STORYMIRROR

mariyam dhupli

Abstract

3  

mariyam dhupli

Abstract

પ્રાધાન્ય

પ્રાધાન્ય

4 mins
268

મારી દ્રષ્ટિની આગળ અફરાતફરી મચી રહી હતી. લોકોની ભીડ અહીંથી ત્યાં દોડી ભાગી રહી હતી. એ દરેક માનવીનો ચહેરો તાણગ્રસ્ત હતો. એવા ભય અને ડર આ પહેલા કદી એમના ચહેરા ઉપર જોવા મળ્યા ન હતાં. એમના જુસ્સા, ક્રોધ અને બદલાની જે ભાવનાઓ વર્ષોથી એમના વ્યક્તિત્વમાં દ્રષ્ટિગોચર થતી હતી એ તમામ લાક્ષણિકતાઓ સંપૂર્ણ બાષ્પીભવન થઈ ચૂકી હતી. કશે અભિમાનનું નાનું અમથું ટીપું પણ શેષ વધ્યું ન હતું. એમના જે પ્રદર્શનો વર્ષોથી નિહાળતા નિહાળતા હાંફી જવાતું હતું એ તમામ પ્રદર્શનો સાવ નેવે મૂકાઈ ગયા હતાં. આજે એ તમામને મારી જરાયે પડી ન હતી. કોઈ ચિંતા નહીં, કોઈ દરકાર નહીં. મારું જે થવું હોય એ થાય. 

હૂ કેર્સ ?

મારી આગળ તૈયાર પત્રકારોની ટુકડી આજે ફરી સજ્જ હતી. એમનાં હાથમાં થમાયેલા માઈક ટેવ પ્રમાણે થનગની રહ્યા હતાં. એમાં પૂછવામાં આવનારો દરેક પ્રશ્ન એ નિર્જીવ માઈક પણ અગાઉથી જ જાણતા હતાં અને હું પણ. જાણે એમને મળનારા ઉત્તરોમાં મારું ભાવિ કશે છૂપાયું હતું. વર્ષોની દુવિધા હવે મારા માટે પણ અસહ્ય બની રહી હતી. 

મારાં અંધકારમય ભવિષ્ય ઉપર થોડો પણ પ્રકાશ પડે તો પૂરતું હતું. 

આખરે કેમેરાનો પ્રકાશ ફ્લેશ થયો. માઈક ઓન થયા અને પત્રકારોની ટુકડી ભાગી રહેલા લોકોમાંથી એક માણસને પકડી લાવી. 

" આપનું નામ ?" 

" ઓમ "

" ઓમ, આપ શું ઈચ્છો છો ? અહીં આપને શું જોઈએ છે ?"

માણસનો ચહેરો પરસેવાથી રેબઝેબ હતો. એના હાથ ભયથી હળવા ધ્રુજી રહ્યા હતાં. એની આંખોમાં દયા માટેની યાચના હતી. એણે પત્રકારનું માઈક હાથમાં ખેંચી લીધું. 

" સાહેબ. મારી મદદ કરો. મહેરબાની કરી મારી મદદ કરો. મને થોડું ઓક્સિજન જોઈએ છે. અહીં મળશે ? મારી પત્ની હાર્ટ પેશન્ટ છે. એનું શરીર ખુબજ અશક્ત છે. એની શ્વાસો તૂટી રહી છે. હોસ્પિટલવાળા કહે છે ફક્ત બે કલાક જેટલોજ ઓક્સિજન સપ્લાય બચ્યો છે. ત્યાર બાદ ? હું મારી આંખો આગળ નિ:સહાય એને આમ........"

માણસનો અવાજ એના ભગ્ન હૃદયે જાણે કાપી નાખ્યો. એના રૂદનની ધારથી માઈક ભીનું થઈ ગયું. પત્રકારે એના હાથમાંથી માઈક ઝુંટવી લીધું. પત્રકારના ચહેરા ઉપર જાણે અણગમાની સુનામી ઊઠી આવી. એને કયા ઉત્તરની આશ હતી અને માણસે કઈ જુદોજ ઉત્તર આપ્યો હતો. મને પણ એ ઉત્તરમાં દૂર દૂર સુધી મારું ભાવિ દ્રષ્ટિગોચર થઈ રહ્યું ન હતું. 

તરત જ એ માણસ ભીડમાં આગળ વધી ગયો. થોડી ક્ષણો પછી પત્રકારની ટુકડી ટોળામાંથી અન્ય માણસને ખેંચી લાવી. પત્રકારે એક નજર મારી તરફ ફેંકી. એ નજરમાં કશો છૂપો ઈશારો હતો. પરંતુ એ માણસની આંખો જાણે કોઈ અન્યજ સૃષ્ટિમાં ભમી રહી હતી. એના કપાળ ઉપર ચિંતાની અસંખ્ય રેખાઓ કતારમાં ઉપસી આવી હતી. એના શ્વાસ સામાન્ય કરતા વધુજ ફૂલી રહ્યા હતાં. તણાવથી શરીર સંકોચાઈ રહ્યું હતું. પત્રકારે ફરી પોતાનું માઈક આગળ ધર્યું. ફરીથી એજ પ્રશ્ન પુનરાવર્તિત કર્યા. 

" આપનું નામ ?" 

" અહમદ "

" અહમદ. આપ શું ઈચ્છો છો ? અહીં આપને શું જોઈએ છે ?"

પત્રકારની જોડે મારી નજર પણ આશસભર ઉત્તર આપનાર ઉપર મંડાઈ હતી. 

" જી આપ મહેરબાની કરી મારી મદદ કરો. મને હોસ્પીટલમાં એક બેડ જોઈએ છે. મારા અબ્બુની તબિયત ખૂબજ લથડી ચૂકી છે. એમને આઈ સી યુ ની જરૂર છે. ડોક્ટરની જરૂર છે.પણ બધીજ હોસ્પિટલ ફૂલ છે. કોઈ એમને લેવા તૈયાર નથી. જો આવુંજ રહ્યું તો....હું મારાં અબ્બુને ગુમાવવા નથી ઈચ્છતો......" 

બીજી અશ્રુની ધારા છૂટી. આ વખતે પત્રકારનો અણગમો બેવડાઈ ગયો.

 ફરી પાછું એજ !

 કયો પ્રશ્ન ને કેવો ઉત્તર ? પત્રકારે ઈશારો કર્યો અને કેમેરામેને તરતજ કેમેરાનો પ્રકાશ બંધ કરી દીધો. એ આથમી ગયેલા અજવાશમાં પોતાની આશ પણ આથમી ગઈ હોય એ રીતે પોતાના રૂદનને યથાવત રાખતો એ માણસ પણ ભીડમાં કશે ખોવાઈ ગયો. મારા તરફ એક નજર કરવાનું પણ એને મન ન થયું ? 

મને મનદુઃખ થયું. 

વર્ષોથી બધાના હૃદયમાં કેન્દ્રસ્થાને વસ્યા પછી આમ અચાનક મારું મૂલ્ય શુન્ય ? જાણે કોઈ કિંમત જ નહીં. નામનું પણ મહત્વ નહીં ? મારાં ભવિષ્યની ચિંતા પરાકાષ્ઠાએ સેવનારાઓ આજે મારી તરફ નિહાળી પણ રહ્યાં ન હતાં. 

હવે મારું શું થશે ? 

મારી આશ મારી આગળ ઉભેલ પત્રકારોની ટુકડી ઉપર આવી મંડાઈ. હવે તેઓ જ મારી મદદ કરી શકે. 

માઈક થામી ઊભેલ પત્રકાર થોડા સમય માટે ઊંડા વિચારમાં ગરકાવ થયો. ભીડ ઉપર તકાયેલી એની નજર ધીમે રહી મારી દિશામાં ફરી. કેમેરા મેન અને ટુકડીના અન્ય સભ્યોએ પણ ભીડ ઉપર એક દ્રષ્ટિ કરી મારી દિશામાં જોયું. પછી એ બધી નજર અંદરોઅંદર ભીડાઈ. બધીજ આંખોમાં એક સમાન ભાવો હતાં. નિર્ણય લેવાઈ ગયો. માઈક થામેલ પત્રકારે એ સહમતીભર્યા નિર્ણયને શબ્દોનું સ્વરૂપ આપ્યું. 

" ટી આર પી કોવિડથી જ મળશે. અહીં નહીં. "

અને તરતજ એ ટુકડી ભીડમાં અહીંથી ત્યાં અફરાતફરીમાં દોડી રહેલા લોકોની પાછળ ભાગી છૂટી. મારું ભવિષ્ય ફરી એકવાર અંધકારમય કરી મૂકી. 

આખરે હું કોણ ? મારી ઓળખ શું ? મારું ભવિષ્ય શું ? 

હવે કોઈને એનો ઉત્તર શોધવામાં રસ નથી ?

હોસ્પિટલ બેડ અને ઓક્સિજનની જ સૌને જરૂર છે. હવે એજ સૌનું પ્રાધાન્ય છે. હું નહીં ?

હું આજે પણ અયોઘ્યામાંજ છું.

સાઈકોલોજિકલ ડિસઓર્ડરથી પીડાઉં છું. સ્પ્લિટ પર્સનાલિટીનો શિકાર છું. ક્યારેક લાગે છે હું 'બાબરી' છું. ક્યારેક લાગે છે 'રામ મંદિર' છું. ક્યારેક લાગે છે હું એક મંદિર છું. ક્યારેક લાગે છે હું એક મસ્જિદ છું. તો ક્યારેક લાગે છે હું કશું નથી. ફક્ત સમય અને ઊર્જાનો વ્યય છું. 

હું આખરે શું છું ? 


Rate this content
Log in

Similar gujarati story from Abstract