બાંકડાનું ઋણ
બાંકડાનું ઋણ
"સ્મરણ માનસિક આશ્રય"નું પ્રાંગણ અને શનિવારની એ સાંજ..બધા જ માનસિક રોગીઓ પ્રાંગણમાં એકઠા થયા હતા, સંધ્યા પ્રાર્થનાનો સમય એટલે ત્યાંનો નિયમ હતો કે દરેક જણે હાજર રહેવું અને પ્રાર્થનામાં ભાગ લેવો. સહેજે ૬૦-૭૦ માનસિક રોગીઓની આ હોસ્પિટલ કહો કે આશ્રય સ્થાન કહો કે આશ્રમ, ત્યાંનો દરેકે દરેક કર્મચારી, નર્સ કે ડોક્ટર, સહુ કોઈ નિ:સ્વાર્થ ભાવનાથી દરેક માનસિક રોગીઓની સેવા કરી રહ્યા હતા. ક્યારેક તેઓ ને કોઈક અતિશય હિંસક માનસિક રોગીનો સામનો પણ કરવો પડતો હતો પરંતુ આ સેવાયજ્ઞમાં હર કોઈ સ્વેચ્છાએ અને કોઈપણ પ્રકારની અપેક્ષા વિના સેવાનો નિર્ધાર કરીને આવ્યા હતા એટલે તેઓ ને આવા કોઈ અનુભવો સાધારણ લાગતા હતા.
મનસુખલાલ અહીં છેલ્લા ૨ વર્ષથી દાખલ હતા. ખૂબ જ વિચિત્ર સંજોગોમા તેમને અહીં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પત્ની સદગુણા બેનના અવસાન પછી તેઓ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠા હતા. મનસુખલાલની ઉંમર ૭૦ વર્ષ ની હતી અને સદગુણા બેન સાથે ના ૫૦ વર્ષના લગ્ન જીવનનો અંત આવો દુઃખદ આવશે તે તેમણે કલ્પના પણ નહોતી કરી. આ કારમો આઘાત તેઓ જીરવી નહીં શક્યા. સંતાન મા તેમને એક પુત્ર સુમન હતો. તેની પત્ની કામિની અને પૌત્ર ચિરંજીવ. શરૂઆતમાં તો તેમની દરેક હરકતો ને તેમનો પરિવાર એક કામચલાઉ હરકત તરીકે ગણી ને અવગણના કરતા હતા પરંતુ પછી તો દિવસે ને દિવસે તેમની માનસિક સ્થિતિ વધુ ને વધુ વણસવા લાગી. કોઈક વાર ન્હાવા જાય તો કલાકો વગર બાથરૂમમાંથી નીકળે જ નહીં, માંડ માંડ સમજાવી પટાવી ને બહાર લઈ આવે. કોઈકવાર જમવા ની થાળી નો ઘા કરે અને એમાં એક દિવસ તો ચિરંજીવી ને કપાળમાં થાળી વાગતાં વાગતાં રહી ગઈ. કોઈક વાર સાંજે મંદિરે જાઉં છું કહી ને કલાકો વગર પાછા ના આવે તો સુમન અને કામિની તેમને આકાશ પાતાળ એક કરી ને શોધી લાવતા હતાં. આ બધી ઘટનાઓથી સુમન અને કામિની કંટાળી ગયા હતા. માનસિક ચિકિત્સક ને બતાવ્યું તો તેમનો એવો અભિપ્રાય આવ્યો કે મનસુખલાલ ને કોઈ સારા માનસિક ઋગ્નાલય મા દાખલ કરી ને ત્યાં તેનો ઈલાજ થવો જોઈએ. અને આ રીતે મનસુખલાલ "સ્મરણ માનસિક આશ્રય" મા આવી ગયા.
મનસુખલાલની પ્રારંભિક માનસિક સ્થિતિ ને ધ્યાનમાં લઈ ને તેમને એક અલાયદા ઓરડામા રાખવામાં આવ્યા હતા. સવાર સાંજ ચિકિત્સક આવી ને તેમને તપાસી જતા હતા. સવાર નો નાસ્તો, બપોર નું જમવાનું અને રાત નું વાળુ.આ બધું જ ત્યાં નો એક કર્મચારી આવી ને આપી જતો હતો. મનસુખલાલ કોઈક વાર ખાય, કોઈક વાર ફેંકી દે, કોઈક વાર ના ખાય..આ બધો ક્રમ ચાલ્યા કરતો હતો. શરૂઆત મા તો સુમન અને કામિની અઠવાડિયે એક વાર આવી ખબર કાઢી જતા હતા અને પછી ધીરે ધીરે આ અઠવાડિયું, પખવાડિયા મા પરિવર્તિત થયું અને ત્યાર પછી મહિનો. પરંતુ મનસુખલાલ ને આ બધી વૈચારિક મુસીબતોથી મુક્તિ મળી ગઈ હતી. કોણ મળવા આવે છે કે કોણ નહીં.આ બધું વિચારવાનું મનસુખલાલ ના કબ્જા મા હતું જ નહીં. એ તો બસ.તેમનો ઓરડો અને ઓરડા ની બહાર પ્રાંગણમાં આવેલો એક બાંકડો. એ બાંકડા ઉપર તેમની રોજ ની બેઠક. ત્યાં બેઠા બેઠા મનસુખલાલ પોતાની સાથે જ વાતો કરતા હોય...એકલા એકલા હસે અને એકલા એકલા રડે. આવી જ એક સાંજે બાંકડા ઉપર બેઠા હતા મનસુખલાલ અને પોતે જ વાતો એ ચડી ગયા."અરે, સદગુણા, ક્યાં ગયા છો ? આવો આવો... બેસો અહીં મારી બાજુ મા..આ જુઓ ને તમારો સુમન અહીં મૂકી ગયો છે, કહેતો હતો કે મને કોઈક બીમારી છે તો તેના ઈલાજ માટે અહીં રહેવું પડશે.પણ તમે જ કહો, મને કઈં થયું છે ? એય ને બન્ને વખત સરસ જમું છું, અહીં તહીં હરું છું, ફરું છું..મને શું તકલીફ છે ?..…હેં.શું કહ્યું ? અરે પણ સદગુણા.. ઠીક છે, ચાલો, તમે કહો છો તો થોડો વખત વધારે અહીં રહી લઉં છું.ચાલો આવજો.હવે હું પણ જાઉં મારા ઓરડા મા..થોડી વાર પછી જમવાનું આવશે, તમે પણ જમી લેજો"..મનસુખલાલ નો આ સદગુણા બેન સાથે નો વાર્તાલાપ અહીં જ પૂરો થયો.બીજા બાંકડા ઉપર બેઠેલા અમુક માનસિક રોગીઓ જાણે કે પોતે એકદમ સાજા સારા હોય અને કોઈ માનસિક અસ્થિર વ્યક્તિ ને જોઈ ને જે હાસ્યાસ્પદ હાવ ભાવ આપે તેવી રીતે એ લોકો એ મનસુખલાલ ને પણ આપ્યા..પરંતુ મનસુખલાલ તો આ બધા થી અજાણ, લાકડી ના ટેકે ટેકે પોતાના ઓરડા તરફ પ્રયાણ કરી ગયા. તે રાત્રે મનસુખલાલની માનસિક હાલત કઈંક વધારે જ વણસી ગઈ હતી. તેમના ઓરડા મા જે થોડું રાચરચીલું હતું તેને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તાત્કાલિક ચિકિત્સક ને બોલાવવા પડ્યા અને તેમને ઘેન નું ઈન્જેક્શન આપી ને સુવાડી દીધા.
બીજા દિવસે સવારે "સ્મરણ માનસિક આશ્રય" ના મુખ્ય સંચાલક એ સુમન ને ફોન કરી ને પાછલી રાત નો કિસ્સો કહી સંભળાવ્યો અને સુમન ને ત્યાં આવવા માટે તાકીદ કરી. સુમન તે દિવસે બપોરે "સ્મરણ માનસિક આશ્રય" પહોંચ્યો..."શું પપ્પા..તમે કેમ લોકો ને હેરાન કરો છો ? આ લોકો તમારું કેટલું ધ્યાન રાખે છે અને તમે એ લોકો નું જ નુકસાન કરો છો ?"..સુમન એ ઠપકા ભર્યા સુર મા મનસુખલાલ ને કહ્યું."અરે દીકરા તું..કેટલા દિવસે આવ્યો તું ? ઓફિસ મા શું બહુ કામ રહે છે ? કેટલો દૂબળો થઈ ગયો છે તું ? અને હા.મારો ચિરંજીવ કેમ છે ? તેને જોયે ઘણો વખત થયો...ચાલ આજે તારી સાથે જ હું ઘરે આવું છું..તારી માં પણ આવી હતી અહીં મને મળવા..તું ઊભો રહે, હું મારા કપડાં ભરી લઉં, પછી આપણે જઈએ"...મનસુખલાલ તો રાજી ના રેડ થઈ ગયા સુમન ને જોઈ ને અને પોતાની તેની સાથે જવાની તૈયારી પણ દર્શાવી દીધી..."હા પપ્પા..તમે કપડાં ભરી લ્યો ત્યાં હું અહીંના સંચાલક ને મળી ને આવું છું, પછી આપણે જઈએ." સુમન મનસુખલાલ ને હૈયાધારણ આપી ને ત્યાંથી નીકળી ગયો. મનસુખલાલ તો ૧૦ મિનિટ મા તૈયાર થઈ ને પ્રાંગણ ના પોતાના માનીતા બાંકડા ઉપર રાહ જોતા બેસી રહ્યા...પરંતુ આ બાંકડા એ પણ મનસુખલાલ ની બેઠકની હૂંફ મેળવી હતી અને આ આજનું થોડું હતું ? આમ ને આમ કરતાં તો ૨ વર્ષ વિતી ગયા હતા.અને મનસુખલાલ ફરી પાછા પોતાના ઓરડા મા આવી ગયા..
સમય અને રેતી ને ક્યારેય પકડી નથી શકાતું. એ તો આપમેળે સરતો જ રહે છે..મનસુખલાલ ધીરે ધીરે સાજા થવા લાગ્યા છે. હવે તે બીજા બધા રોગીઓ ને યોગાસન અને પ્રાણાયામ શીખવવા લાગ્યા છે. એ રોજ એમના માનીતા બાંકડા ઉપર બેસી ને બીજા બધા રોગીઓ ને કોઈક વાર ગીતાના શ્લોક તો કોઈક વાર સુંદર કાંડ તો કોઈક વાર દેશ વિદેશ મા શું થઈ રહ્યું છે તેનું જ્ઞાન આપતા રહે છે..અને એક દિવસ ત્યાંના સંચાલક એ સુમન ને ફોન કરી ને "સુમન ભાઈ, આપના પિતાશ્રી હવે તદ્દન સાજા થઈ ગયા છે, ડોક્ટર સાહેબ એ પણ તેમનો રિપોર્ટ આપી દીધો છે...તેમના કહેવા પ્રમાણે મનસુખલાલ હવે પોતાને ઘરે જઈ શકશે..બીજી બધી દવાઓ જે તેમણે લેવાની છે તેનું લીસ્ટ ડૉક્ટર સાહેબે આપ્યું છે તે નિયમિત લેવાની રહેશે. તો આપ કાલે આવી ને બીજી બધી ઔપચારિકતા પતાવી ને તેમને લઈ જઈ શકો છો"..સુમન એ સામો પ્રતિભાવ આપતાં કહ્યું "જી સાહેબ, હું કાલે જ આવી ને તેમને લઈ જઈશ અને બાકી રૂબરૂ મા મળી ને વાત કરીશ".. મનસુખલાલ ને પાછલી રાતે જ જણાવી દેવા મા આવ્યું હતું કે આવતીકાલે સવારે તેમનો પુત્ર તેમને તેડવા આવવાનો છે જેથી તે તૈયાર રહે. અને મનસુખલાલ પણ નિયત સમયે તૈયાર થઈ ને બેસી ગયા હતા...તેમના માનીતા બાંકડા ઉપર. બરાબર ૯:૦૦ ના ટકોરે સુમન આવી પહોંચ્યો. કાર્યાલય મા બધી ઔપચારિકતા પતાવી ને સુમન મનસુખલાલ ને લેવા આવી ગયો. મનસુખલાલ બાંકડા ઉપર થી ઊભાં થયા. ત્યાં હાજર સૌ કોઈ માનસિક રોગીઓ પોતપોતાની રીતે મનસુખલાલ ને વિદાય આપી રહ્યું હતું..કોઈક હસી રહ્યા હતા તો કોઈક રડી રહ્યા હતા અને કોઈક તો કોઈ પણ પ્રતિભાવ આપ્યા વગર મનસુખલાલ સામે ટગર ટગર જોઈ રહ્યા હતા...મનસુખલાલ પણ ગળગળા થઈ ગયા હતા..અને શું કામ નહીં ? આજ કાલ કરતાં અઢી વર્ષ થઈ ગયા હતા..આ પણ તેમનો એક પરિવાર જ થઈ ગયો હતો. દરેક ને વ્યક્તિગત મળી ને તે પેલા બાંકડા તરફ વળ્યા..તે બાંકડા ઉપર હાથ ફેરવી ને "આ અઢી વર્ષ તેં મને ખૂબ સહારો આપ્યો છે..મારા દુઃખ અને સુખ નો પણ તું મૂક સાક્ષી રહ્યો છે. મારી ગાંડી ઘેલી વાતો નો પણ તું સાક્ષી હતો..એક તું જ હતો જે મારી વાતો સાંભળી ને મારી હાંસી નહોતો ઉડાવતો..તારું ઋણ રહેશે મારી ઉપર..ચાલ દોસ્ત, આવજે" આટલું બોલી ને મનસુખલાલ જેવા આગળ વધ્યા છે ત્યાંજ તેમના ધોતિયાં નો છેડો બાંકડાના ખૂણે ભરાઈ ગયો અને મનસુખલાલ અટકી ગયા..બાંકડો બોલી નહોતો શકતો પરંતુ કોઈક રીતે તે મનસુખલાલ ને રોકવાની કોશિશ કરી રહ્યો હતો."ચાલો પપ્પા, આપણે જલ્દી નીકળવું પડશે, મારે તમને ઘરે મૂકી ને ઓફિસ એ જવાનું છે"..સુમન ઉતાવળો થયો, અને પછી તરત જ સુમન અને મનસુખલાલ ત્યાંથી નીકળી ને ઘરે જવા માટે નીકળી ગયા. આખા રસ્તે સુમન કઈં ખાસ બોલ્યો નહીં. ઓફિસમા કોઈ કામ ને લીધે વિચારમા હશે તેવું સમજી ને મનસુખલાલ પણ આંખો રસ્તો કઈં બોલ્યા વગર બેસી રહ્યા. ઘરે પહોંચ્યા..કામિની દરવાજા મા જ ઊભી હતી. મનસુખલાલ ને પગે લાગી આશીર્વાદ લઈ ને તેમને ઘર ની અંદર દોરી ગઈ. ચિરંજીવ પણ ક્યાંક થી દોડતો દોડતો આવી પહોંચ્યો અને સીધો દાદા ને ભેટી પડ્યો."આવ મારા દીકરા, ખૂબ ખૂબ યાદ કરતો હતો તને...હવે આપણે બન્ને ખૂબ મઝા કરીશું"...આવું કહી ની મનસુખલાલ એ ચિરંજીવ ને પોતાના આશ્લેષ મા લઈ લીધો. અને આમ મનસુખલાલ નો "પોતાના" ઘર મા પહેલો દિવસ પસાર થયો.
દિવસો પસાર થવા લાગ્યા. મનસુખલાલ ચિરંજીવ સાથે પોતાનો વખત પસાર કરવા લાગ્યા. સાંજે પોતે મંદિરે જઈ ને પાછા આવે ત્યાં સુધી સુમન ઓફિસથી આવી જતો. તો તેની સાથે થોડી અલપઝલપ વાતો કરે. પરંતુ મનસુખલાલ ની જમાના ની ખાધેલ એવી અનુભવી આંખો થી ઘર નું ભારે થતું જતું વાતાવરણ છૂપું ના રહ્યું. એક રાતે મનસુખલાલ પોતાના ઓરડા મા પાણી મૂકવાનું ભૂલી ગયા હતા અને તેમને તરસ લાગી. એટલે તે પોતાના ઓરડામાંથી બહાર આવી ને રસોડા તરફ ગયા...રસોડા તરફ જતાં પહેલાં સુમનનો ઓરડો આવતો હતો.અને અંદરથી કંઈક વાત થતી હોવાનો અણસાર આવતાં અનાયાસે જ મનસુખલાલ ના પગ અટકી ગયા..અને તેમને કામિની નો અવાજ સંભળાયો..."સુમન, પપ્પા તો હવે અહીં જ રહેશે..આટલા વખત થી આપણે આપણી રીતે રહેતાં હતાં તો કેવી મઝા આવતી હતી ? હવે આપણે બાંધછોડ કરવી પડશે...અને ઓછા મા પૂરું હવે ક્યાંય તેમને એકલા મૂકી ને બહાર પણ નહીં જવાય..આ તો ઉપાધિ થઈ"..અને તરત જ સુમન નો અવાજ સંભળાયો."કમુ, તારી વાત સાચી છે, પરંતુ શું કરીએ ? મને પણ ખબર છે કે તકલીફ પડશે, પણ બીજો કોઈ રસ્તો પણ નથી સૂઝતો"...મનસુખલાલ ના તો પગ તળેથી જાણે કે જમીન સરકી રહી હતી. મહામહેનતે તે લાકડી ના ટેકે ઉભા રહ્યા હતા. તેમના કાન ને વિશ્વાસ નહોતો થતો કે તેમના જ ઘર મા તેનો દીકરો અને તેની વહુ ને પોતાના આવવાથી હેરાનગતિ થઈ રહી છે..ત્યાંજ કામિની નો અવાજ સંભળાયો..."સુમન, એક રસ્તો છે..હમણાં થોડોક વખત તેમને આપણાં ગામ ના ઘરે મોકલી દઈએ, ભલે થોડોક વખત ત્યાં રહેતા અને પછી તેમને જાત્રા એ મોકલી દઈએ..જે થોડો ઘણો વખત આપણી પ્રાઈવસી જળવાઈ રહે, શું લાગે છે તને ?"...અને તરત જ સુમન નો અવાજ..." વાત તો તારી સાચી છે..હું જોવું છું પપ્પા ને કઈ રીતે કહેવું..હમણાં થોડો વખત જવા દે પછી તક જોઈ ને હું વાત કરી લઈશ".મનસુખલાલ આ બધું સાંભળતા ઉભા રહ્યા. ધરતી ગોળ ગોળ ફરતી લાગી..લાકડી ને સહારે તે ધીરે ધીરે રસોડામા ગયા અને પાણી પી ને પરત તેમના ઓરડા મા ગયા. માથું ભમી રહ્યું હતું. આજે ન સાંભળવાનું સંભળાઈ ગયું હતું..કહેવત છે ને કે "જાણ્યા નું ઝેર". જેમ તેમ કરી ને રાત કાઢી.
બીજા દિવસ ની સવાર પડી. મનસુખલાલ થોડા મોડા ઉઠ્યા. માથું સખત દુઃખી રહ્યું હતું. લાગણીઓના ઉતાર ચડાવમા તે ક્યારે ઘરની બહાર નીકળી ગયા તે તેમને ખુદ ને જ ખયાલ ના રહ્યો. એકલા એકલા બબડતા બબડતા તે રસ્તા ઉપર આવી ગયા, ત્યાં જ તેમના એક પાડોશીનું ધ્યાન ગયું અને તેમનો હાથ ઝાલી ને તેમને ઘરે પહોંચાડ્યા..."અરે, તમને કઈં ખબર પડે છે ? ગમે ત્યારે અને ગમે ત્યાં જતા રહો છો ? શું અમારી પાસે એટલો વખત છે કે તમને શોધતા ફરીએ ? ઘરે એક જગ્યા એ બેસી રહો ને ?" સુમન ભયંકર આકળો થયો. મનસુખલાલ કઈં પણ પ્રતિભાવ આપ્યા વગર તેની સમક્ષ જોતા રહ્યા.."પપ્પા, તમને કહું છું..કઈં સમજાય છે કે નહીં ?".સુમન એકદમ તેમની નજીક આવી ને બોલ્યો. પરંતુ મનસુખલાલ તો જાણે મોઢાં મા મગ ભરી ની બેઠા હતા...અને અચાનક જ તે હસવા લાગ્યા...સુમન અને કામિની ડઘાઈ ગયા..આ શું થયું ? એવો સવાલ બંન્ને ના મન મા ઉદભવ્યો. અને તે દિવસે સાંજે તો મનસુખલાલ એ તો હદ જ કરી.તેમની બધી દવાઓ નો પોતાના ઓરડા ની બારીમાંથી બહાર ઘા કરી દીધો અને પછી જોર જોર થી હસવા લાગ્યા.."હું એકદમ સાજો થઈ ગયો છું..ખબરદાર છે જો કોઈએ મને દવા આપી છે તો." મનસુખલાલ આટલું બોલી ને જોર જોર થી હસવા ઉપર ચડી ગયા. સુમન અને કામિની તો ગભરાઈ જ ગયા. તેમણે તો હવે ચિરંજીવને પણ મનસુખલાલ પાસે મોકલવાનું બંધ કરી દીધું હતું. એક એક દિવસ ભારે જવા લાગ્યો. મનસુખલાલ કંઈક ને કંઈક પરાક્રમ કરવા લાગ્યા..કોઈક દિવસ મનસુખલાલ કોઈ ને કહ્યા વગર બહાર નીકળી જાય તો કોઈક વાર ચિરંજીવ ને રડાવે પણ ખરા. આમ સુમન અને કામિની પણ કંટાળ્યા. શું કરવું તેની તેમને પણ કોઈ સમજ નહોતી પડતી.
એક સાંજે સુમન તેની સાથે એક મનોચિકિત્સક ને પણ સાથે ઘરે લઈ આવ્યો. મનોચિકિત્સક એ થોડો ઘણો વખત મનસુખલાલ સાથે વિતાવ્યો. તેમને અમુક સવાલો કર્યા અને મનસુખલાલ એ તેમના અષ્ટમ પષ્ટમ જવાબો આપ્યા. ઘર ના બીજા સભ્યો સાથે પણ પેલા ડૉક્ટર એ વાર્તાલાપ ચાલુ રાખ્યો. બધું પતી ગયા પછી પેલા ડૉક્ટર એ સુમન ને બોલાવ્યો.."સુમન ભાઈ, જુઓ..વાત જાણે એમ છે કે તમારા પિતાજી ની તબિયત પાછી બગડતી હોય એવું લાગે છે..તેમની માનસિક સ્થિતિ ફરી પાછી પહેલાં જ જેવી થવા લાગી છે. શું ઘરમાં કોઈએ એમને કઈં કહ્યું છે ?..અને સુમન એકદમ જ..."અરે ડૉક્ટર સાહેબ, ઘર નું વાતાવરણ એકદમ સારું છે..મારો પુત્ર તો આખો દિવસ તેમની સાથે ને સાથે જ હોય છે..મને તો નવાઈ લાગે છે કે ફરી પાછું શું થયું પપ્પા ને ?".. ડૉક્ટર જતાં પહેલાં અમુક દવાઓ આપતા ગયા અને તાકીદ કરતા ગયા કે બને ત્યાં સુધી તેમની પાસે કોઈ ને કોઈ હોવું જોઈએ..પરંતુ તે રાત્રે મનસુખલાલ એ તો માઝા જ મૂકી. રસોડા મા જઈ ને બધા જ વાસણો નીચે ફેંકી દીધા. ફ્રીઝમાંથી બધી ખાવાની સામગ્રીઓ બહાર કાઢી ને પોતે અંદર જવાની કોશિશ કરવા લાગ્યા..જેમતેમ કરી ને તેમને ઘેનની ગોળી આપી ને સુવડાવી દીધા.
બીજા દિવસે સવારે ફરી પાછા ડૉક્ટર આવ્યા અને મનસુખલાલ ને તપાસ્યા. સધન તપાસ પછી ડૉક્ટર એ સુમન ને બહાર લઈ જઈ ને કહ્યું "સુમન ભાઈ, પરિસ્થિતિ ફરી પાછી વણસી છે..બીજો કોઈ ઉપાય નથી સિવાય કે તેમને ફરી પાછા દવાખાને દાખલ કરી દઈએ"..સુમન "વ્યથિત" ભાવના સાથે..."ડોક્ટર સાહેબ, શું આના સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી ? દવા આપી ને જો કઈં સુધારો થતો હોય તો પ્રયત્ન કરો ને ?"..ડોક્ટર એ સમજાવટ ભર્યા સૂરે.."સુમન ભાઈ, મેં બનતા બધાજ પ્રયત્નો કરી લીધા છે..તે કારગત નથી નીવડ્યા એટલે મેં આ વિકલ્પ તમને કહ્યો છે. વહેલી તકે જો તેમને દાખલ કરી દઈએ તો જલ્દી સાજા થવાની તકો વધી જશે, આગળ તો તમારે નક્કી કરવાનું છે"..અને સુમન પણ આ સુઝાવની રાહ જ જોતો હતો.."ઠીક છે ડૉક્ટર સાહેબ, હું કાલે જે તેમને "સ્મરણ માનસિક આશ્રય" દાખલ કરી દઈશ".
અને જેમ નક્કી થયું તેમ, સુમન મનસુખલાલ ને "સ્મરણ માનસિક આશ્રય" મા દાખલ કરાવવા આવી પહોંચ્યો. ફરી પાછી દાખલા ની ઔપચારિકતા પૂર્ણ કરી ને મનસુખલાલ ને તેમના ફાળવેલા ઓરડામાં મૂકી આવ્યો. મનસુખલાલ ને પરત આવેલા જોઈ ને સૌ કોઈ આનંદિત થઈ ગયા..અને ખરેખર મનસુખલાલ ના ગયા પછી ત્યાં યોગાસન અને પ્રાણાયામ બંધ થઈ ગયા હતા. મનસુખલાલ પણ એક નાના બાળકની માફક બધા ને જોઈ ને આનંદિત થઈ ગયા.
સુમન મનસુખલાલ ને મૂકી ને પાછો જતો રહ્યો હતો. મનસુખલાલ ફરી પાછા ધીરે ધીરે લાકડી ના ટેકે ટેકે તેમના માનીતા બાંકડા આગળ આવ્યા અને ધીરેક થી બેઠા..તેના ઉપર હાથ ફેરવ્યો અને.."જો.હું પાછો આવ્યો છું..તારું ઋણ ચૂકવવા.. તેં મને ઘણો સાચવ્યો છે..તો એ દોસ્તી દાવે હું પણ તને પરત મળવા અને તારી સાથે વાતો કરવા પાછો આવી ગયો છું..ઘરે ગયો તો ખરો પરંતુ ત્યારે ખબર પડી કે બધું જ ખબર પડતી હોય તેના કરતા કઈં જ ના ખબર પડતી હોય તેમાં વધારે મઝા છે. ભલે મારે અહીં પરત આવવા માટે થોડું નાટક કરવું પડ્યું હતું પરંતુ એ નાટક ને લીધે આજે હું ફરી પાછો મારા ખરા હિતેચ્છુઓ પાસે આવી ગયો છું...દોસ્ત, જીવનમાં ઘણી વાર ડાહ્યા રહેવા કરતાં ગાંડા રહેવું વધારે હિતાવહ હોય છે".. અને મનસુખલાલ ખડખડાટ હસી પડ્યા છે.