Hemangi Bhogayata

Tragedy

2.1  

Hemangi Bhogayata

Tragedy

રાહ

રાહ

4 mins
21.2K


"મીત, સાચું કઉં છું, હું મરી જઇશને તો તું અગ્નિદાહ આપવા એ ફ્રી નહિ હો..." રડવા જેવી થઈ ગયેલી સ્મૃતિ મોબાઈલનાં બીજા છેડેથી બોલે છે. મીત અકળાઈને કહે છે, "શું છે સ્મૃતિ... પહેલાં મરવાની વાતો કરતી હવે આ શું અગ્નિદાહ આપવા નહિ હો, અગ્નિદાહ આપવા નહિ હો વાળી વાત ઉપાડી છે...? મૂક ફોન ફ્રી થઈશ તો ફોન કરીશ..." મીત ફોન કાપે એ પહેલાં સ્મૃતિ બોલે છે, "પણ મારા જન્મદિવસે..." "મેં કીધુંને કે નહિ આવી શકું, બાય."

સ્મૃતિ રડતી રડતી ઓશીકમાં માથું દબાવી દે છે. રાતનાં દસ વાગ્યા હોય છે. સ્મૃતિનાં રૂમની બારીમાંથી ચાંદની અંદર પ્રવેશ કરી રહી હોય છે. સ્મૃતિને આ ચાંદની બહુ ગમતી.

***

અગાઉ એકવાર આવી જ ચાંદની પર કંઈક લખેલું અને અચાનક મીતનો 'હાય'નો મેસેજ આવેલો. સ્મૃતિને રુદ્રએ શાળાના ગ્રુપમાં એડ કરી ત્યારે પહેલાં એને શોધેલું કે એ ગ્રુપમાં મીત છે કે નહિ. પણ એને કદી સામેથી મીતને મેસેજ કરવાની હિંમત નહોતી કરેલી. પહેલીવાર મીતનો મેસેજ જોઈને તેની આંખમાં જે ચમક આવેલી એ આકાશમાં ચમકતી ચાંદનીથી જરાય ઓછી ન હતી.

સ્મૃતિને મીત બે - ત્રણવાર શાળાનાં મિત્રોનાં ગેટ ટુ ગેધર અને ફિલ્મ જોવાના પ્લાન્સ હેઠળ મળેલા. લગભગ એકાદ મહિના પછી બંને એ મેસેજમાં સ્વીકારેલું કે બંને એકબીજાને પસંદ કરે છે. મીતને ત્યાં જ નોકરી માટે અમદાવાદ જવાનું થયું. હજી તો બંનેનું પ્રેમ પ્રકરણ શરૂ થાય એ પહેલાં જ વિરહની અગ્નિ બંને એ સ્વીકારવી પડી. સ્મૃતિએ તો કહ્યું કે આપણે આપણા ઘરનાંને જણાવી દઈએ પણ મીતે ના પાડી કે મને સહેજ સેટ થવા દે પછી વાત કરીએ. સ્મૃતિએ રાહ જોવાની વાત સ્વીકારી. પરંતુ એને ક્યાં ખબર હતી કે હવે દરરોજ એને મીતની રાહ જોવાની છે. મીત એટલો કામમાં વ્યસ્ત થઈ ગયેલો કે સ્મૃતિ સાથે શાંતિથી ૫ - ૧૦ મિનિટ વાતે ના કરી શકતો. સ્મૃતિ ઘણીવાર ચીડાઈ જતી. સ્મૃતિમાં ધીમે ધીમે રાહ જોવાની શક્તિ નહોતી રહી. એને એકવાર મીતને આ વાત સમજાવી અને એને મનાવ્યો કે આવતા મહિને પોતાનાં બર્થડેનાં દિવસે પોતે ઘરમાં સૌને એમની વાત કહેશે. એ મીતને કહી રાખે છે કે એ દિવસે તો એને જામનગર આવવું જ પડશે. મીત હા પાડી દે છે, પણ હવે કે જ્યારે સ્મૃતિનાં બર્થડેની આડે એક અઠવાડિયું પણ હોતું નથી, મીત ખૂબ કામમાં પડી જાય છે. અને લગભગ સ્મૃતિ સાથે તેની સરખી વાત પણ થઈ નથી હોતી.

ચાર દિવસ થયા આમ જ થતું હતું. સ્મૃતિને ચાર દિવસ પહેલાં કોલેજનાં એક લેક્ચરમાં એક પ્રોફેસરે અગ્નિદાહની વાત કરેલી એ એને ખૂબ સ્પર્શી ગયેલી કે જે વ્યક્તિ તમારી સૌથી નજીક છે એ તમને આ લોકમાંથી મુક્ત કરે છે. જે દિવસે સ્મૃતિએ આ વાત સાંભળેલી એ જ દિવસે મીતને કહેલું કે મારો અગ્નિદાહ તું કરજે... મીત ત્યારે પણ ચીડાઈ ગયેલો. એની પાસે ટાઈમ ન હતો એ સાંભળવાનો કે સ્મૃતિ એમ કહેવા માંગે છે કે તું મારા માટે સૌથી નજીક છો તો તું આ કામ કરજે.

***

રોજનાં ક્રમ મુજબ મમ્મી પપ્પા સ્મૃતિને ગુડ નાઈટ કહેવા આવે છે. સ્મૃતિ બંનેને ભેટીને ગુડ નાઈટ વિશ કરે છે. સ્મૃતિનાં પપ્પા કહે છે, "આજે સમયસર સુઈ જા...કાલે તો અમે ૧૨ વાગે ગુડ નાઈટ કહેવા અને બર્થડે વિશ કરવા આવશું હો..." સ્મૃતિ ના પાડી દે છે, "ના, પપ્પા સવાર ઉપર જ રાખજો ને... આ મારી બહેનપણીઓ સવારે ૬ વાગામાં આવવાની છે. કોલેજે જતાં પહેલાં પછી સવારે ઉઠીને તૈયાર નહીં થવાય." "સારું..." આટલું કહીને તેઓ જતા રહે છે.

બીજા દિવસે પણ લગભગ ૧૦:૩૦ વાગ્યે સ્મૃતિનાં મમ્મી પપ્પા ગુડ નાઈટ કહેવા આવે છે. સ્મૃતિ એમને ગુડ નાઈટ કહી દરવાજો બંધ કરી દે છે, વોટ્સએપનાં સ્ટેટ્સમાં મૂકી દે છે "ગોઈન્ગ ટૂ સ્લીપ, વીશ મી ટૂમોરો" મીત ૧૧:૫૫ એ આ મેસેજ વાંચે છે. એ વિચારે છે કે પોતાનાં પર ગુસ્સે છે એટલે જ એને આમ કર્યું. મીત ૧ વાગ્યાની બસમાં જામનગર આવવા માટે નીકળે છે. એની બસ વરસાદનાં લીધે ટ્રાફિકમાં ફસાઈ જાય છે. લગભગ ૭ વાગ્યે એ જામનગર પહોંચે છે. હજી બસમાંથી ઉતારતો હોય છે ત્યાં ફોન વાગે છે. સામે સ્મૃતિનાં પપ્પા હોય છે. "મીત બોલે છે?", "હા"...મીત તો આશ્ચર્યચકિત થઈ જાય છે કે સ્મૃતિએ કેમ એના પહોંચવા પહેલા કહી દીધું... એ વિચારોનાં વમળમાં ફસાઈ ત્યાં પાછા સ્મૃતિનાં પપ્પા બોલે છે, "સ્મૃતિએ ગળાફાંસો ખાઈ લીધો છે, એની અંતિમ ઈચ્છા હતી કે તું એને અગ્નિદાહ આપે, તું ક્યાં છો?" "જામનગરમાં..." મીત કંપતા કંપતા બોલે છે. સ્મૃતિનાં પપ્પા બીજા છેડેથી બોલે છે, "ઠીક છે, અડધો કલાકમાં ઘરે આવી જજે... અહીંથી જ નીકળશું."

મીત સ્મૃતિનાં ઘરે પહોંચે છે. ત્યાં પહોંચીને એ સ્મૃતિનાં પપ્પાને શોધતો હોય છે ત્યાં એક ભાઈ આવે છે... તમે મીતને એમ કહીને એક પત્ર એને પકડાવે છે. "મીત, હું સતિષભાઈ, સ્મૃતિનો પિતા. મને ખબર ન હતી કે મારી દીકરી આટલી નબળી છે. રાહ ના જોઈ શકી, અમને કહી ના શકી ને પાછી લખતી ગઈ કે મારો અગ્નિદાહ મીતને કહેજો કરે... એની રાહ જોવી પડે તો જોજો... એને એ વિચાર સુધ્ધાં ના કર્યો કે અમારું શું થશે... અમારું એકમાત્ર સંતાન ચાલ્યું જશે તો અમારો અગ્નિદાહ કોણ કરશે... સ્મૃતિએ પોતાનાં અગ્નિદાહનો હક તને આપ્યો છે તો અમે એ અમારા અગ્નિદાહનો હક તને આપીએ છીએ. અમે પણ સ્મૃતિ પાસે જઈએ છીએ." મીતનાં પગ નીચેથી તો જમીન ખસી જાય છે. મીત ત્રણ દેહને અગ્નિદાહ આપીને એ જીવને મુક્ત કરે છે અને પોતે કાયમ માટે બંધાઈ જાય છે. સ્મૃતિનાં પિતાનાં શબ્દોને યાદ કરે છે કે મારા માતા-પિતાનાં અગ્નિદાહ આપવા માટે હું રાહ જોઇશ અને પછી સ્વયંને અગ્નિદાહ આપીશ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy