સમજ
સમજ
એ દિવસે હું દર વખત જેમ મારા વારા માટે રાહમાં બેઠી હતી. રાહમાં બેસતી દરેક વ્યક્તિની સમય પસાર કરવા માટેના વિકલ્પોની પસંદગી જુદી જુદી હોય છે. કોઈ વાંચનમાં ચિત્ત પરોવે, કોઈ અન્ય જોડે વાર્તાલાપનો છેડો થામે, કોઈ નિંદ્રાવશ થઈ બેસે, કોઈ શરીરના હાવભાવો જોડે રમત કરે, કોઈ શરીરના સ્નાયુઓને તાણની કસરત કરાવે, કોઈ બગાસાની હરીફાઈ આરંભે. મારા હાથમાં મેગેઝીન હતી. હું એના પાનાઓ સમયાંતરે ફેરવી રહી હતી. લેખના શીર્ષકો ઉપર અછડતી નજર ફરી વળતી હતી. છપાયેલા ફોટાઓ ઉપરછલ્લા નજરમાંથી છટકી અર્ધજાગ્રત મનમાં સચવાઈ રહેવા મારી જાણ વિના જ અંદર ઉતરી રહ્યા હતા. મારી આંખો એ જડ પરિસ્થિતિમાં હાજર હોવા છતાં ગેરહાજર હતી. માનસપટ પર જુદા જુદા દ્રશ્યો ઝીલાઈ રહ્યા હતા. એ શ્વેત શ્યામ દ્રશ્યોમાં હું એ દિવસે પણ એ જ વર્ષો જુના પ્રશ્નનો ઉત્તર શોધવા મથી રહી હતી.
મને સૌથી વધુ કોણ સમજે ?
સૌથી પહેલા જે દ્રશ્ય કીકીઓ આગળ તરી આવ્યું હતું એમાં મારું બાળપણ ઝળહળી રહ્યં હતું. હું મમ્મીની ગોદમાં લપાઈને બેઠી હતી. મારા નાનકડા પંજાઓ વડે મેં એને કડક ભીંસમાં લઈ લીધી હતી કે જેથી સામે ઊભા હઠ પર અડગ પપ્પા મને અડકી પણ ન શકે. મારી આંખો ડરથી ચુસ્ત ભીંસાયેલી હતી. મનમાં ભયનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું.
'' મેં ફોર્મ ભરી દીધો છે. ફી પણ ભરી દીધી છે."
પપ્પાના અવાજની કડકાઈથી શરીરમાં આછી આછી કંપારી છૂટવાની શરૂ થઈ કે મમ્મીનો હાથ માથે ફરવા લાગ્યો. એ હુલામણા સ્પર્શથી મન સુરક્ષાની અનુભૂતિ કરવા માંડ્યું.
" એને ડર લાગે છે તો રહેવા દો. બળજબરી શા માટે કરો છો ? "
મમ્મીના પ્રશ્નનના ઉત્તરમાં પપ્પાનો અવાજ પહેલા કરતા પણ વધુ ઊંચો ઉઠ્યો.
" જાત રક્ષણ માટે તરતા તો આવડવું જ જોઈએ."
પ્રત્યાઘાતમાં મમ્મીએ મને વધુ ચુસ્ત છાતીએ ચાંપી દીધી. પપ્પા ક્રોધમાં પગ અફાળતાં ઘરની બહાર તરફ નીકળી ગયા. હું મમ્મીના આલિંગનમાં મીઠું મલકાઈ ઊઠી. મને મારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો. મને સૌથી વધુ મમ્મી જ સમજે છે.
પણ...
બાળપણની મીઠી યાદોવાળું દ્રશ્ય ક્ષણમાં આલોપ થઈ ગયું. એક મહિના પહેલા મમ્મીએ મને કરેલો કોલ યાદ આવ્યો. પરંતુ એ કોલ રિસીવ કરી રહેલું મારું શરીર પુખ્ત હતું.
" દક્ષા, ગોળપાપડી તૈયાર થઈ ગઈ ? "
મમ્મીના પ્રશ્નના ઉત્તરમાં દર વર્ષે હું હરખ જોડે હા જ કહેતી. લગ્ન પછી પણ દરેક વારતહેવારે એના માટે ગોળપાપડી હું જ તૈયાર કરતી. એને મારા હાથની ગોળપાપડી ગમતી. હું જાણતી હતી. પણ આ વર્ષે... જવાબદારીઓમાં જાણે અચાનકથી ઉભરો આવી ગયો હતો. શ્વાસ લેવાનો પણ સમય ન હતો. હેમખેમ ઘરના કાર્યોનું સંતુલન જાળવી રહી હતી એમાં...
" સોરી મમ્મી, સમય નથી. તું જાણે છે ને કે..."
મારું વાક્ય પૂરું થઈ શકે એ પહેલા જ એ ફટ દઈને બોલી પડી હતી.
" હું સમીક્ષાને કહી દઈશ. એ ના ન જ પાડશે. તું રહેવા દે. "
આટલું કહી મમ્મીએ કોલ મૂકી દીધો હતો. ભાભી ગોળપાપડી તૈયાર કરી આપશે. એમાં કોઈ મોટી વાત ન હતી. પણ મારા કપાઈ ગયેલા પેલા અર્ધા વાક્યથી મારી એક ભ્રમણા જરૂર તૂટી હતી. મમ્મી મને સૌથી વધુ સમજતી તો ન જ હતી.
મન ગૂંગળાઈ ઉઠ્યું. મેં તરત જ મેગેઝીનનું પાનું ફેરવી નાખ્યું. નવો લેખ, નવા ફોટા અને વિચારની એ જ ધારા.
આ વખતે કીકી પર તરી રહેલ શ્વેત શ્યામ રંગના દ્રશ્યોમાં હું તરુણાવસ્થામાં હતી. મારી બેગ પેક કરી રહી હતી. મમ્મીની આંખો ગુસ્સામાં લાલચોળ હતી. તે ઓરડામાં આમથી તેમ ચક્કર કાપી રહી હતી અને પોતાના મગજમાં ચક્કર કાપી રહેલા વિચારોને મારી દિશામાં છુટ્ટા ફેંકી રહી હતી.
" આમ છોકરી જાતને એકલા એકલા રખડવા જવું શોભતું હોય ? કોઈ ઊંચનીચ થઈ ગઈ તો... ના, કોઈ જરૂર નથી. આ ટ્રીપ, બીપ, કેમ્પીંગ આપણને ન પોષાય. મેં ના પાડી દીધી એટલે બસ. વાત પુરી. "
પેકીંગ કરી રહેલા મારા હાથની ઝડપ મમ્મીના શબ્દો જોડે હોડમાં ઉતરી.
" મમ્મી, હું એકલી નથી. એથ્લિટ્સની આખી ટીમ મારી જોડે છે. ટીમના મેનેજર અને કોચ પણ સાથે છે."
મારી બેગને હાથ વડે સંકેલવાનો પ્રયાસ કરતા મમ્મીએ ત્રાડ જ નાખી.
" એ કોચ અને મેનેજર છે તો પુરુષ જ ને ! ''
મેં હેમખેમ બેગને ફરી ખોલી અને ઝડપથી પેકીંગ પૂરું કરવા તત્પરતા દર્શાવી.
ઘમાસાણ બોક્સિંગ કરી રહેલા બે ખેલાડીઓ વચ્ચે રેફરી દખલગીરી કરી જે રીતે બન્નેને છુટા પાડે એ રીતે પપ્પા મારી અને મમ્મીની વચ્ચે આવી ઊભા રહી ગયા.
" બસ કર, ગાયત્રી. એ હવે નાની બાળકી નથી. એને છૂટી કરવી પડે. આપણા વિના પ્રવાસ ખેડશે તો એનો આત્મવિશ્વાસ વધશે. આખું જીવન એને ગોદમાં લઈને ન બેસાય. " કહેતા પપ્પાએ પોતાનો હાથ મારા ખભે ગોઠવી દીધો હતો. મારી બેગ પેક થઈ ચુકી હતી. એક ત્રાંસી નજર મારી પેક થયેલી બેગ પર નાખી મમ્મી પોતાના ઓરડામાં જતી રહી હતી. પપ્પા તો ઠેઠ સ્ટેશન સુધી મને ડ્રોપ કરવા આવ્યા હતા. એ દિવસે મને દ્રઢ વિશ્વાસ બેસી ગયો કે આખરે મારા પ્રશ્નનો ખરો ઉત્તર મને મળી જ ગયો.
મને સૌથી વધુ કોણ સમજે ? પપ્પા જ વળી.
પણ...
તરુણાવસ્થાની એ આત્મવિશ્વાસથી છલકાતી યાદો વરાળ બની પળભરમાં હવામાં ભળી ગઈ. થોડા મહિના પહેલાની નવી યાદોએ એનું સ્થળ ત્વરાથી લઈ લીધું હોય એમ એક નવું દ્રશ્ય મેગેઝીનની પૃષ્ઠભૂમિમાં જાણે હું જીવંત નિહાળી રહી. એ દિવસે ભાભીનો જન્મદિવસ હતો. હું મારી દીકરી સોનાક્ષીને લઈ ઘરે ગઈ હતી. બધા જમી રહ્યા હતા. સોનાક્ષી આખા ઘરમાં દોડાદોડી કરી રહી હતી. નાનાનાનીનું ઘર એનું સૌથી ગમતું સ્થળ હતું. એ ખુબ જ ખુશ હતી. એને ખુશ નિહાળી હું પણ એટલી જ ખુશ હતી. અચાનકથી પપ્પાના ઓરડામાંથી ગુંજેલા અવાજથી બધા ચોંકી ઊઠ્યા. સૌથી વધુ હું. સોનાક્ષી પપ્પાના ઓરડાની દિશામાં જ દોડતી ગઈ હતી. પપ્પાએ જમણ પડતું મૂકી એ દિશામાં દોટ મૂકી. હું પણ ધબકતા હૈયે એમની પાછળ ધસી ગઈ. ઓરડામાં પહોંચતા જ સોનાક્ષીને પથારી પર સુરક્ષિત બેઠી નિહાળી મારા જીવમાં જીવ આવ્યો. પરંતુ પપ્પાનું ધ્યાન સોનાક્ષી તરફ હતું જ નહીં. એમનો જીવ નીકળી ગયો હોય એવા હૃદયભગ્ન હાવભાવો એમના ચહેરા ઉપર નિહાળી મારું હૈયું પણ જમીન પર વિખરાયેલા કાચના ટુકડાઓ જેમ જ ચકનાચૂર થઈ ગયું. એમનું અતિ પ્રિય મોંઘુ એન્ટીકપીસ સોનાક્ષીના હાથની થપાડથી ભોંયભેગુ થયું હતું. એ દિવસે તેઓ કશું ન બોલ્યા. ન મને, ન સોનાક્ષીને. પરંતુ ત્યાર બાદ જેટલી વખત હું ઘરે ગઈ હતી ત્યારે એમનો ઓરડો લોક જ રહેતો. સોનાક્ષી દોડાદોડી કરે કે તરત જ એમની નજર એ દિશામાં પહેરો ભરે અને વચ્ચે વચ્ચે તેઓ, " સંભાળીને સોનાક્ષી. કશું તૂટી ન જાય. " એવું કડક શબ્દોમાં એને યાદ અપાવતા રહે. જેટલો સમય હું ત્યાં હોવ મારો જીવ પણ ઉંચકાયેલો રહેતો. ધીરે ધીરે એ ઘરમાં મારી અવરજવર ઓછી થઈ ગઈ. ખાસ અવસર વિના હું ઘરે જવાનું ટાળવા લાગી. એ દિવસે એ એન્ટિક પીસની જોડે વર્ષો જૂની મારી ભ્રમણા પણ તૂટી ગઈ હતી. એની જગ્યાએ નવી શંકાએ મનમાં સ્થળ બનાવ્યું હતું. પપ્પા મને, મારી પરિસ્થિતિને, મારી લાગણીઓને સમજે પણ છે ખરા ?
વિચારોએ મન પર છોડેલું તીર અસહ્ય થઈ પડ્યું. મારી આંતરિક વેદનાએ આંગળીઓને ધક્કો દીધો અને ફરી મેં મેગેઝીનનું પાનું વેગ જોડે ઉથલાવી મૂક્યું. અસંખ્ય જાહેરાતો જાગ્રત નજરમાં સ્થળ બનાવવા અધીરી બની. પરંતુ અર્ધજાગ્રત મને એની તીવ્રતા છીનવી લીધી અને શ્વેત શ્યામ રંગની યાદો દ્રશ્ય બની એની ઉપર હાવી થઈ બેઠી.આ વખતે સ્મૃતિપટ પર ઊભું થયેલું દ્રશ્ય મારા યૌવનકાળનું હતું. મારી આંખો રડી રડીને સૂઝી ગઈ હતી. દિવસોથી ઘરમાં ચાલી રહેલું યુદ્ધ અંતિમ પડાવ પર હતું. નિર્ણયાત્મક ઘડી આવી પહોંચી હતી. મમ્મી પપ્પાના ચહેરા અસ્વીકારભરી ધૃણાથી લદાયેલા હતા.
" મમ્મી, પપ્પા, આ એનું જીવન છે. એને એના જીવનના નિર્ણયો જાતે લેવાનો સંપૂર્ણ અધિકાર છે. એ તમારી ઈચ્છા વિના તો લગ્ન ન જ કરશે. પણ જો એની ઈચ્છા વિના ફક્ત તમને બન્નેને રાજી રાખવા લગ્ન કરશે તો જીવનભર ઘૂંટાતી રહેશે. એને એની પસંદગીના યુવક જોડે લગ્ન કરવાની સંમતિ આપી દો, પ્લીઝ. હું વિવેકને મળી ચુક્યો છું. સારો છોકરો છે. બહેન એની જોડે સાચે જ ખુશ રહેશે. "
હું દોડીને ભાઈને ભેટી પડી હતી. એના પ્રયાસોથી એણે એ દિવસે આખરે મમ્મી પપ્પાને મનાવી જ લીધા હતા. એના સહકાર વિના મારી પસંદગીના યુવક જોડે લગ્ન કરી શકવાનું મારું સ્વપ્ન કદી વાસ્તવીકતામાં પરિણમ્યું ન હોત. એ દિવસે મનમાં ગાંઠ બંધાઈ ગઈ હતી કે મને સૌથી વધુ સમજનાર ન મમ્મી, ન પપ્પા. ફક્ત અને ફક્ત ભાઈ.
પણ...
હું જાણતી ન હતી એ ગાંઠની આયુ થોડા વર્ષોની જ હતી. હમણાં
બે મહિના અગાઉ જયારે એને પ્રમોશન મળ્યું હતું ત્યારે એણે શહેરની મોટી ફાઈવ સ્ટાર હોટેલમાં પરિવાર અને મિત્રોને ભવ્ય પાર્ટી આપી હતી. હું એની પ્રગતિથી અત્યંત રાજીરેડ હતી. એની ઓફિસના કલીગ અને બોસ પણ ત્યાં આમંત્રિત હતા. સોનાક્ષી પણ નવા સ્થળને લઈ અત્યંત ઉત્સાહિત હતી. એના ખુશીના ઠેકડાઓ મારા મનને સંતોષ અને તૃપ્તિ અર્પી રહ્યા હતા. હું એને દૂરથી એકીટશે સ્મિત જોડે તાકી રહી હતી. અચાનકથી ભાઈ મારા અને સોનાક્ષીના દ્રષ્ટિ વિસ્તાર વચ્ચે આવી ઊભો રહી ગયો. એના ચહેરા પર અન્ય લોકો માટે ઔપચારિક સ્મિત જળવાયેલું હતું. દૂર ઊભા એના બોસે ડ્રિન્કનો ગ્લાસ હવામાં ઉઠાવી એને અભિવાદન કર્યું. એણે એ તરફ પોતાનો ગ્લાસ હવામાં ઉઠાવી એ અભિવાદનનો પ્રત્યાઘાત આપ્યો. બોસ અન્ય લોકો જોડે વાર્તાલાપમાં વ્યસ્ત થયા અને અમારી ઉપરથી એમનું ધ્યાન સંપૂર્ણપણે સમેટાઈ ગયું એ વાતની સૂક્ષ્મ નજરે ચકાસણી કર્યા બાદ ભાઈનો ચહેરો મારી દિશામાં ફર્યો. એના હોઠ પરનું ઔપચારિક સ્મિત શીઘ્ર અદ્રશ્ય થઈ ગયું. એની આંખોની કીકીઓ સંકોચાઈ ગઈ. બન્ને ભૃકુટીઓ એકમેકને સ્પર્શી ઊઠી. એના દાંત ભીંસાયા હોય એવો મને આભાસ થયો કે સાચેજ ભીંસાયા હતા એ અંગે વધુ વિચારું એ પહેલા એનું શરીર મારી ખુરશીની દિશામાં નીચે તરફ ઢળ્યું. એનો અવાજ અત્યંત મંદ પણ કડક મારા કાનમાં પડઘાયો.
" તને ખબર હતી ને કે પાર્ટી ફક્ત પુખ્ત વ્યક્તિઓ માટે છે. તું સોનાક્ષીને સાથે લઈ આવી ? "
હું સ્તબ્ધ રહી ગઈ. કાપે તો લોહી ન નીકળે એવી પરિસ્થિતિ હતી મારી. જાતબચાવ શબ્દોથી સહેલાઈથી કરી શકી હોત. પણ શું ફાયદો ? ભાઈને તો ખબર જ હતી કે વિવેક શહેરમાં ન હતો અને પરિવારના બધા સભ્યો પાર્ટીમાં હાજર હતા. તો હું સોનાક્ષીને કોની પાસે...
હું એક શબ્દ બોલી નહીં. મારી ખાતર એને ખસિયાણું અનુભવાઈ રહ્યું હતું. જે મને મંજૂર ન હતું. હું ઊઠી, સોનાક્ષી પાસે ગઈ. એનો હાથ થામ્યો અને હોટેલની બહાર નીકળી ટેક્ષી માટે હાથ લંબાવી દીધો. ત્યારબાદ હું કદી ભાઈની તો શું, કોઈની પણ પાર્ટીમાં જવાની હિંમત ભેગી કરી શકી નહીં. એ દિવસે મનને ફરી સમજાઈ ગયું કે મને સૌથી વધુ સમજનાર વ્યક્તિ ભાઈ તો ન જ હતો.
કડવી યાદોથી મન ઉબકા ભરવા માંડ્યું. મેં ફરી મેગેઝીનનું પાનું ફેરવ્યું. અંતિમ પાના ઉપર શહેરના જાણીતા પર્યટક સ્થળોની રમણ્ય તસવીરો પ્રકાશિત થયેલી હતી. એ તસવીરો વચ્ચે મને મારી કોલેજકાળની શ્રેષ્ઠ મિત્ર દમયંતીનો ચહેરો દેખાયો. બગીચાના બાંકડા ઉપર અમે બંને બેઠા હતા. મારી આંખો ભીનાયેલી હતી. ઝળઝળિયા વચ્ચેથી બાગમાં દોડાદોડી કરી રહેલી મારી દીકરી ધૂંધળી દેખાઈ રહી હતી. મારો ચહેરો ઉતરેલો હતો. મારા ખભા ઉપર દમયંતીનો હાથ ટેકાયેલો હતો. એ હાથમાં ઉષ્મા હતી, દરકાર હતી, કાળજી હતી અને મને સતત પજવી રહેલા પ્રશ્નનો ઉત્તર પણ.
" મને વિશ્વાસ નથી આવતો કે તારું પરિવાર તારી જોડે આવું વર્તન કરે છે ? શું તારી મમ્મી, પપ્પા, ભાઈને તારી પીડા સહેજે દેખાતી નથી ? ઈટ્સ રિયલી અનફેર. લોહીના સંબંધો આટલા વામણા કઈ રીતે થઈ શકે, યાર ? ''
મેં મારું માથું દમયંતીના ખભે ટેકવી દીધું. આંખોમાંથી ઉષ્ણ ધારા વહી નીકળી. મારા માથા ઉપર એનો હાથ ફરતો રહ્યો. એ ક્ષણે હૃદય પોકારી ઊઠ્યું. માનવીને સૌથી વધુ કોઈ સમજી શકે તો એ મિત્ર જ. લોહીના સબંધ કરતા મિત્રતાના સંબંધમાં સમજણની સાચી પુંજી સચવાયેલી હોય છે. છીપમાં છુપાયેલા મોતીની જેમ જ.
પણ...
મારા શ્વાસ ગરમ થયા અને મેં મેગેઝીન એક જ ઝાટકે બંધ કરી નાખી. અંતિમ કેટલાક મહિનાઓથી ફેસબુક પર અપલોડ થતા દમયંતીના ફોટા આંખો સામે આવી એક પછી એક ઊભા થવા લાગ્યા. મિત્રોની રીયુનયન પાર્ટીની એ જીવંત ક્ષણોમાં મારી ગેરહાજરી મને લોહીમાં ફેલાયેલા વિષ જેમ ડંખવા લાગી. દમયંતીને મારી ગેરહાજરીથી કશો ફેર પડતો હોત તો એના ચહેરા ઉપર એ તસવીરોમાં એટલો આનંદ, હર્ષ અને ઉલ્લાસ ઉભરાતો ન હોત. મને આમંત્રણ નહીં ? એની બેસ્ટ ફ્રેન્ડને ? કોલ કર્યો હતો એને એ તસવીરો નિહાળ્યા બાદ. વ્યવહારુતાથી એનો પ્રત્યાઘાત તરબતર હતો.
" હું જાણતી હતી યાર, તું ક્યાં સોનાક્ષીને છોડીને આવી શકવાની હતી ? "
" કેમ ? સોનાક્ષી જોડે ન આવી શકું ? " ગળા સુધી શબ્દો આવી ગયા હતા. પણ મેં એ શબ્દો ઉચ્ચાર્યા નહીં. ફક્ત " રાઈટ " એક જ શબ્દમાં વાર્તાલાપ સમેટી લીધો. માનવીને સૌથી વધુ કોણ સમજી શકે ? મિત્ર પણ નહીં ? તો કોણ ? મારું મન શ્વાસ ભરવા સક્ષમ ન હોય એમ હું મનોમન તરફડવા લાગી.
એ જ ક્ષણે મારી પડખે ગોઠવાયેલી સોનાક્ષીના મિજાજમાં અચાનકથી બદલાવ આવ્યો. આટલી ક્ષણોથી એ શાંત જપીને બેઠી હતી. પણ અચાનક એનું 'મેલ્ટડાઉન' થયું. એને રીસ છૂટવા લાગી. પોતાની લાગણીઓને યોગ્ય શબ્દ અને વર્તનમાં ઢાળી શકવાની અસમર્થતાથી દર વખત જેમ એ ચિઢાઈ ઊઠી. એને ગભરામણ થવા માંડી અને એ ગભરામણ હદ વટાવવા લાગી ત્યારે એણે મારા માથાના વાળ ખેંચી નાખ્યા. સામે તરફની બેઠક પર ગોઠવાયેલા યુગલમાંથી સ્ત્રી દોડતી મારી દિશામાં ધસી આવી. એણે સોનાક્ષીને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કર્યો. તકનો લાભ લઈ મેં તરત જ પર્સમાંથી સોનાક્ષી માટે પ્રિસ્ક્રાઈબ થયેલી નવી એન્ટી ડિપ્રેશનની ટીકડી એના મોઢામાં મૂકી દીધી. એને થોડું પાણી આપ્યું. થોડી ક્ષણોમાં એ બરફ જેમ ઠંડી થઈ ગઈ. મેં એને વ્હાલથી બાહુપાશમાં ભરી લીધી. મારા માથાના વાળ અત્યંત અસ્તવ્યસ્ત હતા. જાહેર સ્થળે ક્યારેક આવી પરિસ્થિતિ હવે ટેવ બની ચુકી હતી. શરમ, લાજ હવે કશું અનુભવાતું ન હતું. લોકો શું કહેશે, શું વિચારશે એ સતર્કતા મરી પરવારી હતી. કશું મહત્વનું લાગતું હતું તો એ મારી દીકરી સોનાક્ષી, એનું સ્વાસ્થ્ય, એની તકલીફો, એની સમસ્યાઓ અને એ સમસ્યાઓને ઓછી કરવામાં, નિમ્નતમ કરવામાં મારો ફાળો.
" થેંક્યુ "
સામે પોતાની બેઠક પર ફરી ગોઠવાઈ ગયેલી સ્ત્રી તરફ નજર ઉઠાવી મેં આભાર વ્યક્ત કર્યો ત્યારે લાગણીવશ આંખોમાંથી પાણી છૂટી નીકળ્યું. સ્ત્રીએ એક નજર પોતાના પતિ તરફ નાખી અને બન્નેએ પોતાની વચ્ચે બેઠા પોતાના જ જગતમાં ખોવાયેલા દીકરાને હેતથી અને વાલીસહજ ચિંતાથી નિહાળ્યો.
" અમે સમજી શકીએ છીએ. સહેલું નથી. સ્પેશ્યલ નીડ બાળકનો ઉછેર સામાન્ય બાળક કરતા સાવ જુદો હોય છે. ફક્ત તૈયાર કરી શાળાએ મૂકી દેવું અને બાકીનું બાળક જાતે જ શીખી લેતું હોય છે. જયારે આ બાળકો... દાંત બ્રશ કરવાના હોય કે સ્નાન કરવાનું હોય, જમવાનું હોય કે શૌચાલય જવાનું હોય, દરેક ક્ષણે વાલીએ ઊભા પગે એમની જોડે રહેવાનું હોય છે. આખો દિવસ ગમે તેટલા થાકેલા હોઈએ કે ગમે તેટલી ઊંઘ આવી રહી હોય પણ જો બાળકને આખી રાત ઊંઘ ન આવે તો અન્ય દિવસના કાર્યોની યાદી યાદ કરતા કરતા આખી રાત જાગતા રહેવું પડે. શાળામાં જો યોગ્ય કેર ન મળે તો એ ચિંતા અને તાણ જુદી. એમના માટે નરમપોચું જમણ અલગથી તૈયાર કરવું. ટ્રાવેલિંગ કરીએ ત્યારે ઘરેથી જમણ સાથે લઈ જવું પડે. સ્પેશ્યલ બાળક જોડે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવી વાલી માટે નાઈટમેરથી ઓછું નહીં. જો બાળક અવાજ કરતું હોય તો આસપાસના લોકોના કડવા હાવભાવો સહન કરવા એ પાછું જુદું. સમાજ તરફથી થતો તિરસ્કાર, સામાજિક પ્રસંગોએ અવગણના... પછી એ પોતાનો પરિવાર જ કેમ ન હોય... આપણને અંદરથી કોતરીને ખોખલા બનાવતા રહે છે. બાળકોની વિશિષ્ટ કાળજી માટે કારકિર્દી ત્યજી દેતા વાલી હોય કે એમના થેરપી અને વિશિષ્ટ ઈલાજોના ખર્ચાઓને પહોંચી વળવા માટે બમણી શિફ્ટમાં કામ કરતા વાલી. એ પીડા, એ સંઘર્ષ ફક્ત એક સ્પેશ્યલ નીડ બાળકની માતા કે પિતા જ સમજી શકે. બાળક જોડેનો સંઘર્ષ, સમાજ જોડેનો સંઘર્ષ, પરિવાર જોડેનો સંઘર્ષ અને જાત જોડેનો સંઘર્ષ. જે વિશ્વ વિશે કદી કલ્પના કરી ન હોય, જેને કદી જાણ્યું ન હોય, જે અંગે કશું જ્ઞાન ન હોય એવા અજાણ્યા વિશ્વમાં ઓચિંતો પ્રવેશ અને એ વિશ્વનો સ્વીકાર, એમાં ઝઝૂમવું એ જરાયે સહેલું નથી. અમે સમજી શકીએ છીએ તમારી પરિસ્થતિ. ફક્ત અમે જ. "
બોલતા બોલતા સ્ત્રીનો સાદ ગળગળો થઈ ગયો જ કે સાઈકિયાટ્રિસ્ટની કેબિનનો દરવાજો ખુલ્યો. અન્ય સ્પેશ્યલી એબલ્ડ બાળક પોતાના પિતાની આંગળી થામી બહાર નીકળી આવ્યું. એ ખડખડાટ હસી રહ્યું હતું. પિતાને એના હસવા પાછળનું કારણ ખબર ન હતું. છતાં સ્મિત જોડે એ દીકરાનો હાથ થામી ધીરજ જોડે બહાર નીકળી આવ્યો. હું બેઠક છોડી ઊભી થઈ ગઈ. સોનાક્ષી ડરતી, મારા શરીર પાછળ સંકેલાતી કેબિનની અંદર પ્રવેશી. કેબિનનો દરવાજો બંધ કરવા પહેલા મારી નજર મને મદદ કરનાર સ્ત્રી ઉપર પડી. એ નજર હજી મને સંવેદનાસભર તાકી રહી હતી.
એ સમજણભરી આંખોમાં આખરે મને વર્ષોથી પજવતા મારા એ પ્રશ્નનો ઉત્તર આખરે મળી જ ગયો કે માનવીને સૌથી વધુ કોણ સમજે ?