કાટમાળ સમાન ઘટમાળ
કાટમાળ સમાન ઘટમાળ
ગાડીમાં ઘરે આવતાં આવતાં આજે હરખ હોવો જોઈતો હતો. પણ,મને તો સમજાતું નહતું શું લાગણી વ્યક્ત કરું. ગમતી છોકરી સાથે મારી સગાઈ નક્કી થઈ હતી એટલે હરખની જ વાત હતી પણ કોણ જાણે કેમ અંદર ખૂચતું લાગ્યું. અજીબો ગરીબ ઘટનાઓ જીવનમાં બનતી રહે છે. ક્યારેક એનો સ્વીકાર હોય તો ક્યારેક એનો અફસોસ ! મારા જીવનમાં આવું જ બન્યા કરે છે. સહર્ષ સ્વીકાર હોય ત્યાં સુધી બધું બરોબર અને પરિસ્થિતિનો અફસોસ કરવો એ તો મારા જીવનની ઘટમાળ બની ગઈ છે. આ વખતે કાટમાળ સમાન બનેલી આ ઘટમાળ મને અફસોસમાં રહેલો સોસ પણ ચાખવા દે એમ નથી.
મળી ગયું ?. . . અરે ! મારું વ્યક્તિત્વ,જેને અફસોસમાં પણ સોસ દેખાતો હોય એ હું લાલજી પ્રસાદ. લાડથી લોકો મને 'લાડુ' બોલાવે. નામમાં જ રહેલો મીઠાઈનો ગુણ જીભમાં પણ એટલો જ આસ્વાદ માણવાનો ચસ્કો ! બ્રાહ્મણ દીકરો અને પિતાજીનું ગામમાં નામ એટલે અઠવાડિયાના ચાર દિવસ તો કોઈના કોઈ ઘરે જમવાનું હોય જ. લગ્ન પ્રસંગ કે મરણ પ્રસંગ, કોઈની સગાઈ થાય તો એટલે હું એના લગ્નના લાડવાના સપના જોઉં,સીમંત પ્રસંગમાં જમીને, હું એના જિયાણાની રાહ જોઉં. નિવેધ કે રાંદલ માતાજી અમે ત્યાં હાજર હોઈએ જ.
આટલી વિગતોમાં સમજાય ગયું હશે કે,યૌવનના આંગણે ઊભો હું અંદાજે નવના આંકડાની લાઈને વજનમાં પહોંચી ગયો હોઈશ. ક્યારેય મેં આ વજનની ચિંતા નથી કરી પણ કેમ જાણે જ્યારથી ઘરમાં મારા લગ્નની વાતનો ગણગણાટ શરૂ થયો છે. હું અરીસા સામે શર્ટ ઉતારી કલાકોના કલાકો ઊભો રહું છું. કોઈ બીજી છોકરી હોત તો વાંધો નહતો પણ આ તો ચકુ હતી ! ફઈના દિયરની છોકરી ચકુ. . નામ તો ચાંદની પણ બધા ચકુ કહે. બાળપણમાં ફઈના ઘરે રોકાતો ત્યારે બહુ તેની સાથે રમતો. એ મને પહેલેથી જ ગમતી. હતી પણ એવી ચબરાક ! આજે એની સાથે નામ જોડાતા દુઃખની લાગણી અનુભવાય. પહેલા બહુ સપના જોતો પણ અત્યારે એના ફેસબુક ઉપર ફોટા જોતો. અણી કાઢેલી પેન્સિલની ધાર જેવી પેન્સિલ હિલ પહેરી એ પાતળી પરમાર ફોટા મૂકે અને મેં મારા ફોટા જોઈ આજે મારું એકાઉન્ટ જ એમાં ડિલીટ મારી દીધું.
પિતાજીએ કહ્યું આવતાં મહિને સારા વારે માંગુ લઈને મળવા જશું. આખી રાત ઊંઘ ન આવી. શું કરું ? એ હિરોઈન સામે આવું ગોળમટોળ બોડી લઈ જતાં શરમ આવવા લાગી. પૂરી રાત એક જ વિચાર કઈક તો કરવું જ રહ્યું. યુ ટ્યુબમાં બોડી કંટ્રોલના વીડિયો જોઈ મનમાં ગાંઠ બાંધી. વહેલી સવારે 4 વાગ્યે ઊઠી કસરત ચાલું કરી. જમવાનું ડાયટ પ્લાન,શરૂઆતમાં તો બહુ અઘરું લાગ્યું. આખું ઘર બહાર ક્યાંક જમવા જાય અને ઘરે હું ખીચડી ખાતો હોઉં બહુ અફસોસ થાય. પરંતુ, મનને મક્કમ મેં ચકુના ફોટા જોઈ વાળી લેતો. ફરી નવી એનર્જી સાથે કસરતો કરતો. વજન કાંટા ઘરમાં વસાવી દર કલાકે વજન કરતો. ઘટતા વજને મને વધુને વધુ પ્રેરણા મળતી. અંતે હું મારા લક્ષ્ય સુધી પહોંચી ગયો. હવે જ્યારે અરીસામાં શર્ટ ઉતારી મારું કસાયેલું શરીર જોઈ બહુ હરખાતો. મહિનાના અંતે હું એક સુડોળ શરીર બનાવવામાં સફળ થયો હતો.
પિતાજીના નક્કી કરેલા દિવસે અમે એ ચકુને જોવા એનાં ઘરે ગયા. પહેલી વાર સાડીમાં એને જોઈ હું બસ જોતો જ રહ્યો. અને મને થોડો મારી જાત ઉપર ગર્વ પણ થયો. ઘણી મહેનત પડી પણ મારા શરીરના લીધે હું દેખાવે જરાક લાયક બન્યો હતો. એમના તરફથી હા હોય એવું જ લાગતું હતું. અગાશી ઉપર અમે એકાંત મુલાકાતમાં ગયા. શું બોલું ? એ સમજાતું જ નહતું. ત્યાં જ એણે કહ્યું,"પહેલા કરતાં તો ઘણું બોડી ઉતારી નાખ્યું કે નહિ"
મને બહુ ગમ્યું,કે તેણીએ મને નોટીસ કર્યો. મેં કહ્યું,"હમમ ,હું કસરતો અને રેગ્યુલર ડાયેટ પ્લાન કરું છું. "
"પણ,મને તો તમારું પહેલાંનું ગોળમટોળ બોડી વધુ ગમતું, લડું" અને એ હસતાં શરમાતાં સીડી ઉતરી નીચે ગઈ.
ફાંદમાંથી મહા મહેનતે સિક્સપેક બનાવેલા પેટમાં ફળકો પડ્યો. પુરા મહિનાની મહેનત એળે ગઈ. કેટલાં જમણવાર મેં ત્યાગ કરેલાં. બહુ અફસોસ થયો. આજે એ અફસોસમાં રહેલો સોસ પણ ફિક્કો લાગવા લાગ્યો. ગાડીમાં ઘર સુધી એક જ આ કાટમાળ સમાન ઘટમાળ મનમાં ઘુમરા લેતી ગઈ. બસ પરિસ્થિતિની સહર્ષ સ્વીકાર કરવો જ રહ્યો, અફસોસ સાથે !