Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Tragedy Crime Inspirational

4.5  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Tragedy Crime Inspirational

હેર ડાઈ

હેર ડાઈ

4 mins
537


આજે, સોમભાઈના ઉમંગો આસમાને ચઢ્યા હતા! કેમ ના હોય ? 'પચાસનો વર ને પાંત્રીસ ની લાડી' એવું જ કાંઈક સપનું પૂરું થઈ રહ્યું હતું. આજે હેર ડાઈનો રંગ પણ કાંઈક વધારે જ યુવાન લાગી રહ્યો હતો. વારંવાર, ઘરની સામે રાજુના પાનના ગલ્લે જતાં આવતાં ત્યાં લટકાવેલ તૂટેલા અરીસામાં પોતાને જોઈ લેતા ને કયા એંગલથી પોતે વધુ સારા દેખાય છે તે અંગે વિશ્લેષણ મનોમન કરતા રહેતા.

ગલ્લા વાળો રાજુ આ જોઈ મનમાં ને મનમાં મલકાતો. પણ રમુજને ચહેરા પર આવવા ન દેવાની મથામણમાં રહેતો કારણકે, સોમભાઈ જેવો માવાનો કાયમી ગ્રાહક રખેને રિસાઈ જાય તો ! ,  

તો પણ થોડી ટીખળ કર્યા વગર તો રહી ના શક્યો..

"સોમકાકા, પાછું નવાં કાકી ને બરોબર સાચવજો હોં.."

"રાજુ, બધું નકકી છે આ વખત તો, હવે મુહુર્ત કઢાવી લીધું છે ને રંગે ચંગે લાવી દઈએ એટલી વાર ! તું જોજે ને, હું નવી ને સુખી કરું છું કે નઈ !"

બાજુમાં ઉભા પ્રતાપસિંહ બાપુ રમૂજ કર્યા વગર રહી ન શક્યા ને બોલ્યા,.

"તમે એટલી રાહ જોઈ છે કે હવે દુઃખી નહિ જ થવા દો,  સોમભાઈ,  પચાસ વર્ષે ફરી પૈણ ચડ્યું છે હવે તમને ...હા..હા..હા"

"તમે જો જો, પ્રતાપ સિંહ...હું દુઃખ વેઠી લઈશ પણ બૈરાને દુઃખી નઈ કરું.."

***

વાત જાણે એવી હતી કે, સોમભાઈ આમ તો થોડો ભોળો માણસ ને વળી ત્રણ ભાઈઓ માં સૌથી નાનો. બધા ભાઈઓ ને સમયસર પરણાવી સંસાર સોંપી મા-બાપ વહેલા સ્વર્ગે સિધાવી ગયેલા. બાપ દાદાનો વંશપરંપરાનો ધંધો મોટાની આગેવાનીમાં ત્રણેય ભાઈઓ એ સાંભળી લીધો હતો. સમય વીત્યો, સોમભાઈ સિવાયના બન્ને ભાઈઓને ત્યાં પારણાં બંધાયા ને બબ્બે બાળકોના હવે બન્ને ભાઈઓ પિતા હતા. સોમભાઈ અને પત્ની મંજું હજુ ખોળાના ખૂંદનારની રાહ જોતા હતા.

કાળનું ચક્ર ચાલતું રહ્યું, બધા ભાઈઓ આધેડ થયા, મોટાને તો દીકરો પણ પરણાવ્યો પણ ભોળા એવા સોમભાઈ હજુ સંતાન સુખથી વંચિત રહ્યા. 

છેવટે, પાકટ ઉંમરે મંજુને સારા દિવસો રહ્યા. સોમભાઈનો સ્વપ્નાંનો પુષ્પગુચ્છ બરાબર મહેંકી ઊઠ્યો હતો. પણ, કુદરત પણ જાણે સોમભાઈની બરોબર પરીક્ષા લેતી હતી. સુવાવડ વખતે મંજુ બાળકીને જન્મ આપી તો શકી પણ, નાની બાળકી દુનિયા બરાબર જુએ તે પહેલાં જ મંજુ નવજાત બાળકી સાથે જ સોમભાઈના અરમાનોને લઈ સ્વર્ગે સિધાવી ગઈ. જન્મ થયાને થોડી વારમાં મા-દીકરી બન્ને મૃત્યુ પામ્યા હતા. 

ભોળો સોમભાઈ અવાચક અને નિસહાય હતો.

***

એકાદ વર્ષ વીત્યું ને લોકો તરફથી મળતી વણમાંગી સલાહ કહો કે ઠેકડી કરાતી તે, ... પણ, ... સોમભાઈના મનમાં બે વાત પાક્કી થઈ ગઈ હતી. પહેલી એ કે પોતે બાપ બનવાની લાયકાત ધરાવે છે એ પુરવાર થઈ ગયું છે ને, બીજું એ કે પોતાને સંતાન હશે તો જ વંશ આગળ વધશે. નહિ તો ગામનું ઘર ને ખેતર બધું ભોગવનાર પાછળ કોઈ નહિ હોય. ને... સોમભાઈને પચાસ વર્ષે ફરી લગ્ન કરવા નો ચસ્કો ઉપડ્યો. ભાઈઓ અને કુટુંબીઓને ધરાર અવગણી જીદ લીધી તે લીધી. છેવટે, આટલી ઉંમરે કોણ આ ભોળા ભરથાર ને વરે ?  

પણ, છેવટે દૂરના મોટા શહેરના કોઈ વચેટિયા મારફતે ગોઠવ્યું.

હવે, બે દિવસ પછી ચાર કુટુંબીને લઈ વાહન કરી 'નવી' ને લેવા જવાનું હતું એટલે સોમભાઈ ધોળા વાળમાં ડાઈ લગાવડાવી એકદમ તૈયાર હતા.

***

"જુઓ સોમાલાલ, મારી બેનને સુખી કરવા તમારી સાથે પરણાવી છે. એટલે, પાંચ તોલા દાગીનાની રસમ પૂરી કરો પછી કંસાર જમીએ ને અમારી બેનને વળાવિયે.."

"અને, હા વેવાઈ એક બીજી વાત, મારી બેન સાસરે એક દિ રહે પછી બીજા દા'ડે આંહી પાછી મોકલશો અમારે એક બાધા પૂરી કરીને તમ તમારે ઘેર આવી જશે.''

' નવી'ના ભાઈની શરત મુજબ દાગીના નવવધૂને પહેરાવ્યા ને કંસાર જમી 'નવી' નું આણું નવા ઘર તરફ નીકળ્યું.

***

"કહું છું, મારે કાલે બાધા કરવા જવાનું છે,મારા ભાઈ એ કહ્યું છે ખબર છે ને ?"

"હા.., જવાનું છે. વાંધો નથી."

"અને,.. બાધા પૂરીના કરું ત્યાં લગ તમે બહાર ઓસરીમાં સૂઈ જશો. આપણો સંસાર બાધા કર્યા બાદ શરૂ કરીશું સમજ્યા ?"

"હા, ..હા...હું ઓસરીમાં ઊંઘી જાઉં છું ચિંતાના કરો, હું તકલીફ વેઠી લઈશ. તમને તકલીફ નઈ પડે."

***

પાંચ તોલા દાગીના ને બીજો કિંમતી સામાન, રૂપિયા પૈસા લઈ બાધા કરવા ગયેલી 'નવી' બે દિવસ થયા પણ પરત આવી નહિ. આપેલ ફોન નંબર બંધ હતા ને વચેટિયા નો મોબાઈલ નંબર અસ્થાયી રૂપથી બંધ હતો.

છેવટે, ત્રીજા દિવસે સોમભાઈ ઉપડ્યા !

આઠ કલાકની બસની મુસાફરી બાદ એ શહેર અને એ ગલીમાં પહોંચ્યા. પોતાનું સાસરું તો તાળાથી બંધ હતું. આજુ બાજુવાળા કોઈ કંઈ જાણતા ન હતા. છેવટે, ગલીના નાકે પાનના ગલ્લા વાળો મદદે આવ્યો.

"કાકા, બીજું લગ્ન કરેલું...ને ?"

"હા..."

"બાધા કરવા આવી છે ?"

"હા...બરાબર, તમે ઓળખો છો ?"

"હા...પણ તમે નથી ઓળખી?"

"એટલે ?"

"તમારો પચાસમો નંબર હશે, આ બાધા કદી પૂરી થશે નહિ હવે. માટે છાના માના રવાના થઈ જાઓ. જો જીવનું જોખમ ના લેવું હોય તો."

આમ, કહી તમાકુના ડબ્બામાં છરી મારી તમાકુ કાઢતાં હસી રહેલ ગલ્લા વાળાને જોઈ સોમભાઈ સમજી ગયા હતા.

***

સોમભાઈ ઘરે આવી ધંધામાં જોતરાઈ ગયા. જાણે કંઈ બન્યું જ નથી એમ ! ભાઈઓ ને કુટુંબીઓ પણ છેતરાયાની લાગણી મનમાં ધરબી પોતપોતાના કામમાં પરોવાઈ ગયા હતા. આજે, સામે આવેલ પાનના ગલ્લે પ્રતાપસિંહ અને રાજુ સોમભાઈની જ ગુસપુસ કરતા હતા ને સોમભાઈ રોજની જેમ ટિફિન લઈ ધંધા માટે નીકળ્યા.

''સોમભાઈ ...શું કરવું છે પછી ?"

"શાનું પ્રતાપસિંહ ?''

"અરે, તમે તૈયાર થઈ જાઓ. આપણે આજે જ એફ.આઇ. આર. કરાવી દઈએ, એ નકલી વહુ અને એની ટોળકીને પાઠ ભણાવીએ.."

"ના, બાપુ, જેને મનથી પોતાની કરી એની સામે ફરિયાદ ના થાય..''

"અરે, યાર સોમભાઈ, તમે છેતરાઈ ગયા છો. તમને ક્યાં પતિ માન્યા જ છે એ બદમાશ બાઈ એ..."

"એ એનો આત્મા જાણે, મે તો પત્ની માની હતી. હવે, હું દુઃખ વેઠી લઉં પણ ફરિયાદ આપી એને તકલીફ ના આપુ"

આમ, કહી સોમભાઈ ધીમા પગલે ગામના પાદર તરફ ચાલવા માંડ્યા. પવનની લહેર તેમના ડાઈ લગાવેલ માથાના આછા વાળને વિખેરવા માંડી હતી. 

રાજુ એ ધ્યાનથી જોયું કે, સોમભાઈના માથાના વાળ પાછા સફેદ થવા માંડ્યા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy