Nency Agravat

Tragedy

4  

Nency Agravat

Tragedy

અંતિમ અભિલાષા

અંતિમ અભિલાષા

3 mins
296


અત્યંત જર્જરિત ચાર દીવાલો વચ્ચે, તૂટેલા ખાટલામાં ઊંઘ તો શું આવે તેમ છતાં, જીવન છે તો મને-કમને સ્વીકાર તો કરવો પડે એ આશયે ચાલતાં શ્વાસ કોણ જાણે, ક્યાં કર્મો બાકી હશે હજુ જે વિરામ લેવાનું નામ નથી લેતાં ! ધ્રૂજતાં હાથે બાજુમાં રાખેલાં માટલામાંથી પાણી પીવાની ઈચ્છા તો નહિ પણ કોઈ જિજીવિષા હજુ બાકી હશે એ સંતોષવા હાથ લાંબો કર્યો તો પાણી ઊંડું હતું જાણે એ પણ નારાજ હોય નહીં પહોંચાય, નથી પીવું એમ વિચારી ફરી એ જ સ્થિતિએ તેણી ખાટલામાં સૂતી. ફરી એ જ મનમાં વિચાર કે, કેવી જીવનની ઘટમાળ છે ! ચડતી પડતી આવે જીવનમાં પણ હવે એનો કોઈ હવે મતલબ નથી રહ્યો, હવે તો જોઈએ બસ પરમ શાંતિ, જીવનની અંતિમ શાંતિ ! જેને મૃત્યુ વહાલું લાગતું હોય તેના માટે વિચારવું જ રહ્યું કે, તેનું જીવન કેટલું મૃત્યુથી પણ ભયાવહ હશે ! બંધ પડેલા પંખાને તાકતી એ જર્જરિત આંખો સામે અચાનક પોતાનું બાળપણ દેખાવા લાગ્યું,

"અરે,અરે....ધીમે ધીમે પડી જઈશ દીકુ વાગી જશે... મારી પરી આ જમી લે ને ... થોડું થોડું ..બસ જો મોટી થઈ ગઈ..!" અને ખડખડાટ હસતો એ ચેહરો ક્યારે મોટો થયો એ ખબર ન રહી. જેને પરી- પરી કહી બોલાવતાં હતાં એ સાચે પોતાની હજુ તરુણાવસ્થા ઓળંગી પણ નહતી, ત્યાં તો તેનામાં યૌવનની લાલી ખીલી ઉઠી હતી. જોનારની આંખો સ્થિર થઈ જતી અને એકવાર તો કહેતી કે,"કેટલી નવરાશ હશે ભગવાનને આને ઘડવામાં કંઈ બાકી નથી રાખ્યું! અદ્ભુત !"

યુવાનીના ઉંબરે રોજ મંદિર જતી ત્યારે રસ્તામાં કોઈ યુવાનની નજર પડતી તો તો તેણીના ગાલ ઉપર શરમની લાલિમા ચમકી ઉઠતી. શણગારેલ મકાન બહાર, શણગારેલ ગાડી પાસે એ રડતી ઉભેલી સૌને મનમાં કહેતી હતી,'મારે નથી જવું'પણ કોઈ ન સમજી શકતું હતું.થઈ ગઈ વિદાય. નવા જીવનની ઘટમાળ શરૂ થઈ. જેટલી પોતે સુંદર હતી તેટલું  સૌંદર્ય તેણીના જીવનમાં પણ ભરેલું હતું. દરેક સુખ જાણે એના ખોળામાં ખીલતા હતાં.

ક્યારેય કોઈને મજબૂરીમાં બોલતા સાંભળ્યા છે ? બધું જાણવાં છતાં લાગણીઓના પુરે અજાણે તાંતણે વહેતા જોયા છે ?ઘણી કસોટીઓ આપી હોય પરંતુ પોતાના પાસે હારતા જોયા છે ? હા,વાત કરું છું સારિકા મેવાડની ! નામ પ્રમાણે જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા હતા. કોઈ ના કહે આ સ્ત્રી એક સામાન્ય ઉછેરમાંથી આવી હશે. પતિની મિલકત મળી ગઈ હવે શું ?મોજ કરે ને ! સમાજનો આ મહેણો માટે કોઈ જવાબ આપતી ન હતી. પોતાના અંગત લોકોને સમજાવી હારી ગઈ હતી તો સમાજને સમજાવવાનો કોઈ અર્થ નથી. હંમેશા સનસનીખો જવાબ દેવા પ્રખ્યાત કે કુખ્યાત સારિકા મેવાડ થોડા સમયથી મૌનની છત્રછાયામાં આશરો લઈ રહ્યા હતા.

લાઈવ મીડિયા હોય કે સોશીયલ મીડિયા તીખા જવાબ માટે જાણીતા સારિકા મેવાડ હમણાંથી કોઈ જવાબ આપવા રાજી ન હતા. કદાચ સવાલો સામે થાકે એવા ન હતા પરંતુ, જીવનની ઘટમાળમાં એ ચઢાણ ચઢી હવે રાજી ખુશીથી ઉતરવા માંગતા હતા. ચઢાણ પછીનો ઉતાર ભલે સહેલો લાગે પરંતુ જોખમભર્યો જરૂર હોય છે ! કાંઈક આવું જ બન્યું હતું સારિકા મેવાડના જીવનમાં. યુવાનીમાં વિધવા બનેલા ત્યાર બાદ 30 વર્ષ સુધી એકલા હાથે બધું સંભાળીને બેઠા હતા.

હજુ વિચારોમાં ડૂબેલા હતા ત્યાં જ દરવાજે સહેજ અવાજ થતા ઝબકી ગયા. પણ પગલાં ઓળખી પંખાને તાકતી આંખો બંધ કરી સૂઈ રહેવાનો ઢોંગ કરવા લાગ્યાં.

"ઊઠો, ડોકટર આવ્યાં છે"

ઊંડો ઘા વાગે એનાથી પણ વધુ પીડા આ શબ્દો આપતાં હતાં. હા,ડોકટર કોઈ યમરાજ બોલાવો. મોટે મોટેથી બૂમો પાડીને કહેલા શબ્દો કોઈ સાંભળતું નહતું તો હવે શું કોઈ  મનમાં બોલાતા તેણીના સંવાદ કોઈ સાંભળતું હશે ? સાથે સમજવાવાળું કોઈ હતું પણ નહિ ! મૃત્યુથી પણ ભયાવહ પીડા એ ડોકટર આપી જતાં રહ્યાં. હવે તો નિત્યક્રમ બનેલા આ કાંટાળા માર્ગ ઉપર ચાલવું જ હતું. એટલે હવે દર્દ સમયે મોંમાંથી ઉચ્ચારણ નથી આવતાં. ટેવાઈ ગઈ આ પીડાદાયક ઘટમાળમાં પણ ! દરવાજા બહાર સાંભળેલ વાતચીત એનાથી પણ વધુ પીડા કાનને આપતી હતી.

"ડોકટર સાહેબ, હવે કેટલો સમય ?"

"બસ,બહુ વધારે સમય નહિ નીકળે. ગેંગરીન બહુ ઊંડે સુધી પહોંચી ગયું છે.બચવાના ચાન્સ બહુ ઓછાં છે. હું જીવાત કાઢું તો થોડા સમયમાં ફરી થાય છે."

"વકીલ બોલાવી લઉં"

"હા, બસ ટુંક સમયમાં જ બોલાવી લો"

આ છેલ્લા ડોકટરના ટુંક સમયની વાત જાણે તેણીના દરેક ઘા ઉપરના મલમનું કામ કરી ગયું. ઓહ, બસ ટુંક જ સમય ! આહા ! કેટલું કર્ણ પ્રિય લાગ્યું. જે છેલ્લા છ મહિના પહેલાં ભયાવહ હતું આજે એ સાંભળવું સુરીલું લાગ્યું. આહા ! ટુંક જ સમય પછી આ સમગ્ર પીડામાંથી મુક્તિ..સાચી મુક્તિ.  ફરી તેણી બંધ પડેલા પંખા સામે ફાટેલા હોઠે સ્મિત આપી તાકતી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy