Nency Agravat

Tragedy

4  

Nency Agravat

Tragedy

ઘૂંઘટ - ધૂંધળી આંખે દેખાતું

ઘૂંઘટ - ધૂંધળી આંખે દેખાતું

7 mins
257


નવી નવી એમ્બેસેડર ગાડીના શોખીન મૂળચંદ શેઠ, આજે પણ નવી એક ગાડીમાંથી ઉતરી ગામની વચ્ચે ઊભો કરેલ સભામંડપના સ્ટેજ તરફ જવા લાગ્યા. તાળીઓનો ગડગડાટ સાથે એમનું સ્વાગત કરવામાં આવ્યું. શેઠે માઈક હાથમાં લીધું.

"નમસ્કાર, ફરી સર્વ ગામજનો સામે હું મૂળચંદ શેઠ આવ્યો છું. મારે આ ગામની સેવા કરવી છે. જેની તક હું ક્યારે છોડતો નથી. હાલ દેશમાં ફેલાયેલા અરાજકતાનો માહોલથી આપ સૌ પરિચિત છો. સ્વાતંત્ર્ય સેનાનીઓ છેલ્લા ઘણા વર્ષોથી લડી રહ્યા છે અને જાણવા મળ્યું છે કે આ જ વર્ષે આપણને આઝાદી મળી જશે. દિલ્હીમાં કાગળિયા તૈયાર થઈ રહ્યા છે. દેશ માટે દિલ્હી જઈ લડાઈ નથી લડી શક્યો. પરંતુ આપ ગ્રામજનોનો વિકાસ કરી હું આ આઝાદીની લડાઈમાં મારો નાનકડો ફાળો આપવા માંગુ છું. સમય બદલાયો છે. સ્વતંત્રતાની લડાઈમાં માત્ર પુરુષોએ જ નહીં પરંતુ મહિલાઓએ પણ ખૂબ ભોગ આપ્યો છે. મહિલાઓની ભાગીદારી અવગણી શકાય તેમ નથી, માટે સ્ત્રીઓના શિક્ષણ ઉપર ભાર મૂકવો જોઈએ. છેલ્લે હું સાબરમતી ગયો હતો ત્યારે ગાંધીજીએ પ્રવચન આપ્યું હતું અને તેમણે જણાવ્યું કે,સ્ત્રીઓને શિક્ષિત કરો એ જ બાળ ઉછેર ખૂબ સારી રીતે કરી શકશે. દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્ત્રીઓનું શિક્ષિત હોવું ખૂબ જરૂરી છે. બસ એટલે જ મેં આ ગામના સરપંચના નાતે નક્કી કર્યું છે કે, આપણા ગામમાં દરેક દીકરીઓને ખાસ ભણાવવામાં આવે. દીકરી માટે શાળામાં ભણતર ફરજિયાત કરવામાં આવે છે. સાથે બીજી એક વાત આ ગામમાં ઘૂંઘટ પ્રથા નાબૂદ કરવામાં આવે છે. જેને આ વાત સહમત ન હોય તે આ ગામ છોડી જતા રહે. અસ્તુ"

થોડી વાર સુધી તો સભામંડપમાં સન્નાટો છવાયેલો રહ્યો પરંતુ કેટલાક આગેવાનો દ્વારા તાલીઓ અને વાહ વાહીના નાદની શરૂઆત થતા ગ્રામજનો પણ તાળીઓ પાડવા લાગ્યા. લોકોના મનમાં ઘણા સવાલો ઉત્પન્ન થતા હતા પરંતુ,ગરીબાઈ એટલી ઘેરાયેલી હતી કે, વિરોધ કરવા કોઈનો ખભો હિંમત કરતો ન હતો. પછાત સમાજની આજ તો મજબૂરી છે. જ્યાંથી પેટનો ખાડો ભરાય ત્યાં જ હા તો હા અને ના તો ના કહેવામાં ભલાઈ છે. હંમેશાની જેમ દરેક નિર્ણયમાં સર્વ સહમતિ જ હોય છે એટલે આ વખતે પણ શેઠ પોતાની શણગારેલી ખુરશી ઉપર બેસી ગયા હજુ તાળીઓનો અવાજ ધીમો પડતો જતો હતો ત્યાં જ ટોળાની પાછળથી લાંબા ઘુંઘટ તાણેલામાંથી એક મજબૂત અવાજે કહ્યું,

" દીકરીને નિહાળે મોકલવાની વાતને શેઠ, સો સો સલામ પણ આ ઘુંઘટ નહિ ઊઠે"

સ્ટેજ ઉપર શેઠના કાનમાં એક આગેવાને કંઈક કહી શેઠ દ્વારા પ્રત્યુતર મેળવ્યો.

"શેઠને એક મિટિંગમાં મોડું થાય કોઈ પ્રશ્ન હોય તો હવેલીએ કાલે આવી મળી જજો. "

 સભા-મંડપનો સ્ટેજ છોડી શેઠ પોતાની ગાડીમાં બેસી નીકળી ગયાં. પરંતુ,કુતૂહલ તો ગામલોકોના ચહેરા ઉપર હતું કે આ સોનલ શું બોલી બેઠી ! આજ સુધી કોઈ એ એમની વાતનો વિરોધ નથી કર્યો અને આ સોનલ ભરી સભામાં બોલી ગઈ. પરિણામ ખરાબ આવશે એ ચર્ચા આખા ગામમાં ફેલાય ગઈ. કોઈપણ વાતની પરવાહ કર્યા વગર સોનલ પોતાના બંને સંતાનને લઈ ઘરે જવા નીકળી ગઈ. મનમાં સંકલ્પ દ્રઢ હતો કે કોઈ પણ સંજોગોમાં આ ઘુંઘટ નહિ ઉઠે. ઘરે આવી સોનલ ચૂપચાપ સાંજનું જમવાનું બનાવવા લાગી.

"આખી જિંદગી કપડામાંથી ધૂંધળું જોઈ જોઈ વિચારો પણ ધૂંધળા જેવા કરી નાખ્યા છે." સાંજના જમવા સમયે ફાનસની લાઈટને થોડી વધુ ઝાંખી કરી ઘરના મોભી એવા કુંવરબા બોલતા બોલતા ઓરડીમાં આવ્યા.

"બા,હુ ધૂંધળું બોલો ? જમવા ટાઈમે તમે જ આ ફાનસનો પ્રકાશ ધૂંધળો કરી નાખ્યો. " બહુ ઓછું બોલતી પણ ઘરમાં કોઈ ન હોય ત્યારે પોતાની સાસુ કુંવરબા સામે સોનલ બોલી લેતી.

"ઈ તો , ફાનસની વાટનો કાકડો બહુ મોટો થઈ ગયો બહુ કેરોસીન ઉપાડે એટલે ધૂંધળું કર્યું. જમવામાં કોઈનો કોળિયો કાને નહિ જાય. હો. . ! પણ તારું આ મગજ ક્યાં કેરોસીન ઉપાડે તો સભાએ આ ઘૂંઘટની ના પાડી આવી ?" જમવાની થાળીની બાજુમાં વાટકો પછાડી પોતાની અંદરની વ્યથા વહુ સામે ઠલવી.

"બા,નિરાંતે જમી લો ," વાતને ચર્ચાનું સ્વરૂપ ન આપવા ઈચ્છતી સોનલ બાજરાનો રોટલો થાળીમાં મૂકતાં મૂકતાં બોલી.

"આખા ગામને વાંધો નથી પણ તને વાંધો શેનો ? મેં તાણ્યો છે ઘુંઘટો હચોડી ડોક નમી ગઈ, તેય તાણ્યો તને નથી ખબર ભારત આઝાદ થઈ રહ્યું છે તો આઝાદ ભારતમાં ગુલામીની હવા શું કામ લે છો ? તારી આ દીકરીને પણ ઘુંઘટો કાઢવો પડશે હમજી લે જે" કુંવર બા પોતાની વહુને ગુસ્સાથી, પ્રેમથી સમજાવી રહ્યા હતા.

"બા,તમારે જે કહેવું હોય તે કહો. હું ઘુંઘટો નહિ ઉઠાવું" સોનલ ખુબ આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો.

"શેઠની વાતનો વિરોધ આખા ગામ વચ્ચે કર્યો એ ન ભૂલી જતી કે મારો દીકરો એના ઘેર જ નોકરી કરે છે. મહિનો થયો હજુ રજા નથી આપી. એ શેઠની સામે આપણે નોકર છીએ. ધણીને છૂટો કરવો હોય તો માની જજે. "

જમ્યા વગર જ કુંવરબા ગુસ્સામાં ઊભા થઈ ગયા. ઓસરીમાં ઢળેલ ખાટલે સૂઈ ગયાં. છોકરાઓએ જમી લીધું એટલે સોનલ પણ ઊભી થઈ બધું સંકેલી પથારીમાં આડી પડી. ઊંઘ તો આવવાની નહતી. કારણ શેઠે હવેલીએ બોલાવી હતી. શું થશે એ સૂરજ જ બતાવશે. પરંતુ,આજની રાતનો ચાંદ માત્ર અંધકાર જ નહિ પણ ચાંદની પણ ફેલાવે છે. વિરોધ કરવાનું કારણ કોઈએ ન જાણ્યું બસ ઠપકો આપવા આંખું ગામ ઉમટી પડ્યું. સત્ય કહેતા ડર લાગતો હતો. થોડા દિવસ પહેલાંની વાતને યાદ કરતા જ સોનલ વિચારે ચડી ગઈ. એ દિવસે,

"બા,ભાથું આપતી આવું"

સોનલ રોજના સમય કરતા વહેલી શેઠની હવેલીએ જવા નીકળી. દિન-રાત વેતરું કરતા પોતાના પતિ માટે રોજ ભાવતું જમવાનું લઈ જતી. વહેલી જાય તો બે ઘડી બેસાય. પણ તેં દિવસે સોનલ શેઠની હવેલીના પાછળના દરવાજેથી અંદર ગઈ. ત્યાં શેઠ પાછળના રૂમમાં કેટલાંક લોકો સાથે મિટિંગ કરતા હતા. હસવાનો અવાજ આવતો હતો.

"મૂળચંદ શેઠ હવે તો કંઈક ગોઠવો"

"શું જોઈએ તારે અલ્યા,"

"શેઠ,તમને તો ખબર"

"ગામમાં આંટો માર ને"

"શેઠ,ગામમાં આંટા મારી લીધા પણ લાંબા લાંબા ઘુંઘટા કંઈ દાળ ગળવા દેતા નથી. "

"અડધા ગામમાંથી પુરુષોને અહીં દિન રાત કામ કરાવું,અને ઘરની બાયુને ભાથું માટે બોલાવું,એ વાત તો પાક્કી, આ ઘુંઘટો ન હોય તો આંખો ઠરે હો"શેઠે હસતાં હસતાં કહ્યું.

"નડતું હોય એને કાઢો ને"

"હાં, તો બોલાવ ગામમાં ગ્રામસભા,અને નિયમ નાખી દઈએ. બસ હવે શાંતિ,લે પી. . . . "

ફરી હસવાનો અવાજ આવ્યો,પરંતુ,પાછળની બારી એ ઊભેલી સોનલના પગ તળેથી જમીન ખસી ગઈ. હવેલીએથી એ જલ્દી પોતાના પતિને જમાડી ઘરે આવવા નીકળી ગઈ. કોઈને કોઈ વાત કહેવી કેવી રીતે ! અને આજે શેઠે સભા બોલાવી અને ઘુંઘટ પ્રથા નીકળી.

વિચારોમાં ને વિચારોમાં સવાર ક્યારે પડી એ સોનલ ને ખ્યાલ જ ન રહ્યો. રોજની જેમ બધું કામ પતાવી પોતાના પતિને જમવાનું આપવા જવા તૈયાર થઈ. ત્યાં જ કુંવરબા એ કહ્યું,

" એકલી સ્વાર્થી ન બનતી દીકરી સમું જોજે. અને આ ખાવાનું આપવા જાને એ ઘરવાળા સમું પણ જોજે."

બાની વાતનો વિરોધ કર્યા વગર જ સોનલ માત્ર "જી" કહી ચાલી નીકળી. હવેલીએ પોતાના પતિને એક ઝાડ નીચે જમાડતા જમાડતા કયાંથી વાત શરૂ કરું એ વિચારી રહી હતી ત્યાં જ સોનલનો પતિ બોલ્યો,

"દિન રાત વેતરું કરી તમારા બધાંથી દૂર અહીં રહું છું. એક જ કારણ મારી દીકરી,મારી માં અને તું બસ શાંતિજી જીવો. એક મહિનાનો પગાર બાકી, ક્યાં મોઢે હું શેઠ પાસે જાઉં. તે ઘૂંઘટની વાત નકારી એ મને ખબર,પણ સોનલ યાદ રાખજે મારી મહેનત પાણીમાં જશે. અને આ ગામ છોડવાની વાત કેમ વિચારવી ? અહીં આપણી દીકરીને ભણવા મળશે એ તો વિચાર ! આપણે દુઃખ ભોગવ્યું એ આપણા સંતાનને નથી ભોગવવા દેવું,માટે માની જા. . . "

"હમ્મ"

પોતાના પતિની વાતનો માત્ર એક શબ્દમાં પ્રત્યુતર આપી સોનલને મનમાં ઘણાં વિચારો આવવા લાગ્યા. ત્યાં જ શેઠના નોકર દ્વારા એ બંનેને અંદર બોલાવવામાં આવ્યા. એકબીજા સામું જોઈ થોડા ગભરાયેલા શ્વાસે બંને અંદર ગયા. સોનલ જોતી હતી એનો પતિ માંડ માંડ ચાલી શકતો હતો. મહેનતનું કામ કરી કરી શરીર પણ દુબળુ પડી ગયું હતું. શેઠ અંદરના રૂમમાં બેઠાં હતાં. રૂમની વચ્ચે બંને ઊભા રહ્યા. નોકર તરફ ઈશારો કરતાં જ એ બોલ્યો,

"તારું 35 દિનું મહેનતાણું 500 રૂપિયા છે. અને તહેવાર આવે એટલે માથે આ 50 રૂપિયા લે"

 ધ્રુજતા હાથે સોનલના પતિએ પૈસા હાથમાં લેતાં જ એની આંખમાં પાણી આવી ગયા. ત્યાં જ શેઠે કહ્યું," મહિનો કામ કર્યું ને તો તને ત્રણ દાડાની રજા આપવામાં આવે છે. તારી છોકરીને નિશાળે આજથી જ મોકલી દેજે."

"જી જી ખૂબ ખૂબ આભાર." એકદમ ગળગળા અવાજે સોનલના પતિએ શેઠને હાથ જોડી કહ્યું.

ઘૂંઘટમાં ઊભેલી સોનલ તરફ ઈશારો કરતાં કહ્યું,

"અને આ તારી બાઈને જો ઘૂંઘટ ન ઉઠાવવો હોય તો ગામ છોડી જજે. . " શેઠે થોડા કડક અવાજે કહ્યું.

થોડીવાર તો બધા ચૂપ જ રહ્યા. શેઠને પણ જાણવાની ઈચ્છા હતી કે આ કોણ છે ? જેણે મારી વાતનો વિરોધ કર્યો. પોતાના અભિમાનને ગામ સામે લલકાર્યો. શું જવાબ આપશે એ વાતની રાહ રૂમની અંદરના બધા જ જોઈ રહ્યા હતા. ત્યાં જ સોનલના પતિએ એની બાજુમાં સોનલનો હાથ જોરથી દબાવ્યો. જાણે કહી રહ્યો હોય,'માની જા' અને વણકહી વાત સોનલને બીજા હાથે કમરબંન્ધે બાંધેલી કટારીને એમ જ સંતાડેલી રાખવા મજબૂર કરી અને એ બીજા હાથે ઘૂંઘટ નાક સુધી ઊંચું કરી પોતાની જાતને અંદર અંદર મરતાં અનુભવી રહી. હૃદયમાં આઘાત એટલો ઊંડો વાગ્યો જાણે શૂળ ભોંકાય રહી હોય.

" વગર વાંકે પોતાની પીડાને અંદર અંદર મારતાં જોઈ.

આઝાદીની હવામાં ગુલામીની લહેરખી પ્રસરતા જોઈ. . !"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy