Shalini Thakkar

Others

4  

Shalini Thakkar

Others

પરિવર્તન

પરિવર્તન

3 mins
283


વિશાખા મંદિર જવા માટે તૈયાર થઈને ઉતાવળા પગે ઘરની બહાર નીકળી. આજે એણે પોતાના પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે મંદિરમાં જઈને દાન પેઠે થોડી રકમ જમા કરાવવાની હતી. એ જેવી ઘરની બહાર નીકળી ત્યાં જ તો દૂરથી શાકવાળા મધુબેન આવતા દેખાયા. જેવા મધુબેન વિશાખાના ઘરની નજીક આવ્યા વિશાખા એ જોયું કે શાકની લારી એમનો બાર વર્ષનો છોકરો યોગેશ ચલાવી રહ્યો હતો અને મધુબેન પોતાની કમર પર હાથ મૂકી ને ધીરે ધીરે ચાલી રહ્યા હતા. વિશાખા એ ચિંતિત સ્વર માં મધુબેનને પૂછ્યું,"શું થયું મધુબહેન ? બહુ દિવસ પછી દેખાયા. તમારી તબિયત તો સારી છે ને ? અને આજે યોગેશ ને કેમ સાથે લાવ્યા ? એને સ્કૂલ નથી જવાનું ? "

વિશાખા તરફથી આવેલા પ્રશ્નોના પ્રહાર સાંભળી મધુબેનનો ફિક્કો પડેલો ચેહરો વધુ ઉદાસ થઈ ગયો. એ કઈ બોલવા જાય એ પહેલાં એમની આંખોમાં આંસુ આવી ગયાં. વિશાખા એ એમને શાંત પાડયા અને એમના હાથમાં રહેલી પાણીની બોટલમાંથી મધુબેનને પાણી આપ્યું. મધુબેન થોડા સ્વસ્થ થઈને બોલ્યા,"બેન થોડા દિવસથી મને કમરમાં ખુબજ દુખાવો થાય છે. એટલે શાક વેચવાનો ધંધો પણ બંધ થઈ ગયો. દવા લેવા માટે પણ પૈસાની ખેંચ પડે છે. એવામાં યોગેશની સ્કૂલમાંથી ફી ભરવાની નોટિસ આવી,જેમાં લખ્યું હતું કે ફી નહી ભરાય તો એડમિશન રદ થઈ જશે. "બોલતા બોલતા મધુબેન ફરી રડી પડ્યા. એમને રડતા જોઈ ને વિશાખા ને ખુબ દુઃખ થયું. એને ફરી એમને શાંત પડયા અને પોતાની વાત આગળ વધારવા કહ્યું. આંખ ના આંસુ લૂછી ને મધુ બેન પોતાની વાત આગળ વધારતા આગળ બોલ્યા,"બેન, ઘર માં બે ટંક ખાવાના પૈસા નથી, મારી દવા લાવવા માટે પણ પૂરતા પૈસા નથી ત્યાં અમને યોગેશની સ્કૂલ ફી કઈ રીતે પોસાય ? એટલે અમે એનો સ્કૂલમાંથી દાખલો કઢાવી લીધો. હવે એ મને મારા કામમાં મદદ કરશે. "

મધુબેનની વાત વિશાખાના ગળે ના ઉતરી. એણે યોગેશ સામે જોયું અને એનો નિર્દોષ ચેહરો જોઈ ને વિશાખાની આંખમાં પણ પાણી આવી ગયા. હસવા રમવાની અને ભણવાની ઉંમરમાં એ નાજુક ખભા પર આટલો બોજ ? વિશાખા ને પ્રશ્ન થયો. આખરે એમાં દોષ એમનો નહી એમની ગરીબીનો હતો.

વિશાખાએ મધુ બેનની બધી વાત સાંભળી અને એમને આશ્વાસન આપ્યું અને પછી વિશાખાની શાકની ખરીદી થઈ ગઈ એટલે મધુબેન ત્યાંથી જતા રહ્યા. વિશાખા યોગેશ ને શાકની લારી પકડી ને જતા જોઈ રહી અને એ દ્રશ્ય જોયા પછી એના મનમાં બેચેની થવા લાગી. એની આંખ સામે યોગેશનો ચહેરો ફરવા લાગ્યો. એને મંદિર જવાનું મન ના થયું એટલે ફરી પાછું તાળું ખોલીને એના ઘરમાં જતી રહી. એ દિવસે એને આખી રાત ઊંઘ ના આવી. આખી રાત મધુબેન અને યોગેશનો ચહેરો આંખ સામે ફરતો રહ્યો. "દુનિયામાં કેટલી ગરીબી છે. . . કેટલી લાચારી !" એ મનોમન વિચારતી રહી. એને થયું કે ગરીબી ને કારણે એક બાળક પોતાના હકથી વંચિત રહે, એ એની સાથે બહુ મોટો અન્યાય કહેવાય. શું બાળ મજૂરી સામે લડવું એ એક નાગરિક તરીકે આપણી નૈતિક ફરજ નથી ? માત્ર એ વિષય પર નિબંધ લખવા કે લેક્ચર કરવા પૂરતા નથી, પણ એના વિરુદ્ધ કાર્ય કરવું અગત્યનું છે. એ વિચાર આવતાં એણે એક નિર્ણય લઈ લીધો.

સવાર થતાં જ એ ઉત્સુકતાથી મધુબેન અને યોગેશની રાહ જોવા માંડી. જેવા એ બંને શાક ભાજી વેચવા માટે આવ્યા, એણે એ બંનેને પાસે બોલાવ્યા. એણે મધુબેનને યોગેશનું ભણતર ફરી શરૂ કરવા માટે સમજાવ્યા અને એને ફી એ પોતે ભરશે એની ખાતરી પણ આપી. પોતાની તંદુરસ્તી સારી ન હોવાના કારણે મધુબેન ને વિશાખાની વાત સાંભળી ને થોડો ખચકાટ થયો જેની નોંધ વિશાખા એ તરત જ લઈ લીધી. એણે મધુબેનને ડોક્ટર પાસે પોતાના ખર્ચે સારવાર કરાવી આપવાની પણ ખાતરી આપી જે સાંભળીને મધુબેનના માથા પરથી જાણે મોટો બોજ ઉતરી ગયો. પોતાની સ્કૂલ ફરી શરૂ થઈ જશે એ સાંભળી ને યોગેશના નિસ્તેજ થઈ ગયેલા ચહેરા પર ચમક આવી ગઈ. એણે ખુશખુશાલ થઈને વિશાખાનો આભાર માન્યો.

વિશાખા એ દાન માટે રાખેલી રકમનો ઉપયોગ મંદિરની જગ્યા એ યોગેશની ફી ભરવા માટે કરવાનો નિર્ણય કરી લીધો. અને પોતે લીધેલા એ નિર્ણય પર એને ગર્વ થયો.  

સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શરૂઆત એક નાના પગલાંથી જ થાય છે.


Rate this content
Log in