Shalini Thakkar

Drama Inspirational

4.9  

Shalini Thakkar

Drama Inspirational

એક શિક્ષિકાની ડાયરી

એક શિક્ષિકાની ડાયરી

8 mins
1.2K


મનમાં ચાલી રહેલી એક લાંબી ગડથલ ને પૂર્ણ વિરામ આપી રેખાબેને આખરે પોતાનો નિર્ણય લઈ લીધો. 'વીસ વર્ષ નિષ્ઠાપૂર્વક શાળા અને વિદ્યાર્થીઓની સેવાનો આ બદલો ? આવું અપમાન ? શું કામ સહન કરવું ? બીજી ઘણી નોકરીઓ મળી જશે, પણ સ્વાભિમાનના ભોગે તો કામ ના જ થાય. હા, માનું છું કે આટલી મોટી શાળાના આચાર્ય તરીકે એમની જવાબદારી બહુ મોટી છે. અને આ હોદ્દા ને કેન્દ્રમાં રાખીને જ્યારે પોતાની ખુરશી પર બેઠા હોય ત્યારે નિયમોનું ચુસ્ત રીતે પાલન થાય છે કે નહીં એની તકેદારી તો એમણે રાખવી જ પડે અને તો જ આટલી મોટી સંસ્થાનું સંચાલન સ્વયંસ્ફુરિત અને સરળ બનાવી શકાય. પણ ક્યારેક કંઈ અનિવાર્ય કારણોસર થોડું મોડું થઈ જાય તો એમાં કયું મોટું આસમાન તૂટી પડ્યું. અચાનક કોઈ મજબૂરી આવી જાય તો થોડું મોડું થઈ પણ જાય. અને હા, ગુસ્સો આવે પણ તો એને વ્યક્ત કરવાની પણ કોઈ રીત હોય ને. એમણે આટલા સખત શબ્દો નો પ્રયોગ તો ન જ કરવો જોઈએ.....'શાળાના આચાર્ય કમળાબેન ના કહેલા આકરા શબ્દોથી વ્યથિત થયેલા રેખાબેનના મન પર જાણે એક ગમગીનીનું વાદળ ફરી વળ્યું હતું. છેલ્લા વીસ વરસથી એક શિક્ષિકા તરીકેની ફરજ બજાવનાર રેખાબેન પોતાના પ્રમાણિક અને મિલનસાર સ્વભાવના કારણે શાળામાં અને ખાસ કરીને આચાર્ય કમળાબેનના સૌથી પ્રિય શિક્ષિકા હતા. શાળાના આચાર્ય કમળાબેનના વ્યક્તિત્વનું પ્રબળ પાસું હતું એમનું શિસ્તપાલન. અને એટલા માટે જ એ પોતાની શાળામાં અનુશાસન અને ચુસ્ત નિયમપાલનનો આગ્રહ રાખતા અને એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ એમને સ્વીકાર્ય ન હતી. રેખાબેન ને આજે કોઈ અનિવાર્ય સંજોગો ને કારણે શાળા પહોંચવામાં થોડું મોડું થઈ ગયું હતું જેને લઈને કમળાબેન એમને પોતાની ઓફિસમાં બોલાવીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. એમના તરફથી આવેલ કડક શબ્દોના પ્રહાર એ રેખાબેનનું કોમળ હૃદય વીંધી નાખ્યું. રેખાબેન કમળાબેન ઓફિસની બહાર નીકળીને પોતાના ક્લાસમાં ગયા પણ એમનું કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં મન ના લાગ્યું. "બસ આ જ ક્ષણે રાજીનામું મુકીને શાળાની બહાર નીકળી જાઉં પછી જ મારી કદર થશે.ન્યુ ઈરા સ્કૂલની બહાર આખી દુનિયા છે મારી સામે !"સ્કૂલની બહારની દુનિયા સાથે જાણે કોઈ નિસ્બત જ ના હોય, એટલી આત્મીયતાથી સ્કૂલ સાથે જોડાયેલા રેખાબેનનું વ્યથિત થયેલું મન આજે એમને સ્કૂલમાં રાજીનામું આપવા પ્રેરી રહ્યું હતું. એક તરફ શાળા માટેની કુણી લાગણી અને બીજી તરફ આચાર્યના કઠોર શબ્દોથી ગવાયેલા અહમ વચ્ચેના સંઘર્ષમાં આખરે અહમ બાજી મારી ગયું હતું. એક પછી એક પિરિયડ પસાર થઈ રહ્યા હતા પણ રેખાબેન ને આજે ના તો કોઈ પ્રવૃત્તિમાં રસ પડતો હતો, ના તો કોઈ વિદ્યાર્થીમાં કે ના તો પછી એમને ભણાવવામાં. જેમતેમ કરીને અનિચ્છાએ પસાર થઈ રહેલા સમયનો અંતમાં આખરે શાળા છૂટવાનો બેલ વાગવાથી થયો. ધીરે ધીરે શાળાના બધા વર્ગ અને સ્ટાફ રૂમ ખાલી થવા માંડ્યા. અને થોડી જ વારમાં તો વિદ્યાર્થીઓના ગણગણાટથી થનગની રહેલા વિશાળ ભવનમાં ભેકાર શાંતિ વ્યાપી ગઈ. રેખાબેન સ્ટાફરૂમમાં પેપર તપાસવાના બહાને બેસી રહ્યા અને ત્યાં બેઠા બેઠા એમણે મક્કમ મને રાજીનામું લખી નાખ્યું. પછી એ રાજીનામું લઈ ને આચાર્યની ઓફિસમાં જઈને તેમના ટેબલ પર મૂકવાના આશયથી જેવા સ્ટાફરૂમમાંથી ઊભા થયા એમની નજર સામે દૂરથી ઊછળતી કૂદતી મુઠ્ઠીમાં કશુક લઈને આવતી નિમિશા દેખાઈએ.

હા... હજી કાલની તો વાત હતી.. રેખાબેન સ્ટાફ રૂમમાં બેઠા હતા અને નિમિશા હાથમાં કશું લઈને રેખાબેન ને મળવા આવી હતી. એમના પાસે આવીને મુઠ્ઠીમાં બંધ રૂમાલ ખોલીને રેખાબેનની સામે હાથ ધરતા તે નિર્દોષ ભાવે બોલી હતી,"મેડમ આજે હોમ સાયન્સના ક્લાસમાં અમે આ કેક બનાવ્યું હતું. પણ એ બહાર લઈ જવાની મનાઈ હતી એટલે હું મારા ભાગની કેક તમારા માટે લઈ આવી છું. મેડમ, જરા ટેસ્ટ કરીને જલ્દી બતાવો ને કે મારાથી આ કેક કેવી બની છે." રેખાબેન નિમિષાના પ્રિય શિક્ષક હતા. જીવનમાં પ્રથમ વખત બનાવેલ વાનગી કેવી બની છે એનું પ્રમાણ પત્ર રેખાબેન તરફથી મેળવવું એના માટે કેટલું અગત્યનું હતું એ વાત એ નિર્દોષ પ્રવૃત્તિ દ્વારા પ્રકટ થઈ રહી હતી. અને એ વાત રેખાબેન ના દિલને કેવી સ્પર્શી ગઈ હતી.'કેટલો આદરભાવ અને નિઃસ્વાર્થ પ્રેમ!'રેખાબેન વિચારી રહ્યા હતા કે આ ગુરુ અને શિષ્ય નો સંબંધ પણ કેવો અનન્ય છે ! અને એમના ખિન્ન થયેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું. પછી બીજી ક્ષણે ભાવનામાં વહી રહેલા એમના મનને ફરી પોતાના અહમના તાબામાં લઈ ને એમણે પોતાના મક્કમ પગલાં ઓફિસની દિશા માં વળ્યા. ચાર પગલાં આગળ વધ્યા ત્યાં જતો જાણે એમના પગલા ને બેડી બાંધીને એને રોકતો હોય એમ મનીષા નો અવાજ એમના કાને અથડાયો. હા, હમણાં ચાર દિવસ પહેલા ની વાત હતી. રેખાબેન શાળાના બીજા માળે ધોરણ નવ માં વિજ્ઞાનનો વિશે ભણવા ગયા હતા. અને પિરિયડ પત્યા પછી જ્યારે એ ક્લાસની બહાર નીકળીને નીચે ઉતાર્યા ત્યારે એમને યાદ આવ્યું કે પોતાની કામની એક પુસ્તક તો ઉપર ક્લાસમાં જ ભૂલી ગયા હતા. એમણે તરત જ બાજુમા ઊભેલી મનીષાને ઉપર ક્લાસમાં જઈને એમનું પુસ્તક લઈ આવવા કહ્યું હતું. મેડમ તરફથી સોંપાયેલું કામ જાણે એક લહાવો હોય અને એ તક કોઈ બીજું ઝડપી લે એ પહેલાં જ મનીષા એ ઉપર બીજા માળે રેખાબેનની પુસ્તક લેવા દોટ મૂકી હતી. મનીષા એક જ શ્વાસમાં ઉપર જઈને રેખાબેન ની પુસ્તક લઈ આવી હતી અને એ જોઈને રેખાબેન બોલ્યા હતા,"અરે આ તું કઈ પુસ્તક લઈ આવી ? મારે તો આની બાજુમાં બીજી જે પુસ્તક પડી હતી એની જરૂર હતી. જરા ધ્યાનથી જોઈ ને લઈ આવ." "હા મેડમ હમણાં લાવી."કહીને મનીષા ફરી બીજા માળે તરફ દોડ લગાવી હતી. અને બીજી વાર પણ એના દ્વારા લવાયેલી પુસ્તક એ નહતી જે રેખાબેન ને જોઈતી હતી. આખરે રેખાબેન થોડા નિરાશ થઈને બોલ્યા,"અરે મનીષા ! આ તું શું કરે છે ? તું ફરી એ પુસ્તક લાવી જે મારા કામની નથી. રહેવા દે હવે તું થાકી જઈશ. હું કાલે જ્યારે ક્લાસમાં જઈશ ત્યારે પુસ્તક લઈ લઈશ."હજી રેખા બેન ની વાત પતે ત્યાં તો મનીષ ફરી ઉભી પૂંછડીએ નવમા ધોરણના ક્લાસ તરફ ભાગતા ભાગતા બોલી,"મેડમ એક જ મિનિટ ઊભા રહો હું હમણાં ધ્યાનથી એ ચોપડી લઈને પાછી આવું છું."અને બીજી જ મિનિટે તો મનીષા હતા હાથમાં ચાર-પાંચ ચોપડીઓ લઈને આવી અને બોલી,"મેડમ જુઓ ત્યાં પડેલી બધી જ પુસ્તકો હું નીચે લઈ આવી છું. આમાંથી તમારે કઈ પુસ્તક જોઈતી હતી ?"અને એના એ ભોળા ભાવથી રેખાબેનનું હૃદય દ્રવી ગયું હતું. પોતાના ઘરમાં જ્યારે કોઈ કામ સોંપવામાં આવે ત્યારે એ કામમાં વિલંબ અથવા તો આનાકાની કરતું એ જ બાળક જ્યારે શાળામાં શિક્ષક કોઈ કામ સોંપે ત્યારે જ્યારે બહુમૂલ્ય તક મળી હોય ઝડપી લે છે. આટલો બધો આદરભાવ તો એક શિક્ષકને જ મળી શકે, એમ વિચારીને રેખાબેન નું હૃદય પીગળવા માંડ્યું. અને એ પીગળતા મનમાં વહી રહેલી લાગણીઓને ત્યાં જથીજવી ને એ ફરી કઠોર મને આચાર્યની ઓફિસમાં ગયા અને એના ટેબલ પર જેવું રાજીનામું મૂક્યું એમની નજર સામે એ દિવસ આવી ગયો જ્યારે એ પહેલીવાર આ ઓફિસમાં ઓફર લેટર લેવા માટે આવ્યા હતા. કમળાબેન ના હુંફભર્યા વ્યક્તિત્વમાં એમને એક ગુરુના દર્શન થયા હતા અને એમની છત્રછાયામાં એમને ઘણું બધું શીખવા મળશે એવો ભાવ ઉત્પન્ન થયો હતો અને એ શીખ્યા પણ ખરા. પરંતુ આજે એમનું આ વર્તન કેવી રીતે ભૂલી શકાય ? ભારી પગલે રેખાબેન કમળાબેનની ઓફીસ માંથી બહાર નીકળ્યા અને શાળાના પ્રાંગણમાં આવી ને ચારે તરફ પોતાની દ્રષ્ટિ ફેરવી.નજર સામે શાળામાંથી નીકળીને ટોચ પર પહોંચેલી સીમા દેખાઈ,જેણે જીવનમાં સફળ થયા પછી પહેલા ઈન્ટરવ્યૂમાં જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તમારી સફળતા પાછળ નો તમારો પ્રેરણાસ્ત્રોત કોણ છે ? અને જવાબ માં એણે તરત જ,"સ્કૂલ લાઈફ ના મારા પ્રિય શિક્ષક રેખાબેન."એમ કહીને રેખાબેન ને કેવો ગર્વનો અનુભવ કરાવ્યો હતો. ડાબી બાજુ સ્કૂલના ઓડિટોરિયમ તરફ નજર પડતા જ આઈએએસ ઓફિસર બનેલી સ્કૂલની તેજસ્વી વિદ્યાર્થી કલ્પનાનો ચહેરો દેખાયો. મહિના પહેલા જ તો એ એક્સ સ્ટુડન્ટ કલ્પનાના આઈએએસ ઓફિસર બનવાના સન્માન સમારંભમાં રેખાબેન ને ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું . શાળાની ચારે દિશાઓમાંથી વિદ્યાર્થીઓ તરફથી આવતા માન ભર્યા શબ્દો રેખાબેનના કાનમાં ગુંજવા માંડ્યા. એ દરેક નાના નાના પ્રસંગ, જેમાં વિદ્યાર્થીઓ તરફથી મળેલા પ્રેમેજ તો એમના જીવનને એક અર્થ આપ્યો હતો. એમનું જીવન સાર્થક બનાવ્યુ હતું. અને આ જ બધા પ્રસંગો એમના જીવનનો આ એક મહત્વપૂર્ણ હિસ્સો બની જશે એવી એમણે ક્યારેય કલ્પના જ ન હતી કરી. ચારે બાજુથી આવતા પોતાના પ્રેમાળ વિદ્યાર્થીઓ ના અવાજની ગુંજન ને રોકવા માટે રેખાબેન બંને હાથે પોતાના કાન બંધ કરીને સ્કૂલની તરફ છેલ્લી નજર નાખી અને ઝડપભેર એમના પગલા મેઈન ગેટ તરફ માંડ્યા.

ચાલતા ચાલતા અચાનક એમની ગતિ રોકાઈ ગઈ. એમને પાછળથી કોઈ રોકી રહ્યું હોય એવો ભાસ થયો. એમણે ચમકીને પાછળ જોયું તેમનો દુપટ્ટો પાછળ રહેલા વૃક્ષની ઝૂકી ગયેલી ડાળખીમાં ફસાઈ ગયો હતો. શાળા ની બહાર જઈ રહેલા રેખાબેન ની ગતિમાં અવરોધક બનતું વૃક્ષ જાણે રેખાબેન ને કહ્યું હતું,"રોકાઈ જાવ મેડમ, આ શાળાને તમારી જરૂરત છે."દુઃખી મન સાથે રેખાબેને એ વૃક્ષ પાસે જઈને પોતાનો ફસાઈ ગયેલો દુપટ્ટો કાઢ્યો અને વૃક્ષ સામે જોયું. થોડા વર્ષ પહેલા શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ દિને એમના જ દ્વારા રોપાયેલું બીજ આજે સુંદર ઘટાદાર વૃક્ષમાં પરિવર્તિત થઈ ગયું હતું ,એ જોઈને રેખાબેન ને જાણે કોઈ સંકેત મળ્યો. એ અચલ, સ્થિર અને બધાને બિનશરતી છાયડો આપતા વૃક્ષને જોઈને રેખાબેનના મનમાં ઘર કરી ગયેલો એ ક્ષણિક અહમ પળભરમાં પીગળી ગયો અને એમની આંખમાં પશ્ચાતાપના આંસુ આવી ગયા. શું કરવા જઈ રહ્યા હતા એ ? એમનું જીવન પણ બસ આ વૃક્ષની માફક જ અચલ, સ્થિર અને નિ:સ્વાર્થ બનીને પોતાના જ્ઞાનનો છાયડો આપીને પોતાના વિદ્યાર્થીઓનું ગણતર કરવા માટે છે એ વાત એ કેમ ભૂલી ગયા ? અને કમળા બેનની વાત પણ સાચી જ તો હતી. ઘરમાં માતા-પિતા અને સ્કૂલમાં શિક્ષક આ બન્ને સમાજમાં બાળકોના ઘડતરમાં એક મહત્વના પાસાઓ છે. બધી જ સારી-નરસી બાબતો બાળકો એમનામાંથી જ શીખે છે. રેખાબેનને મનોમન કમલાબેનની માફી માંગી અને એમની ઓફિસમાં જઈને રાજીનામું પાછું લઈ લીધું અને એમનું મન જાણે એકદમ હળવું થઈ ગયું. બીજા દિવસે ફરી સમયસર શાળામાં પહોંચી જવાના નિર્ણય સાથે એ શાળાની બહાર નીકળી ગયા. દૂર ઊભેલા કમળાબેન છૂપાઈને રેખાબેનની બધી જ પ્રવૃત્તિનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને રેખાબેન પોતે મૂકેલું રાજીનામું પાછું લઈ લેતા જોઈને એમની આંખમાં આસું આવી ગયા. બહારથી કઠોર દેખાતા અંદરથી એકદમ દિલના કમળાબેન પણ સવારથી જ રેખાબેન પર કરેલા ક્રોધ માટે મનોમન પશ્ચાતાપ થઈ રહ્યો હતો અને શાળાનો સમય પૂરો થતાં જ એ જેવા રેખાબેનની માફી માંગવા જતા હતા ત્યાં તેમણે રેખાબેન ને પોતાની ઓફિસ બાજુ હાથમાં રાજીનામું લઈને આવતા જોયા હતા. એ જોઈને ઓફિસના પડદા પાછળ સંતાઈ ગયા અને પછી ધ્યાનથી રેખાબેનની બધી જ પ્રવૃત્તિનું નિરીક્ષણ કર્યું. અને જ્યારે રેખાબેને પોતાનું લખેલું રાજીનામું ફરી પાછું લઈ લીધું ત્યારે કમળાબેન ને બાળકોના ઘડતર માટે પોતાના શિક્ષકોને આપેલી તાલીમમાં પોતે સફળ થયા છે એવી લાગણીનો અનુભવ થયો.


Rate this content
Log in

Similar gujarati story from Drama