Nilang Rindani

Inspirational Others

4  

Nilang Rindani

Inspirational Others

કલરવ - એક પંખીના માળાનો

કલરવ - એક પંખીના માળાનો

12 mins
438


મધુર અને મધુરિમા..જેવુંના મ એવું જ યુગલ..હા, યુગલ એટલા માટે કારણ કે તેમની ઓળખ મુંબઈ ની મીઠીબાઈ કૉલેજમાં એક આદર્શ યુગલ તરીકે જ થતી હતી. કૉલેજમાં વાણિજ્યના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા મધુર અને મધુરિમાના આ મધુર સંબંધ તો તેમના સ્કૂલ કાળથીજ હતો. બંનેના ઘરે તેમના માતા પિતા ને પણ તેમના સંબંધ વિશે જાણ હતી, એટલે નક્કી પણ એવું જ થયું હતું કે જ્યારે કૉલેજનો અભ્યાસ પૂર્ણ થાય કે તરત જ તેમનું વેવિશાળ કરી દેવું અને પછી આગળનો અભ્યાસ પૂર્ણ થાય કે તેમના લગ્ન. 

સમયનું ચક્ર ફરતું રહ્યું.. કૉલેજની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણતાને આરે હતી, અને આ તરફ મધુર અને મધુરિમાના કુટુંબમાં વેવિશાળની તૈયારીઓનો પ્રારંભ થયો. અને એ દિવસ પણ આવી પૂગ્યો. જે સપનું મધુર અને મધુરિમાએ સેવેલું હતું તેનું પ્રથમ સોપાન પૂર્ણ થઈ રહ્યું હતું. બંને પક્ષે ખૂબ જ નજીકના સ્વજનોની હાજરીમાં એકનાનો પણ ભવ્ય સમારંભ યોજાયો અને સર્વની હાજરીમાં મધુર અને મધુરિમા એ એક બીજાને વેવિશાળની વીંટી પહેરાવી. આજે મધુર અને મધુરિમાના આનંદની કોઈ સીમા નહોતી. જે સપનું જોયું હતું તે પૂર્ણ થતાં જોવું તે પણ એક સદભાગ્યની વાત છે. અને આમ તેમના વેવિશાળ પણ થઈ ગયા. વાર્ષિક પરીક્ષાના પરિણામો પણ આવી ગયા અને મધુર અને મધુરિમા ખૂબ જ સારા ટકા એ ઉતીર્ણ થયા. અને હવે શરૂઆત થઈ આગળના અભ્યાસની. બંનેની શાખા વાણિજ્ય જ હતી એટલે, મધુર અને મધુરિમા એ એક ખ્યાતનામ બી - સ્કૂલમાંથી અનુસ્નાતકની પદવી લેવાનું નક્કી કર્યું અને તે રીતે તેમનો એમ.બી. એ. નો અભ્યાસ શરૂ થયો. બંને ખૂબ જ પ્રતિભાશાળી હતા એટલે દરેક સેમેસ્ટરમાં ઉચ્ચ સ્કોરથી પાસ થતા હતા. અને આમ કરતાં કરતાં આખરી વર્ષ પણ આવી ગયું. કોઈ એક વિષય પસંદ કરી ને તેના ઉપર પ્રોજેક્ટ બનાવવામાં પણ મધુર અને મધુરિમા સાથે જ રહ્યા અને ઉચ્ચ અંકો પણ મેળવ્યા. છેલ્લું સેમેસ્ટર પણ પૂર્ણ થયું અને તેના પરિણામો પણ આવી ગયા. મધુર આખી કૉલેજમાં અવ્વલ રહ્યો અને તેને સ્વર્ણ પદક પણ મળ્યો તો આ બાજુ મધુરિમા પણ ખૂબ જ સારા અંકોથી ઉતીર્ણ થઈ. કેમ્પસમાં ઘણીના માંકિત બહુરાષ્ટ્રીય કંપની અને બેન્ક ઈન્ટરવ્યુ લેવા માટે આવ્યા અને મધુર ને એક મોટી વિદેશી બેંકમાં અને મધુરિમા ને એક મોટી બહુરાષ્ટ્રીય કંપનીમાં ૬ આંકડાના પગારવાળી નોકરી પણ મળી ગઈ. હવે કઈં બાકી નહોતું રહેતું..બાકી રહેતું હતું તે હતું તેમના સપનાનું છેલ્લું પગથિયું...લગ્ન. ખૂબ જ શુભ ચોઘડિયુ જોઈ ને મધુર અને મધુરિમાના કુટુંબીજનો એ લગ્નનો દિવસ નક્કી કર્યો અને વાજતે ગાજતે તે દિવસ પણ આવી ગયો. ખૂબ જ મોટા પાર્ટી પ્લોટમાં ભવ્યાતિભવ્ય સમારંભમાં ખૂબ જ મોટી સંખ્યામાં આમંત્રિતો આવ્યા અને મધુર અને મધુરિમાને લગ્નજીવનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. આજે બંનેનું સપનું એક સાચા અર્થમાં પરિપૂર્ણ થયું હતું અને તેનો આનંદ મધુર અને મધુરિમાના ચહેરા ઉપર સ્પષ્ટ વર્તાતો હતો. લગ્ન પૂર્ણ થયાં અને મધુરિમા તેના સાસરે "કલરવ" બંગલામાં આવી. "કલરવ" બંગલો આજે ખરા અર્થમાં પારેવાંના મધુર કલરવથી ગુંજી ઉઠ્યો હતો. મધુર અને મધુરિમા પોતપોતાની જગ્યાએ નોકરી ઉપર લાગી ગયા હતા. ભણતર હતું, એટલે પગાર પણ હતો, અને એટલે જ કામ નું દબાણ પણ અતિશય હતું. દિવસો, મહિનાઓ વીતવા લાગ્યા. ઘડિયાળના ત્રણેય કાંટાઓ જાણે કે હરિફાઈમાં ઉતર્યા હતા..રોકાવાનુંના મ જ નહોતા લેતા...મધુર અને મધુરિમાના નાના માળામાં એક નાના બાળકનું આગમન થયું હતું. "કલરવ" બંગલો જાણે કે પંખીના માળામાં પરિવર્તિત થઈ ગયો હતો..એક નાના બાળકની કિલકારીઓથી આખો માળો ગુંજી ઉઠ્યો હતો..ચોમેર આનંદ આનંદ જ હતો. બાળકનું નામ "પરિંદ" પાડ્યું હતું. મધુર અને મધુરિમા, પરિંદની પરવરિશમાં કોઈ જ ઉણપ નહોતા રાખતા. પોતપોતાના કામની સાથે સાથે આ એક ઈશ્વરીય જવાબદારી પણ નિભાવતા હતા...અને આમ દિવસો વીતવા લાગ્યા.....!

કહે છે ને કે ઘડિયાળના પરિઘમાં કોઈ પણ આંકડા બે વખત આવે છે..દાખલા તરીકે ૧૨નો સમય બપોરના ઉજાસમાં પણ આવે છે અને મધ્યરાત્રિના અંધકારમાં પણ.. આપણી જિંદગીનું પણ મહદઅંશે કંઈક એવું જ છે ને....તડકી, છાંયડી...આ તો સમયની બલિહારી છે.....મધુર અને મધુરિમા, તેમના વ્યાવસાયિક જવાબદારીઓથી ઘેરાઈ ચૂક્યા હતા, પરંતુ તેમાંથી પીછે હઠ પણ શક્ય નહોતી....અશક્ય કશું જ નથી હોતું, પરંતુ મધુર કે મધુરિમાને આ જવાબદારીઓથી પીછેહઠ નહોતી કરવી. પરિંદ હવે લગભગ બે વર્ષનો થઈ ગયો હતો. રવિવારની એક સાંજે મધુર અને મધુરિમા "કલરવ"ના પ્રાંગણમાં બેઠા હતાં. અને ત્યાંજ મધુર એ વાત છેડી..."મધુ...મને એક વિચાર આવ્યો છે..પરિંદ હજી એટલો મોટો નથી થયો કે તે આયા પાસે રહી શકે..એક મા તરીકે તારો પોતાનો ઉછેર ખૂબ જરૂરી છે"...મધુરિમા એક સંશયભરી દૃષ્ટિથી મધુરની સામે જોઈ રહી.."તું શું કહેવા માગે છે, મધુર ? સ્પષ્ટપણે બોલ" મધુરિમાનો સ્વર થોડો ઉપર ગયો..અને મધુરથીતે છાનું રહ્યું પણ નહીં, એટલે તેણે પણ કોઈ શબ્દો ચોર્યા વગર કહી દીધું..."મને એવો વિચાર આવે છે કે તું હમણાં તારા કામમાંથી બ્રેક લઈ લે"...મધુરિમાએ પોતાના હાથમાં રહેલો કોફી નો મગ ટેબલ ઉપર મૂકીને મધુર સામે જોયા વગર જ ઉત્તર આપી દીધો..."મધુર, મને એટલી રજા મળે એમ નથી..તને તો ખબર છે કે પરિંદ આવવાનો હતો ત્યારે જ મારી કેટલી બધી રજાઓ પડી ગઈ હતી.. હાઉ ઈઝ ઈટ પોસીબલ ?" હજી તો મધુરિમાનું વાક્ય પૂરું થયું ના થયું ત્યાંજ મધુર બોલી ઉઠ્યો.."અરે મધુ, હું રજા લેવાનું કહેતો જ નથી...હું તો તને થોડો વખત...જ્યાં સુધી આપણો પરિંદ સ્કૂલ જતોના થઈ જાય ત્યાં સુધી તું નોકરી છોડી દે...તને પછી તો મળી જ જશે ને ?" અને હવે વારો હતો મધુરિમા નો.."શું વાત કરે છે તું, મધુર ? શક્ય જ નથી...અને આ વિશે આપણે પહેલાં પણ ચર્ચા થઈ ચૂકી હતી..હું એમ નથી કહેતી કે પરિંદ મારે માટે પ્રાથમિકતા નથી..છે પણ સાથે સાથે મારે મારી કારકિર્દીનો પણ વિચાર કરવાનો છે....વખત આવશે એટલે હું જ સ્વેચ્છાએ નિર્ણય લઈશ પરંતુ હજી એ સમય નથી આવ્યો...ના..નોટ પોસીબલ" મધુરિમા એ પોતાનો મુદ્દો મૂકી દીધો. મધુર અકળામણ ભર્યા સ્વરે "તું જો એમ કહેતી હોય કે હું નોકરી મૂકી દઉં તો તો તે શક્ય જ નથી...આ નિર્ણય તો તારે જ લેવો પડશે... આપણી નાણાકીય જવાબદારીઓ પણ છે જેનું મારે ધ્યાન રાખવું પડશે..અને તે હું સંભાળી શકીશ....તું થોડો વખત નોકરી નહીં કરે તો ચાલશે"...મધુરિમા ત્યાંથી તરત જ ઊભી થઈ ગઈ અને "સો વાત ની એક વાત, મધુર..નો મોર ડિસ્ક્ષન ઓન ધિસ મેટર.. મારે કામ છે, હું જાઉ છું"..પરંતુ મધુર પણ હાર માને તેમ નહોતો.."મધુ...વેટ અ મોમેન્ટ.. તું આવી રીતે ચર્ચા છોડી ને જઈના શકે... આપણે એક તારણ ઉપર આવવાનું છે...અને મને લાગે છે કે તારે નિર્ણય લેવો પડશે....અને હું તને કહું છું"..મધુરના સ્વરમાં આજે હુંકાર આવી ગયો...મધુરિમાનો ચહેરો તમતમી ગયો...વેધક નજરે મધુર સમક્ષ જોઈ ને " લુક મધુર, તું જો જિદ્દી છે તો હું પણ એટલી જ જિદ્દી છું, અને તને તો ખબર જ છે...મારી કલાક પહેલાં પણ ના હતી અને આ ઘડી એ પણ ના જ છે... નાઉ આઈ ડોન્ટ વોંટ ટુ ડિસ્કસ એનીમોર".. અને આજે જાણે "કલરવ" નો રવ જાણે બદલાઈ ગયો હતો...આજે કલબલાટ જાણે કે કર્કશ થઈ ગયો હતો...થોડે દૂર આયા સાથે રમતો પરિંદ આ બધી સાંસારિક વાતોથી અજાણ, તેના માતા પિતા ને અજ્ઞાનતા ભરી દૃષ્ટિ એ જોઈ રહ્યો હતો....તેને ક્યાં ખબર હતી કે તેના માતા પિતા વચ્ચેની ચર્ચા નું બિંદુ તે પોતે જ હતો....અને આ હતી શરૂઆત એક કડવાશની મધુર અને મધુરિમાના જીવનમાં. 

વખત પસાર થતો ગયો અને મધુર અને મધુરિમાના જીવનમાં માધુર્યનું જાણે કે સમાપન થઈ ચૂક્યું હતું..એક જિદને કારણે આજે મધુર અને મધુરિમા ભલે એક જ છત નીચે રહેતા હતા પરંતુ જોજનો દૂર રહેતા હોય તેવું ઘરનું વાતાવરણ થઈ ગયું હતું. બંને એક રીતે ઉત્તર દક્ષિણ જેવા થઈ ગયા હતા.. લગ્ન પહેલાંના જે કૉલ અપાયા હતા તે ભસ્મીભૂત થઈ ગયા હતા. અને એમ કરતાં કરતાં વાત ક્યાંની ક્યાં પહોંચી ગઈ....આજે મધુર અને મધુરિમા આટલા વર્ષે અલગ થવાના નિર્ણય ઉપર આવી ગયા. બંનેમાંથી કોઈ જ સમજવા તૈયાર નહોતા..બંનેનો અહમ આજે એક એવી ઊંચાઈ ઉપર પહોંચી ગયો હતો કે તેમને પોતાના જ દીકરા પરિંદની ખુશીનો ખયાલના રહ્યો. ખેર..જે થવાનું હતું તે થઈ ને રહ્યું..લગ્નની વેદી આગળ એક વખત મધુર અને મધુરિમા એક બીજાનો હાથ પકડી ને સાત જન્મના સથવારાના કૉલ આપી ને બેઠા હતા અને આજે નામદાર કોર્ટની સમક્ષ એક બીજાની સામે અલગ થવાના નિર્ણય સાથે ઉભા હતા...કોર્ટ નો નિર્ણય આવી ગયો...બંનેના છૂટાછેડાના કાગળો ઉપરના મદાર કોર્ટનો સિક્કો લાગી ચૂક્યો હતો. મધુરિમા પણ એક નોકરિયાત સ્ત્રી હતી અને તદુપરાંત પરિંદની માં પણ હતી એટલે પરિંદ ને તેની સાથે જ રહેવાનો ચુકાદો આપી દીધો. મધુર અઠવાડિયામાં એક દિવસ તેના દીકરા સાથે વિતાવી શકે તેવી પણ તે ચુકાદામાં જોગવાઈ હતી. મધુરિમા એક સારું કમાતી સ્ત્રી હતી એટલે મુંબઈના એક પરાંમાં બે રૂમ રસોડા નો ફ્લેટ ભાડે લઈ ને પરિંદ સાથે રહેવા જતી રહી. અને મધુર "કલરવ"ના એકલવાસમાં પોતાની જિદની જીત સાથે એકલો રહી ગયો. દર અઠવાડિયે નિયમ મુજબ મધુર પરિંદ ને લઈને પોતાને ઘરે આવતો અને તેની સાથે સારો સમય વીતાવતો. 

સમયનું ચક્ર ફરતું રહ્યું..ફરતું રહ્યું..મનુષ્ય થાકી જાય પરંતુ ઘડિયાળના કાંટા કદી થાકતા નથી..તે તો બસ..તેની ગતિથી ફરતા જ રહે છે અને સાથે સાથે મનુષ્ય ને પણ તેના ઈશારે ફેરવતા રહે છે. પરિંદ હવે એક નવયુવાન થઈ ગયો હતો, એટલે સ્વાભાવિક છે કે મધુર અને મધુરિમા પણ આધેડ થઈ ચૂક્યા હતા..વાળની લટોમાં સફેદી છવાઈ ગઈ હતી. ક્યારેક ભૂલથી પણ એક બીજા સાથે વાતના થઈ જાય તેનું ધ્યાન અચૂક રાખતા, મધુર અને મધુરિમા..કદાચ આટલું જ ધ્યાન જ્યારે મહત્વનો નિર્ણય લેવાનો હતો ત્યારે રાખ્યો હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ થયું ના હોત. પરિંદ પણ ભણી ગણી ને મેકેનીકલ એન્જિનિયર થઈ ગયો હતો અને એક સારી કંપનીમાં સારા પગાર સાથે જોડાઈ ગયો હતો. તેની જ કંપનીના એચ. આર વિભાગમાં કામ કરતી કનિકા સાથે તેને સારી મિત્રતા હતી અને તે મિત્રતા ક્યારે પરિણયમાં પરિણમી તેનો તે બંને ને ખયાલ ના રહ્યો. યોગ્ય સમય જોઈ ને પરિંદ એ પોતાની મા ને અને મધુરને આ સંબંધ વિશે જાણ કરી અને બીજી તરફ કનિકા એ પણ પોતાના માતા પિતા ને આ સંબંધથી વાકેફ કર્યા. તદુપરાંત કનિકા એ તે પણ જાણ કરી કે પરિંદના માતા પિતા એ છૂટાછેડા લીધેલ છે, પરંતુ કનિકાના કુટુંબીજનો ને તેનાથી કોઈ ફરક પડતો નહોતો. વાત આગળ વધી અને યોગ્ય સમયે ઘડિયાં લગ્ન પણ લેવાઈ ગયાં. કનિકા પરિંદ સાથે તેના ફ્લેટ ઉપર આવી ગઈ....મધુરિમા તેની કંપનીમાંથી ખૂબ ઊંચી જગ્યાએથી નિવૃત્તિ લીધી હતી એટલે પૈસે ટકે ખૂબ નિશ્ચિંત હતી..તે લોકો હવે મોટા ફ્લેટમાં રહેવા આવી ગયા હતા. મધુર હજી પણ "કલરવ"માં જ રહેતો હતો...અને તે પણ નિવૃત્ત થઈ ગયો હતો. પરિંદ અને કનિકાનું લગ્નજીવન ગાડીના પાટે દોડવા લાગ્યું હતું. મધુરિમા પણ પોતાનું નિવૃત્ત જીવન શાંતિથી વિતાવી રહી હતી. 

વખત બદલાઈ ચુક્યો હતો. આ મધુર અને મધુરિમાનો જૂનો વખત નહોતો કે જેમાં સ્વભાવ ઠરેલ હોય..તેમ છતાં પણ મધુર અને મધુરિમા તે જાળવી નહોતા શક્યા તો પછી કનિકા અને પરિંદ તો અત્યારના જમાનાના હતા..તે લોકોમાં તો સહનશક્તિનો અભાવ અવશ્ય હોવાનો જ. ઘરમાં કોઈક ને કોઈક કારણોસર કોઈક વાર ખટરાગ થઈ જતો. મધુરિમા આ બધું નિહાળી રહી હતી. એક છુપો ડર પણ તેના મનમાં ઘર કરી ગયો હતો. હવે તો બંને વચ્ચેના ખટરાગનું આવર્તન વધી ગયું હતું. અને એક સવારે પરિંદ અને કનિકાના રૂમમાંથી જોરજોરથી અવાજ આવી રહ્યો હતો..મધુરિમા આ બધું સાંભળી રહી હતી..કનિકાનો સ્વર તેને સંભળાયો "મને તારા રોજે રોજના આવા વિચિત્ર સ્વભાવથી કંટાળો આવી ગયો છે..ઓફિસમાં તો મારે બધા સાથે વાત કરવી પડે..તું કહે તેવી રીતે ના થાય...એવું હોય તો તું નોકરી બદલી ને બીજે જતો રહે...બટ ડોન્ટ હેરેસ મી"....ત્યાં જ પરિંદનો અવાજ સંભળાયો..."જો કનિકા..મને જે નથી ગમતું તે તારે ના જ કરવું જોઈએ..પહેલાં ની વાત અલગ હતી, પરંતુ નાઉ યુ આર ધ પાર્ટ ઓફ માય ફેમિલી .." મધુરિમા આ બધું આઘાતની મારી સાંભળી રહી હતી..તેને થયું કે આ ઈતિહાસનું પુનરાવર્તન ના થાય તો સારું...હજી તો તે આ વિચારોમાં હતી ત્યાંજ કનિકાનો અવાજ આવ્યો "મને તારા આવા સ્વભાવની ખબર હોત તો મેં ક્યારે પણ તારી સાથે લગ્નના કર્યા હોત..છેવટે તો તું પણ તારા માં બાપનો જ દીકરો ને..મને પણ શું દુર્બુદ્ધિ સૂઝી કે તારી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો"..અને આ સાંભળી ને મધુરિમા ને અસહ્ય આઘાત લાગ્યો..ક્યાંક પોતે કરેલી ભૂલનું પરિણામ હવે જીવનની ઢળતી સંધ્યાએ ભોગવવું તો નહીં પડે ને ?....અને આ ઝગડા તો હવે રોજના થઈ ગયા..ઘરનું વાતાવરણ અતિશય બગડી ગયું હતું..કોઈ એકબીજા સાથે વાત નહોતું કરતું. મધુરિમા કંઈક પૂછતી તો જવાબો પણ વિચિત્ર રીતે મળતા હતા. 

અને એક દિવસ સાંજે પરિંદ ઓફિસથી વહેલો ઘરે આવી ગયો...તેની થોડી જ વારમાં કનિકા પણ આવી પહોંચી..મધુરિમા ને કઈં સમજાયું નહીં, પરંતુ થોડી વાર થઈ હશે અને દીવાનખંડમાં પરિંદ અને કનિકા પણ આવી ગયા...યુદ્ધ પૂર્વેની શાંતિ પ્રવર્તી રહી હતી. મધુરિમાના મનમાં સંશયના વાદળો એ ઘેરો ઘાલ્યો હતો અને ત્યાંજ અચાનક પરિંદ એ બોલવાની શરૂઆત કરી.."મમ્મી..કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે આટલા વખતમાં કે મારા અને કનિકા વચ્ચે મોટા પાયે વિચારોના મતભેદ રહ્યા છે..આવી પરિસ્થિતિમાં અમે બંનેએ સ્વેચ્છાએ નિર્ણય લીધો છે કે પરસ્પર સંમતિથી અલગ થઈ જવું અને તે પણ હમણાં જ કારણ કે અમારે હજી બાળક નથી એટલે સરળતા પણ રહેશે..જો એવી કોઈ જવાબદારી હોત તો ખરેખર અઘરું પડી જાત...જે વાત તમારા અને પપ્પા વચ્ચે ઊભી થઈ હતી ત્યારે તો હું હતો, અને મને જ ખબર છે કે મારે કેટલું સહન કરવું પડ્યું હતું.. અમે બંને કાલે સવારે અમારા વકીલ પાસે જઈને જરૂરી કાગળિયા અને જે વિધિઓ કરવાની છે તે કરીશું...બસ, અમારે આજ કહેવું હતું... અમને માફ કરશો, મમ્મી" પરિંદએ થોડો શ્વાસ લીધો અને બોલવાનું પૂરું કર્યું અને પછી અછડતી નજરે કનિકા સમક્ષ જોઈને ત્યાંથી ઊભો થઈને પોતાના ઓરડા તરફ પ્રયાણ કરી ગયો....મધુરિમા એક લાચાર નજરે કનિકા સમક્ષ જોઈ રહી..પરિંદ જે કહી ને ગયો હતો તેના પછી તેને માટે કઈં જ બોલવાનું બાકી નહોતું રહેતું...તે પણ મહામહેનતે સોફા ઉપરથી ઊભા થઈને પોતાના ઓરડા તરફ જતા રહ્યા, અને આ બાજુ કનિકા પોતાનું માથું પકડી ને ત્યાં ને ત્યાં બેસી રહી...એક નીરવ શાંતિ નહીં પરંતુ સન્નાટો છવાઈ ગયો હતો..રાતની કાલિમા તો ઊગતી સાંજે જ મધુરિમાના ફ્લેટમાં ઉતરી આવી હતી. તે રાત્રે કોઈ કશું જમ્યા વગર જ સૂઈ ગયા....!

સવારના લગભગ ૮:૩૦ વાગ્યા હશે. પરિંદ અને કનિકા હજી ઉઠ્યા જ હતા. ઉઠી ને હાથ મોઢું ધોઈ ને પોતાના ઓરડાની બહાર આવ્યા.....અને તેમની આંખો તો બહારના ઓરડાનું દ્રશ્ય જોઈને ફાટી જ રહી ગઈ..એવી જ હાલત કનિકાની હતી...પરિંદને તેની આંખો ઉપર વિશ્વાસ નહોતો બેસતો કે પોતે શું જોઈ રહ્યો છે...દીવાનખંડના સોફા ઉપર તેના મમ્મી, એટલે કે મધુરિમા અને તેના પપ્પા, એટલે કે મધુર ચા ની ચુસ્કીઓ સાથે છાપાં વાંચી રહ્યા હતા...મધુર કંઈક છાપાંમાં મધુરિમાને બતાવીને ખડખડાટ હસી રહ્યો હતો, અને પ્રત્યુત્તરમાં મધુરિમા પણ એટલું જ જોરથી અટ્ટહાસ્ય કરી રહી હતી...અને ત્યાંજ મધુરિમા નું ધ્યાન પરિંદ અને કનિકા ઉપર પડ્યું...."અરે, તમે બંને ઊઠી ગયા ? ચાલો જલ્દીથી આવી જાઓ..તમને બંને ને ચા આપું છું અને સાથે નાસ્તામાં પૌંઆ પણ...તારા પપ્પા ને બહુ ભાવતા અને તને તો ભાવે જ છે.." મધુરિમા સોફા ઉપરથી ઊભી થઈ તો મધુર પણ છાપું ટેબલ ઉપર મૂકીને ઊભો થઈ ગયો અને..."અરે બેટા...જલ્દી કર, ચા ઠંડી થઈ જશે તો તારી મા ફરી પાછી ગરમ નહીં કરે..ચાલો ચાલો..જલ્દી, અરે કનિકા, તું પણ જલ્દી આવી જા". પરિંદ અને કનિકા તો વિસ્ફારિત નેત્રે આ બધો તાલ જોઈ રહ્યા હતા અને ત્યાંજ અચાનક પરિંદ અને કનિકા એકબીજા સામું જોઈને જોરથી હસી પડ્યા, અને એકબીજાને તાળીઓ આપી અને ફરી પાછા હસવા માંડ્યા...હવે આશ્ચર્યચકિત થવાનો વારો મધુર અને મધુરિમાનો હતો...તેઓ એકબીજા સમક્ષ જોઈ રહ્યા..અને મધુરથી રહેવાયું નહિ.."બેટા, શું છે આ બધું ? મને તારી મમ્મી એ ગઈકાલે મોડી સાંજે ફોન કરીને સઘળી વાતો કહી અને અમે તરત જ નક્કી કર્યું કે જે થાય તે, પરંતુ અમે અમારા વર્ષો જૂના ઘાવ ભૂલીને ફરી પાછા એક થઈ જઈએ અને તમને પણ સમજાવીએ, પણ..પણ...તમે તો..." અને પરિંદ એ વાતનો દોર પોતાના હાથમાં લઈ લીધો..." પપ્પા..મમ્મી...સૌથી પહેલાં તો એક વાત નો ફોડ પાડી દઉં કે હું અને કનિકા અત્યાર સુધી ફક્ત અને ફક્ત નાટક જ કરતા હતા...તમને બંનેને ફરી પાછા ભેગા કરવા માટેનો અમારો આ પ્રયાસ સફળ થયો...મારી અને કનિકા વચ્ચે કોઈ જ મન કે મતભેદ નથી, અને અમને એ વાતનો અતિશય આનંદ છે કે તમે બંને ફરી પાછા તમારી જીવનની સંધ્યાએ ભેગા થયા છો... થેંક યુ મમ્મી અને પપ્પા" અને આટલું કહી ને પરિંદ અને કનિકા મધુર અને મધુરિમા તરફ જઈને તેમને ભેટી પડ્યા...!

મધુરિમાનો ફ્લેટ આજે ખાલી થઈ ગયો હતો...આખું કુટુંબ આજે પંખીઓ જેમ સાંજ પડે અને પોતાના માળા તરફ કલરવ કરતા કરતા જાય તેમ "કલરવ" નું આંગણું આજે ખરા અર્થમાં પંખીઓના કલરવથી ગુંજી ઉઠ્યું હતું.

વાચકો જોગ: 


ઉપરોક્ત વાર્તા એક કાલ્પનિક રચના છે. જો આવી કોઈ સત્ય ઘટના ઘટી હોય તો તે મારી જાણમાં નથી. છૂટાછેડાથી ફક્ત છેડા છૂટા નથી થતા પરંતુ તે છેડાથી સંકળાયેલા સંબંધો, પ્રેમ, આશા, ઈચ્છાઓ...આ બધું છૂટું થતું હોય છે. હું એમ નથી કહેતો કે મતભેદ હોવા જના જોઈએ, પરંતુ જ્યારે તે મતભેદ મનભેદ થવાની તૈયારીમાં હોય ત્યારે દરેક પતિ પત્ની એ તેના ઉપર ગહનતાથી વિચાર કરવો જોઈએ..અને જો તેમ છતાં પણ કોઈ નિરાકરણ ના આવતું હોય તો એક નજર તમારા નિર્દોષ બાળક તરફ નાખી જોજો..તમારા અહમની અટારીએથી તેની નિર્દોષ દુનિયાને જોવાની કોશિશ જરૂરથી કરજો..બની શકે છે કે તમે તમારા લીધેલ નિર્ણય ઉપર ફરીથી વિચાર કરશો. તમારા અહમ ને લીધે કોઈ પણ બાળકનું બાળપણ નષ્ટ નહીં કરતા કારણ કે તમારા ઝગડા અને અહમ સાથે તેને કોઈ લેવાદેવા નથી કે નથી તેનું એમાં કોઈ યોગદાન.....ઉપરોક્ત રચનામાં વર્ણવેલ ઘરનું નામ "કલરવ" ખરા અર્થમાં દરેકના ઘરમાં રહે અને સદાય પંખીઓનો માળો બની રહે એવી માં અંબા પાસે પ્રાર્થના.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational