Shalini Thakkar

Tragedy

4.0  

Shalini Thakkar

Tragedy

અધૂરો સાથે

અધૂરો સાથે

10 mins
180


"તું તો મને મઝધારમાં એકલી મૂકી ને જતો રહ્યો,નીરજ ! તે તો મને જીવનભર સાથે નિભાવવાનું વચન આપ્યું હતું. સાથે મળીને કેટલા સ્વપ્ન જોયા હતા અને આમ અચાનક જ મારો વિશ્વાસ તોડીને જતો રહ્યો. તું તો દગાખોર નીકળ્યો. . "પોતાના ઘરના લિવિંગ રૂમમાં આરામ ખુરશી પર બેઠા બેઠા નિશા એકીટશે દિવાલ પર ટાંગેલા એના અને નીરજના ફોટા જોઈ રહી હતી. કેટલી સુંદર જોડી હતી નિશા અને નીરજની. કોઈની પણ નજર લાગી જાય એવું પરફેક્ટ જોડું હતું એ બંનેનું. નિશાએ ક્યારે સપનામાં પણ નહતું વિચાર્યું કે નીરજ આમ અચાનક જ એને છોડીને જતો રહશે. ઘરમાં છવાયલો સન્નાટો નિશાના હૃદયમાં છવાયલી ગમગીનીને વધુ તીવ્ર બનાવવામાં પોતાનો ફાળો આપી રહ્યો હતો. ચારે બાજુ પ્રસરેલી ભેંકાર શાંતિ નિશાના ઘવાયલા હૃદયને આરપાર વીંધી રહી હતી.

સામે દીવાલ પર ટાંગેલી સોનેરી કિનારીવાળી ફોટો ફ્રેમ,જે નીરજે એને એમની મેરેજ એનિવર્સરી પર ગિફ્ટ આપી હતી, એ આજે જાણે નિશાની મજાક ઉડાડી રહી હતી. એમના બંનેના સંબંધની શરૂઆતથી અંત સુધીના અલગ અલગ ફોટા એમાં ક્રમબદ્ધ સજાવ્યા હતા. એકએક નાની યાદ ને નીરજે કેમેરામાં કેદ કરી રાખી હતી અને એ બધી યાદો સમેટીને એણે એક ફ્રેમમાં લગાવડાવીને જ્યારે નિશાને ભેટ કરી હતી ત્યારે નીરજની એના પ્રત્યેની લાગણી જોઈને નિશાની આંખમાં પાણી આવી ગયા હતા.

"મને આટલો બધો પ્રેમ ના કરીશ નીરજ કે હું તારા વગર ક્યારે જીવી જ ના શકું. "બોલતી વખતે નિશાને ક્યાં ખબર હતી કે ખરેખર નીરજની આમ એક દિવસ એના જીવનમાંથી બાદબાકી થઈ જશે. કોઈ કેવી રીતે આટલો બધો પ્રેમ કર્યા પછી અચાનક જ કોઈ મઝધારમાં એકલા ડચકા ખાતા મૂકીને જઈ શકે છે ? ના કોઈ ફરિયાદ ના કોઈ રોષ, ના કશું કહ્યું ના સાંભળ્યું. એકવાર દિલ ખોલીને વાતો કરવાનો મોકો પણ ના આપ્યો. બસ ગયો એ ગયો, પછી પાછળ ફરીને ક્યારેય ના જોયું. એને જતા પહેલા એકવાર પણ મારો વિચાર નહીં આવ્યો હોય. . . . ?

નિશા તસવીરોમાં નીરજના ફોટા જોતી રહી અને યાદો વાગોળતી રહી.

અગિયારમાં ધોરણમાં હતી ત્યારે એના પિતાની નોકરીમાં બદલી થઈ હતી. નોકરીમાં પ્રમોશનની સાથે દક્ષિણ ભારતથી પાછા પોતાના વતન ફર્યાનો નિશાના પરિવારને તો બમણો આનંદ હતો જ, પણ નિશાને માત્ર એક જ ડર સતાવતો હતો કે નવા શહેરમાં નવી શાળા અને નવા મિત્રો કેવા મળશે. મનમાં એક ઉત્કંઠતા સાથે જ્યારે એણે ભૂરા રંગનું સ્કર્ટ અને સફેદ શર્ટનું યુનિફોર્મ પહેરી ને પહેલીજ વાર નવા ક્લાસમાં પ્રવેશ કર્યો ત્યારે એની નજર પહેલી બેન્ચ પર બેઠેલા નીરજ પર પડી. એની ભૂરી પાણીદાર આંખો જોઈ ને નિશા એક લોચુંબકની જેમ એની તરફ આકર્ષાઈ ગઈ હતી. અને જ્યારે એના ટીચરે એને પહેલી જ બેન્ચ પર એની બાજુમાં બેસવા કહ્યું ત્યારે તો જાણે એને લોટરી લાગી હોય એવો આનંદ થયો. બેન્ચ પર પહેલેથી જ એક છોકરી બેઠી હતી. બોય કટ હૈર સ્ટાઇલ અને એકદમ સ્પોર્ટી લૂક ધરાવતી એ છોકરી એ જેવી નિશા ને એની બેન્ચ પાસે આવતી જોઈ એ તરતજ સરકી ને નીરજની બાજુમાં બેસી ગઈ અને એની બાજુમાં નિશાને બેસવાનો ઈશારો કર્યો. નિશા ને એની આ પ્રકારની પ્રવૃતિ જોઈને રોષ ચઢ્યો. નીરજની બાજુમાં બેસવાની તક ગુમાવના અફસોસ સાથે એ પેલી બીજી છોકરીની બાજુ બેસી ગઈ. એની ક્લાસમાં પ્રવેશવાથી માંડી ને બેન્ચ પર આવી ને બેસવા સુધીની ગતિવિધિ નીરજ પણ એટલી જ ઉત્સુકતાથી નિહાળી રહ્યો હતો જેની નોંધ નિશા એ ત્રાસી આંખોથી લઈ લીધી હતી. ધીરે ધીરે નિશા બંધ કોચલામાંથી મુક્ત થઈ ખુલવા માંડી અને એની નવા મિત્રો સાથે ઓળખાણ અને પછી આત્મીયતા વધવા માંડી. નીરજની બાજુમાં બેઠેલી એ બોયકટ હેરવાળી છોકરી એની બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ,જેનું નામ પૂજા હતું. પૂજા પોતાના નામ જેવી જ પવિત્ર હતી. એકદમ સાફ દિલ, સ્પષ્ટવક્તા,પારદર્શક ચેહરો,જેવી અંદરથી એવી જ બહારથી. એ માત્ર નિશાની જ નહી આખી સ્કૂલની જાન હતી,અને એમાં પણ નીરજની તો ખાસ મિત્ર.

ક્લાસમાં કોઈ ને પણ કંઈ મૂંઝવણ હોય કોઈ સલાહ જોઈતી હોય તો પૂજા પાસે જાય અને ફટ સમસ્યા નો હલ આવી જાય. ના એને કોઈ પ્રત્ય ઈર્ષા ન તો કોઈ વેર. સમય જતાં પહેલી બેન્ચ પર બેસતા નિશા,પૂજા અને નીરજ વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ. એમની ત્રિપુટી આખી શાળામાં ચર્ચિત હતી. જ્યાં જાય ત્યાં ત્રણે સાથે જ હોય. સ્કૂલ લાઈફ પછી કૉલેજમાં પણ ત્રણે મિત્રો સાથે રહ્યા. નિશા ને નીરજ પ્રત્ય પહેલી જ નજરમાં જે પ્રકારનું આકર્ષણ થયું હતું એ હજી અકબંધ હતું પણ એણે ક્યારેય પોતાની લાગણી નીરજ સામે વ્યક્ત નહતી કરી. એને હંમેશા લાગતું કે નીરજ ને પણ એના પ્રત્ય એવી જ લાગણી છે પણ એ વાતની ખાતરી નહતી. એનો પૂજા પ્રત્ય નો એક ખાસ લગાવથી પણ એ અજાણ નહતી. નીરજ પોતાની દિલની બધીજ વાત પૂજા સાથે કરતો જે એને ખટકતું ખરું પણ પછી એ પોતાના મન ને એ રીતે મનાવતી કે પૂજા હતી પણ તો એવી જ ને. એને પોતાને પણ એ સહુથી વધુ પ્રિય હતી. વળી ક્યારેક એને થતું કે નીરજ અને પૂજા તો બંને એક બીજા ને નાનપણથી ઓળખતા અને સાથેજ ભણતા. કદાચ એ પોતેજ બંનેની વચ્ચે તો નથી આવી ગઈ ? પછી નીરજની આંખોમાં એના પ્રતિ પ્રેમ દેખતો ત્યારે એને થતું કે કદાચ નીરજ માટે એક બેસ્ટ ફ્રેન્ડ પૂજા છે અને પ્રેમિકા પોતેજ છે. આવા કેટલાય મનોમંથન વચ્ચે એણે પોતાની નીરજ પ્રત્યેની લાગણી ક્યારે એની સામે પ્રદર્શિત ના થવા દીધી કારણ કે એ બંનેમાંથી કોઈને ગુમાવવા નહોતી માંગતી. આખરે એમની વચ્ચે ચાલી રહેલા એ રહસ્યનો પડદો ત્યારે ખુલ્યો જ્યારે નીરજે વેલેન્ટાઈન ડે ના દિવસે નિશાના હાથમાં લાલ ગુલાબ આપીને પોતાના પ્રેમનો એકરાર કર્યો. પહેલીવાર જ્યારે નીરજ ને જોયો હતો અને ટીચરે એને નીરજની બાજુમાં બેસવા માટે કહ્યું હતું એ વખતે એને જે રોમાંચ નો અનુભવ થયો હતો એ જ રોમાંચ આજે એણે ફરી અનુભવ્યો. એણે તરત જ પૂજાની સાક્ષીમાં એના પ્રેમનો સ્વીકાર કર્યો અને પૂજા પણ એમના એ નવા સંબંધેથી ખુબ જ ખુશ થઈ. એમણે ત્રણેય ભેગા થઈને નિશા અને નીરજ વચ્ચેનો એ નવો સંબંધ સેલિબ્રેટ કર્યો. કોલેજનું છેલ્લું વર્ષ એ ત્રિપુટી એ ખૂબ જ મજા કરી. નિશા અને નીરજ જ્યાં પણ જાય ત્યાં પૂજા તો સાથે હોય જ. પૂજા વગર જાણે એમના વચ્ચે બંધાયેલા સંબંધનું ચિત્ર પણ એમને ક્યાંક અધૂરું જ લાગતું.

જોત જોતામાં કાલ્પનિક જગત સમો કોલેજનો સમય પૂરો થયો અને જિંદગીની વાસ્તવિકતાની શરૂઆત થઈ. મોટેભાગની પ્રેમ કહાનીમાં જેવી રીતે થતું હોય એવું જ બંને સાથે થયું. બંનેના પરિવારમાંથી એમના સંબંધના માટે સખત વિરોધ થયો. બંને પોતાના પરિવારોને મનાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પરંતુ એ લોકો એકના બે ન થયા. આખરે હારીને બંને જણાએ પોતાના પરિવારને છોડીને લગ્ન કરી લેવાનો નિર્ણય કરી લીધો. પૂજાની સાક્ષીમાં બંને જણાએ મંદિરમાં લગ્ન કરી લીધા અને પોતાના નવા જીવનની શરૂઆત કરી. શરૂઆતમાં બધું ખૂબ જ રોમાંચક લાગતું પરંતુ ધીરે ધીરે બંનેને પોતાના પરિવારોની ખોટ સાલવા લાગી. બંને વચ્ચે પ્રેમમાં ક્યારે ઓટ ના આવી પરંતુ દિલના ખૂણામાં ક્યાંક ને ક્યાંક પોતાના પરિવારની કમી મહેસૂસ થવા માંડી. નીરજ મોટેભાગ પોતાના કામથી બહાર રહેતો અને ક્યારેક પોતાના પરિવારને યાદ કરીને ઉદાસ થઈ જાય તો પૂજા સાથે પણ વાત કરીને મન હળવું કરી લેતો. પરંતુ નિશા આખો દિવસ ઘરમાં જ રહેતી અને એના માટે માત્ર પૂજા સાથે વાત કરીને મન હળવું કરવું પૂરતું ન હતું. ઘરે બેઠા બેઠા ધીરે ધીરે એ ઊંડા વિચારોમાં ડૂબેલી રહેતી જેની અસર એના સ્વાસ્થ્ય પર થવા માંડી. એના શરીરમાંથી હિમોગ્લોબિનની માત્રા ઓછી થઈ ગઈ અને નબળાઈના કારણે એ અવારનવાર બીમાર પડવા લાગી. નીરજને એની ખૂબ જ ચિંતા થતી અને એ એના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ કાળજી લેતો.

એક દિવસ સાંજે નિશા ખૂબ જ ઉદાસ હતી. બીજા દિવસે એનો જન્મદિવસ હતો અને યોગાનુંયોગ નીરજનો પણ જન્મદિવસ એ જ તારીખે હતો. દર વર્ષે બંને જણા એ દિવસ ખૂબ જ સરસ રીતે મનાવતા. પરંતુ આ વર્ષે નિશાને પોતાના જન્મદિવસે પોતાના માતા પિતા અને પરિવારને મળવાની ખૂબ જ ઈચ્છા થઈ હતી. એ પોતાના મનની વાત બતાવવા માટે જેવી નીરજ પાસે ગઈ એણે જોયું કે નીરજ ધીમે ધીમે કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. નિશાની જોઈને એ તરત જ ફોન કટ કરી દીધો અને ત્યાંથી જતો રહ્યો. નીરજનું આવું વિચિત્ર વર્તન જોઈને નિશાના મનમાં શંકા ઉપજી. નીરજ ફ્રેશ થવા બાથરૂમમાં ગયો એ સમયે તકનો લાભ લઈને એણે નિરજનો ફોન ચેક કર્યો. એના કોલ લોગમાં છેલ્લો પૂજાનો નંબર જોઈને એના પગ નીચેથી જમીન ખસી ગઈ. એનો સમય પણ એ જ હતો જે સમયે નિશા એની સાથે વાત કરવા માટે રૂમમાં આવી હતી. એના મગજમાં વિચારોના વમળ શરૂ થઈ ગયા. આખરે એને પૂજા સાથે એવી તો શું વાત કરવી હશે જે એની હાજરીમાં ના થઈ શકે. એને ફોન કેમ કટ કરી દીધો હશે ? વિચારી વિચારીને નિશાનું મગજ ચકરાવા લાગ્યું. એને આખી રાત ઊંઘ ના આવી. બીજા દિવસે સવારે એનો અને નીરજનો જન્મદિવસ હતો. એને થયું કે સવારે ઉઠતાની સાથે જ નીરજ એને જન્મદિવસની શુભેચ્છા આપશે પરંતુ એની એ આશા પણ ઠગારી નીકળી. નીરજ હંમેશા એ દિવસે ઓફિસમાંથી રજા લઈ લેતો પરંતુ આજે તો એને જાણે કશું યાદ જ ના હોય એમ તૈયાર થઈને ઓફિસ જવા માટે નીકળ્યો. એને ઓફિસ જતા જોઈને નિશા બોલી પણ ખરી,"નીરજ, આજે મારી તબિયત સારી નથી લાગતી. પ્લીઝ, તું ઓફિસમાં રજા લઈ લે. "નિશાની વાત સાંભળીને નીરજ બોલ્યો,"આજે ઓફિસમાં બહુ જ કામ છે. રજા મળવી તો શક્ય જ નથી. પણ હું વહેલા ઘરે આવવાની કોશિશ કરીશ. પોતાનું વાક્ય પૂરું કરીને એ પાછળ ફરીને જોયા વગર સીધો જ ઘરની બહાર નીકળી ગયો. નિરાશ થયેલી નિશા ઉદાસ આંખે એને જતો જોઈ રહી. એના ઘરથી નીકળ્યાના લગભગ કલાક પછી નિશાને નીરજના મોબાઇલ પરથી કોઈનો ફોન આવ્યો. નીરજના મોબાઇલમાંથી એક અવાજ આવ્યો જેણે તાત્કાલિક જ નિશાને એક એડ્રેસ પર આવવા માટે કહ્યું અને પછી તરત જ ફોન મૂકી દીધો. એ એડ્રેસ શહેરની એક મોટી જ્વેલરી શોપનો એડ્રેસ હતો. નિશા ગળમથલમાં પડી ગઈ. એણે ફરી નીરજના નંબર પર ફોન કરવા પ્રયત્ન કર્યો પણ સામેથી કોઈએ ફોન ના ઉઠાવ્યો. નિશાને મનમાં કોઈ પ્રકારની શંકા ઉપજી અને એ તરત જ તૈયાર થઈને ઘરની બહાર નીકળી અને રિક્ષામાં બેસી અને એ એડ્રેસ પર પહોંચી ગઈ. ત્યાં જઈને જોયું તો એના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ શોપની બહાર એમ્બ્યુલન્સ ઊભી હતી અને પૂજા પણ ત્યાં નિશાની રાહ જોઈ રહી હતી. અંદર દુકાનમાં સ્ટ્રેચર પર નીરજ ને સુતેલો જોઈને નિશાના પેટમાં ફાળ પડી. બાજુમાં ઉભેલા ડોક્ટરે નિશાને જોતા જ જાહેર કર્યું કે એનો પતિ નીરજ હવે આ દુનિયામાં નથી રહ્યો.

નિશા ચક્કર ખાઈ ગઈ અને ત્યાં ઉભીને રડી રહેલી પૂજાએ તરતજ નિશાને સાંભળી લીધી અને પછી જણાવ્યું કે નીરજ ગઈકાલ સાંજથી જ એની સાથે મળીને નિશા માટે જન્મદિવસનું કોઈ ખાસ ગિફ્ટ લેવાનું પ્લાન કરી રહ્યો હતો. બહુ વિચાર્યા પછી આખરે એ બંને મળીને નિશા માટે એક ડાયમંડ સેટ લેવાનું નક્કી કર્યું હતું. નીરજ નિશાને સરપ્રાઈઝ આપવા માટે સવારે વહેલા જ ઘરેથી નીકળીને જ્વેલરી શોપમાં પહોંચી ગયો હતો. પૂજા પહેલેથી જ ત્યાં આવી ગઈ હતી અને પછી બંને સાથે મળીને એના માટે એક ડાયમંડ સેટ પસંદ કર્યો હતો. . થોડી અસ્વસ્થ અને ઉદાસ રહેતી નિશા ને નીરજ આજના દિવસે ખુશ કરવા માંગતો હતો. એને ફટાફટ કાઉન્ટર પર બિલ ચૂકવ્યું અને જેવો દુકાનની બહાર જવા નીકળ્યો એને ખૂબ જોરથી છાતીમાં દુખાવો ઉપાડ્યો. પૂજા ગભરાઈ ગઈ. એને તરતજ શોપના માલિક ને ભલામણ કરી ને તાત્કાલિક ત્યાં એમ્બ્યુલન્સ બોલાવી અને એ દરમ્યાન નજીકમાંજ રહેતા એના ફેમિલી ડોક્ટરને પણ ત્યાં બોલાવી લીધા. નિશાની સાથે વાત કરવાની એનામાં હિંમત ન હતી માટે એને દુકાનદારને નિશા ને ફોન કરીને તાત્કાલિક ત્યાં આવવા વિનંતી કરી. થોડાજ સમયમાં તો ડોક્ટર ત્યાં આવી પહોંચ્યા અને નીરજ ને ચેક કરી ને તરતજ જાહેર દીધું કે નીરજ ને હૃદય રોગનો ગંભીર હુમલો થયો છે અને હવે એ આ દુનિયામાં નથી રહ્યો. ડોક્ટરની વાત સાંભળીને પૂજાના માથા પર આભ તૂટી પડ્યું. "નિશાને કેવી રીતે સંભાળીશ ?"એ વિચાર માત્ર એ એને અંદરથી ધ્રુજાવી દીધી. અને થોડા સમયમાં તો નિશા પણ ત્યાં આવી પહોંચી. પૂજાની કહેલી વાત સાંભળીને એ જમીન પર ફસડાઈ પડી. નીચે સ્ટ્રેચર પર પડેલા નીરજના પાર્થિવ શરીર પર ઢળી પડી અને પોકારી ઊઠી,"તું મને આમ એકલી મજધારમાં મૂકીને કેવી રીતે જઈ શકે છે ? તે તો જીવનભર સાથ નિભાવવાનું વચન આપ્યું હતું. તું મને આમ દગો આપીને ના જઈ શકે. બસ, એકવાર પાછો આવી જા નીરજ. . . . . "નિશા એને પોકારતી રહી અને નીરજ જતો રહ્યો. . . હંમેશ માટે ! એકવાર પણ પાછા ફરીને ના જોયું !

 એક વર્ષ થઈ ગયું એ વાત ને. ખાલી હાથ અને વિરાન આંખો સાથે નિસ્તેજ થઈને ખુરશી પર બેઠેલી નિશા એ બારીની બહાર દૃષ્ટિ કરી. અથમતા સૂરજ ને જોઈ ને એણે ઊંડો નિસાસો નાખ્યો.

"કોઈ કાયમી સાથ નથી આપતું. કોનો વિશ્વાસ કરવો ? જીવનની જંગ જીતી ગયા તો આખરે મોતથી હાર્યા. મઝધારમાં અટકેલી નૈયા તો જાતેજ પાર કરવી પડે છે". . . . . .

મોબાઈલમાં રીંગ વાગી. નિશાની નજર બારી પરથી હટી ને ફોન પર પડી. એની ઉદાસ આખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. એને ત્યાંથી ઊઠી ને ફોન હાથમાં લેવાનું મન ના થયું. એણે ફોનમાં સેટ કરેલી રીંગ ટોન વાગતી રહી . . . '. બેઠે થે કિનારે પે,મોજો કે ઇશારે પે, હમ ખેલે હે તુફાનો સે

ઇસ દિલ કે અરમાનો સે

હમકો યે માલુમ ન થા

કોઈ સાથે નહી દેતાં

કોઈ સાથે નહી દેતાં. . .

માજી છોડ જાતા હૈ, સાહિલ છૂટ જાતા હૈ. . . . .


Rate this content
Log in

Similar gujarati story from Tragedy