ચટાકો
ચટાકો
શોપિંગ મોલના ફૂડ કોર્ટ વિભાગમાં હું આવી બેઠો. હાથમાં લાવેલો પિઝાનો ડબ્બો મેં ટેબલ ઉપર ગોઠવ્યો. એ ડબ્બા ઉપર મારી નજર જાણે ચોંટીજ ગઈ. કોઈ પ્રેમી પ્રેમિકા એકબીજાની આંખોમાં આંખ પરોવી બેઠા હોય એમ હું અને પિઝાનો ડબ્બો એકબીજાને અવિરત તાકી રહ્યા હતા. પરંતુ થોડા દિવસો પહેલા એ ડબ્બો નિહાળી મારા મનમાં જે ભાવો જાગતા એ સંપૂર્ણ મરી પરવાર્યા હતા. આજે અમારી વચ્ચે બ્રેકપ થઇ ગયું હતું. એક્સ ગર્લફ્રેન્ડને નજર સામે નિહાળી ચહેરા ઉપર જેવા ઔપચારિક હાવભાવો ઉતરી આવે એવાજ હાવભાવો મારા ચહેરા ઉપર ઉતરી આવ્યા જયારે એ પિઝાનો ડબ્બો ખુલ્યો અને ગરમાગરમ આઠ ભાગ મારા જમણનો હિસ્સો બનવા તૈયારી દર્શાવી રહ્યા. આજે મને એ પિઝા ખાવાનું જરાયે મન ન થયું. પહેલા દિવસે તો હું પિઝાના ડબ્બા ઉપર રીતસર તૂટી જ પડ્યો હતો. પણ આજે....ના, એ મને મોહ પમાડવામાં, લલચાવવામાં, પોતાની તરફ આકર્ષવામાં સંપૂર્ણ નિષ્ફ્ળ નીવડ્યો હતો.
આજનો દિવસ ખાસ હતો.આજે મારા બાવીસ વર્ષ પુરા થયા હતા. મારો જન્મ દિવસ હતો. યસ, હેપ્પી હેપ્પી વાલા બર્થડે. પણ હું જરાયે હેપ્પી ન હતો. મન ઉદાસ હતું અને જીવ ભારે. હું બે મહિના પહેલા મારા શહેર અમદાવાદથી અહીં મુંબઈ આવ્યો હતો. મારા આર્ટ્સના કોર્સ માટે. જયારે અહીં આવ્યો ત્યારે અતિ ઉત્સાહિત હતો. પહેલીવાર હું મમ્મી પપ્પા વિના રહેવાનો હતો. મારુ હ્ય્યુ જોર જોર ચીખી રહ્યું હતું.
'ફ્રીડમ...ફ્રીડમ...' હા, આઝાદી, સ્વતંત્રતા, મુક્તિ.પપ્પાના નિયમોથી ને મમ્મીની રસોઈથી.
મમ્મી સ્વાસ્થ્યને લઇ ઘણા કડક અને નિયમબદ્ધ. બાળપણથી ઘરમાં તૈયાર થતું સ્વસ્થ અને સ્વચ્છ ભોજન હું લઉં એનોજ આગ્રહ એમણે સેવ્યો હતો. સ્કૂલ હોય કે કોલેજ મારો જમવાનો ડબ્બો ઘરેથી લઇ ઘર સુધી મને અનુસરતો. બહારનાં જન્ક ફૂડના મમ્મી દિલોજાનથી દુશમન. એમની એ દુશમની મને બહુ નડતી. મિત્રો સાથે જમવા જવાનું હોય કે ફેરવેલની પાર્ટી હોય.
"તપન સાચવજે. કઈ પણ કચરો પેટમાં ન નાખતો."
આ વાક્ય સાંભળ્યા વિના કોઈ પણ પ્રસંગ પૂરો થવાને અવકાશ જ ન હતો. ફક્ત રવિવારે એક ચિટ ડે ની અનુમતિ હતી. એમાં પણ પાછું બપોરનું જમણ તો ઘરેજ. ફક્ત સાંજનું ભોજન બહાર લઇ શકાય.
સ્પ્રિંગને જેટલી દબાવો એટલી એ ઉછળે. ને યુવાનીના જોશમાં તો વધુ પડતીજ ઉછળે. મમ્મી મને ફાસ્ટફૂડ અને બહારના જમણથી જેટલો દૂર રાખવા પ્રયાસ કરતી એના પ્રત્યેનું મનનું આકર્ષણ એટલુંજ બેવડાઈ જતું. એટલે જયારે પણ એ જમવાની તક મળે હું જતી કરુંજ નહીં ને !
આ વખતે તો જાણે લોટરી જ લાગી હતી. બે મહિના આર્ટ્સ કેમ્પસ ઉપર હું આઝાદ પંખી હતો. મારા ઉદાર પિતાએ આપેલી જરૂર કરતા થોડી વધારે પોકેટ મની માંથી હું જે ધારું, જેવું ધારું જમી શકવા સંપૂર્ણ સ્વતંત્ર હતો. ચિંતા ફક્ત એક જ હતી. આ બે મહિના દરમિયાન જે ચટાકેદાર લજ્જત હું માણવાનો હતો એના પછી ઘરે પરત થઇ ફરી એજ દાળ, ભાત, શાક અને રોટલીનું મોઢું કઈ રીતે જોઈ શકીશ ?
પહેલું અઠવાડિયું તો ધમાકેદાર ગયું. શું ખાઉં અને શું નહીં ? પિઝા, મકારોની, બર્ગર.......આ મુંબઈ હતું મુંબઈ. અહીં દેશી વિદેશી દરેક પ્રકારનું, જાતજાતનું ને ભાતભાતનું ભોજન દરેક શહેરી અને મહોલ્લાઓમાં સહેલાઈથી ઉપલબ્ધ હતું. બીજું અઠવાડિયું પણ જુદા જુદા સ્વાદો પારખવામાં ખુશી ખુશી પસાર થઇ ગયું. ત્રીજા અઠવાડિયામાં તો જાણે જીવ ધરાઈ ધરાઈ બેઠો અને ચોથું અઠવાડિયું આવતા આવતા પેટની જોડે જાણે મન પણ ભરાઈ ગયું.
અતિશયોક્તિ રસ અને રુચિનું બાષ્પીભવન કરે છે એવું સાંભળ્યું હતું ખરું પરંતુ એ વાત કેટલી સાર્થક છે એ હવે સમજાઈ હતી. એક મહિનાની અંદર જ ઘરના જમણની કદર થઇ આવી. રસોડામાં રસોઈ કરી રહેલી મમ્મી આંખો સામે દેખાવા લાગી. એની ગરમાગરમ રોટલીની સુગંધ, શાકનો સ્વાદિષ્ટ સ્વાદ અને એના મહેકદાર પુલાવોની લજ્જત માટે જીભ જ નહીં આત્મા પણ જાણે તરસી ઉઠી.
આજે સવારેજ એણે કોલ કર્યો હતો. સૌથી પહેલા. મારા જન્મદિવસની શુભેચ્છા પાઠવવા અને અઢળક આશીર્વાદ અને સ્નેહ વરસાવવા. પરિવર્તન આ સૃષ્ટિનો નિયમ છે. આમ છતાં માનો પ્રેમ કદી પરિવર્તન પામતો નથી. બાળકના જન્મ સમયે પ્રેમના પુરવઠાનું જેટલું પ્રમાણ હોય છે એટલુંજ આજીવન જળવાય છે. માંગ પ્રમાણે વધારો થવાની સંભાવના ખરી પણ માંગ ન હોય તો પણ ઘટાડો તો ક્યારેય ન આવે.
"ઘરે હોત તો તારી ગમતી ખીર અને કશ્મીરી પુલાવ બનાવ્યા હોત. "
ફોન ઉપર ઉચ્ચારાયેલા માતૃત્વ સભર શબ્દોએ અજાણ્યેજ મારા ઘા ઉપર મીઠું અને મરચું બન્ને ભભરાવી મૂક્યું હતું.
હવે આ ફુડકોર્ટમાં એવી કોઈ ખીર કે પુલાવ મળવાથી રહ્યા. જન્મદિવસે હંમેશા મમ્મીના હાથની સ્વાદિષ્ટ વાનગીઓ જમવાની ટેવ હતી. સામે રાહ જોઈ રહેલું પિઝા ગળે ઉતરશે કે નહીં એની શંકામાં અટવાયેલું મારું મન બળવો પોકારી રહ્યું હતું. એને તો આજે મમ્મીના હાથની જ રસોઈ જમાવી હતી. મનને શું છે ? એ તો આમજ જીદે ચઢી બેસે. દુનિયાભરના તર્ક અને વિજ્ઞાન એને સમજાવી ન શકે. મને પણ એને સમજાવતા ઘણો કષ્ઠ થઇ રહ્યો હતો.
આજે મમ્મીના હાથનું જમણ મળવાથી રહ્યું. હજી ત્રણ અઠવાડિયા બાકી હતા. ધીરજ અને ધૈર્ય સ્વીકારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ એની પાસે ન હતો.
મમ્મી હંમેશા કહેતી. ઈશ્વર પાસે સાચા હૃદયથી જે પણ માંગો એ આપે છે. જોકે મારુ વૈજ્ઞાનિક જીવ એવી બધી ધારણાઓમાં બહુ ઊંડું ઉતરતું નહીં. પણ આજે બળવા પર ઉતરેલા મનને એ પ્રયાસ પણ કરી જોવો હતો. ફૂડ કોર્ટની છત તરફ મારી નજર ઉપર ઉઠી. પણ ત્યાંતો પાંચ માળાની ભૌતિક ઝાકમઝાળ સિવાય કશું નજરે ચઢ્યું નહીં. પણ પછી વિચાર આવ્યો. ઈશ્વર ફક્ત આકાશમાં થોડી છે. જો એ સર્વત્ર હોય તો મારી અંદર પણ હશે જ.
લેટ અસ ટૉક વિધિન ! એક ક્ષણ માટે મેં આંખો મીંચી અને મનોમન બોલી પડ્યો.
'મમ્મીના હાથની રસોઈ ખાવી છે. '
ધીમે રહી આંખો ખોલી. કદાચ કોઈ ચમત્કાર થયો હોય અને ફુડકોર્ટના ટેબલ ઉપર મમ્મીની રસોઈ પીરસાઈ ગઈ હોય. બાળક જેવી નિર્દોષતા એ ક્ષણમાં હું અનુભવી રહ્યો. પણ મારી નજર તો ફરીથી પિઝાના એ આઠ ટુકડાઓ ઉપર આવી પડી. મેં માંગ્યું તો ખરું અને એ પણ સાચા હૃદયથી....મારું વૈજ્ઞાનિક તર્ક મારી મશ્કરી ઉડાવી રહ્યું. ભૂખ અસહ્ય બની હતી. હારેલા ખેલાડીના લટકેલા મોઢા જેવું મારું મોઢું નજર સામેના પિઝા ખાવા માનસિક રીતે તૈયાર થઇ ગયું. મારો હાથ પિઝાનો ટૂકડો ઉઠાવવા આગળ વઘ્યોજ કે...........
મારા નાકને ખૂણામાંથી આવી રહેલી સુગંધે મંત્રમુગ્ધ કરી મૂક્યું. શું મહેક હતી એ ! નાક દ્વારા એ સુગંધ જાણે સીધી જીભ સુધી પહોંચી ગઈ હોય એમ મોઢામાં પાણીના રેલા છૂટી ગયા.
મમ્મી તો નહીં આવી ગઈ ?
મારી નજર ફુડકોર્ટના દરેક ખૂણા હેરતથી ચકાસી રહી. ફાસ્ટફૂડ અને જન્કફૂડનાં મેળા વચ્ચેથી મારી કુતુહલભરી આંખો એનો રસ્તો બનાવી રહી. આખરે ડાબી તરફના મારી પાછળ તરફના અંધારિયા ખૂણામાં મારી નજર સ્થિર થઇ. એ મનમોહક સુવાસ એજ દિશામાંથી આવી રહી હતી. એ જ અંતિમ હરોળના છેવટના ટેબલ ઉપરથી. તાજો ખુલેલો ડબ્બો મને ચુંબક જેમ આકર્ષી રહ્યો હતો. મારી ઇન્દ્રિયો ઉપર મારો કાબુ રહ્યો નહીં. પિઝાનો ડબ્બો સાથે ઉઠાવી હું એ ટેબલ નજીક જઈ ઉભો થઇ ગયો.
ડબ્બા તરફ આગળ વધેલો હાથ અટકી પડ્યો. એની આંખો મને વિસ્મયથી નિહાળી રહી. મારો રુઆબદાર પોશાક, એડિડાસનું ટીશર્ટ, મોંઘુ ટ્રેકશૂટ, સ્પોર્ટ્સ વૉચ અને નાઇકના જોડા. એની નજર મારા વ્યક્તિત્વને ઉપરથી નીચે સુધી એક્ષરે મશીન જેમ તાકી રહી. મને ધ્યાનથી નિહાળતાંજ એની આંખોમાં એક ઊંડી લઘુતાગ્રંથિ ઉભરાઈ આવી.
પણ લઘુતાગ્રંથિ તો મને અનુભવાઈ રહી હતી. એનો યુનિફોર્મ નિહાળી. શોપિંગ મૉલના દરેક સફાઈ કર્મચારીએ એજ યુનિફોર્મ પહેર્યો હતો. પરંતુ આ યુનિફોર્મધારી કર્મચારીની આયુ મારી આયુની ઘણી નજીક હતી. જે ઉંમરમાં હું પપ્પાની કમાઈ ઉપર મારા નાના મોટા દરેક ખર્ચા ચલાવી રહ્યો હતો એ જ ઉંમરમાં એ પગ પર ઉભો રહી પોતાના કુટુંબને આર્થિક ટેકો પૂરો પાડી રહ્યો હતો. ભલે લોકો એને દલિત વર્ગ કહેતા હોય પણ એનો કલાસ મારા કરતા ઘણો ઊંચો હતો.
મારા લીધે એ જમતા જમતા અટકી પડ્યો હતો. એ યાદ આવતા જ મેં વાતનો સેતુ બાંધી જોયો.
"ક્યાં મેં યહાં બેઠ સકતા હું ? "
એણે ધીરે રહી એની નજર ફુડકોર્ટની દરેક દિશામાં ફેરવી. મારી જેમજ મોંઘા ઠાઠવાળા પોશાકમાં સજ્જ લોકોથી ઉભરાઈ રહેલા ઘણા ટેબલ ઉપર ખાલી કુરશીઓ દેખાઈ રહી હતી. હું એનો ઈશારો સમજી ગયો. વાંક એનો ન હતો. પોતાના સમવર્ગ અને સમકક્ષ લોકો જોડે બેસવા ઉઠવાનો જે વણલખ્યો નિયમ સમાજ બિનજરૂરી અનુસરી રહ્યો હતો એના ચાલતા મારું આ ટેબલ ઉપર બેસવાની ઈચ્છા વ્યક્ત કરવું વિચિત્રજ લાગે. પણ મને તો એક માનવી બીજા માનવી જોડે બેસે એમાં કાંઈ ચિત્રવિચિત્ર લાગતું નહીં. મારી નજર સામેના અન્ય ટેબલ ઉપર મેં જાણીજોઈને સ્થિર કરી. છ વ્યક્તિના ટેબલ ઉપર પાંચ માનવીઓ અને છઠ્ઠી કુરશી ઉપર એક ગળે પટાવાળું મોટું ડોગી ગોઠવાયું હતું. મારી નજર ફરી એની નજર ઉપર આવી. મારી આંખોનો ઈશારો એ સમજી શક્યો કે નહીં એ તો ખબર નહીં.પણ એણે ગરદન હલાવી મને ટેબલ ઉપર બેસી શકવાની અનુમતિ જરૂર આપી દીધી.
મારી નજર એના ડબ્બા ઉપર લાલચથી ચોંટી ગઈ. નજીકથી તો એ સ્વાદની મહેક જાણે અસહ્ય થઇ પડી. ધીમે રહી એના ડબ્બામાં ઝાંખવાનો પ્રયાસ કરતા મેં હળવેથી પૂછ્યું.
"કિસને બનાયા ? "
મને શંકાભરી દ્રષ્ટિએ નિહાળતા એણે અતિ ધીમા સ્વરમાં જવાબ વાળ્યો.
"અમ્મા ને. "
જવાબ સાંભળતાજ મારા હોઠ ઉપર એક વ્યંગ્ય ભર્યું હાસ્ય છલકાઈ પડ્યું. આંખો અનાયાસે ઉપરની દિશામાં ઉઠી. ફરીથી પાંચ માળાની ભૌતિક ઝાકમઝાળ સિવાય કશું નજરે ચઢ્યું નહીં. એક ક્ષણ માટે આંખો મીંચી હું મનમાં બોલી પડ્યો.
'થેન્ક યુ. '
જયારે આંખો ખોલી તો સામે તરફની નજરની શંકા બેવડાઈ ગઈ હતી. મારા માટે કોઈ ખોટી ધારણા બંધાઈ એ પહેલાંજ મેં મારો પ્રસ્તાવ મૂકી દીધો.
"ખાના અદલબદલ કરોગે ? "
મારો પ્રશ્ન સાંભળતાજ એણે નજર ઉપરની દિશામાં ઉઠાવી. થોડી ક્ષણો પહેલા મારી નજર ત્યાં જ ઉઠી હતી. એને લાગ્યું કે કદાચ કોઈ કેમેરા ત્યાં છુપાયો હશે. મૉલમાં આડે દિવસે યોજાતા પ્રેન્ક કાર્યક્રમો એણે નિહળ્યાજ હશે. એને બકરો બનવાની કોઈ ઈચ્છા ન હોય એમ મક્કમ ચ્હેરે એ મને જોઈ રહ્યો.
"બાત યે હે કી આજ મમ્મી કે હાથકા ખાના ચાહતા હું. વોહ બહોત દૂર હે....."
બોલતા બોલતા મારી આંખોમાં ઝળહળીયા આવી ગયા. મારી ભાવનાઓને સમજતા એણે તરતજ પોતાનો ડબ્બો મારી આગળ ધરી દીધો. આટલા મોટા હય્યા વાળા ધની વ્યક્તિ સામે બેસવાનો મને ગર્વ થઇ આવ્યો. અતિ ઉત્સાહમાં મારો પિઝાનો મોંઘો ડબ્બો એની આગળ ધર્યો. પહેલી બાઈટ લેતાજ એના મોઢા ઉપર સ્વર્ગ પહોંચવાની લાગણી ડોકાઈ આવી.
એની અમ્મા એ તૈયાર કરેલા શાક અને રોટલી મારા મોઢામાં ગયા ને હું ચોંકી ઉઠ્યો. મને તો એમ હતું કે મમ્મી જેવું જમણ આખી દુનિયામાં કશેજ ન બનતું હોય. પણ એ તો એ દરેક ઘરમાં બનતું હોય જ્યાં 'અમ્મા 'રહેતી હોય. પછી એ ઉચ્ચ વર્ગની વિશાળ હવેલી હોય, મધ્યમ વર્ગનું ફ્લેટ હોય કે કોઈ ગરીબની ઝૂંપડી.
માતૃત્વના પ્રેમથી તૈયાર થતી રસોઈ કોઈ પણ વર્ગ કે જાતિના વર્ગીકરણોમાં વહેંચાઈ શકેજ નહીં.
તેથીજ તો એ મોલના ફુડકોર્ટના એકજ ટેબલ ઉપર બે જુદી જાતિ અને વર્ગના બે નવયુવાન પ્રેમની વહેંચણી કરી રહ્યા હતા. અને હું મારા જન્મ દિવસે 'માં કે હાથકા ખાના 'માણી રહ્યો હતો.