The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

mariyam dhupli

Drama Inspirational

4.2  

mariyam dhupli

Drama Inspirational

અપલોડ

અપલોડ

10 mins
656


એણે કપડાંનું સ્ટેન્ડ પાસે ખેંચ્યું ને લાઈટર લઈ સ્ટેન્ડ ઉપર ગોઠવાયેલા બોયફ્રેન્ડનાં બધાજ કપડાંને આગ ચાંપી દીધી. ત્યાર બાદ પોતાની આંગળી કાપી અને એમાંથી ટપકી રહેલા લોહી વડે 'બેશરમ','બેહયા' બે શબ્દો કાચની બારી ઉપર કંડાર્યા. એટલુંજ નહીં, પોતાના બોયફ્રેન્ડને વિડિઓ કોલ કરી પોતાની લોહી ગળતી આંગળી ગર્વથી બતાવી. ભારે કસરત કરી શરીરને થકવ્યું પણ મગજનો થાક ઓછો ન થયો. ભૂતકાળના દ્રશ્યોથી આંખોની પાંપણ ભીની થઈ ઊઠી. બોયફ્રેન્ડ જોડે પસાર કરેલી પ્રેમની સુંવાળી ક્ષણો અને પછી એ અવિસ્મરણીય ક્ષણ જયારે એના ખિસ્સામાંથી અન્ય કોઈ સ્ત્રીનું વસ્ત્ર એને હાથ લાગ્યું હતું. કેટલીવાર ભૂલોને માફ કરતી ગઈ હતી અને પછી થોડાજ સમય પહેલા બોયફ્રેન્ડે કરેલો કોલ. એને એરપોર્ટ આવવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. એ આવવાનો ન હતો. હંમેશ માટે. સીધે સીધું જણાવી દીધું હતું કે જેટલો પ્રેમ એ એને કરતી હતી એટલોજ પ્રેમ એ અન્ય કોઈને કરતો હતો. વેદના અસહ્ય થઈ ઊઠી. આ બધામાં પોતાનો જ વાંક હોય અને પોતાને જીવવાનો કોઈ અધિકાર ન હોય એ રીતે એણે પોતાના માથા ઉપર રિવોલ્વર તાકી જ કે..

કે ૧૫૦ મિલ્યન વ્યૂઝ ધરાવતું યુ ટયુબનું એ ગીત ત્યાંજ પોઝ કરી મેં મોબાઈલ ઓરડાના ખૂણામાં ઊડાવી મૂક્યો. આંસુઓ એમ પણ સવારથી રોકાઈ રહ્યા ન હતાં. હું મારા ઓરડામાંજ હતી. કોલેજ પણ ગઈ ન હતી. મમ્મીને કહી દીધું હતું કે તબિયત ઠીક નથી. મને કોઈ ડિસ્ટર્બ ન કરે. જો કે હું જમી લઉં એ માટે બે થી ત્રણ વાર એ મારા ઓરડાના ચક્કર લગાવી ગઈ હતી. હું એના ઉપર દર વખતે વરસી પડી હતી. મારે એકાંત જોઈતું હતું. કોઈની જોડે વાત કરવી ન હતી. કોઈને મળવું ન હતું. કંઈજ કરવું ન હતું. મારી દુનિયા જાણે સ્થગિત થઈ ગઈ હતી. મારી આંખો રડી રડીને સૂઝી ગઈ હતી. એ સૂઝેલી આંખો મને કોઈને દેખાડવી ન હતી. મારી પથારી અને ઓશીકું અશ્રુઓથી રીતસર ભીંજાઈ ગયું હતું. એ ભીનાશ મને દરેક નજરથી છૂપાવવી હતી.

વિડિઓ નિહાળી મારી પીડા એની ચરમસીમાએ પહોંચી ગઈ હતી. હૃદય ઉપર જાણે સેંકડો તીરના પ્રહાર એકસાથે થઈ રહ્યા હતાં. મારી શ્વાસો ખુબજ ઝડપથી અંદર બહાર થઈ રહી હતી. આખા શરીરમાં પરસેવો છૂટી રહ્યો હતો. જીવ રૂંધાય રહ્યો હતો. અતિઉત્તેજના ને કારણે સ્નાયુઓમાં આંતરિક કમ્પન થઈ રહ્યું હતું.

" હું જાઉં છું. જમવાનું ઢાંકી દીધું છે. જમી લેજો. " 

બહાર તરફથી દીદીનો અવાજ આવ્યો. મમ્મી મંદિરે ગઈ હતી. પપ્પાને ઓફિસેથી પરત થવામાં હજી ઘણો સમય હતો. દીદીના કામના કલાક પૂરા થઈ ગયા હતાં. મમ્મીના આદેશ અનુસાર મારું જમણ પીરસવાની અંતિમ ફરજ સમાપ્ત કરી તેઓ પણ નીકળી ગયા. મુખ્ય દરવાજો બંધ થયાનો અવાજ મારા ઓરડા સુધી સ્પષ્ટ સંભળાયો. ઘરનો સન્નાટો મારી પરિસ્થિતિને વધુ કફોડી બનાવી રહ્યો. મારી હાલત વધુ વણસી. વિડિઓ નિહાળી મનમાં ફાટી નીકળેલો ક્રોધનો જ્વાળામુખી મને ઉશ્કેરી રહ્યો. હું તરતજ મારા ઓરડામાંથી બહાર નીકળી. મારા ક્રોધિત મગજે મને વધુ વિચારવાની એક પણ તક ન આપી. રસોડામાં સાફસફાઈ માટે રાખેલું કેમિકલવાળું દ્રવ્ય હું એકજ શ્વાસે ગટગટાવી ગઈ. ત્યાર બાદ શું થયું એ હું જાણી ન શકી. 

આંખો ખુલી ત્યારે હું હોસ્પિટલની પથારીમાં હતી. સામે મમ્મી પપ્પા હતાં. ડોક્ટર અને નર્સની ટીમ પણ હતી. હું બચી શા માટે ગઈ ? મને મારી જાત ઉપર તિરસ્કાર છૂટ્યો. 'એક કામ પણ હું ઢંગથી નથી કરી શકતી. હું આવાજ જીવનને લાયક છું. ' મારા મનનો અપરાધભાવ બેવડાઈ ગયો હતો. ન તો મને પ્રેમ મળ્યો, ન મૃત્યુ. જે મને જોઈએ એ તો મળ્યુંજ નહીં. ઉપરથી હું જીવતી બચી હતી. હવે બધાનાજ પ્રશ્નોનો સામનો કરવો પડશે. એ બધીજ વાતો કહેવી પડશે જે હું કોઈની પણ જોડે વહેંચવા ઈચ્છતી ન હતી. મારી દયનિય પરિસ્થિતિનું કોઈ સાક્ષી બને એ મને સહેજે મંજૂર ન હતું. તેથીજ તો હું આત્મહત્યા કરવા ઈચ્છતી હતી. હવે મારા જીવનમાં જીવવા લાયક રહ્યુજ શું હતું ? મને કોઈની ઉપર વિશ્વાસ રહ્યો ન હતો, પોતાની જાત ઉપર પણ નહીં. 

પરંતુ મારી નવાઈ વચ્ચે મમ્મી,પપ્પા કે ડોક્ટરમાંથી કોઈએ પણ એક પણ પ્રશ્ન મને પૂછ્યો નહીં. મેં આવું પગલું શા માટે ભર્યું એ અંગે કોઈને કશું જાણવું ન હતું ? બધાના ચહેરા ઉપર એકસમાન પ્રેમાળ હાસ્ય હતું અને એ દરેક હાસ્ય મને કરડવા દોડી રહ્યું હતું. બધાની હાજરી મને ખૂંચી રહી હતી. મમ્મીએ મારી આગળ મારો ફોન ધર્યો. 

" તારા મિત્રો જોડે વાત કરવી હોય તો....મન હળવું થશે. " 

" તું જલ્દી સાજી થઈ જા. પછી એક સારી ફિલ્મ જોવા જઈએ. મારી ઓફિસ પાસેના થિયેટરમાં તારી ગમતી એક્શન કોમેડી પિક્ચર લાગી છે. " 

પપ્પાની વાતમાં રસ દાખવતા મમ્મીએ અન્ય પ્રશ્ન ઉમેર્યો. 

" કઈ પિક્ચર લાગી છે ?" 

મારુ મન ભમી ગયું. હું હોસ્પિટલની પથારી ઉપર પડી હતી. મેં મરવાનો પ્રયાસ કર્યો હતો. યુવાન દીકરીને ગુમાવતા ગુમાવતા બચ્યા હતાં એ સ્ત્રી અને પુરુષ ફિલ્મ નિહાળવા અંગે વિચારી પણ કેમ શકે ?

મમ્મી ફરી ટેવ પ્રમાણે જમણ માટે બળજબરી કરવા લાગી. પણ હું ટસ ની મસ ન થઈ. મારી દુનિયા સમાપ્ત થઈ ચૂકી હતી ને એમને.......

" જમશો નહીં તો તાકત કેમ મળશે ?"

મારા હાથની નાડી તપાસતા તપાસતા ડોક્ટર પણ દખલગીરી કરવા લાગ્યા. મારી નજર મારા હાથ સાથે બંધાયેલ ગ્લોકોઝની બોટલ ઉપર કટાક્ષમય હાવભાવો જોડે આવી પડી. મારે જીવવું ન હતું ને એ બધા મળીને મને બળજબરીએ શ્વાસ લેવાની ફરજ પાડી રહ્યા હતાં. તાકત ભેગી કરી મારે ક્યુ યુદ્ધ લડવાનું હતું ?

દવાઓના પ્રિસ્ક્રિપશન લેટર અને યોગ્ય આહાર લેવાથી હું કઈ રીતે ઝડપથી સાજી થઈ જઈશ એ અંગેની માહિતી આપી ડોક્ટર આખરે વોર્ડમાંથી બહાર નીકળ્યા.

" એક કામ કરીએ. તારી ગમતી જલારામ ખીચડી લઈ આવ. "

પપ્પાએ પોતાનો વિચાર અતિ ઉત્સાહ સભર શબ્દો થકી વ્યક્ત કર્યો. 

મેં મોઢું અન્ય દિશામાં ફેરવી લીધું. 

" મારે નથી જમવું. " 

એજ સમયે વોર્ડની બહારથી વાર્તાલાપનો અવાજ સંભળાયો. અવાજો પરિચિત હતાં. 

ઓહ નો ! મારું મન ચીખી ઉઠ્યું. આ બધા સગા સંબંધીઓને મારે નથી મળવું. એ ચોક્કસ પંચાત કરવા આવ્યા હશે કે મેં આ પગલું ભર્યું શા માટે ? 

મારું અંગત જીવન મારે જાહેર શા માટે કરવું ? 

મારા ચહેરાના હાવભાવો અત્યંત સખત થઈ ઉઠ્યા. એજ સમયે મમ્મી અતિ ઝડપે બહાર તરફ નીકળી. થોડા સમય માટે મમ્મી જોડે એમના વાર્તાલાપનો અવાજ અંદર સુધી આવતો રહ્યો ને પછી ધીમે ધીમે શાંત થઈ ગયો. 

પપ્પા મારી સામે સમાચારપત્ર વાંચવામાં વ્યસ્ત થયા. એ એટલા સામાન્ય કઈ રીતે રહી શકે ? 

મમ્મી અંદર પ્રવેશી. પપ્પાએ એક દ્રષ્ટિ એમની ઉપર નાખી. સગા વ્હાલાઓનું ટોળું અંદર ન પ્રવેશ્યું એટલે મેં રાહતનો દમ ભર્યો. 

મમ્મી પપ્પાનો સામાન્ય વ્યવહાર આખો દિવસ અનુસર્યો. એમની દીકરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ને એ બંને......એકદમ શાંત અને સામાન્ય. જમવાનું શું છે ? કઈ ફિલ્મ જોવા જવાનું છે ? ઘરની બેડશીટ ખરીદવાની છે. આ વર્ષે ઘરને ફરી રંગાવી નાખીયે. આ વખતે દિવાળી વેકેશનમાં ક્યાં ફરવા જઈએ ? સમાચારપત્રમાં કઈ કઈ જાહેરાતો પ્રસિદ્ધ થઈ છે થી લઈ આ મહિને સમાજમાં કયા પરિવારોમાં લગ્ન લેવાના છે એ બધો વાર્તાલાપ પતિ પત્ની વચ્ચે એ રીતે ચાલ્યો કે જાણે બંને હોસ્પિટલમાં નહીં પોતાના ઘરના બેઠકખંડમાં હોય. વચ્ચે વચ્ચે મને પણ એમની ચર્ચાઓમાં ઘસડવાનો પ્રયાસ કરતા રહ્યા. મને એમની કોઈ પણ વાતમાં શૂન્ય રસ હતો. 

મારી નજરતો વોર્ડના પ્રવેશ વિસ્તાર તરફ મંડાયેલી હતી. એ જરૂર આવશે. મને મળવા. મારી આ હાલત વિશે જાણી એ દોડતો ભાગી આવશે. આખો દિવસ હું એની રાહ તાકતી રહી. પણ એ ન આવ્યો....

મારી દવાઓને કારણે મને જલ્દી ઘેન ચઢી ગયું અને આખી રાત ક્યાં પસાર થઈ ગઈ મને એની જાણ પણ ન થઈ. 

સવારે આંખો ખુલી ત્યારે સામે ડોક્ટર હતાં. 

" ગુડમોર્નિંગ. હવે કેવું લાગી રહ્યું છે ? "

મારી ભારે પાંપણ માંડ મહેનતે ઉપર તરફ ઊઠી. મમ્મી પપ્પાની ગેરહાજરીની મારી ઝીણી આંખોએ શીઘ્ર નોંધ લીધી. પડખે ગોઠવાયેલા સ્ટેંડ ઉપર દીદી ચાનું થર્મોસ અને સાથે લઈ આવેલ સામાનની ગોઠવણ કરી રહ્યા હતાં. મમ્મી પપ્પા જતા પણ રહ્યા ? મારી આવી હાલતમાં.....

મારે આગળ કઈ વિચારવું ન હતું. મારા શરીરનું તાપમાન અને પ્રેશરના આંકડા ચકાસી ડોકટરે એક ઔપચારિક હાસ્ય જોડે વિદાય લીધી. મારા હાથની નસમાં પરોવાયેલી સિરિન્જની પીડાથી મારી અકળામણ ફરી કંટાળાજનક હાવભાવોમાં ઠલવાઈ ગઈ. ઘરેથી દીદી સાથે આવેલા સામાન ઉપર મારી અછડતી દ્રષ્ટિ પડી. ચાર્જ થયેલો મારો મોબાઈલ ! એક તરાપ મારી મેં મોબાઈલ મારી તરફ ખેંચી લીધો. 

" અરે, સંભાળીને."

ગ્લુકોઝની બોટલ અહીંથી ત્યાં હિંચકોલે ચઢી હતી. મારા ઝડપી હલનચલનને કારણે મને એનું ભાન પણ રહ્યું ન હતું. દીદીના શબ્દોમાં એમની મારા પ્રત્યેની ચિંતા હતી. દીદી આમતો ઘરની કામવાળી બાઈ હતાં. પણ એમની યુવાન આયુ ને ભણતરને કારણે અમારી વચ્ચે એક મિત્રતાનો પણ સંબંધ હતો. ઘરને આર્થિક ટેકો પૂરો પાડવા તેઓ અમારે ત્યાં કામ કરતા અને બાકીના સમયમાં ડીસ્ટન્ટ એજ્યુકેશન દ્વારા પોતાનું ભણતર. 

પણ એ સમયે મારું ધ્યાન દીદીના શબ્દો ઉપર જરાયે ન હતું. 

મેં અતિ ઝડપે પાસવર્ડ નાખી મોબાઈલની સ્ક્રીન ફ્રી કરી. તરતજ ફેસબુકમાં લોગીન કર્યું. નીતિનનું ફેસબુકપેજ સ્ક્રોલ કર્યું. થોડા સમય પહેલાજ ધરા જોડે અપલોડ થયેલી એની તાજી તસ્વીર આંખમાં તિર જેમ ભોંકાઈ ગઈ. કેન્ટીનમાં બેઠા એ લવબર્ડની તસ્વીરનું હેશટેગ 'સોલમેટ ' હૃદયને સળગાવી રહ્યું. મેં મોબાઈલ ભોંય ઉપર પટકી દીધો. મારા અશ્રુઓની ધાર મારા ઓશિકા ઉપર છૂટી પડી. 

" અરે, શું થયું ? " 

દીદી ભોંય ઉપરથી મોબાઈલ ઉઠાવી મારા નજીક દોડી આવ્યા. 

" જસ્ટ લિવ મી અલોન......." 

મારો આક્રોશ દીદી ઉપર ઉતરી આવ્યો.

" હું સર અને મેડમને બોલાવું ?" દીદીએ મને શાંત કરવાનો પ્રયાસ કરતા આશ્વાસન ભર્યા શબ્દોમાં પૂછ્યું. 

ક્રોધાગ્નિમાં સળવળતા મારા શબ્દો હોસ્પિટલનાં ઓરડામાં ગુંજી ઉઠ્યા.

" ના, કોઈ જરૂર નથી. એમને મારી કોઈ પડી નથી. કાલથી આજ સુધી એમણે મને મારી હાલત અંગે એક પણ પ્રશ્ન કર્યો નથી. હું જીવું કે મરું એનાથી કોઈને કશો ફેર પડતો નથી. એમને તો જલારામની ખીચડી ને ફિલ્મની પડી છે. એમના ઘરના શણગાર, ડેકોરેશન ને હોલીડે પ્લાન્સ મારી સમસ્યાઓ કરતા વધારે મહત્વના છે. મને આ પરિસ્થિતિમાં તમારે હવાલે કરી બંને પલાયન થઈ ગયા. એમને શરમ....." 

" બસ બહુ થયું. આગળ એક શબ્દ નહીં. " મારા તીખા શબ્દો દીદીના ભારે અવાજ નીચે કચડાઈ ગયા. આ પહેલા એમના સ્વરમાં મેં કદી આવું કડક વલણ અનુભવ્યું ન હતું. 

" તમને શું લાગે છે ? તમારા માતા પિતા તમને અહીં છોડી મજા માણી રહ્યા છે ? મેડમનું પ્રેશર ખુબજ હાઈ થઈ ગયું હતું એટલે સર એમને ઘરે લઈ ગયા છે. એમને દવા આપી એમને થોડો આરામ કરાવવા...તમને કહેવાની મનાઈ કરી હતી કે જેથી તમને આ પરિસ્થિતિમાં કોઈ ચિંતા ન થાય. તમને જયારે અહીં એડમિટ કર્યા ત્યારથી બંનેએ તમારી સામે તદ્દન સામાન્ય વ્યવહાર કરવાનો નિર્ણય લીધો હતો. એટલુંજ નહીં મને, ડોક્ટર, નર્સ અને અહીંના તમામ સ્ટાફને પણ તમને એક પણ પ્રશ્ન કરી પરેશાન ન કરવાની વિનંતી કરી હતી. પોલિસને પણ એક દિવસ આપવાની આજીજી કરી એટલેજ.....કોઈ પણ સગા વ્હાલાને અંદર તમારી પાસે પ્રવેશ ન કરવા દીધો. જેથી તમને નકામા પ્રશ્નોનો સામનો ન કરવો પડે. કાલથી બંનેએ મોઢામાં અન્નનો એક કોળિયો પણ મુક્યો નથી અને તમે......"

દીદીના શબ્દોએ મારું બાહ્ય સખત આવરણ ઓગાળી મૂક્યું. મનમાં ધરબાયેલી પીડા એકસામટી બહાર ઉમટી પડી. થોડી ક્ષણો પહેલા નિહાળેલી તસ્વીર ફરી મન ઉપર ઉપસી આવી અને એક દિવસ પહેલા નિહાળેલ વીડિયોની અભિનેત્રીની દયનિય માનસિક પરિસ્થિતિ જોડે ફરી સંવેદનાના તાંતણા જોડાઈ ગયા. જીવન સંપૂર્ણ નિરર્થક અને અર્થવિહીન ભાસી રહ્યું. 

દીદીએ મારા ખભા ઉપર હાથ ટેકવ્યો અને મારી લાગણી શબ્દોમાં વહેવા લાગી. 

" પ્રેમ કર્યો હતો. સાચા હૃદયથી. અને એણે મારીજ બેસ્ટ ફ્રેન્ડ જોડે...... મારો શું વાંક હતો ?" 

દીદીનો હાથ મારા માથે હેતથી ફરી રહ્યો. 

" તમે જતા રહ્યા. ઘરમાં કોઈ હતું નહીં. એક મ્યુઝિક વિડિઓ જોયો એમાં પણ....." 

આગળ એક પણ શબ્દ હું ઉચ્ચારી શકી નહીં. મારા શબ્દોનું સ્થાન મારા હૈયાફાટ રુદને લઈ લીધું. 

દીદીએ મને પોતાના આલિંગનમાં સમાવી લીધી. એમના ખભા મારા અશ્રુઓથી ભીંજાઈ ઉઠ્યા. મને સ્વસ્થ કરતા મારું માથું ઓશીકા ઉપર ટેકવી દીદીએ મારા આંસુ લૂછી નાખ્યા. 

" વાંક તો તમારો જ છે. " દીદીના શબ્દોથી મને આંચકો લાગ્યો. મારી ભીનાશવાળી આંખો એમને હેરતથી સાંભળી રહી.

"પ્રેમ કરવો એ નહીં. બેસ્ટ ફ્રેન્ડ ઉપર આંધળો વિશ્વાસ કરવો એ પણ નહીં. પણ હા, તમે ખોટો વિડિઓ જોયો એ. તમારે તો આ વિડિઓ જોવાનો હતો. " 

પોતાના મોબાઈલમાંથી એમણે યુટ્યુબ ઉપર અપલોડ થયેલ એક વિડિઓ મારી આગળ ધર્યો. મેં નિહાળેલ મ્યુઝિક વિડિઓની સરખામણીમાં એના વ્યૂઝ તો તદ્દન ઓછા હતાં. મારા હાથમાં થમાયેલા મોબાઈલ ઉપરની વિડિઓ ક્લિપમાં હું થોડા સમય માટે ઓતપ્રોત થઈ ગઈ. 

વિડિઓ પૂરો થયો ત્યારે મને એવું લાગ્યું જાણે મારો પુનર્જન્મ થયો હતો. શરીરના રુંવાડા ઊભાં થઈ ઉઠ્યા હતાં. મારી આંખમાં પ્રસરેલા આંસુ સૂકાઈ ચુક્યા હતાં અને એમનું સ્થાન એક અનેરી ચેતનાએ લઈ લીધું હતું. મેં દીદી પાસે મારો મોબાઈલ માંગ્યો. ફેસબુકમાં મારા મિત્રોની યાદીમાંથી નીતિન અને ધરાને બ્લૉક કરી નાખ્યા. 

એજ સમયે મમ્મી પપ્પા ઘરેથી પરત થયા. મારો હસતો ચહેરો નિહાળી એ બંનેના ચહેરા ઉપર પણ ભેજયુક્ત સ્મિત વેરાઈ ગયું. 

" બહુ ભૂખ લાગી છે. જલારામની ખીચડી ખાવી છે. " 

મારી માંગણી પુરી કરવા પપ્પા તરતજ બાઈકની ચાવી લઈ નીકળી પડ્યા.

એ દિવસ પછીથી જીવનનો દરેક દિવસ મારા માટે મહત્વનો હતો. મારું જીવનધ્યેય મારા જીવનના કેન્દ્રસ્થાને હતું. પસાર થતા દરેક દિવસ જોડે હું સ્વ જોડેના પ્રેમમાં વધુ ને વધુ ઊંડે ઉતરી રહી હતી. ઘણું બધું સિદ્ધ કરી રહી હતી ને ઘણું બધું હજી સિદ્ધ કરવાનું હતું. નિષ્ફ્ળતાઓ તો ડગલે ને પગલે હતી. પણ એ દરેક નિષ્ફ્ળતા સફળતા તરફનું જ પગલું બની રહી હતી. બસ આગળ વધતા જવાનું હતું. મમ્મી પપ્પાનો પ્રેમ મારી જોડે હતો. બીજું શું જોઈએ ? હું મારી જાતના પ્રેમમાં હતી. એજ પૂરતું હતું. 

અરે હા, દીદીએ મને જે વિડિઓ જોવા આપ્યો હતો તે હજી પણ હું નિહાળતી રહું છું. 'વી આર વોટ વી રીડ' એ તો મેં શાળામાં શીખી હતી. પણ આજના ડિજિટલ વિશ્વમાં મેં એની વ્યાખ્યા એડિટ કરીને 'વી આર વોટ વી વોચ' કરી દીધી છે. 

આપ પણ એ વિડિઓ જરૂર નિહાળશો. એ અભિસારિકાનું નામ છે અરૂણિમા સિંહા, ભારતની એક્સ નેશનલ વોલીબોલ પ્લેયર. જેમણે ફક્ત મનેજ નહીં ખુદ જિંદગીને પણ જીવતા શીખવી દીધું. 

એક સોનાની ચેન માટે કેટલાક ગુંડાઓએ રાત્રીના અંધકારમાં ચાલતી ટ્રેનમાંથી જેમને ધક્કો લગાવી દીધો. એ અકસ્માતમાં એમણે પોતાના પગ ગુમાવી દીધા. ના, એમની ઉપર દયા ખાવાની કોઈ જરૂર નથી. તેઓ માઉન્ટએવરેસ્ટથી લઈ વિશ્વની અનેક ટોચ સર કરી ચૂક્યા છે. એમના જ શબ્દોમાં,

'અભી તો ઈસ બાઝકી અસલી ઉડાન બાકી હે,

અભી તો ઈસ પરીન્દેકા ઈમ્તેહાન બાકી 

હે.

અભી અભી મેને લાંગા હે સમુદ્રોકો,

અભી તો પૂરા આસમાન બાકી હે ....'!!


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Drama