STORYMIRROR

mariyam dhupli

Drama Tragedy Thriller

3  

mariyam dhupli

Drama Tragedy Thriller

ઉપચાર

ઉપચાર

2 mins
6

ઓરડાના બારી બારણાં ચુસ્ત બંધ હતા. આખા ઓરડામાં કાળું ઘટ્ટ અંધકાર હતું. ફક્ત પથારી નજીક પ્રકાશ પથરાયેલો હતો. એ પ્રકાશ મોબાઈલના પડદામાંથી ઝળહળી રહ્યો હતો. પથારી પર લંબાયેલું શરીર ઘણા કલાકોથી એકની એક પરિસ્થિતિમાં જકડાયેલું હતું, જેનો થાક ચહેરા પર આડકતરો ડોકાઈ રહ્યો હતો. હાથની આંગળી સતત સ્ક્રોલિંગ કરી રહી હતી. એક પછી એક પોસ્ટ આંખો સામેથી પસાર થઇ રહી હતી. લોકોની અપાર સફળતાઓ, મોંઘી બ્રાન્ડની હરીફાઈઓ, પાર્ટીની સૅલ્ફીઓ, ફિટનેસમાં વ્યસ્ત જિમ, અટપટી વાનગીઓ, જાતભાતની શિખામણ અને મફતની સલાહ...જાણે વિશ્વમાં દુઃખનું કોઈ 

અસ્તિત્વ જ રહ્યું ન હતું. 


પણ એ બધું એકીટશે નિહાળી રહેલા ચહેરા પર તો ભારોભાર હતાશા હતી. આંખો નીચે કાળા કુંડાળા રચાયા હતા. ફેસબુકથી અકળાઈ ઈન્સ્ટા અકાઉન્ટમાં અને ઇન્સ્ટા અકાઉન્ટમાંથી  અકળાઈ આખરે આંગળી એને યૂટ્યૂબ પર લઇ આવી હતી. થોડી મિનિટ નીરસ સ્ક્રોલિંગ યથાવત રહ્યું. અચાનક એક વિડીયો થકી નિર્જીવ કીકીમાં થોડી ચેતના પ્રવેશી. કાન ઉપર ચઢાવેલા ઈયરફોનમાં સેટ થયેલા હાઇવોલ્યુમમાં એણે આખો વિડીયો ધ્યાનથી સાંભળ્યો. માહિતી રસપ્રદ લાગી. કેટલી રાતોથી બરાબર ન ઊંઘેલી આંખોને આશાની કિરણ દેખાઈ આવી. જો દરરોજ રાત્રીએ ઊંઘવા પહેલા વરસાદનો અવાજ સાંભળવામાં આવે તો એનાથી મગજની નસોને આરામ મળે, મન શાંત થાય અને આરામની ઊંઘ મળે. 


સાઉન્ડ થેરપી! 


તરત જ એની વિહ્વળ આંગળી યૂટ્યૂબના સર્ચ બોક્સમાં પહોંચી ગઈ. વરસાદની હજારો સાઉન્ડ ટ્રેક આંખો આગળ ઉભરાઈ આવી. એમાંથી એક ટ્રેક પસંદ થઇ ગઈ. ધોધમાર વરસાદ વરસવાનો અવાજ કાનમાં પડઘાયો કે એણે પોતાની બન્ને આંખો ચુસ્ત મીંચી લીધી. હોંઠ ઉપર તૃપ્તિનું સ્મિત રમી રહ્યું. ઈયરફોનના વાયર જોડે સંકળાયેલો મોબાઈલ છાતી પર લપાઈ ગયો અને ઓરડામાં ગાઢ અંધકાર છવાઈ ગયું.


એજ ક્ષણે ઓરડાની બારીઓ પ્રકાશથી ઝળહળી અને ફરીથી અંધકારમાં ગરકાવ થઇ. ચુસ્ત વાંસી દેવામાં આવેલી બારીની બહાર તરફ મેઘગર્જના થઇ રહી હતી. ફ્લેટની અટારી પર ધોધમાર વરસાદનું પાણી સંગીતમય ધૂન જોડે વરસી રહ્યું હતું. 


થોડા દિવસો પછી...


એ અટારીમાં ઉભો હતો. સાંજનો સમય હતો. ન એના હાથમાં મોબાઈલ હતો, ન કાનમાં ઈયરફોન. 


આંખો સામે વરસી રહેલા મેઘને એ જીવંત તાકી રહ્યો હતો. અટારી પરથી અથડાઈને પાણીના ફોરા એના કાનને ભીંજવી રહ્યા હતા. 


એજ સમયે પડખેના ફ્લૅટમાં એક સ્ત્રીએ પોતાના યુવાન દીકરાના કાનમાંથી ઈયરફોન બળજબરીએ ખેંચી લીધા. સ્ત્રીનો ક્રોધિત અવાજ આખી શહેરીમાં ગુંજી ઉઠ્યો.


" કેટલીવાર કહ્યું કે આ ઈયરફોન આખો દિવસ ન વપરાય. તને ખબર તો છે વરુણ જોડે શું થયું! હવે એ કદી સાંભળી ન શકે."


પડખેના ફ્લૅટની અટારી પર સ્તબ્ધ ઉભો એ હજી પણ એકીટશે વરસી રહેલા મેઘને તાકી રહ્યો હતો. એના કાન ઉપર પાણીના ફોરા સ્પર્શી રહ્યા હતા. પડખેના ફ્લેટમાં ગુંજી રહેલા શબ્દો અને મેઘની ગર્જના એ કાનની અંદર પ્રવેશવા સક્ષમ ન હતા.


Rate this content
Log in

Similar gujarati story from Drama