mariyam dhupli

Abstract Fantasy Thriller

5  

mariyam dhupli

Abstract Fantasy Thriller

ક્ષણ

ક્ષણ

16 mins
586


" ઓર્ડર, ઓર્ડર ! " જજની લાકડાની હથોડી ટેબલ પર બે વાર પટકાઈ. કૂતરા બિલાડાની જેમ ઝગડી રહેલા બે કાળા કોટધારી માનવીઓ થોડી ક્ષણો માટે મૌન થયા. ત્યારબાદ એમાના એક માનવીએ ફરીથી પોતાની દલીલબાજી નફ્ફટાઈથી આગળ વધારી. 

" યોર ઓનર. ઈટ્સ એ ક્લિયર કેસ ઓફ મેડિકલ નેગલીજન્સ. ડોક્ટરની તબિયત બિલકુલ સ્વસ્થ હતી. અને જો સ્વસ્થ ન હોત તો તેઓએ ઓપરેશન થિયેટરમાં જવાની જરૂર જ ન હતી. તેઓ એક નિષ્ણાંત હોવાને નાતે તબીબી કાયદાકાનૂનોથી માહિતગાર હોવા જોઈએ. તેઓ સંપૂર્ણ સભાનતા જોડે ઓપરેશન થિયેટરમાં પ્રવેશ્યા હતા. આગળ ગવાહી આપી ગયેલા સ્ટાફે પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ડોક્ટર એ દિવસે સંપૂર્ણ સ્વસ્થ હતા. શારીરિક અને માનસિક, બંને સ્તરે. તેથી હું કોર્ટને અપીલ કરું છું કે તેઓ ડોકટર વિરુદ્ધ સખત પગલાં ભરે કે જેથી ભવિષ્યમાં કોઈ પણ ડોક્ટર આવું કાળજીવિહીન, ગેરજીમ્મેદાર વતર્ન કરવા પહેલા સો વાર વિચારે. અને કોઈ પણ માતાપિતાને એ સહન ન કરવું પડે જે મારા ક્લાયન્ટ સહી રહ્યા છે. ઈટઝ એ હાર્ટબ્રેકીંગ લોસ્ટ, માય લોર્ડ ! "

કાળા કોટધારી માનવીની પીઠ પાછળ ગોઠવાયેલી બેઠકોમાં એક સ્ત્રીએ એ જ ક્ષણે પોતાનું માથું પોતાની પડખે બેઠા પુરુષના ખભે ઢાળી દીધું. મૌન ડૂસકાંઓ જોડે ઉષ્ણ પાણી સ્ત્રીના કાળા કુંડાળાવાળી હતાશ આંખોમાંથી વહી નીકળ્યું. પુરુષે એક હાથ સ્ત્રીના માથે હળવેથી ફેરવ્યો અને બીજા હાથ વડે પોતાની આંખમાંનું ખારું પાણી શોષી લેવા પ્રયાસ કર્યો. ધોળા વાળ ધરાવતા આધેડ જજના નાક ઉપર આવી સરેલા અનુભવી ચશ્માએ એક નજર દૂરની હરોળમાં એકબીજાની સાંત્વના બનેલ દંપતી ઉપર નાખી અને પછી નિર્ણય સંભળાવતા પહેલા બીજા કાળા કોટધારી માનવી તરફ શીઘ્ર કડક ગરદન ફેરવી.

" તમને કશું કહેવું છે ? "

આંખો ઢાળી લાકડાના એક તરફ ઘેરેલા ભાગમાં મૂંગા ઊભેલા ડોક્ટર તરફ બચાવપક્ષના વકીલે એક ઘૃણાસભર નજર ફેંકી. આંખોમાં દાઝ છૂટી આવી. જ્યારથી કેસની શરૂઆત થઈ હતી એ દિવસથી એ આમ જ મૂંગો થઈ ગયો હતો. કોઈ પ્રત્યાઘાત જ આપતો ન હતો. ન હા, ન ના. એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. કદાચ પોતાના હાથે જે થઈ ગયું હતું કે કર્યું હતું એનો શોક લાગ્યો હોવો જોઈએ. હા, કદાચ. પણ એનું મૂંગું થવું પોતાની મુશ્કેલીઓ વધારી રહ્યું હતું. ઈશ્વર પણ તો એને જ જીવાડે જેને જીવવું હોય. પણ જેને આત્મહત્યા જ કરવી હોય... વિચારોને ખંખેરી બચાવપક્ષના વકીલે પોતાનો કાળો કોટ વ્યવસ્થિત કરતા એક અંતિમ વ્યવસાયિક પ્રયાસ અજમાવી જોયો.

" માય લોર્ડ, હું ડોક્ટર વ્રિજેશ શાહને પૂછપરછ કરવા બોલાવવાની પરવાનગી ઈચ્છું છું. "

" પરમિશન ગ્રાન્ટેડ ! " પોતાનો આખરી નિર્ણય સંભળાવવા તત્પર જજની નજર અકળામણ જોડે પોતાના હાથની કાંડા ઘડિયાળ પર જઈ પડી અને ગરદન નાછૂટકે હામીમાં ધૂણી ઊઠી. અત્યંત પાછળની હરોળમાંથી અગાઉથી તૈયાર રખાયેલો ગવાહ ગવાહીની પૂર્વતૈયારી કરી આવ્યા હોવાનો આત્મવિશ્વાસ સાથે લઈ આરોપીની સામેની દિશામાં ઘેરવામાં આવેલી લાકડાની પેટી જેવા વિસ્તારમાં પ્રવેશ્યો.    

" ડોક્ટર, શું તમે કોર્ટને જણાવી શકો છો કે એક અત્યંત સ્વસ્થ, તંદુરસ્ત વ્યક્તિ ક્યારે અસ્વસ્થ થઈ શકે ? "

બચાવપક્ષના વકીલનો પ્રશ્ન નીરસ કેસમાં કોઈ નવો રસ જન્માવશે ખરો એ અંગે શંકા દર્શાવતી જજની અનુભવી દ્રષ્ટિ નાકના ટેરવા પર ટેકાયેલા ચશ્મામાંથી કુતુહલતા જોડે ગવાહી આપવા આવેલા ડોક્ટરને તાકવા લાગી. 

" એક સ્વસ્થ, તંદુરસ્ત વ્યક્તિ ક્યારેક અચાનક અસ્વસ્થ થઈ જાય એ સહજ છે. માનવીનું શરીર એક યાંત્રિક પ્રક્રિયાથી ચાલે છે. જો શરીરનું કોઈ પણ એક અંગ કોઈ ક્ષણે અચાનકથી વિક્ષેપ પામે તો એની અસર આખા શરીર પર વર્તાઈ છે. તેથી જ ક્યારેક આપણને અચાનકથી ચક્કર આવી જાય કે થોડા સમય માટે મગજ શૂન્યાવકાશમાં સરકી પડે કે પછી કોઈ વ્યક્તિ ચાલતો ચાલતો અચાનક બેભાન ઢળી જાય એવા અકસ્માતો આપણે નિહાળીએ છીએ. એ અચાનકથી ક્ષણિક બની જતું હોય છે. દરેક વખતે એ અગાઉથી જાણી શકાય નહીં. વ્યક્તિ અચાનકથી અસ્વસ્થ થઈ શકે, એ વાતમાં બે મત નથી જ. " સરકારી વકીલના ચહેરા ઉપર આશાની કિરણો ફૂટી નીકળી. જજની નજર ઝીણી બની એક એક શબ્દને ધ્યાનથી સાંભળી રહી હતી. પોતાના કાળા કોટને ઉત્સાહમાં આવેલા ઉભરા જોડે વ્યવસ્થિત કરતા સરકારી વકીલે એક નજર આરોપી તરફ નાખી અને પછી તરત જ એણે ગવાહી માટે આવી ઊભેલા ડોક્ટરની વધુ નજીક સરકી પોતાની દલીલ આગળ ધપાવી. 

" એનો અર્થ એ કે શક્ય છે કે એ દિવસે ઓપરેશન થિયેટરમાં ડોક્ટરની તબિયત અચાનક લથડી અને એમના હાથમાંનું ડિલિવરી પામેલું નવજાત શિશુ હાથમાંથી સરકી ગયું અને ઓન ધ સ્પોટ મરી ગયું. એ એક અકસ્માત હતો. નોટ એ નેગલીજન્સ "

વકીલના શબ્દોના પ્રત્યાઘાતમાં પાછળ તરફની હરોળમાં ગોઠવાયેલી સ્ત્રીના મોઢામાંથી રુદનની ધાર નિયંત્રણની બહાર વહી ગઈ. પડખે ગોઠવાયેલા પુરુષે ભીની આંખે એ રુદનની ધારને તરત જ નિયંત્રણમાં લેવા સ્ત્રીને પોતાના હૂંફાળા આલિંગનમાં સમાવી લીધી. 

" ઓબ્જેક્શન, માય લોર્ડ ! દંપતીને ન્યાય અપાવવા રોકાયેલો આરોપીપક્ષનો વકીલ તરત જ કાળો કોટ સરખો કરતો અગનજ્વાળા જેવા ચહેરા જોડે બેઠક છોડી ઊભો થઈ ગયો. 

" લાગે છે મારા કાબિલ વકીલ મિત્ર, તર્કની જોડે હૈયું પણ કોર્ટની બહાર છોડી આવ્યા છે. એક નવજાત શિશુ મૃત્યુ પામ્યું છે. જે દેશનું ભવિષ્ય હતું. આવતીકાલ હતી. મોટું થઈને આ બાળક ડોક્ટર, એન્જીનિયર, કલાકાર ખબર નહીં શું બન્યું હોત ? અહીં ફક્ત માતાપિતાએ એક સંતાન નહીં,ભારતમાતાએ પણ એક સંતાન ગુમાવ્યું છે. જો સમાજ આવો નિર્દયી થશે તો આપણી આવતીકાલ સંપૂર્ણ અંધકારમય બનશે. આ બાળકને જો આજે ન્યાય ન મળ્યો તો..."

દલીલ અને દલીલબાજીઓ ચરમસીમાએ જઈ રહી હતી. જજની વૃદ્ધ નજર બંને કાળા કોટને એ રીતે તાકી રહી હતી જાણે ટેનિસ કોર્ટમાં મેચ નિહાળી રહેલો પ્રેક્ષક દડાને આમથી તેમ જતા ધ્યાનબઘ્ધ નિહાળતો હોય. પરંતુ આ બધા ધમપછાડાની વચ્ચે આરોપીની ઢળેલી નજરમાં કોઈ ચેતના ન હતી. જાણે આંખો સામે ચાલી રહેલું દ્રશ્ય એના માટે અદ્રશ્ય હતું. ન શરીરમાં કોઈ હલનચલન, ન કીકીઓમાં કોઈ પ્રાણ. એ કોર્ટમાં હાજર જ ન હતો. એ તો ભૂતકાળની એ અંધકારમય રાત્રી પર અટકી પડ્યો હતો. 

એ રાત્રીએ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. વાદળોની ગર્જના ભયાનક હતી. ડોક્ટર પોતાની કેબિનમાં ઓપરેશન પહેલાની પૂર્વ સજ્જતા કેળવી રહ્યો હતો. ટેબલ ઉપર ફોનની બાજુમાં ગોઠવાયેલી ફોટો ફ્રેમમાંથી પત્ની અને પાંચ વર્ષની પોતાની સુંદર,નિર્દોષ બાળકી મીઠું સ્મિત વેરી રહી હતી. ટેબલ પરનો મોબાઈલ અચાનક વાઈબ્રેટ થયો. ડોકટરે એક ઝડપી નજર ભીંત પર લટકાયેલી એન્ટિક ઘડિયાળ પર નાખી. સમય થઈ ગયો હતો. ફરજબદ્ધ શરીર તરત જ મોબાઈલ તરફ ધપી પડ્યું. 

" હેલો, પપ્પા ! તમે ક્યારે ઘરે આવશો ? " સામે છેડેથી ટહૂકેલા મીઠા મધ જેવા શબ્દોથી ડોકટરના ગંભીર ચહેરા ઉપર એક મીઠુ સ્મિત રેલાઈ ગયું. ટેબલ ઉપર વરાળ કાઢી રહેલા મગમાંથી એક નામનો જ ઘૂંટડો ભરી મગ ફરીથી ટેબલ ઉપર મૂકી દીધું. મોબાઈલને કાન અને ખભા વચ્ચે સેન્ડવીચ બનાવી બંને હાથ ફાઈલના પાનાઓ ઉથલાવવામાં વ્યસ્ત થયા. સિઝેરિયન માટે રાહ જોઈ રહેલ પેશન્ટની ફાઈલ ઉપર એક નજર ટેવગત ફરવા માંડી. 

" મીઠી, તું હજી સુધી ઊંઘી નથી ? " દીવાલ પરની એન્ટિક ઘડિયાળમાં ગૂંજેલ હળવા ઘંટ થકી ફાઈલ પર ફરી રહેલી આંખોની ઝડપ આપોઆપ વધી ગઈ. સામે છેડેથી પૃષ્ઠભૂમિમાં પત્નીના શબ્દો ગૂંજ્યા,

" ક્યારની કહી રહી છું. ઊંઘી જા. પણ સાંભળી જ નથી રહી. પપ્પા બીઝી છે. એમને વારંવાર ફોન ન કરાય. લાવ મોબાઈલ આપ તો. " એ જ ક્ષણે કેબિનની બારી વીજળીના પ્રકાશથી અંજાઈ ગઈ. આકાશમાં થયેલો કડાકો હૈયાને કંપાવી ગયો. એ કડાકા જોડે વરસાદનો વેગ પણ અચાનકથી અત્યંત મુશળધાર બન્યો. ગાંડાતૂર થયેલા પવનથી કેબિનની બારી અહીંથી ત્યાં અફળાવા લાગી. ધીમે રહી ફાઈલ ટેબલ પર ગોઠવી ડોકટરે મોબાઈલ હાથમાં થામ્યો. સ્પીકર ઓન કરી મોબાઈલ એક તરફ રાખ્યો અને શીઘ્ર બારી તરફ ધપી વધારે ભીંજાઈ ન જવાય એની કાળજી રાખતા બારીને બંધ કરવાનો પ્રયાસ આદર્યો. સ્પીકરમાંથી મીઠો મધ જેવો ટહૂકો ફરીથી ગૂંજયો,

" પણ પપ્પા, તમને ખબર છે ને મને તમારી બેડ ટાઈમ સ્ટોરી સાંભળ્યા વિના મને ઊંઘ નથી આવતી. ને તમે પ્રોમિસ કર્યું હતું કે આજે આઈસ્ક્રીમ ખાઈશું. મારી આઈસ્ક્રીમ ? "

વીજળીના ચમકારાથી બહાર તરફનો વેરાન માર્ગ એક ક્ષણ માટે દ્રષ્ટિગોચર થયો અને ફરી અંધકારમાં ઓગળી ગયો. વાદળોની ગર્જના ફરી હૈયાને હલબલાવી ગઈ. વિફરેલા પવન જોડે યુદ્ધમાં ઉતરી માંડમહેનતે બારી નિયંત્રણ હેઠળ આવી. 

" પપ્પા આઈસ્ક્રીમ ખરીદી શકે એ માટે પૈસા જોઈએ ને ? ને પપ્પા કામ કરે ત્યારે પૈસા આવે, રાઈટ ? એટલે હું જલ્દી કામ પૂરું કરી લઉં ? કે જેથી મારી મીઠી માટે આઈસ્ક્રીમ ખરીદી શકું. "

બારીને કડી ભેરવી ચુસ્ત બંધ કરી એટલે બહારનું તોફાન અંદર તરફ પ્રવેશતું અવરોધાયું.ચહેરા પર સંતોષ છવાયો. 

" પપ્પા, જલ્દી જાઓ. ઘણું ઘણું કામ કરો. એટલે ઘણા ઘણા પૈસા મળે અને પછી આપણે ઘણી ઘણી આઈસ્ક્રીમ ખાઈશું. મેંગો, સ્ટ્રોબેરી, ચોકલેટ, વેનીલા, બટરસ્કોચ, પાઈનેપલ..." પાછળ પૃષ્ઠભૂમિમાંથી પત્નીનો અવાજ વધુ સ્પષ્ટપણે આગળ તરફ સંભળાયો. " અરે, બસ બસ હવે પપ્પાને મોડું થાય છે. કુનાલ, આજે તારા હાથે પાંચસો ડિલિવરી પુરી થશે. આજ સુધી તારા દ્વારા કરાવવામાં આવેલી દરેક ડિલિવરીમાં કદી કોઈ કોમ્પ્લિકેશન થયા નથી. તારો સફળતાનો ગ્રાફ અકલ્પનીય છે. હોસ્પિટલ તરફથી તો તારા માટે ગ્રાન્ડ પાર્ટી આયોજાય રહી જ છે. પણ એક પાર્ટી હું ઘરે પણ આપીશ. આમ સો પ્રાઉડ ઓફ યુ !"

" આ બધું મારી લક્ષ્મી, મારી દીકરી, મારી મીઠીના લીધે જ છે. શી ઈઝ માય લકી ચાર્મ. " ડોક્ટરનો ચહેરો દીકરીની પ્રશંસા કરતા ગર્વથી ઝળહળી ઉઠ્યો. " હું નીકળું છું. સર્જરીનો સમય થવા આવ્યો છે. ધે આર મસ્ટ બી વેઈટિંગ ફોર મી. "

" ઓલ ઘી બેસ્ટ, કુનાલ. લવ યુ. સી યુ સુન. "

સામે છેડેથી કોલ કપાયો કે ડોક્ટર કેબિનમાંથી બહાર નીકળવા પાછળ ફર્યા. ઓરડામાં આવી ઉભેલી ૨૬ - ૨૭વર્ષની સ્ત્રીને અચાનકથી જોતા ચહેરો ડઘાઈ ગયો. એ ચહેરો કેટલો વિચિત્ર રીતે એને તાકી રહ્યો હતો. એ આંખો કેટલી વિહ્વળ હતી ! એ નજરમાં પીડા હતી, હતાશા હતી, દર્દ હતું, યાતના હતી પણ સાથે આશ પણ હતી. એક વિચિત્ર પ્રકારની આશ ! એવી આશ જેવી આશ કોઈ મંદિરમાં ઊભા ભક્તની આંખોમાં ઉભરાઈ રહી હોય. શરીરના હાવભાવોમાં વિચિત્ર પ્રકારની ઉતાવળ અને અધીરાઈ ડોકાઈ રહી હતી. પાતળું શરીર અશક્ત દેખાઈ રહ્યું હતું. પણ મનમાં કશું કરી છૂટવાની મક્કમતા સંગ્રહાઈ હતી જે શરીરના રોમેરોમમાં છલકાઈ પ્રતિબિંબિત થઈ રહી હતી.

" ડોક્ટર, મારી મદદ કરો. ફક્ત તમે જ મારી મદદ કરી શકો છો. મારી વાત ધ્યાન દઈ સાંભળો. મારી પાસે બહુ સમય નથી. "

લઘરવઘર હાલતમાં કેબિનમાં પહોંચેલી એ સ્ત્રી ઉપર ડોક્ટરની ત્રાડ ત્રાટકી. 

" કોણ છો તમે ? અહીં પરવાનગી લીધા વિના કેમ આવી ગયા ? સિક્યોરિટી, નર્સ... "

" હું શ્રેયા છું.જુઓ ડોક્ટર મારી પાસે બહુ સમય નથી. હું જતી રહીશ. માંડમહેનતે હું તમને અહીં યોગ્ય સમયે શોધતી પહોંચી છું. બસ, મારું એક કામ તમારે કરવાનું છે અને એ તમે જ કરી શકો છો."

" શ્રેયા ? " ડોકટરના મોઢામાંથી નીકળી આવેલો શબ્દ એ શંકાનો સૂચક બની રહ્યો કે આ નામ પહેલા કશે સાંભળ્યું હતું. પણ ક્યાં ? જે ઝડપથી આંખો સામેની ઘટના આકાર લઈ રહી હતી એ સંજોગ અને પરિસ્થિતિ એ પ્રશ્નના ઊંડાણમાં ઉતરવાની સહેજે પરવાનગી આપી રહ્યા ન હતા. ઓપરેશન થિયેટરમાં પ્રવેશવાનો સમય થઈ ચૂક્યો હતો. પેશન્ટ અને સ્ટાફ દ્વારા એમની કાગડોળે રાહ જોવાઈ રહી હશે. એ વિચારે ડોકટરે ઝડપથી કેબિનમાંથી બહાર નીકળી જવા પ્રયાસ કર્યો. એ પ્રયાસ આંખે વળગતા સામે ઊભી સ્ત્રીએ ટેબલ પરથી કાચનો ગ્લાસ ઉઠાવી એને ટેબલ જોડે અફાળ્યો. હાથમાં રહી ગયેલા કાચના ટુકડાને પોતાના ગળાની નસ તરફ ધમકીભર્યા હાવભાવો જોડે ગોઠવી દીધો. અપેક્ષાવિહીન સ્ત્રીની પ્રતિક્રિયાથી ડોક્ટર એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. બીજી ક્ષણે પરિપક્વતા ગ્રહણ કરતા એણે પરિસ્થિતિને તર્ક અને ધૈર્યથી નિયંત્રણમાં લેવાનો ત્વરિત પ્રયાસ આદર્યો.

" એક મિનિટ. આરામથી, આરામથી. જુઓ, હું નથી જાણતો તમે કોણ છો ? અને આ રીતે શા માટે વર્તી રહ્યા છો ? હું તો આજ પહેલા તમને કદી મળ્યો પણ નથી. પણ મહેરબાની કરી સમજવાનો પ્રયાસ કરો. મારે સિઝેરિયન કરવા જવાનું છે. ઓટીમાં મારો સ્ટાફ મારી રાહ જોઈ રહ્યો છે. હું પરત આવું પછી આપણે નિરાંતે વાત કરીએ. "

ડોકટરના આશ્વાસનથી રાહત પામવાને સ્થળે સ્ત્રી વધુ આક્રમકતા જોડે કાચના ટુકડાને ગળાની રક્તવાહિનીની વધુ અડોઅડ નજીક લઈ ગઈ. ડોકટરના ચહેરા પર પરસેવાના બિંદુ બાઝવા લાગ્યા. એ જ સમયે વાદળોનો પ્રચંડ ગડગડાટ થયો. બહાર તરફનું વાવાઝોડું ચરમસીમાએ પહોંચ્યું અને વરસાદ ભાન ભૂલી તોફાને ચઢ્યો.

" ડોક્ટર, મારી પાસે એટલો સમય નથી. હું જતી રહીશ. બસ, તમારે એક કામ કરવાનું છે. આજે જે બાળકીને તમે જન્મ આપવા જઈ રહ્યા છો તમારે એને મારી નાખવાની છે. ધેટ્સ ઈટ. "

" વ્હોટ ? આર યુ આઉટ ઓફ યોર માઈન્ડ ? " ડોક્ટરની આંખોમાં લોહી ઉતરી આવ્યું. એની પ્રમાણિકતા અને નૈતિકતા પર જાણે વજ્રઘાત થયો. એ નખશીખ હલબલી ગયો. ક્રોધ અને મૂંઝવણની એ અનેરી આંટીઘૂંટીમાં સપડાઈ ગયો. અને શીઘ્ર એક નવા જ આંચકાએ એને જકડી લીધો.

" વેઈટ એ મિનિટ. મારા સ્ટાફમાંથી ચોક્કસ કોઈ તમારી જોડે ભળેલું છે. આજે હું સિઝેરિયન દ્વારા જે બાળકને જન્મ આપવા જઈ રહ્યો છું એ છોકરી છે એની તમને કઈ રીતે જાણ થઈ ? એ અંગે તો બાળકના માતાપિતા પણ અજ્ઞાત છે. ગર્ભ નિરીક્ષણ દ્વારા અગાઉથી જ બાળકની જાતિ વિશે માહિતી મેળવવી કે એ અંગે માહિતી પ્રદાન કરવી બંને કાયદાકીય ગુનો છે. જો મારા સ્ટાફમાંથી કોઈ..."

" હું તમારા સ્ટાફને જાણતી નથી. મને એમની જોડે કોઈ લેવાદેવા નથી. મને ફક્ત આજે જન્મ લેનારી બાળકી જોડે લેવાદેવા છે. તમે એને જીવતી ન છોડતા. એને કોઈ પણ રીતે..." અધીરાઈભર્યો આવેગ કાળા, ઊંડા કુંડાળાવાળી આંખોને વધુ ભયભીત દેખાડી રહ્યો. 

ગળામાં ભેગું થયેલું થૂંક નીચે ઉતારતા ડોક્ટરની આંખોમાં ક્રાંતિની ચિનગારી સળગી ઊઠી. " અને જો હું એમ ન કરું તો ? "

" તો...તો...તો તમારી પત્ની જેમ કોલમાં કહી રહી હતી તેમ તમે આજે તમારી ૫૦૦ ડિલિવરી સફળતાથી પાર પાડશો. તમને એક સફળ વ્યવસાયિક તબીબ તરીકેની નામના મળશે. હોસ્પિટલ તરફથી તમારા માનસન્માનમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવશે. તમારા ઘરે પણ અન્ય એક મોટી પાર્ટી ઉજવાશે. ચારે તરફ તમારી વાહ, વાહ થશે. તમે તમારા કુટુંબના ઉજળા ભવિષ્ય પાછળ મંડી પડશો અને કદાચ થોડા સમયમાં એ બાળકીને ભૂલી જશો. પણ એ બાળકી જોડે શું થશે, એ જાણો છો ? " પૂછાયેલા પ્રશ્ન જોડે આંખોમાં વિફરી ઊઠેલી ક્રોધની સુનામી ભયાવહ હતી. સ્ત્રીની લઘરવઘર હાલત અને અસ્તવ્યસ્ત થઈ ઉઠેલા વાળ એ ભયાનક્તામાં બમણો ઉમેરો કરી રહ્યા હતા. " એ બાળકીને માતાપિતાનો અપાર પ્રેમ મળશે. દીકરો અને દીકરીને જુદી જુદી નજરોથી તાકતા સમાજ વચ્ચે રહીને પણ તેઓ પોતાની દીકરીને અખૂટ લાડ,પ્રેમ, સ્નેહ અને સન્માન જોડે ઉછેરશે. એના દરેક કોડ પુરા કરશે. એની અંદર આત્મવિશ્વાસનું સિંચન કરશે. એને ઉચ્ચ ભણતર પૂરું પાડશે. એની ગમતી કારકિર્દીમાં એને આગળ ધપવાની પૂરેપૂરી તક આપશે. એ બાળકી એક ક્રાઈમ રિપોર્ટર બનશે. મહિલાઓ અને સ્ત્રીઓ સામે થતા દુષણો સામે બંડ પોકારશે. ઘણા અસામાજિક તત્વોને જેલ ભેગા કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. સમાજ તરફથી એને મેડલો પણ પ્રાપ્ત થશે. પરંતુ આવી જ એક તુફાની રાત્રીમાં ઘરે પરત થતા રસ્તામાં એની ગાડી બગડી જશે. એ તકનો લાભ લઈ પોતાનો બદલો લેવા કેટલાક અસામાજિક તત્વો એનું અપહરણ કરી એને જંગલ વિસ્તાર તરફ લઈ જશે. આખી રાત્રી એની ઉપર બળાત્કાર થશે. જયારે હોશ આવશે ત્યારે એક નવું જ જીવન આંખો સામે હશે. છતાં એ હાર ન માનશે. પોતાના અધિકારો માટે લડશે. ફરીથી જીવનક્રમમાં પરત થવાનો પ્રયાસ કરશે. પણ એને અને એના માતાપિતાને સમાજ કદી એ ભૂલવા ન દેશે કે એની જોડે દસ પુરુષોએ વારાફરતી બળાત્કાર કર્યો હતો. લોકોના પ્રશ્નો, સીધી, આડકતરી વાતો, ચહેરાના હાવભાવો, વર્તન અને વલણ દરેક ક્ષણ, દરરોજ એ ઘટનાને આંખો સામે ઊભી કરશે. એ દસ પુરુષોએ એક જ રાત્રીએ કરેલા બળાત્કારને સમાજની જીજ્ઞાસુ, સ્વાર્થી અને દંભી આંખોમાં એ યુવતી દરરોજ નિયમિત નિહાળશે. એની જોડે થયેલા વર્તનને કારણે સમાજ એના માતાપિતાના પ્રેમ અને કાળજીને બિનજરૂરી છૂટછાટ અને સ્વચ્છન્દતાનું બિરુદ આપશે. એ મહેણાંટોણાં સાંભળી સાંભળી એક દિવસે બાળકીના પિતાને સિવયર હાર્ટ અટેક આવશે અને તેઓ અકાળે અવસાન પામશે. એ શોકમાં યુવતીની માતા મૂંગી થઈ જશે અને યુવતી એક જીવતી લાશ બની રહી જશે. એના કરતા તો એ આજે જ મરી જાય એ સારું ! "

ડોકટરના ચહેરા ઉપર પહેલીવાર કોઈ તર્ક હાથ લાગ્યાના હાવભાવો ડોકાયા. ધીમે રહી આગળ વધતા એણે સ્ત્રીનો વિશ્વાસ જીતવાનો ચતુર પ્રયાસ કર્યો.

" જુઓ, તમારી વાતો સાંભળી અને તમારી શારીરિક,માનસિક પરિસ્થિતિ નિહાળી મને એટલું સમજાઈ રહ્યું છે કે તમારી જોડે જરૂર કોઈ એવી ઘટના બની છે, જે ન બનવી જોઈતી હતી. તમને એ વાતનો ઘેરો ધક્કો લાગ્યો છે. હું સમજી શકું છું. પરંતુ જે તમારી જોડે બન્યું છે એ જરૂરી નથી કે આજે જન્મ લેનારી બાળકી જોડે પણ એવી જ કોઈ અમાનવીય ઘટના ઘટે. આઈ થિન્ક યુ નીડ હેલ્પ ! "

" યસ, આઈ નીડ હેલ્પ. " અચાનકથી સ્ત્રી ડોક્ટર તરફ ધસી આવી અને ડોકટરના કોલર સ્ત્રીના હાથમાં જકડાઈ ગયા. ડોકટરે એક ત્રાંસી નજર સ્ત્રીના હાથમાંથી જમીન પર પડી ગયેલા કાચના ટુકડા તરફ નાખી. બીજી ક્ષણે ડોક્ટરની નજર પોતાના જકડાયેલા કોલર તરફ પડી. સ્ત્રીના ડાબા હાથના પંજામાં પાંચની જગ્યાએ છ આંગળીઓ હતી. ડોક્ટરની નજરે એની સહજ નોંધ લીધી. સ્ત્રીએ એક ધક્કા જોડે ડોક્ટરને દૂર હડસેલ્યો અને ટેબલ ઉપરથી ડોક્ટરની દીકરી અને પત્નીની તસ્વીર હાથમાં ઊંચકી લીધી. એની વિફરેલી નજર એ તસ્વીરમાં તીર સમી ભોંકાઈ ગઈ. 

" આ બાળકી જોડે એવું કંઈ થાય તો તમને કેવું અનુભવાશે ? એમ જ લાગશે ને કે એના કરતા તો એ જન્મી જ ન હોત ! રાઈટ ? " પૂછાયેલા પ્રશ્નથી ડોકટરના શરીરના રુંવાડા ઊભા થઈ ગયા. એવું લાગ્યું જાણે કોઈ પ્રાણઘાતક વીજળીનો પ્રવાહ શરીરમાંથી નિર્દયી રીતે પસાર થઈ ગયો. ભાવનાઓ ઉપર કાબુ મેળવી ડોકટરે તસ્વીરમાં વ્યસ્ત આંખોનો લાભ લઈ કેબિનની બહાર તરફ એક જ શ્વાસે દોડ લગાવી દીધી.

દૂર તરફથી આવી રહેલી નર્સને એણે સિક્યોરિટીને બોલાવવા આદેશ છોડ્યો. થોડા જ સમયમાં ડોક્ટર નર્સ અને સિક્યોરિટી ગાર્ડ જોડે કેબિનમાં પરત થયો. પણ કેબિનમાં કોઈ હાજર ન હતું. 

 નાક ઉપર ટકેલા ચશ્મામાંથી જજે વારાફરતી બંને પક્ષના વકીલને નિહાળ્યા. આંખો સામે પડેલી કેસની શાબ્દિક, લેખિત માહિતી પર એક ઔપચારિક નજર ફરી વળી. એક ઊંડો શ્વાસ ખેંચી પોતાની નજર આરોપી તરફ નાખી. એ એમ જ ઊભો હતો, જે રીતે કેસના પ્રથમ દિવસે એ સ્થળે ઊભો હતો. એ જ ઢળેલી નજર, એ જ સ્તબ્ધ શરીર અને એ જ સીવેલા હોઠ. ન શરીરમાં કોઈ હલનચલન, ન આંખોમાં કોઈ પ્રત્યાઘાત. એ ત્યાં હાજર હોય કે ન હોય બંને પરિસ્થિતિમાં કોઈ ઝાઝો તફાવત ન હતો. એક આખરી તક આપવું ન્યાયયુક્ત હોય એમ જજ દ્વારા સીધું આરોપીને સંબોધન થયું. 

" તમને કશું કહેવું છે ? "

બચાવપક્ષના વકીલે એક આશભરી દ્રષ્ટિ આરોપી તરફ નાખી. કદાચ આજે કોઈ શબ્દ એ સિવાયેલા હોઠમાંથી બહાર નીકળી આવે અને કેસ પાછળ કરેલી પોતાની અથાગ મહેનત સફળ થઈ જાય. પણ એ આશ પર તરત જ ઠંડુ પાણી ફરી વળ્યું. એ હોઠ આજના મહત્ત્વના દિવસે પણ સિવાયેલા જ રહ્યા. એનો એક પણ ટાંકો ઢીલો થયો નહીં. વકીલના દાંત અસહ્ય રીસથી ભીંસાયા. પણ એ ભીંસ નિરર્થક જ નીવડી. જજે એક ખોંખારો ખાધો અને પોતાના નિર્ણયની શાબ્દિક જાહેરાત કરી. 

" જે થયું છે એ થવું જોઈતું ન હતું. એક બાળકીએ પોતાની જાન ગુમાવી છે. એ ગેરજીમ્મેદાર વર્તનની સહેજે અવગણના ન કરી શકાય. જો એ ડોક્ટરની અચાનક બગડેલી તબિયતનું પરિણામ હોય તો એ એક અકસ્માત કહી શકાય. પણ આ કેસમાં ડોક્ટર પોતાના બચાવમાં કશું કહેવા તૈયાર નથી. એ આડકતરી રીતે ગુનો કબૂલ કરવા બરાબર જ છે. તેથી આ કોર્ટ..."

બચાવપક્ષના વકીલને જાણે ડૂબતાને તણખો મળે એ રીતે જજના શબ્દોમાંથી કશું ખુબ જ મહત્ત્વનું હાથ લાગી ગયું હોય એમ બે ડગલાં જજ તરફ શીઘ્ર આગળ ધસી આવ્યો. 

" સોરી ટુ ઈન્ટરફિયર, માય લોર્ડ. પણ એક બહુ મહત્ત્વની બાબત અહીં નજરઅંદાજ થઈ છે. જે રીતે તમે જોઈ શકો છો કે ડોકટરે આજ સુધી એક પણ શબ્દ કોર્ટમાં ઉચ્ચાર્યો નથી. કોર્ટમાં જ નહીં, જ્યારથી આ ઘટના બની છે ત્યારથી આજ સુધી એમણે કોઈની પણ જોડે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. પોતાની પત્ની અને બાળકી જોડે પણ નહીં. કેસની બધી જ માહિતીનો આધાર ત્યાં ઉપસ્થિત સ્ટાફની ગવાહી પર રહ્યો છે. એ ઘટનાથી ડોક્ટરને ઘેરો ધક્કો લાગ્યો છે. હી ઈઝ ક્લિયરલી સફરિંગ ફ્રોમ પોસ્ટટ્રોમેટિક સિન્ડ્રોમ. તેથી હું કોર્ટને વિનંતી કરું છું કે કેસ અંગે કોઈ પણ નિર્ણય લેવા પહેલા એમને જરૂરી થેરપી અને સારવાર પ્રદાન કરવામાં આવે. " 

જજે પોતાના ચશ્મા ઉતારી કેસના કાગળિયાઓ પર ગોઠવી દીધા. ક્ષણિક મનોમંથન કર્યું. બચાવપક્ષના વકીલની નજર જજ પર એ રીતે ચોંટી હતી જાણે અર્જુનની માછલીની આંખ ઉપર. બીજી જ ક્ષણે જજે ચશ્મા ફરી નાકના ટેરવે ગોઠવી દીધા, કલમ હાથમાં લીધી અને કાગળ પર કંડારી દીધી. 

" બચાવપક્ષની દલીલને નજરમાં રાખતા આરોપીને યોગ્ય માનસિક સારવાર અર્થે મોકલાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. "

જજના શબ્દો થકી જાણે નવું જીવન મળ્યું હોય એમ બચાવપક્ષના વકીલના ચહેરા પર હાશકારો છવાઈ ગયો. આરોપીપક્ષના વકીલના ચહેરા પર સ્પષ્ટ અસહમતીના ભાવો ફરી વળ્યાં. આરોપીને પોલીસ કસ્ટડી હેઠળ અદાલતની બહાર તરફ લઈ જવામાં આવ્યો. પાછળની હરોળમાં ગોઠવાયેલા દંપતી યોગ્ય ન્યાય ન મળવાનો બળાપો એકબીજાને ચુસ્ત આલિંગન આપતા અશ્રુવાળી આંખો જોડે વહાવી રહ્યા. અત્યંત અંતિમ હરોળમાં બેઠી બાળકી ચીખી ઊઠી,

" પપ્પા, મારી આઈસ્ક્રીમ... પપ્પા, તમે ક્યાં જાવ છો ? પપ્પા, ઘરે કેમ નથી આવતા ? પપ્પા, મારી જોડે કિટ્ટા છો ? "

પડખે બેઠી સ્ત્રીએ બાળકીને ચુસ્ત આલિંગનમાં લઈ લીધી. એની મૌન વહી રહેલી આંખો સ્તબ્ધ, પૂતળા જેવા બની ગયેલા પતિને પોતાનાથી દૂર જતા નિસહાય નિહાળી રહી. 

માનસિક રોગોની ઈલાજ માટેની હોસ્પિટલના એક એકાંત, નીરવ ઓરડામાં પથારી પર બેઠા ડોક્ટરની આંખોની કીકીઓ શૂન્યાવકાશમાં સ્થિર હતી. શરીરમાં કોઈ પણ પ્રકારનું હલનચલન ન હતું. હોઠ ચુસ્ત બીડાયેલા હતા. નજર હજી પણ ઓપરેશન થિયેટરમાં બની ગયેલી ઘટના પર જડાયેલી હતી.

સિઝેરિયન સફળતા તરફ આગળ વધ્યું અને નવજાત બાળકી હાથમાં આવી. ડોક્ટરની નજર અનાયાસે બાળકીના ડાબા હાથના પંજા ઉપર પડી. એ પંજામાં પાંચ નહીં, છ આંગળીઓ હતી. એ જ સમયે ડોક્ટરની સ્મરણશક્તિમાં અચાનક એક ઉછાળ આવ્યો. થોડા સમય પહેલા કેબિનમાં ધસી આવેલી માનસિક રીતે અસ્થિર લાગી રહેલી સ્ત્રીએ આપેલા પરિચયમાં ઉચ્ચારાયેલું નામ મગજમાં ગુંજી યથયું,

" શ્રેયા "

અને એ સાથે જ જેનું સિઝેરિયન થઈ રહ્યું હતું એ સ્ત્રી અને એના પતિ જોડેનું પૂર્વ રેગ્યુલર ચેકઅપ અપોઈન્ટમેન્ટ યાદશક્તિમાં ધસી આવ્યું. સ્ત્રીએ કહ્યું હતું,

" દીકરો હોય કે દીકરી, જે પણ ઈશ્વર આપશે એ રાજીખુશી સ્વીકારી લઈશું. અમે તો નામ પણ વિચારી રાખ્યા છે. જો દીકરો હશે તો શ્રેયશ અને જો દીકરી હશે તો શ્રેયા. " 

ડોકટરના હાથ ધ્રુજી ઊઠ્યા. શોકની એક ક્ષણ, એક આંચકો અને બાળકી હાથમાંથી સરકી પડી. 

મૌન, સ્થિર કીકીઓમાંથી ચોર ડગલે ધસી આવેલી એક ખારી બુંદ હોસ્પિટલની પથારીને છાનીમાની ભીની કરી ગઈ અને કોઈને એની જાણ ન થઈ શકી. 

એ જ સમયે માનસિક રોગોના ઈલાજ માટેની એ હોસ્પિટલના રિસેપશન પર બેઠી સ્ત્રી પોતાને મળેલી નિરાંતની પળોનો સદુપયોગ કરવા સાઈન્સ મેગેઝીનની નવી આવેલી આવૃત્તિ વાંચવામાં તલ્લીન હતી. 

એની નજર દરેક શબ્દ ઉપર રસપૂર્વક ફરી રહી હતી,

' ટાઈમ ટ્રાવેલ ફક્ત એક કલ્પના છે કે પછી હકીકત ? શું એવું શક્ય છે કે ભવિષ્યમાંથી કોઈ માનવી સમયની યાત્રા કરી, પોતાનો ભૂતકાળ બદલવા આપણા વર્તમાનમાં પ્રવેશી શકે ? અને જો...પોતાના વર્તમાનમાંથી છૂટકારો મેળવવા એ આપણા વર્તમાનમાં પ્રવેશે તો... શું આપણું ભવિષ્ય બદલાઈ જાય ? '


Rate this content
Log in

Similar gujarati story from Abstract