Shalini Thakkar

Others

4.5  

Shalini Thakkar

Others

મીઠી મધુર

મીઠી મધુર

3 mins
385


અનુપમા છાની માની પોતાના પલંગ પરથી ઊભી થઈ અને પોતાના રૂમની બહાર ડોકિયું કર્યુ. પછી ધીમે રહીને બહાર આવી અને પોતાના પુત્ર અમિત અને પુત્રવધુ આશ્કાના રૂમ તરફ દૃષ્ટિ કરી અને એ બંને સૂઈ ગયા છે એની ખાતરી કરી લીધી. પછી ચૂપચાપ બિલકુલ અવાજ ના થાય એ રીતે પોતાની સોળ વર્ષની પૌત્રી એશાના રૂમમાં ગઈ. એશાના રૂમમાં પ્રવેશતાની સાથે જ એની દ્રષ્ટિ સામે ટેબલ પર પડેલા રંગબેરંગી ચોકલેટથી ભરેલા ડબ્બા પર પડી અને એની આંખો ચમક આવી ગઈ.

મમ્મી પપ્પા સૂઈ ગયા પછી દાદીને એના રૂમમાં આવતા જોઈને એશા સમજી ગઈ કે દાદીને ચોકોલેટ ખાવાનું મન થયું હશે.

અનુપમાને ડાયાબિટીસ હોવાના કારણે એને ડોક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે એના શરીરમાં વધુ સુગર ના જાય એની ખાસ કાળજી લેવી. બસ ત્યારથી અમિત અને આશ્કા એના ખોરાકની ખુબજ કાળજી લેતા. અનુપમાને ચોકોલેટ ખાવાનો ખુબજ શોખ હતો પરંતુ અમિત અને આશ્કા તરફથી એમને ચોકલેટ ન ખાવાની કડક સૂચના હતી. અનુપમાને જ્યારે ચોકલેટ ખાવાની તીવ્ર ઈચ્છા થતી ત્યારે એ એની લાડલી એશા પાસે જઈને ચૂપચાપ ચોકલેટ આરોગી લેતી.

ચોકલેટ જોઈને દાદીની આંખોમાં આવેલી ચમક અને ચેહરા પર આવેલા નાના બાળક જેવા નિર્દોષ ભાવ જોઈને એશાને એમના પર વહાલ ઉપજ્યું. એણે પ્રેમથી પોતાની દાદીના ગળામાં પોતાના હાથ પરોવ્યા અને કોઈ નાના બાળક સાથે વાત કરતી હોય એ રીતે એમને પૂછ્યું," દાદી ચોકોલેટ ખાવી છે ?" દાદી એ તરતજ પોતાના હોઠ પર આંગળી મૂકી અને બોલ્યા," શશશશ. . . . . જરા ધીમે બોલ. પપ્પા મમ્મી જાગી જશે તો આપણને બંનેને લડશે. ચાલ હવે લાવ જલ્દી,મને એક ચોકલેટ ખાવા આપ." બંને દાદી પોત્રી હસવા માંડ્યા અને એશાએ ચોકલેટનો ડબ્બો હાથમાં લીધો અને એમાંથી એક ચોકલેટ કાઢીને દાદીના હાથમાં આપતા બોલી," દાદી બહુ ચોકલેટ તમારા સ્વસ્થ માટે સારી નથી. પાપા મમ્મીને ખબર પડશે તો મારી તો આવી બની સમજો. ફટાફટ આ ચોકલેટ ખાઇ લો. " અનુપમા એ ફટાફટ એશાના હાથમાંથી ચોકલેટ લઈ લીધી અને એને ખોલીને ખાવા માંડી. ઉતાવળે ખાવાના કારણે એના મોઢા પર થોડી ચોકલેટ ચોંટી ગઈ. ચોકલેટ ખાતી વખતે એનો નિર્દોષ બાળક જેવો થયેલો ચેહરો એશા પ્રેમથી નિહાળી રહી. પછી એના મોઢા પર ચોટેલી ચોકલેટ પોતાના હાથથી સાફ કરવા માંડી. બંને દાદી પૌત્રીની નજર મળી અને બંને સામે ભૂતકાળનું એ દ્રશ્ય આવી ગયું. . . .

ત્રણ વર્ષની એશા દોડતી દોડતી દાદીના રૂમમાં આવી અને બોલી," દાદી, પપ્પા મમ્મી બહાર ગયા છે. મને જલ્દી ચોકલેટ આપો ને. " એનો નિર્દોષ ચેહરો જોઈને દાદીને એના પર વહાલ ઉપજ્યું . એમણે પોતાના કબાટમાંથી ચોકલેટનો ડબ્બો કાઢ્યો જે જોઈને એશાની નાનકડી નિર્દોષ આંખોમાં ચમક આવી ગઈ. દાદીએ ડબ્બામાંથી એક ચોકલેટ કાઢી અને એશાને આપી. . નાનકડી એશા વધુ ચોકલેટ લેવા માટે જિદ કરવા માંડી. દાદીએ એને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડી અને બોલ્યા,". બહુ ચોકલેટ સારી નહી. બહુ ચોકલેટ ખાઈએ તો ગળું પણ ખરાબ થાય અને દાંતમાં પણ સડો થાય. પપ્પા મમ્મી જોશે તો આપણને બંનેને લડશે. ચાલ હવે જલ્દી આ ચોકલેટ ખાઈ લે" એશા ફટાફટ ચોકલેટ ખાવા માંડી અને દાદી પ્રેમથી એના ચેહરા પર ચોટેલી ચોકલેટ સાફ કરવા માંડ્યા. એશા એ પોતાના હાથમાં રહેલી ચોકલેટમાંથી એક ટુકડો તોડીને દાદીમાં મોઢામાં મૂક્યો અને દાદી એને વહાલથી ભેટી પાડયા.

ભૂતકાળનું દ્રશ્ય યાદ આવતાં જ બંને દાદી પૌત્રીના ચેહરા પર સ્મિત આવી ગયું. દાદી એ પોતાના હાથ રહેલી ચોકલેટમાંથી એક ટુકડો તોડીને એશાના મોમાં મૂક્યો અને બંને દાદી અને પૌત્રી વહાલથી એક બીજાને ભેટી પાડયા.

'જીવન પણ કેટલું મીઠું અને મધુર છે. . . એકદમ ચોકલેટ જેવું ' અનુપમા વિચારવા માંડી. ' જીવનનું ચક્ર કેવું ગોળ ગોળ ફરે છે. જેમ જેમ આપણા સંતાન મોટા થતાં જાય છે તેમ તેમ આપણે કદાચ ફરી બાળક બનતા જઈએ છીએ. . . . ! અને આ જીવનચક્ર દરમ્યાન ઘટતી નાની નાની ખુશીઓથી ભરેલી ઘટનાઓ અને સંવેદનાઓ જ જીવનમાં મધુરતા ઘોળીને એને વધુ સુંદર બનાવે છે.


Rate this content
Log in