Nency Agravat

Classics

4  

Nency Agravat

Classics

કોડિયું

કોડિયું

5 mins
379


"હજુ તો દિવાળીને ઘણીવાર પણ, કેમ લાગે આ દીવડા આપણી દિવાળી ઉજાળી કરી શકશે ?"

ચોકમાં બેઠેલી એ ચાર આંખો વગર સંવાદે એકબીજાને ઘણું કહી રહી હતી. સામસામું જોઈ મનમાં ચાલતા વલોપાતને ઢાંકીને હોઠ પર એકબીજાને સ્મિત આપી એક અજાણી હિંમત આપતી હતી. મનના એ સંવાદને છુપાવી એ સ્મિત થોડી ક્ષણો પૂરતી સુખની લહેરખી આપતી,ખોટો કે સાચો એ બંધાતો વિશ્વાસ આપતી કે બધું ઠીક થઈ જશે. ત્યાં જ અવાજ આવ્યો,

"દિવડાનું શું છે?"

"પાંચનું એક"

"દસના ત્રણ કરી દો."

"હા..."

અને આ 'હા' ફરી એક નવો હાશકારો આપી ગયો કે આ દિવડા આ વખતની દિવાળી ફરી ઉજાળી કરશે.

"એય,ચાલોને હવે ઘરે જઈએ."

"ના થોડીવાર બેસ ,કદાચ એકાદ કોડિયું વેચાય જાય"

"હવે તો કોણ આવશે ? અંધારામાં રસ્તે જવામાં તકલીફ પડશે હો."

"બસ પાંચ મિનિટ"

"અરે,દિવાળીને હજુ આઠ દસ દિની વાર નહિ વાંધો આવે"

"આ આઠ દસ મહિના સાવ ઘરે બેઠા એટલે થાય કે આ આઠ દસ દિવસનો મોકો મળ્યો એમાં લડી લઉ."

"પણ તમે આમાં બીમાર ના પડતા"

"બીમારી તો ઘર કરી ગઈ ઘરે બેઠા બેઠા. એટલે સાજા થવાનો મોકો છે નથી જવા દેવો"

"તો હું ય અહીં બેઠી"

"તું આ કોથળે લાંબી થા"

"ના બસ બેઠી"

અને કરચલી પડેલા ચેહરા એકબીજાને સ્માઈલ આપી એ વિશ્વાસ આપતા કે, જે થાય એ પણ સાથે તો છીએ.

ક્યારેય જીવનની સફરમાં નથીઆઈ લવ યુકહ્યું,કે ક્યારેય નથી કહ્યું ટેક કેર ડીઅર.. તેમ છતાં હંમેશા એમનો પ્રેમ છલકાતો સાથે કાળજી પણ..! આઈ એમ ઓલ્વેસ વિથ યુ કહ્યા વગર આ દંપતિ 40 વર્ષથી એકબીજાની ઓથ બની ચાલે છે. સુખ દુઃખમાં કઇ પણ કહ્યા વગર આ વૃધ્ધ દંપતિ એ પડાવે છે, જ્યાં પૈસો કમાવવો માત્ર પેટનો ખાડો પુરવા માટે જ છે. નથી બીજી કોઈ ચાહના કે નથી કોઈ અન્ય અભિલાષા, હતો તો સંતોષ જે જીવનમાં કોઈ સામે ભીખ માંગવા મજબુર ન થવાય એ ખુદ્દરી બસ નાના મોટા સીઝનલ ધંધો કરી થોડું કમાઈ લેવું, રોટલાનું થાય એટલું ઘણું, છતાં ક્યારેક એકબીજથી ચોરી છુપાઈને કરેલી બચતમાંથી ફૂલના ગજરાની વેણી આવતી તો ક્યારેક પેન, ક્યારેક જૂની પણ રંગીન સાડી આવતી તો ક્યારેક જૂની પણ સોનેરી કાંડા ઘડિયાળ ! આજ એમનો પ્રેમ ...કયારેય વ્યક્ત ના કરેલો ..!

ખૂબ ઓછો સંવાદ પણ હરકતો કે આંખોથી એકબીજાની ઈચ્છા સમજી જતા આ દંપતિ પોતાની પ્રેમ કહાની ક્યાંય છપાવ્યા વગર સુખેથી જીવતા હતા. કોઈ દિવસ એકબીજાનું નામ ન લેનારા આ લોકો માત્ર 'તું' અને 'તમે' માં પોતાનું સમગ્ર વિશ્વ બાંધી લેતા હતા. જીવનપથના એ રાહી બની ચાલતા હતા. જ્યાં શ્વાસ અલગ હતો પણ એકબીજા ઉપર વિશ્વાસ અઢળક હતો.

દિવાળી તહેવારે થોડું વધુ કમાઈ લઈએની ઈચ્છાએ દંપતિ શૂન્ય મન્સક બની બેઠું હતું. ત્યાં જ અચાનક ધડાકાનો આવાજ અને કોઈ વિચારવા સમય જ મળે એવી ઓચિંતા અકસ્માતની ઘટનાથી સફાળા બંને ઉભા થઇ ગયા. પોતાના કરતા એકબીજા સામું જોવા લાગ્યા કે કાંઈ વાગ્યું તો નથી. "તને વાગ્યું તો નથી,તું ઠીક છો" અને " તમને કાંઈ નથી થયું ને" બસ મોત નજીક દેખાય તો પણ ચિંતા આપણી જાત કરતા આપણા સ્નેહીની થાય એ જ તો સાચો પ્રેમ !

લોકો એકઠા થયા, અજાણ્યા લોકો પણ મદદે આવ્યા, બંનેને થોડીવારે ભાન થયું કે પોતાના ઠેલાની નજીક એક બાઇક સ્લીપ થઈ અને અચાનક એમની પાસે આવી એ બાઈકસવાર પડી ગયો. કોઈ ને વધુ વાગ્યું નહતું.લોકોએ એને ઉભો કર્યો અને બાઇક સાઈડ ઉપર લીધી. કોઈને કોઈની ફરિયાદ નહતી. "વાંધો નહિ ભાઈ વાગ્યું તો તને નથી ને !"એ વાત કરી એ દંપતિ બધું સરખું કરવા લાગ્યા.

લોકો બસ થોડા સમય માટે જન્મતી એ મદદની લાગણી મૃત્યુ પામતા પોત પોતાના કામમાં વિખેરાવા લાગ્યા. એ બાઇક સવાર પણ માફી માંગી નીકળી ગયો. વધ્યા બસ એ લોકો જેણે હંમેશા ક્ષમા ને જ પોતાનું આભૂષણ બનાવી દીધું હતું. પોતાના એકના એક સગા દીકરાએ એમની મરણમૂડીને ઉડાડી અને રસ્તે ભટકતા કરી દીધા તો એને પણ ક્ષમા આપી તો આ તો અજાણ્યો માણસ એને તો ક્ષમા આપે જ ને !

તેમ છતાં આંખના ખૂણા ભીના થઈ ગયા અને બાજુના ઓટલે બેસી ગયા. મરતા બચ્યા એનું સુખ કરતા પણ એ બાઇક જે ઠેલા ઉપર પડી અને એમાંથી આવેલો એ કરરડ ભૂસ જેવો અવાજ અંદર ઉપજેલી એ ખોટી હિંમતને પણ તોડતો ગયો. એ વિશ્વાસના કાચમાં પણ તિરાડ પાડતો ગયો કે, આ દિવાળી જરૂર ઉજાળી થશે. કોડિયાની કમાઈથી બંગલા નહતા કરવા પણ પેટના ખાડાની સાથે આ દિવાળીએ કોઈ એકબીજાને ભેટ નહિ આપી શકાય એ વસવસો પણ આપતો ગયો. એ કોડિયા માટીના બનેલા હતા એટલે કઇ બચ્યું નહિ હોય પણ છતાં કરચલીવાળા એ ચાર હાથ કાંઈક સારું કોડિયું નીકળે તો ખોળવા લાગ્યા. અને હાથમાં આવ્યો એ નિસાસો કે ,"થઈ જશે બધું સારું.!"

અંધારે ધીમે ધીમે ચાલતા એ ડગ આજે લાકડીના ટેકા વગર ઉચકાતા પણ નહતા. ના કોઈ વાત ના કોઈ સંવાદ ચૂપ ચાપ ચાલતા પોતાની ઓરડી બાજુ જતા હતા. ના બોલવાનું એક જ કારણ કે જો ગળામાં ભરેલો એ ડૂમો આંખમાંથી બહાર નીકળી જશે તો સામે હિંમત તૂટી જશે. જ્યારે પણ સામું જુએ બસ એક સ્મિત જ આપતા પણ એ પ્રેમનું સ્મિત આજે એટલું બધું મજબૂત નહતું એ બધું ઠીક થઈ જશે નો ભરોસો આપી શકે. જો ખંભો મળે તો બહુ રડવા ઇચ્છતું એ મન હોઠેથી એટલું જ બોલી શક્યું કે,

"બારણું વાસો...તમે થોડીવાર આરામ કરો હું ભાત મૂકી દઉં."

વધુ શબ્દો સાથે આંખ પણ છલકાત એટલે એકબીજાથી આંખો ચોરતા પોતાનું કામ કરવા લાગ્યા.આ જ તો પ્રેમ છે. પોતાનું દુઃખ ક્યારેય પોતાના સ્નેહીને કહી દુઃખી ન કરવું. ચિંતા નથી વધારવી એ જ તો પ્રેમ છે. ફિલ્મોની પ્રેમકથામાં પ્રેમ મુલાકાતથી સંબંધના બંધન સુધી જ સીમિત રહેતો હોય જ્યારે એવી કેટલી પ્રેમકથાઓ છે જેમાં પ્રેમ જીવનના ઉત્તરાર્ધમાં પણ કહ્યા વગર ધબકતો હોય.

"ચાલો, તૈયાર છે જમવાનું"

"હા,"

"તું બેસને સાથે"

"મને આજ બહુ ભુખ નથી.તમે નિરાંતે જમી લો"

"તારા વગર હું જમુ ખબર તો છે, ભલે થોડું રાંધ્યું જેટલું છે એનું અડધું કરીએ આવ"

એક થાળીમાં બેઠી થઈ જશે બધું સારું કહી જમવા લાગ્યા. જીવનની દરેક નિરાશાના પગલે છુપાયેલી એ પ્રેમની આશા કદાચ માણસને દરેક પરિસ્થિતીમાં જીવતા શીખવતું હશે. અને પોતાની ઓરડીની બાજુમાં આવેલા પાનના ગલ્લે રેડિયો ઉપર ગીત વાગ્યું જે એમના ઘરે સંભળાયું,

"તેરા સાથ હે તો મુજે ક્યાં કમી હૈ,

અંધેરો મે મીલ રહી રોશની હૈ..!"

અને ફરી આંખોમાં એક ચમકારો આપ્યો અને એકબીજાને આપ્યું એ સ્મિત કે કહી રહ્યું હોય" થઈ જશે બધું સારું."ફરી ઉછીની લીધેલી હિમંત કામ કરી ગઈ અને બાંધી ગઈ નવો વિશ્વાસ. થાકમાં ઊંઘ આજે વહેલી આવતી નહતી.તેમ છતાં સંતોષકારક જીવનવલણમાં ઊંઘ આવી ગઈ. સવારે થોડી આશા જે ઘરે હતી એ લઈ ફરી નવા વિશ્વાસ સાથે ઊપડ્યું એ દંપતિ આ દિવાળી ફરી ઉજાળી કરવા. ધીમે ધીમે મંડાતા ડગ નવી સવારે એ જેટલું છે એટલું કમાઈએ એ વિચારે ચાલવા લાગ્યા. પોતાની જગ્યાએ કોઈ એની રાહ જોતું હોય તેવું લાગ્યું,

હજુ એ દંપતિ કાંઈ સમજે એ પેહલા જ ,

"કાલની મારી ભૂલ માટે મને માફ કરી દો. બીકમાં જલ્દી ભાગી ગયો પણ આપના નુકસાનની ભરપાઈ આલ્યો,1000 રાખો"

"ના દીકરા જવા દે તારી કાળજી રાખ"

"દીકરો કહ્યો એટલે રાખી લો" અને એ બાઇક સવાર વધુ કાંઈ બોલ્યા વિના નીકળી ગયો.

હાથમાં પૈસા અને આંખોમાં પાણી, ફરી મનમાં ચાલી નવી કહાણી !આશીર્વાદ તો આપ્યા પણ સાથે થોડી ગડમથલ પણ ચાલી કે, આ વખતે સાડી નહિ પણ ઠંડી આવે તો સ્વેટર લઉં અને સામે પક્ષે પેન નહિ પણ મફલર લઉં !પણ એમના પ્રેમમાં કોઈ અભિવ્યક્તિ નહતી એટલે માત્ર એ ફરી એકબીજાને આપ્યું સ્મિત જે બાંધી ગયું એ વિશ્વાસ કે,

"આ વખતની દિવાળી ફરી ઉજાળી થઈ ગઈ...!"


Rate this content
Log in

Similar gujarati story from Classics