ચા નું ચક્કર
ચા નું ચક્કર
દર અઠવાડિયે મને એક માનસિક દબાણ જરૂરથી આવી જાય કે આ વખતે શું લખું, પરંતુ આ ગોરધનના નસીબ એવા પાંધરા છે કે કંઈક ને કંઈક તો મળી જ જાય છે..પછી એ લેખમાં બીજા કોઈ પાત્ર હોય કે સ્વયં હું પોતે. બહુ પ્રચલિત છે કે હાસ્ય તમને કોઈ પણ ઠેકાણે મળી જ જાય જો તમારી નજર તે પ્રકારની હોય..જીવનમાં હાસ્ય એટલું જ જરૂરી છે જેટલું શ્વાસ લેવું. જાનવર પણ હસતાં જ હશે ને.. એ તો સાલું આપણને ખબર નથી પડતી બાકી જો કુદરત એ મનુષ્ય ને એ ઓળખવાની શક્તિ આપી હોત તો તમે જોજો કે દરેક ગધેડું, કૂતરું, વાંદરું. મનુષ્ય ને જોઈ ને હસતું જ હશે.. મનમાં તો એ લોકો પણ વિચારતા હશે કે ફરક તો ફક્ત અને ફક્ત પગની સંખ્યામાં જ છે, બાકી બધું ય હરખું. વાણી, વિલાસથી લઈને વર્તન સુધી..થોડો આડે પાટે ચડી ગયો, પરંતુ આ હાસ્ય લેખ લખતાં પહેલાં લેખના વિષયની પૂર્વભૂમિકા બાંધવી જરૂરી હતી.
વાત જાણે કે એમ થઈ કે મારા શ્રીમતીજી (એમને ગોરધાણીના કહેવાય) ને આમ તો વાદે પાદની થોડી ઘણી ટેવ ખરી, એટલે "લાવ ને હું પણ થોડી માંંદી પડું" એ ઉક્તિ ને સાચી ઠેરવવા માટે એ પણ અમુક દિવસો ખાટલે પડ્યા. અને વર્તમાન બીમારી ને ધ્યાનમાં લઈ ને તેમને પણ અમુક દિવસો માટે કૈકૈઈ જેમ કોપ ભુવનમાં બેસી ગયા હતાં તેમ મારા શ્રીમતીજી પણ એકાંતવાસમાં ગરી ગ્યાં. હવે આ બધું બખડજંતર સોમવાર સાંજથી શરૂ થયું. એટલે સમજો ને કે સોમવાર તો પૂરો થઈ ગયો જાણે..પરંતુ તકલીફની ખરી શરૂઆત તો મંગળવાર સવારથી શરૂ થઈ. મારે ઓફિસ તો જવાનું હતું નહીં, પરંતુ ઓફિસની અગત્યતાનું જ્ઞાન મને મંગળવાર સવારથી જ લાધ્યું. સવારના ૮ વાગ્યામાં તો ઉપરના "કોપ ભુવન"માંથી શ્રીમતીજીનો વિડિયો કૉલ મારા મોબાઈલ ઉપર. કોઈક વાર એમ થાય કે વિજ્ઞાન કેમ આટલું અદ્યતન હશે ? જો વિજ્ઞાને આ ક્ષેત્રે એવી કોઈ હરણફાળના ભરી હોત તો આજે હું એક સામાન્ય કૉલનો જ સામનો કરી રહ્યો હોત. ભોગ લાગ્યા વિજ્ઞાનના કે સવારના પહોરમાં શ્રીમતીજીના વિડિયો કૉલનો સામનો કરવો પડ્યો..આદેશોનો મારો શરૂ થયો. અને હું એક ઘવાયેલા સૈનિકની માફક ઉંહકારા કરતો કરતો બધા તોપ ગોળા ઝીલી રહ્યો હતો. મારે ભારતીય સંરક્ષણ વિભાગ ને ખરેખર લખવું છે કે મારા શ્રીમતીજી ને જો એક અઠવાડિયું પાડોશી દેશની સીમા ઉપર ઊભા રાખી ને ફક્ત આદેશોનો મારો ચલાવવાનું કહેવામાં આવે તો સાહેબ, આપણો પાછલા ૭૪ વર્ષથી જે સમસ્યા ચાલે છે તેનું નિરાકરણ તરત જ આવી જાય. ચાલો, પાછો હું પાટા ઉપર આવી જાઉં. જે બધા તોપ ગોળા છૂટ્યા તેમાંથી પહેલો તોપ ગોળો હતો ચા બનાવવાનો, અને તે પણ કેવી ચા ? હવે ચા એટલે ચા..એમાં વળી કેવી ચા એટલે શું ? પણ આ તો માંંદગીના બિછાને પડેલા મારા શ્રીમતીજીના આદેશોની ચા હતી, બાપલા. ! દૂધ આટલું જ લેવાનું. ખાંડ ઓછી. બરાબર ઉકાળજે. ગરણી તપેલીમાં જ મૂકી રાખવી. વિગેરે વિગેરે. હું તો ડઘાઈ ગયો આટલી બધી સૂચના સાંભળી ને..મારું મગજ આટલી બધી સૂચનાઓનો સામનો કરવામાં નિરર્થક નીવડ્યું અને જેમ કોમ્પ્યુટરમાં જો બેક અપના લીધું હોય અને જેમ બધી માહિતીઓ આપમેળે ઊડી જતી હોય તેમ ૫ મિનિટ પહેલાંની આપેલી સૂચનાઓ ઊડી ગઈ અને છેલ્લી જે આપી તે મગજમાં રહી. હવે ? માર્યા ઠાર..જો ફરી પાછું પૂછું તો તો મોબાઈલના સ્ક્રીનમાંથી હાથ બહાર કાઢી ને મારા વાળ ખેંચે..જેમ તેમ કરી ને બધી વેર વિખેર સૂચનાઓને એકઠી કરી અને વિડિયો કૉલ માંંડમાંંડ પતાવ્યો. ભર શિયાળે પરસેવે રેબઝેબ થઈ ગયો..હવે આ બધો તાલ મારા પ.પુ.માતૃશ્રી ખૂણામાં ઊભા ઊભા આ વિડિયો યુદ્ધની મજા લઈ રહ્યા હતાં. મેં એક ક્ષણ તેમની સામે જોયું અને તેમણે પણ એક મર્માળુ હાસ્ય ઠપકાર્યું..હું તો બાપડો શરમાઈ ગયો અને એ પણ હસતાં હસતાં પોતાના ઓરડામાં જતા રહ્યા. અને હું કામે લાગ્યો. !
મેં ચા પહેલાં પણ બનાવેલી છે. હું જ્યારે વિદેશ એકલો રહેતો ત્યારે ચા, રસોઈ બધું શીખ્યો હતો (શરત એટલી જ હતી કે તે બનાવેલું હું જ ખાઉં), પરંતુ આ એક એવું માનસિક દબાણ હતું કે ના પૂછો વાત..! પહેલાં જે હું બનાવતો તે ફક્ત મારે માટે જ બનાવતો..પરંતુ આજે તો શ્રીમતીજી માટે બનાવવાનું હતું. "માસ્ટર શેફ"ની પ્રતિયોગિતામાં પ્રતિયોગી ઉપર જેટલું દબાણ નહીં હોય તેનાથી અનેક ગણું મારા ઉપર દબાણ હતું. ફ્રીઝ ખોલી ને જોયું તો અંદર ૩ તપેલીમાં દૂધ હતું. જોઈને મારી આંખે તમ્મર આવી ગયા..હવે આ બડભાગી ગોરધન એ પૂછવાનું તો ભૂલી જ ગયો કે કઈ તપેલી નું દૂધ ચા માટે વાપરવાનું છે ? હું તો માથે હાથ પકડી ને ઊભો રહી ગયો (બેસવાનો તો વખત જ નથી). હવે જો શ્રીમતીજી ને ફોન કરું તો તો દુશ્મન ને સામે ઊભા રહી ને કહેવું કે. લે..માર ગોળી..એવો ઘાટ થાય. પણ મેં પણ થોડી સમય સૂચકતા વાપરી અને સીધો ધસી ગયો મારા માતૃશ્રીના ઓરડામાં, અને લાગલું જ બેશરમીથી પૂછી લીધું કે દૂધ કઈ તપેલીમાંથી લેવાનું છે. મારા માતૃશ્રી એ તેમના ચશ્માની બહાર પોતાના ડોળા ડબકાવ્યા, અને ફરી પાછું ચોકઠાં વગરના મોઢાંનું મર્માળુ હાસ્ય..પરંતુ મને એ ખબર પડી ગઈ કે કઈ તપેલીમાંથી દૂધ લેવાનું છે. ફરી પાછું ફ્રીઝ ખોલ્યું અને ત્રણેય તપેલી તરફ ગુસ્સા ભરી નજરે જોઈ ને જે તપેલી લેવાની હતી તે લીધી અને ફ્રિઝનો દરવાજો બંધ કર્યો. ત્રણ તપેલીમાં દૂધ મૂકવાનો શું મહિમા હશે તે તો આ જગતમાં ફક્ત એક જ વ્યક્તિ જાણતું હતું અને તે હતાં અમારા માનનીય શ્રીમતીજી. કબાટમાંથી ખાંડ, ચાની ભૂકી, તપેલી અને પ્યાલા..આ બધો સરંજામ બહાર કાઢી ને પ્લેટફોર્મ ઉપર ગોઠવ્યો..હું જ્યારે CAની પરીક્ષા આપતો ત્યારે એક ઠોઠ વિદ્યાર્થી જ્યારે પહેલો પ્રશ્ન અને તે પણ સહેલો જ્યારે લખી લે એટલે જાણે કે મોટો મિર માર્યો હોય તેમ આજુબાજુના પરીક્ષાર્થીઓ તરફ ગુમાન ભરી દૃષ્ટિથી જુએ, એવી જ રીતે મેં પણ રસોડાની ચોતરફ નજર કરી. જાણે હું આજે રસોડાનો રાજા થઈ ગયો હોઉં. આદેશો ને આધીન..તપેલીમાં બે પ્યાલા દૂધ અને બે પ્યાલા પાણીનું મિશ્રણ કરીને તેને ચૂલા નામક સિંહાસન ઉપર બિરાજમાન કરી. બીજો પ્રશ્ન પણ આવડ્યો. પછી તેમામાંપ અનુસાર ચાની ભૂકી નાખી અને લાઈટરથી ચૂલો પ્રગટાવ્યો. મને વિડિયો કૉલ મારફત સૂચના મળી હતી કે ચા થોડો ઉકળે પછી જ ખાંડ ને ચાની વેદીમાં હોમવી. મને આ બધું યાદ રહ્યું તે બદલ મનોમન ગર્વની લાગણી અનુભવી રહ્યો હતો. અને ત્યાંજ એક નબળી ક્ષણે મને એક અતિ ખતરનાક વિચાર આવ્યો..લાવ ને આજે શ્રીમતીજી ને આદું વાળી ચા પીવડાવુ તો કેવું લાગે ? નક્કી મારે માટે અતિશય માનની દૃષ્ટિથી જોશે, તેમાં બેમત નથી, એવો ફાલતુ અને બેબુનિયાદ વિચાર આવ્યો મને. હું તો ગયો ફ્રિઝ તરફ અને ખોલ્યો દરવાજો. ખાંખાખોળા કરી ને આદું મહામહેનતે શોધ્યું..એક લંગડું અને બૂઠું આદું મળ્યું..પણ મને તો એનાથી કોઈ ફરક નહોતો પડતો. સૈનિકે તો કબાટમાંથી છીણી કાઢી અને લાગ્યો ઘસવા પેલા બુઠ્ઠા અને લંગડા આદુ ને. ત્રણ કલાકનું પેપર હોય અને પહેલા જ બે કલાકમાં મોટાભાગના પ્રશ્નો લખાઈ ગયા હોય તેવી અનુભૂતિ (પછીથી ભીતિ) થવા લાગી. ચા થોડો ઉકળ્યો એટલે મેં ખાંડનો ડબ્બો ખોલી ને ચાના ચમચા હોમ્યા..અને હજી તો હું થોડો ઠરીઠામ થયો જ હતો ત્યાંજ ફરી પાછો મારા મોબાઈલ ઉપર "ઉપદ્રવ" નામ ઝબક્યું (વાચકો જોગ: આ નંબર મારા શ્રીમતીજીનો છે). વિડિયો કૉલ હતો, પરંતુ આ વખતે જરા પણ માનસિક સંતુલન ખોયા વગર કે ગભરાયા વગર મેં હિંમતથી કૉલ સ્વીકાર્યો..શ્રીમતીજીનો "માસૂમ" ચહેરો દેખાયો.."અરે ચા બનાવતાં આટલી વાર. ખબર નહીં શું કરે છે ? તને તો એક કામ સોંપ્યું એટલે થઈ રહ્યું". મારી જ તાકેલી બંદૂક નું નાળચું અચાનક મારી સમક્ષ ગોઠવાઈ ને ગોળીઓ છોડવા લાગ્યું..હું બખ્તર વગરના સૈનિકની માફક ઘા બચાવતો બચાવતો ઊભો રહ્યો. "તું તારો કેમેરો ચા ઉપર લગાવ. મારે જોવું છે કે તેં શું કર્યું છે"..શ્રીમતીજીનો બોમ્બ. મેં મોબાઈલ બીજી તરફ કર્યો અને આ શું ? તપેલીની ચામાં અસંખ્ય ફાટેલા દૂધના આકારના ફોડલા ઉપસી આવ્યા હતા..અચાનક મોબાઈલ ધણધણી ઊઠયો.."અરે..આ શું કર્યું તેં ? દૂધ બગડી ગયું. શું નાખ્યું હતું તે આમાં ?" (વાચકો ઉપરોક્ત વાક્ય ને ગોળીઓની રમઝટના અવાજ સાથે વાંચે એવી નરમઘેશ વિનંતી)..હું તો મધદરિયે વહાણમાં કાણું પડી જાય અને વહાણ જેમ હાલક ડોલક થાય, એવી વિષમ પરિસ્થિતિમાં મુકાઈ ગયો. જીભના લોચેલોચા વળી ગયા. કક્કો બારાખડી યાદ કરી. શબ્દો ગોઠવી ને ગોરધન ઉવાચ "આદું નાખ્યું છે ચામાં"..ફરી પાછી મોબાઈલમાંથી ગોળીઓ છૂટી "તું બતાવ ફ્રિઝમાં, કે ક્યાંથી આદું કાઢ્યું છે.." હું મનોમન લંગડાતો ફ્રિઝ તરફ વળ્યો અને દરવાજો ખોલી ને આદું કાઢ્યું હતું તે જગ્યા બતાવી..અને હવે ટેન્કરમાંથી ગોળા વછૂટયા. "હે ભગવાન. આ હળદર છે. આંબા હળદરની..તને આદું અને આંબા હળદરનો તફાવત પણ નથી ખબર પડતી ? ખબર નહીં ઓફિસમાં શું કામ કરતો હશે ?" (છેલ્લું વાક્ય મારી ઓફિસના લોકો એ વાંચવું નહીં). હું તો સડક થઈ ગયો..સાલું, આટલા વર્ષે મને આદું અને આંબા હળદરનો તફાવત ખબર નહોતી..પગ પાણી પાણી થઈ ગયા..શ્રીમતીજીનો ચહેરો જોયો તો હું વધારે નાસીપાસ થઈ ગયો..હું કંઈક બોલવાની કોશિશ કરવા ગયો, પણ શબ્દો તાળવે ચોંટી ગયા..સમજો ને કે તે પણ મોઢાં રૂપી ગુફામાંથી નીકળવાનું નામ નહોતા લેતાં..માંડમાંંડ ધક્કા મારીમારી ને શબ્દો ને બહાર કાઢ્યા "હું..હું..બીજો ચા બનાવી દઊં.. વ. વ. વાર નહીં લાગે..ઊંહ.." અને શબ્દો પાછા બખોલમાં ઘૂસી ગયા.. એ લોકો એ પણ મારો સાથ છોડ્યો..પરિક્ષા પૂરી થાય અને પછી બધા પરીક્ષાર્થીઓ પરીક્ષા ખંડમાંથી બહાર આવી ને પ્રશ્નપત્ર વિશે ચર્ચા કરતા હોય ત્યારે ખબર પડે કે આપણે જે લખી ને આવ્યા હતા તે નર્યા ભાંગરા જ વાટ્યા હતા. એવો ઘાટ થઈ ગયો આજે..તપેલીની બગડેલી ચા બેસિનમાં નાખી ને હું તપેલી સમક્ષ જોઈ રહ્યો. મને તો તપેલી પણ મારી સમક્ષ જોઈને હસતી હોય એવું લાગ્યું. ફ્રિઝમાં રાખેલી તપેલીઓ ઉપર મેં જે ગુસ્સા ભરી નજરે જોયું હતું તેનો બદલો લીધો હોય તપેલીઓએ એવું લાગ્યું. અને ત્યાંજ ફરી પાછું મારા પ.પૂ.માંતૃશ્રી નું આગમન થયું. અને ફરી પાછું એજ મર્માળુ હાસ્ય..!
ચાના ચક્કરમાં હોમાયો એક ગોરધન..!
