય છે... છતાં મંદિરે આવતા રહો એવી મારી ઈચ્છા છે. શરૂઆત આજથી કરો. શુભ કામમાં વિલંબ શા કાજે.. બાકી હરિઈચ્છા." કહી મહારાજે રજા લીધી મુખ્યાજીની વાણીની ધારી અસર થતાં 'શબરી મા' સવારસાંજ મંદિરમાં જવા લાગ્યાં. ચહેરા પર આનંદ છવાઈ ગયો.

પુત્રનો વિયોગ ભૂલી ઈશ્વર સેવામાં મન પરોવ્યું. ફૂલોની સરસ મજાની માળા બનાવી મુખ્યાજીને  આપતાં જે રામ અને કૃષ્ણની મૂર્તિ પર શોભતી હતી.

શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હતો. મંદિરમાં ભજનકીર્તનનો કાર્યક્રમ હતો. દર વરસની જેમ 'શબરી મા' તરફથી પ્રસાદની વ્યવસ્થા ગામવાસી માટે થઈ હતી કોઈપણ જાતનાં જ્ઞાતિભેદભાવ વગર. સજી કરી સૌ ગામવાસી ઉત્સાહભેર  આનંદ માણી રહ્યાં હતાં.

ભજનનું સમાપન કરતાં મુખ્યાજીએ કહ્યું, "હું વિનંતી કરું છું કે 'શબરી મા' આપણને એક ભજનસંભળાવશે.. એમનાં મધુરા કંઠનો લાભ મળશે.. બીજી અગત્યની જાહેરાત કરવાની કે કાલે રવિવારે હૉસ્પિટલ તરફથી સૌ કોઈ માટે શારિરીક હેલ્થ કેમ્પ યોજ્યું છે. શહેરમાંથી દેશવિદેશી ડૉકટરો આવશે. સૌ કોઈ આ યોજનાનો લાભ લે એવી આશા રાખું છું." તાળીઓના ગડગડાટ વચ્ચે 'શબરી મા'  એ મંદ મીઠા મધુરા સ્વરમાં ઉપાડ કર્યો. "આવશે આવશે રામ મારો એકવાર
મારાં આંગણિયે જરૂર એકવાર..
જોયા કરું રાતદિ ,ઉતારું આરતી
છે ઘડીબેઘડીની જિંદગી મારી.
જોવડાવશો રાહ મને ક્યાં લગી
હેરામ,પધારો મારે ઉંબરે એકવાર.
બોર મીઠાં મધુરાં રાખ્યાં છે વીણી
લાગે ના ખાટાં વીણ્યાં છે ચાખી
ક્યાં લગી જોવરાવશો રાહ તમારી..
હેરામ, પધારો મારે ઉંબરે એકવાર.
એકવાર.. એકવાર... એકવાર...

સમગ્ર શ્રોતાગણ ભક્તિરસમાં તરબોળ થઈ ગયો હતો. કરુણા, આજીજી, વિનંતીનો ત્રિવેણી સંગમ સૌને ભીંજવી રહ્યો હતો. અચાનક 'શબરી મા' ઢળી પડ્યાં. સૌ કોઈ એ સ્વસ્થતા ધરી. હાજર રહેલાં ડૉક્ટરોએ સલાહમસલત કરી હોસ્પિટલમાં દાખલ કર્યાં. 'શબરી મા'ની તબિયત ભયજનક નથી એ વાત ફેલાતાં પ્રસાદ લઈ સૌ પ્રભુકૃપાને વાગોળવા લાગ્યાં...

રવિવાર ગામવાસીઓ માટે આનંદમય હતો. શહેરથી પધારેલાં ડૉક્ટરોનું ઉસ્માભેર સ્વાગત થયું હતું. હોસ્પિટલને શણગારવામાં આવી હતી. સ્વાગત મંડપમાં ડૉક્ટરો અને ગામવાસીઓએ સાથે બેસીને  ચર્ચાઓ કરી હતી. શારીરિક ચેકઅપ માટે માનવમહેરામણ ઉમટ્યો હતો.

પાંચ વાગે આ કાર્યક્રમને વિરામ આપવામાં આવ્યો. ડૉક્ટરો, ટ્રસ્ટીઓ, ગામનાં આગેવાનો છ વાગે ચર્ચાવિચારણામાં જોડાયાં. અચાનક ડૉ.રામસેને એક ફોટો કાઢીને પૂછ્યું કે તે ક્યાં છે?

"અરે આ તો 'શબરી મા' છે. આજે સવારે જ ડીસચાર્જ કર્યાં છે."
"બટ  એની બડી નોઝ કાશીબા?"

"કાશીબાનું નવું નામ 'શબરી મા' છે." હસતાં હસતાં એક ટ્રસ્ટીએ કહ્યું. "બટ આઈ વોન્ટ ટુ મીટ જસ્ટ નાઉ.." ઊભા થતાં ડૉ.સેને કહ્યું. ટ્રસ્ટીએ મુખ્યાજીને ઈશારો કર્યો. મુખ્યાજીએ ઊભા થતાં કહ્યું. "ચાલો, ડો.સાહેબ.."

'શબરી મા'ની આસપાસ બેઠેલા ચારપાંચ બૈરાંઓ મુખ્યાજી અને ડૉ.રામસેનને જોતાં ઊભા થઈ ગયાં. "સીટ ડાઉન પ્લીઝ, સીટ ડાઉન પ્લીઝ.." કહેતાં ઊભા થયેલાંઓને બે હાથ જોડી નમસ્કાર કર્યાં.

ડૉ.રામસેને 'શબરી મા'ની બાજુમાં બેઠક લેતાં પૂછ્યું, "દાદીમાં કેમ છો.."

સૌ અચરજથી જોઈ રહ્યાં હતાં સન્નાટો ઘરમાં છવાઈ ગયો. 'શબરી મા' પરાણે પોતાની યાદસ્તા ખોળી રહ્યાં હતાં. "તમે કુણ છો ભઈ.. ઓળખ ન પડી.. ભઈ.." "દાદી હું રામ છું. તમારા દીકરાનો દીકરો રામ. દાદી રામ છું.." કહી તેમને બેસાડવાનો પ્રયત્ન કર્યો.

મહામહેનતે તેઓ ઓશિકાને સહારે બેઠાં. રામુ એમને બાહુમાં લઈ પંપાળવા લાગ્યો. "ગમે તે પણ રામ આખર આવ્યો ખરો... અલી ચંચીબૂન મારું પાકીટ લાવજે.." "લાવી મા.." કહી પાકીટ આપ્યું. પાકીટમાંથી કંઠી કાઢી પહેરાવીને ઓવારણાં લઈ બચી કરી, છાતીએ વળગાડી બોલ્યાં, "ગોખલે આરતીનો સામાન તૈયાર રાખેલ છે લાવો ચંચીબૂન.." આરતીનાં ઉજાસમાં ઘર પ્રકાશી ઊઠ્યું અને રામની આરતી ઉતારી, વાટકીમાંથી કાઢી બોર ખવરાવ્યાં હસતાં હસતાં અને રામને પૂછ્યું કે રમલો ક્યાં છે. મુખ્યાજીએ ડૉ.રામસેનને ઈશારાથી ચૂપ રહેવા સમજાવ્યું. રામે ધીમેથી મુખ્યાજીને કહ્યું કે છેલ્લી ઘડી છે, સત્ય કહીશ... ફરીથી 'શબરી મા'એ ડૉ.રામને પૂછ્યું કે રમલો ક્યાં છે.. ત્યારે રામુ ધીમેથી બોલ્યો "દાદી તેઓ નથી.." પળભર શાંતિ છવાઈ ગઈ. સૌના આશ્વર્ય વચ્ચે શબરીમાએ ઈશારાથી સમજાવ્યું કે હરિ ઈચ્છા.. અને રામનાં ખોળામાં ઢળી પડ્યાં...


Rate this content
Log in