કજરી
કજરી
રાતનો બીજો પ્રહર પૂરો થવા આવ્યો હતો... ઉત્તર ગુજરાતના એ ધૂળિયા ગામના પાદરે આવેલ ખોરડામાંથી અવાજ સળવળ્યો.
" કઉ સું, મારી કજરી આઇ ક.. હુ ? મન, અવાજ હંભળાય સ્...મનીયા ની બા..."
" હુઈ જાઓ, અવ...કજરી તો ઇ કહઈ ના વાડામાં બાંધેલી સ, ઇમ થોડી આઇ જહ..."
" હાચુ કઉ સુ...મન રોજ અરધી રાતે જાણે એવું થાય ક મારી કજરી આપરા આંગણે આઇ ઈના ખૂંટે ઊભી સ... અન, દૂધ દેવા જાણ મન બૂમ પાડી રઇ ના વોય ?"
" આ જનમારામાં એ દાડો આવ તો આ આદમી શાંતિથી ઊંઘ લે...પણ, ભગવાન...એવો દાડો લાવ તો ખરો !"
***
અહીં આ રાતની વાત નું સંધાન જોડીએ હવે...
રામજી મૂળ તો બેફિકરો પણ મહેનતુ માણસ. ખેતી પર નભતા ગામમાં ખેડુ તરીકે પેટિયું રળવું સરળ હતું તેના જેવા માણસ માટે. એક બે પટેલ ના કૂવા ખેતર સાચવી લીધા કે વર્ષના દાણા પાણી નો જોગ થઈ રહેતો. દીકરો મણો અને પત્ની રેવી પણ પ્રમાણમાં સંતોષી અને મહેનતુ. દીકરો તો હવે ઠીક ઠીક કાઠું કાઢી ગયેલો એટલે તેના લગ્નની શરણાઈઓ પણ આ ગરીબ દંપતીના મનમાં આગોતરી વાગતી થઈ ગયેલી. આવા વખતે, કોઈએ સલાહ આપી કે ખેડુ તરીકે આમ પેટના જોરે ક્યાં લગી જીવીશ, કાંઈક પોતાનું કમાણીનું સાધન ઊભું કરે તો દીકરાના લગનનો જોગ થઈ રહેશે. ને, રામજી એ આ વખતે એક જ કૂવાના ખેડુ થવાનું રાખ્યું અને વીસા શાહુકાર પાસેથી વ્યાજે નાણાં લઈ ઘરે ચાંદલિયા કપાળ વાળી ગાય લાવી બાંધી. આ ગાય એટલે એની ' કજરી '. આંગણે બંધાયા ના થોડા જ દિવસો માં કજરી સાથે એવો વાત્સલ્ય ભાવ બંધાયો કે જાણે પરા પૂર્વ નો માં દીકરાનો પ્રેમ ના હોય !, રામજી રાતે પથારીમાં જાય કે દિવસે ખેતરે, કજરીનો હેતાળ સાદ સાંભળી ને જ ડગલું આગળ મૂકે. રાતે પણ બે થી ત્રણ વાર ઊઠીને કજરીની ખબર રાખે ને,... પછી તો રામજીએ કજરીની ગમાણ પાસે જ ખાટલો ઢાળવાનું રાખેલું. તેનું વાછરડું તો જન્મીને તરત મરી ગયેલું એટલે હેતનો દરિયો બધો રામજી ઉપર જાણે ઠલવાયો હતો. કજરી પણ એવી હેવાઈ થઈ પડેલી કે રામજી સિવાય કોઈ ને દોવા ના દે ! એક વાર સમાજના કામે ગયેલ રામજી ને આવતાં મોડું થયું ને દૂધ આપવાનું ટાણું વીતવા લાગ્યું તો કજરી એ જાણે રામજીને સાદ પાડ્યા જ કર્યા...છેવટે, બાજુવાળા મગનને રામજીનું ખમીસ પહેરાવી મોઢું છુપાવી દો'વા બેસાડ્યો..પણ કજરી જેનું નામ ! જેવો મગનનો હાથ આંચળ ને અડ્યો કે અવળી ફરી ગઈ તે ગઈ જ. કજરીનું દૂધ રામજીના પરિવારને પોષવા માંડ્યું. કજરી ના પગલે દીકરાનું વેવિશાળ પાકું થયું, ઘરને નવા નળીયે ઢાંક્યું ને પાદરમાં છેવાડે એકલું અટૂલું રહેતું ગરીબ ખોરડું જાણે સુખની ચાદર ઓઢતું થયું !
***
ગરીબનું સુખ લાંબુ ક્યાંથી ટકે ! હૈયા બળેલા કેટલાક અદેખાઓના કાને અને આંખે રામજીના થાળે પડી રહેલા સંસાર અને કજરીના સારાં પગલાંની છાપ ચોંટી. કોઈએ વીસા શાહુકારના કાનમાં કડવી ફૂંક મારી ને કજરીને પોતાના ઘરના વાડામાં બાંધવા માટે વીસા એ દાવપેચ રમી નાખ્યા. કજરી લાવવા માટે વ્યાજે લીધેલ રકમનું વ્યાજ મુદ્દલ કરતાં પણ વધારી ને ચોપડે ટપકાવવા માંડ્યું.
અભણ રામજી વ્યાજના ચક્કરમાં ઊંડો ને ઊંડો ખુંપવા લાગ્યો. ગરીબ ખેડૂને ક્યાંથી ખબર કે વ્યાજ ના વ્યાજ ને તો ઘોડા ય ના પહોંચે !
***
" જો રામા, તારો હિસાબ હવે ચૂકતે કર...નઈ તો પછી,.. ?"
" અરે, શેઠ, મુદ્દલ કરતાંય વધારે પૈહા સુકવ્યા સ..મારા બાપ, અવ બાકી કાંય નઈ હોય...બરોબર...ચોપડો જુઓ..શેઠ !"
" એટલે, મારો હિસાબ ખોટો...ઇમ ? મન બે દિ માં બાકીના રૂપિયા ગણી દે...નઈ તો પછી તારી ગાય મારા વાડે બાંધી દઉં"
" અરે...બાપા ! ઈ તો મારા ગરીબની માં સે..., દયા રાખો, હું બે દિ માં બધો ઈશાબ પૂરો કરી જાઉં સુ...બે હાથ જોડું સુ..!"
ઉઘરાણીમાં કજરી નો ઉમેરો થતાં જ રામજીના હૈયે ધ્રાસકો પડી ગયો હતો. ખોરડે આવી સીધો કજરીની કોટે વળગી રોઈ પડ્યો ...
***
" કઉ સુ, આ વૈશાખમાં તો વેવાઈ પણ ઊભો થઈ આવહે, આ દેવું માથે રાખી ક્યાં લગ જીવશો ?"
" તો હું કરું... ?"
" કજરી...!"
" અવ પસુ...એ મારી કજરીનું નામ લીધું તો મન જીવતો નઈ ભાળુ તું...હા !"
" તો અવ કરવાનું હુ ? રૂપિયા ચ્યાંથી લઈ આવશો.."
" ઈ રસ્તો પણ કજરી જ ...કરહે, તું જો જે... આપણું આંગણું જ્યમ સુખી કરતાં ઈન આવડ્યું તું ઇમ ઇ વ્યાજ ખાઉં ઝરખ ને મારી કજરી જ ...!!"
આખી રાત કજરીની સામે ટગર ટગર જાગતી આંખે વિતાવી. સવારે જાણે કજરી પણ રામજીના દુઃખની ગત જાણી ગઈ હોય તેમ મનોમન કોઈ પણ સાદ પાડ્યા વગર ચૂપ રહી. રામજી પણ રોજની જેમ દોવા બેઠો...દૂધ દોઈ રહ્યા પછી ક્યાંય સુધી કજરીની પીઠ પસવારતો રહ્યો.
***
જ્યારે, વીસા ના માણસો કજરી ને રામજી ના ખીલેથી છોડવા આવ્યા ત્યારે કજરીથી વધારે રાડા રાડ તો રામજીએ કરી મૂકી હતી જાણે ! પણ, ગરીબનું શું ચાલે ?
આજે ...બીજો દિવસ હતો...ને, કજરીનો ખૂંટો જાણે રહી રહીને રામજીને કપાળે વાગી રહ્યો હતો. રાતના બીજા પ્રહરમાં..પણ, કજરી માટેનો વલોપાત રામજીને ભાદરવાના આકરા તાપની જેમ દઝાડી રહ્યો હતો. અન્ન નો દાણો મોઢામાં મૂકે રામજી ને બે દિવસ થયા હતા. પત્ની સમજાવી ને થાકી, યુવાન દીકરો આગ્રહ કરતો રહ્યો પણ, વ્હાલી ગાય ના વિરહમાં અન્નનો તિરસ્કાર કરવો ધર્મભીરુ રામજીને મન કોઈ મોટી વાત રહી ન હતી.
***
ત્રીજા દિવસે સવારે રામજી ઊઠ્યો, સ્નાન કરી પરવારી હાથમાં ડાંગ અને માથે ફાળિયું સરખું કરતાં કરતાં ઘરની બહાર નીકળવા જતો હતો ને...
" કઉ સુ, ઈ વીસો બઉ ભારે માંણહ સે, આજીજી કરજો..પણ, વાતે વતેસર નાં થાય."
" મારો ભગવાંન જાંણ સ... ક, આજ લગ ઈના સિવાય કોઈ ને પગે પડ્યો નથ...પણ, મારી કજરી હાટુ વીસા ના પગમાં પડી જાઈશ...પણ, મારી કજરી ને સોડાવી ના લાવું તો ..."
આટલું બોલતાં,અવાજ રૂંધાઈ ગયો...ડૂમો ગળામાં અટક્યો ને રામજી ઘરની બહાર નીકળી ગયો.
***
વીસા શાહુકારના મેડીબંધ મકાન પર ઘોર અને ગંભીર શાંતિ લાગી. રામજી ને કાંઈક અજુગતું થયાનો આભાસ થયો... પણ, રોજ વીસાની પેઢીએ વૈતરું કરતા ચમચાઓ એક બે સિવાય કોઈ દેખાતા ન હતા. અચાનક, રામજી ના કાને અવાજ સંભળાયો,..
" કમળી, મારી દીકરી...હે ભગવાન ! શું થઈ ગયું આ ?"
અવાજ વીસા શેઠનો જ હતો. રામજી કુતૂહલ ને રોકી શકે તે પહેલાં તો વીસા ના ઘરનાં બૈરાંઓની રોકકળ પણ છતી થઈ.
" હું તે દાડા ની કેતી'તી... ઈ ગરીબના નિસાસા ના લો, અબોલ જાનવર માટે ઇને ના છેતરો...પણ, મારું કહ્યું કોણ માને ?"
" હા, કમળી ની બા, તમે હાચુ કેતા ' તા...પણ, આ ગામની ચૌદશોએ મને એ ગાય શુકનવંતી હોવાની લાલચ આપી ...અન, એ અબોલ ને હું લૂંટારાની જેમ લાવ્યો ઇનો બદલો કુદરતે લીધો...હે ભગવાન !"
છેવટે, એક નોકર ને પરસાળમાં એકબાજુ લઈ જઈ રામજી એ તાળો મેળવ્યો. વાત એવી બની હતી કે, વીસાની એકની એક દીકરી જે પાસેના શહેરમાં ભણતી હતી ને રજાઓમાં ગામ આવેલી તેનું આગળ દિવસે સમી સાંજે તમંચો બતાવી કોઈ બદમાશો અપહરણ કરી ગયા હતા. બદલામાં મોટી રકમ અમુક ઠેકાણે પહોચાડવાની મુદત આજ રાતની હતી નહિતર...
રામજી બધું પામી ગયો...પણ તેને તો ફિકર કજરીની હતી...ને આજે હવે વીસા શેઠને મળાય તેવું ક્યાં હતું ?
કજરી ને જોવાની લાલચ રોકી શક્યો નહીં ને ધીમેથી બાજુના વાડા તરફ સરક્યો.
રામજી ને જોતાં વેંત કજરીએ જાણે ભાંભરવામાં બધું હેત વાપર્યું. રામજી થોડો ખમચાયો પણ, પછી દોડીને કજરીની કોટે વળગી ધ્રૂસકે ચઢી ગયો. આંખો બંધ કરીને ક્યાંય સુધી આંસુ વહાવતો રહ્યો. કજરી પણ, રામજીના ખભા પર માથું ઢાળી જાણે ઊભી ! આ દરમ્યાન થયેલો સળવળાટ રામજી કળી શક્યો નહતો પણ, કજરી એ સૂચક રીતે પાછળના પગ પટક્યા ને રામજીની આંખો ખુલી.
***
વીસો શાહુકાર આંસુ ઝરતી આંખે કજરી અને રામજીની સામે ઊભો હતો. અચાનક, નીચો નમ્યો ને ખીલેથી રસ્સી ખોલી રામજીના હાથમાં મૂકતાં બોલી ઉઠ્યો,
" ભાઈ, રામા...આ તારી કજરી તને સોંપી...તમે બંને મને માફ કરો..."
" પણ, શેઠ... ?"
" ભાઈ,...આ એક ગાય તો છોડાવવા દે...બીજી હજુ ભગવાન જાણે..!"
આગળ બોલી ના શકાયું ને, શાહુકાર સુજેલી લાલ થયેલ રડતી આંખે મેડીના દાદરા ચઢી ગયો.