વરદાન કે શ્રાપ
વરદાન કે શ્રાપ
“એ બોટલ પર સૂચનામાં પોઈઝન એમ લખ્યું હતું પરંતુ હું સમજી શક્યો નહીં. આજે બસો વર્ષ બાદ તે સૂચનાનો અર્થ સમજાઈ રહ્યો છે પરંતુ હવે તેનો શો ફાયદો ?”
*****
દક્ષ અને રીટાને જંગલોમાં ભટકવું અને પર્વતોને ખુંદવાનું ખૂબ ગમતું. તેઓ મહિનાઓ સુધી ઘરથી દૂર રહી કુદરતના સાનિધ્યમાં જીવન વ્યતિત કરતા. એકદિવસ તેઓ આમ જ એક પર્વત પર ચઢી રહ્યા હતા ત્યાં રીટાની નજર એક ગુફામાં પર ગઈ. ત્યાં એક ચમકતી વસ્તુ જોઈ રીટા લલચાઈ ગઈ.
“ક્યાં જાય છે રીટા ?”
રીટાએ દક્ષને આંગળી ચીંધી ચમકતી વસ્તુ દેખાડી.
દક્ષએ ચમકતી વસ્તુ જોઈ ચમક્યો. તે રીટાને રોકવા જતો હતો પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું. રીટા ગુફાની ખૂબ નજીક પહોંચી ગઈ હતી. રીટાએ જોયું તો એ ચમકતી વસ્તુ ધીમેધીમે આગળ આવવા લાગી હતી. જેમ જેમ રીટા આગળ વધતી હતી તેમ તેમ એ વસ્તુ રીટાની નજદીક આવી રહી હતી. આ જોઈ રીટા ગભરાઈને બે ડગલા પાછળ હટી. એ વસ્તુ શું હશે ? તેનો અંદાજ રીટા લગાવી જ રહી હતી ત્યાં અંધકારમાંથી એ વસ્તુ બહાર આવી. એ જોઈ રીટા અને દક્ષ બંને ગભરાઈ ગયા. તે ચમકતી વસ્તુ બીજું કશું નહીં પરંતુ દીપડાની આંખો હતી. જે અંધકારમાં ચમકી રહી હતી. દીપડો રીટાની બરાબર સામે આવીને ઊભો રહ્યો. રીટા ભાગવાની તૈયારી જ કરી રહી હતી ત્યાં દક્ષે બૂમ પાડતા કહ્યું, “રીટા, તારી જગ્યાએથી હલીશ નહીં.”
દીપડાએ અવાજની દિશા તરફ જોયું.
દક્ષે કહ્યું, “રીટા, એ દીપડો અંધ છે. તેની આંખોમાં ફક્ત બહારી ચમક છે. તારા પગરવને સાંભળીને જ એ તારા તરફ આવી રહ્યો છે. પોતાની જગ્યાએ શાંત ઊભી રહે.”
રીટા ચૂપચાપ પોતાની જગ્યાએ ઊભી રહી.
દીપડો પણ પોતાના સ્થાન પર ઊભો રહી સુંઘવાનો પ્રયત્ન કરી રહ્યો. પરંતુ રીટા અને દક્ષે લગાવેલા જંગલી ફૂલોના પરફ્યુમને કારણે દીપડાને તેમની હાજરીની જાણ થઈ રહી નહોતી. હવે દક્ષે બુમાબુમ કરવાની શરૂ કરી. હવે દીપડો રીટાને છોડી દક્ષના અવાજની તરફ વધવા લાગ્યો. તક ઝડપી દક્ષે એક પથ્થર ઊઠાવી સામેની ઝાડીઓમાં ફેંક્યો. દીપડાએ તરત અવાજની દિશામાં છલાંગ લગાવી. દક્ષ મોકાનો ફાયદો રીટાની નજીક ગયો અને તેનો હાથ પકડતા બોલ્યો, “રીટા, ભાગ અહીંથી.”
બંને જણા મુઠ્ઠીઓ વાળીને દોડવા લાગ્યા. દીપડાએ પણ તેમની પાછળ પાછળ દોડવાનું શરૂ કર્યું. ઝાડીઓ અને વૃક્ષોના થડ સાથે અફ્ળાતો દીપડો બંનેનો પીછો કરી રહ્યો. અચાનક દક્ષની નજર એક ભેખડ તરફ ગઈ. બે પથ્થર વચ્ચે આવેલી એ ભેખડ ખૂબ સાંકડી હતી. દક્ષે રીટાને તેમાં જવાનો ઈશારો કર્યો. બંનેએ તે તરફ દોટ લગાવી. દીપડો તેમની પાછળ આવી રહ્યો હતો. તે ખૂબ નજીક આવી ગયો હતો. આખરે દીપડાએ તેમના પગના અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરી છલાંગ લગાવી દીધી. પરંતુ તે સીધો પથ્થર સાથે અફળાયો. કારણ દક્ષ અને રીટા ભેખડની અંદર પ્રવેશવામાં સફળ થઈ ગયા હતા. દીપડો હવામાં સુંઘતા અને મોટા અવાજે ગર્જના કરતો ત્યાંજ ચકરાવા લેવા માંડ્યો.
દક્ષે રોષથી કહ્યું, “રીટા, દરેક ચમકતી વસ્તુ હીરો નથી હોતો.”
“મને માફ કર દક્ષ. મારાથી ભૂલ થઈ ગઈ.”
“ઠીક છે, પણ આજ પાછી આવી ભૂલ ક્યારેય કરતી નહીં. ચાલ, આ ભેખડ પાર કરી સામેની બાજુએથી નીકળી જઈએ.”
બંને જણા ધીમે ધીમે સરકતા આગળ વધી રહ્યા. ઘણું અંતર કાપ્યા બાદ રીટા બોલી, “દક્ષ, આ ભેખડ તો પૂરી થવાનું નામ જ લઈ રહી નથી.”
દક્ષે આગળ જોઈ કહ્યું, “રીટા, આગળથી ભેખડ પહોળી થઈ રહી છે. બસ થોડીકવારમાં આપણી તકલીફ દૂર થઈ જશે.”
આખરે ભેખડ પહોળી થઈ. બંને જણને હવે સંકડાશથી મૂક્તિ મળી હતી.
“અરે વાહ ! અહીંયા ખૂબ સરસ મજાનું વાતાવરણ છે ને.”
દક્ષે નજર ફેરવી તો ચોમેર જાતજાતની અને ભાતભાતની વનસ્પતિ ઊગેલી હતી. જાણે એક અલૌકિક દુનિયામાં તેઓ પ્રવેશ્યા હોય તેવી અનુભૂતિ એ બંનેને થઈ રહી.
“દક્ષ, ત્યાં જો કોઈક ગુફા જેવું દેખાય છે.”
“ચાલ આપણે ત્યાં જઈને જોઈએ.”
“ના... ના... હું નહીં આવું. મને તો ડર લાગી રહ્યો છે.”
“ડર ! શેનો ડર ?”
<p>“તેમાં પણ કોઈક જંગલી જાનવર હશે તો ?”
“ઠીક છે. તું અહીં ઊભી રહે હું જઈને તપાસ કરી આવું છું.” આમ બોલી દક્ષ ગુફાની અંદર પ્રવેશ્યો. અહીં રીટા ધબકતે હૈયે તેના પાછા ફરવાની રાહ જોવા લાગી. ખાસ્સીવાર થઈ હોવા છતાંયે જયારે દક્ષ પાછો આવ્યો નહીં ત્યારે રીટા ખૂબ ગભરાઈ ગઈ. હવે શું કરવું તે અંગે રીટા વિચારતી જ હતી ત્યાં ગુફામાંથી દક્ષનો અવાજ સંભળાયો, “રીટા ... ”
“શું થયું દક્ષ.”
“જલદી અહીં આવીને જો.”
રીટાના મગજમાં અસંખ્ય વિચારો આવ્યા. તેણે ગભરાઈને ગુફા તરફ દોટ લગાવી. જયારે તે ગુફામાં પ્રવેશી ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ.
“રીટા, આપણે જેને ભેખડ સમજી રહ્યા હતા તે વાસ્તવમાં પિરામિડ છે. આ કોફીન તરફ જો તેમાં જરૂર કોઈ રાજા કે રાણીની મમી મૂકેલ છે.
રીટા પોતાના માથા પરની હેટ ઉતારતા બોલી, “ઓહ માય ગોડ ! કોફીનની ચારે તરફ ખજાનો જ ખજાનો છે. આ સોનાના વાસણો, આ સોનામહોરો.”
“રીટા, પૂર્વે પિરામિડમાં રાજાની કોફીન સાથે ખજાનો મૂકવાનો રિવાજ હતો. તેઓની એવી માન્યતા હતી કે મૂકેલો ખજાનો રાજાને તેની આગળની મુસાફરીમાં કામ આવે છે.”
“દક્ષ, રાજાનું તો ખબર નહીં પરંતુ આપણી બાકીની જિંદગી હવે આરામથી પસાર થશે.”
દક્ષે આસપાસ નજર ફેરવી તો તેને એક પેટી દેખાઈ, “રીટા, આપણે આ પેટીમાં ખજાનો ભરી લઈશું.”
“પરંતુ આ પેટીમાં કેટલો ખજાનો રહેશે ?”
“રીટા, વધારે લાલચ ન કરીશ. પેટીમાં ભરેલી સોનામહોરોથી આપણી સાત પેઢી આરામથી જીવી શકશે. અને છતાંયે જો આપણને ખૂટશે તો આપણે અહિયાં પાછા આવી ખજાનો લઈ જઈશું.”
રીટાને દક્ષની વાત સાચી લાગી. તે હવે ગુફામાં ફરીને મનગમતી વસ્તુઓ ઉઠાવીને પેટીમાં મૂકવા લાગી. અચાનક તેના હાથમાં એક બોટલ આવી. “દક્ષ, આ બોટલ કેવી છે ?”
“મને શું ખબર ? કિંમતી ના હોય તો તેને બાજુમાં મૂકી દે.”
“આના પર ફારસીમાં અમૃત એમ લખેલું છે.”
દક્ષ ચોંક્યો, “અમૃત ?”
“હા.”
“પરંતુ તેની નીચે કોઈકે પેનથી લખ્યું છે પોઈઝન !”
“મને બતાવ ?”
“અરે હા, આ તો ઈંગ્લીશમાં લખેલું છે. આનો મતલબ આપણા સિવાય કોઈ ત્રીજું પણ આ પિરામિડ વિષે જાણે છે. વાંધો નહીં આપણે પૂરતી તૈયારીઓ કરી અહીં પાછા આવીશું અને અહીંનો બધો ખજાનો ઉઠાવીને લઈ જઈશું.”
“આ બોટલનું શું કરીશું ?”
“રીટા, તેના પર જે ફારસીમાં લખેલું છે તેજ સાચું છે. બાકી ઈંગ્લીશમાં પોઈઝન એમ લખીને કોઈકે આપણને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.”
દક્ષે રીટાના હાથમાંથી બોટલ લેતા કહ્યું, “આપણે બંને આમાનું રસાયણ પીને અમર થઈ જઈશું. ત્યારબાદ આ ગુફાની સંપતિથી આનંદપ્રમોદમાં જીવન પસાર કરીશું.”
“ના બાબા ના. મારે આ રસાયણ પીવાનું જોખમ નથી લેવાનું.”
“ઠીક છે ત્યારે.” આમ બોલી દક્ષ આખી બોટલ ગટગટાવી ગયો.
“શું થયું અમર થઈ ગયો.” રીટાએ ઉસ્તુક્તાથી પૂછ્યું.
દક્ષે હસીને કહ્યું, “એ તો મૃત્યુ નજીક આવશે ત્યારે ખબર પડશે.”
બંને હસી પડ્યા.
*****
ઉપરોક્ત ઘટના બસો વર્ષ પહેલાની હતી. અમે પેટીમાં લાવેલ ખજાનો એટલો બધો હતો કે અમને ફરી એ ગુફામાં જવાનો વિચાર જ આવ્યો નહીં. રીટા અને મારા લગ્ન ધામધૂમથી થયા હતા. અમને બે છોકરાઓ પણ થયા હતા. શરૂ શરૂમાં અમરત્વ મને વરદાન સમું લાગતું હતું. પરંતુ રીટાના અવસાન બાદ એકલવાયું જીવન મને કોરી ખાવા લાગ્યું. ત્યારબાદ મેં મારા પુત્રો, પૌપોત્રો અને તેમના સંતાનોને પણ મારી આંખો સામે મરતા જોયા છે. પોતાના સગા જયારે એકપછી એક વિખુટા પડતા જાય તેની વેદના કેટલી ભયંકર હોય છે તે હું તમને જણાવી શકતો નથી. આજે મારું શરીર કથળી ગયું છે. મારી કાયા નબળી પડી ગઈ છે. પરંતુ મારો આત્મા શરીર છોડતો નથી. ક્યાંથી છોડે હું અમર છું. એ બોટલ પર સૂચનામાં પોઈઝન એમ લખ્યું હતું પરંતુ હું જ સમજી શક્યો નહોતો. આજે બસો વર્ષ બાદ તે સૂચનાનો અર્થ સમજાઈ રહ્યો છે પરંતુ હવે તેનો શો ફાયદો ? તમે જ કહો અમરત્વને હું શું કહું વરદાન કે શ્રાપ ?