ઘરથાર
ઘરથાર
વિધવા સમજુબાનો એકનો એક સતીશ બાળ-બચ્ચાવાળો થયો ના થયો ને વહુને શહેરની સનક ઊપડી હતી. બે એક વર્ષ ઉપર પોતાના પરિવાર સાથે શહેરમાં આવી ગયેલ સતીશ માંડ છેડા ભેગા કરવા મથતો ભાડાના એક રૂમ રસોડાના ફ્લેટમાં જીવન ખેંચી રહ્યો હતો.
"સાંભળો છો...સતીશ ?''
"શું કહેતી હતી...?"
"બા એ પાછું ગામડે જવાની કેસેટ વગાડવાની શરૂ કરી છે હોં...જો જો પીગળી ના જતા...પાછા !"
"કેમ, ગયા અઠવાડિયે તો સમજાવ્યા'તા, વળી પાછું !"
"અહીં રહે કે ગામડે, ડોશીને ખાટલામાં જ પડી રહેવાનું છે...તો પણ ગામનું રટણ મેલતી નથી.."
"રેખા, એવું ના બોલ, ઘરડો જીવ છે... ગામ સાંભરે પણ ખરું...ને, હવે તો બિમારી ના કારણે હરી ફરી શકતા નથી એટલે વધારે સાંભરે..!"
"બધ્ધું...બરાબર.., પણ આપણે ગામડે જવાના નથી..સાંભળી લેજો તમે..શહેરમાં આવે બે વરસ થયા, ગામમાં તો જવું હવે મને ગમતું જ નથી...તમને ખબર છે ને ?"
"રેખા, તું સમજ...બા હવે ખરતું પાન છે..થોડા દિવસ ગામડે રહી આવીએ તો તેમને સંતોષ.."
"એ નહિ બને...ગામડાના ઘરના ભાડુઆત ને ઘર ખાલી કરાવશો તો મહિને બે હજાર ક્યાંથી આવશે, છોકરાઓની સ્કૂલની ફી ભરવાની કે નહીં...!!"
"ઠીક છે, પછી વાત કરશું હવે...જમવાની તૈયારી કર."
પોતાની દલીલોના હથિયાર હેઠાં મૂકી સતીશ કચવાયેલ મને બાલ્કનીમાં જઈ સામે દેખાતી શહેરી ઝાકઝમાળ જોઈ રહ્યો.
***
"સતું..બેટા, થોડા દિવસ ગામે લઈ જા...મને સારું નથી હવે..ઘેર લઈ જાય તો મારો જીવ ઘરની ઘરથારમાં શાંતિથી છૂટે "
"બા, કેટલી વાર કીધું...તમને...! આ પણ ઘર જ છે ને ! તમારો દીકરો જ્યાં હોય એ તમારું ઘર ..."
"ભઈ...મારી પાસે હવે થોડા દા'ડા જ છે...મને ઘર, ગામ ને પાડોશીઓ જોઈ લેવા દે..."
"બા, હમણાં ઘર ભાડે આપ્યું છે...ભાડુઆત કંઈ એકદમ થોડા કાઢી મૂકાય...ને, ભાડું આવતું અટકે તો આ મોંઘવારીમાં તમારો દવાનો ને બધો ખર્ચો ભારે પડે, તમને સારું થાય એટલે આ દિવાળી પર આપણે ગામડે આખો દિવસ રહી બધાને મળી આઇ'શું...હમણાં, આ બધી બબાલ મૂકો તો સારું...!"
સમજુબા નું કૃષ શરીર અને ઘવાયેલ મન હવે વધુ દલીલો કરવાની હિંમત ધરાવતું રહ્યું ન હતું. ચર્ચા ચાલતી હતી ને, રેખાએ પિત્તળની જૂની થાળીમાં બીમાર સાસુ માટે થોડું ખાવાનું લાવી ખાટલા પાસેના ટેબલ પર થાળી જાણે પછાડી...ને વાતનો અલ્પવિરામ આવી ગયો.
***
આમ ને આમ, અઠવાડિયું વીત્યું, સમજુબા હવે માંડ બોલી શકતા...ને શરીરે તાવનો ભરડો બરાબર જામી ગયો હતો. પત્નીની કરવત જેવી દલીલોને બીમાર મા પ્રત્યે હૃદયનાં ઊંડાણમાં રહેલ વ્હાલપ વચ્ચે પીસાઈ રહેલ સતીશે રાતે ઊંઘતી વખતે દબાતા અવાજે પત્નીને સમજાવવાની કોશિશ ફરી આદરી હતી.
"કહું છું, કાલે બા ને પેલા કિરીટભાઈ ડોક્ટર પાસે લઈ જઈએ...મનું રિક્ષાવાળાને બોલાવી દઈશું..ત્યાં જવા !"
"ડોક્ટરનો ખર્ચો ને રિક્ષાનું ભાડું સાંભળ્યું છે...?"
"પણ.."
"કાલે, તાવની ગોળી લઈ આવીશ...નીચે મેડિકલમાંથી..વધારે રઘવાયા થવાની જરૂર નથી... ઊંઘો હવે !"
***
બીજા દિવસે...સવારે સતિશનો ફોન રણક્યો.
"હા, બોલો જગદીશ ભાઈ...''
"સતીશ ભાઈ, હું મકાન આજે ખાલી કરી નીકળું છું...આ મહિનાનો ભાડાનો હિસાબ હું પહોંચાડું છું...મહેશ જોડે "
"અરે, કેમ પણ..જગદીશભાઈ...?"
"મારા બાપુજી...અઠવાડિયાથી બીમાર પડ્યા છે... અહીં દવા તો લીધી પણ...પાકું પાન છે...ગામડે લઈ જાઉં તો એમને મનને હાશકારો થાય...એટલે, મે હાલ તો નોકરી છોડી છે ને ગામે જાઉં છું..પછી ભગવાન કરે તે ખરું !"
બાજુમાં...બા નો ખાટલો હતો, હવે અંતિમ ચરણમાં ચાલતા એમના સમયને સતિશની ફોનની વાતોથી જાણે નિસ્બત ન હતી.
સતીશનું મન ચગડોળે ચઢ્યું...કાંઈક નકકી કરીને ફટાફટ તૈયાર થઈ કામે ગયો.
***
સાંજે...જમ્યા પછી હતી એટલી હિંમત એકઠી કરી સતીશ બોલ્યો, "કહું છું...મકાન ખાલી થઈ ગયું છે..મારી ગણતરી બા ને હવે આ છેલ્લા દિવસોમાં ગામ લઈ જવાની છે.."
"શું કહ્યું...? ...તમ તમારે એકલા જાઓ તમારી મા જોડે...મને કહેશો નહિ...હું મારું ફોડી લઈશ...તમે જાણો ને તમારી મા...બીજું શું !"
"તારે...જે કહેવું હોય તે કહે...પણ..હું મક્કમ છું, મનું ને સવારે રિક્ષા લઈ વહેલા બોલાવ્યો છે. તું આવીશ તો ઠીક નહિ તો બા સાથે હું એકલો રહીશ ગામે...તેમના છેલ્લા દિવસોમાં "
સતીશની મોડી મોડી પ્રગટ થયેલી હિંમત ને રેખા જોઈ રહી ને સમસમી ગઈ.
***
રોજ રાત્રે ઊંઘતી વખતે પાણીનો લોટો સમજુબા ના ખાટલા પાસે મૂકીને ઊંઘવા જવાની સતીશને ટેવ હતી. જો કે અશક્ત સમજુ બા છેલ્લા કેટલાક દિવસોથી તો જાતે ઊઠી પાણી પીવા પણ ક્યાં સમર્થ રહ્યા હતાં !
સવારે ગામડે બા ને લઈ જવાનો નિશ્ચય કરી ઊંઘવા જતા પહેલા...પાણીનો લોટો લઈ સતીશ બા ના ખાટલા પાસે આવી ઊભો !
"બા, પાણી મૂક્યું છે..."
કાંઈ હિલચાલ કે જવાબ આવ્યો નહિ...સતીશ થોડો નમ્યો.
"બા...કેમ મને જોઈ રહ્યા છો ? કાલે ગામે લઈ જાઉં છું...હવે શાંતિ ને ?"
સમજુબા ની આંખો એક જ દિશામાં અને તે પણ દીકરાની સામે જાણે જોઈ રહી હતી ! આંખોમાં વ્હાલનો દરિયો હજુ એમનો એમ હતો પણ જાણે બરફ !
"બા..આ..આ..."
સમજુબા ગામની ઘરથારમાં પહોંચી ગયા હતાં !