બાપુજી
બાપુજી


"હું આજે જે કંઇ છું, એ મારા બાપુજીને લીધે છું. બાપુજી ભલે મારા બાયોલોજીકલ ફાધર નથી પણ તેઓ તો મારા ઈશ્વર છે એમ કહું તો કંઈ ખોટું નથી, હું આજે પણ એ દિવસ નથી ભૂલ્યો, જ્યારે કોલેજના કોરિડોરમાં હું મારા આચાર્યને આજીજી કરી રહ્યો હતો કે મારી છેલ્લા વર્ષની ફી માફ થઈ શકે તો હું પછી ભરી દઈશ કમાઇને, બાપુજી ત્યાં હતા ને તરત મારી પાસે આવીને પૂછ્યું કે બોલ દીકરા કેટલી ફી છે? ને પાકીટમાંથી ચેકબુક કાઢીને તરત જ મારી ફી ભરી દીધી. એ પરીક્ષાનું પરિણામ ને હું બંને આપની સમક્ષ છીએ. હું કંઈપણ કરીશ છતાં એમનું ઋણ કયારેય ચૂકવી નહિ શકું, આજનું આ સન્માન હું એમને અર્પણ કરું છું." ઉર્મિશ પોતાના સન્માન સમારોહમાં આ શબ્દો બાપુજી સામે જોઇને એકશ્વાસે બોલી જાય છે.
સરસ મજાનો સન્માન કાર્યક્રમ પતાવીને ઉર્મિશને એના બાપુજી હરિલાલ ઘરમાં પ્રવેશે છે. બાપુજી ચૂપચાપ રવેશમાં જઈને હીંચકે બેસી જાય છે. ઉર્મિશ ચાનો કપ લઈને જાય છે, " બાપુજી, શું થયું? મારાથી સન્માન કાર્યક્રમમાં આપના વિશે બોલવામાં કંઈ ભૂલ થઈ? કલ્પેશભાઈ પણ ત્યાં હતા ને મારાથી એટલે કદાચ વધારે બોલાઇ ગયું." હરિલાલ ઊર્મિશને માથે હાથ મૂકીને કહે છે," ના રે દીકરા, તારો કંઈ વાંક નથી, હું તો સમજી નથી શકતો કે તારો આભાર કેમ માનું મને આટલું માન આપવા માટે. ને વાત રહી કલ્પેશની તો મને તો એના પર ગુસ્સો એ નથી આવતો, જેને મેં માઁની ગેરહાજરીમાં માઁ ને બાપ બેયનો પ્રેમ આપીને મોટો કર્યો, જેને આંગળી પકડીને સ્કૂલે મૂકવા ગયો, એની કોલેજની ફી ભરવા ઓવરટાઈમ કર્યો ને એનાથી મારી સરાભરા ન થઈ, પોતાની નોકરી વચ્ચે મારું ધ્યાન ન રાખવું પડે એટલે મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો ને તું, કે જેની મેં એકવાર કોલેજની ફી ભરી દીધેલી ને એ એકવારની ફીની બદલે તું મને વૃદ્ધાશ્રમમાંથી અહીં લાવ્યો. બેટા, તારો તો ઉપકાર છે મારા પર."
ઉર્મિશ હરિલાલને વળગીને રડવા જાય ત્યાં તો ઘરની બેલ વાગે છે. ઉર્મિશ દરવાજો ખોલે છે તો દરવાજે કલ્પેશ ઉભો હોય છે. "આવો" આટલું કહી ઉર્મિશ દરવાજા સામેથી ખસી જાય છે. કલ્પેશ હરિલાલ પાસે જઈને બોલવા જાય ત્યાં તો હરિલાલ ત્યાંથી ઉભા થઈને ઉર્મિશ પાસે આવવા લાગે છે, "ઉર્મિશ મારું આ મહિનાનું પેન્શન ઉપાડી લાવજે, મારા દીકરાનું સન્માન થયું છે, આપણે મિજબાની કરી સૌને જમાડવા છે."