નિરર્થક
નિરર્થક


બાલ્કનીમાંથી રાત્રીના પ્રકાશના થાંભલાઓ આછા અજવાસ પાથરતા દેખાઈ રહ્યા હતા. આખોદિવસ દોડાદોડી કરી થાકી ચૂકેલું શહેર ઊંઘની ગોદમાં સરી પડ્યું હતું. મુશળધાર વરસતો વરસાદ જાણે લોરી સંભળાવતો હોય એ રીતે એના મધુર અવાજ નીચે દરેક સ્વર મૌન ધારણ કરી બેઠા હતા. બાલ્કનીના અંધકારમાં બે હાથો સળિયા પર ટેકવી ઉભેલી સુવર્ણા સળિયાની ઉપર બાઝેલાને એક પછી એક નીતરતા વરસાદના ટીપાંઓને હાથમાં ઝીલવવાનો પ્રયાસ કરી રહી હતી. બુંદ બુંદ જે રીતે પોતાના જીવનને એ ઝીલવી રહી હતી, અંતિમ સાત વર્ષોથી !
બાલ્કનીના અંદર તરફના શયન ખંડમાં એની સાત વર્ષની ઢીંગલી શાંતિથી પોઢી રહી હતી. આજે તબીબ સાથેનો એનો નિયમિત તપાસનો દિવસ હતો. સાત વર્ષોથી હવે એક નિયતક્રમ બની ચુક્યો હતો. વાદળોનો ઘડઘડાટ ને ઊંચી ગર્જનાથી એની ઊંડી નિંદ્રાને ખલેલ ન પહોંચે એ રીતે ધીમેથી એણે શયનખંડનું બારણું વાંસી દીધું. ફરીથી બાલ્કનીમાં આવી ઉભેલી સુવર્ણાની નજર આભ તરફ મન્ડાઈ. દરરોજ દેખાતા ચન્દ્ર અને તારા આજે એમના નિયમિત સ્થળે ન હતા. અણધાર્યા તોફાની વરસાદથી ડરી ન જાણે ક્યાં છુપાઈ બેઠા હતા ? એજ રીતે જે રીતે સુવર્ણાના જીવનની ખુશીઓ સાત વર્ષ પહેલા આવી ચઢેલા નિયતિના વાવાઝોડાથી કશે રિસાઈ છુપાઈ બેઠી હતી !
આજથી સાત વર્ષો પહેલા, હા, સાત વર્ષો પહેલા, આજ દિવસે મનનનું અકસ્માત થયું હતું. જતો રહ્યો હતો એ એને છોડી, હંમેશ માટે. સુખ દુઃખ વહેંચવાના બધાજ વચનો એક ક્ષણમાં પાછળ છોડી. સાત ફેરાઓ સાથે આપેલા સાત જન્મોના વાયદાઓ ભૂલી. જીવનના અનંત માર્ગ ઉપર એને અછડતી છોડી. એ દિવસે હોસ્પિટલના પ્રસુતિ ખંડમાં દર્દથી કરાંજતી એ મનનની રાહ જોઈ રહી હતી. એમના પ્રેમની નિશાની આ સૃષ્ટિ પર ઉતરવાની એ અમૂલ્ય ઘડીને મનન સાથે વહેંચવા. મનન પણ એ કિંમતી ઘડી ચૂકી ન જવાય એ ડરે મોટરસાયકલ ને શક્ય એટલી ઝડપે શહેરના રસ્તા ઉપર હાંકી રહ્યો હતો. પોતાના બાળકને સૌ પ્રથમ પોતાના જ હાથોમાં ઉઠાવવા. એની મીઠી શ્વાસોને પોતાની શ્વાસોમાં અનુભવવા. એ નાનકડા નાજુક શરીર ને પોતાના સશક્ત શરીરનો ટેકો આપવા. પરંતુ રસ્તા પર પૂર ઝડપે આગળ ધસી રહેલી એ પ્રંચડ ટ્રક આ લાગણીઓના પ્રવાહથી સંપૂર્ણ અજાણ હતી. મનનની ઉતાવળ અને અધીરાઈના પરિણામ સ્વરૂપ એની મોટરસાયકલ સીધીજ ટ્રકની અડફેટે આવી ગઈ.
પ્રસુતિગૃહના ઓરડામાં સુવર્ણા એ એકલાજ પોતાની ઢીંગલીનું આ વિશ્વ્માં સ્વાગત કર્યું અને એજ સમયે મનન આ વિશ્વ છોડી બન્નેથી ખૂબ ખૂબ દૂર જતો રહ્યો. મનનના દુનિયા છોડી જવાના કેટલા દિવસો સુધી તો સુવર્ણા માનસિક રીતે મનનના મૃત્યુની હકીકત સ્વીકારવા જાણે તૈયાર જ ન હતી. નિયતિ આટલી કઠોર કઈ રીતે હોય શકે ? પોતે તો અનાથાશ્રમમાં ઉછરેલી યુવતી. પરિવારનો ટેકો અને માનસિક સાથ ક્યાંથી મેળવે ? મનન સાથે થયેલા પ્રેમ લગ્નમાં મનનના પરિવારની પરવાનગી અને ખુશી જોડાયેલી જ ક્યાં હતી ? મનનના અવસાનનો સંપૂર્ણ દોષ આખો પરિવાર સુવર્ણા પર લાદી રહ્યો.
"ભરખી ગઈ અમારા દીકરા ને !"
માનવી કોઈ ને શું ભરખવાનો ? એ તો જાતે જ ભાગ્યના હાથની કઠપૂતળી ! ભરખી તો પ્રારબ્ધ જાય છે, નામનીજ ક્ષણોમાં, માનવીને, એના અસ્તિત્વને, એના સ્વપ્નોને, એના વર્તમાન - ભવિષ્યને, એની ખુશીઓને, એના પ્રેમ ને !
મનનના અવસાનનો શોક હજી સમવાનું નામ લઇ રહ્યો ન હતો ત્યાં અન્ય શોક એના જીવનને ધ્રુજાવવા આવી પહોંચ્યો. એની નાનકડી ઢીંગલી માનસિક રીતે સ્વસ્થ નથી, એ જાણતાંજ સુવર્ણાના માથે આભ ફાટ્યું. આર્થિક સંકડામણની વચ્ચે પણ એ શહેરના દરેક જાણીતા તબીબોની પાસે પહોંચી વળી. મનનના જવા પછી એજ તો એનો એક માત્ર જીવન આધાર હતી. એનું જીવવાનું કારણ અને એક માત્ર ધ્યેય. તબીબી વિજ્ઞાનના પહોંચની બહારની એ માનસિક માંદગીનો સંપૂર્ણ ઈલાજ તો શક્યજ ન હતો. પરંતુ જુદી જુદી મૌખિક અને ક્રિયાત્મક થેરપી દ્વારા એની અસર હળવી કરવી એજ એકમાત્ર વિકલ્પ હતો.
જીવન નિર્વાહ માટે નોકરીની આવક પર્યાપ્ત હતી પરંતુ થેરપી અને 'ડે કેર સેન્ટર'નો ખર્ચ પહોંચી વળવા એ પોતાની ભરત ગૂંથણની કલાનો સદુપયોગ કરી નાનકડો ગૃહ ઉદ્યોગ ચલાવવા લાગી. આખો દિવસ પોતાની ઢીંગલીને 'ડે કેર સેન્ટર' માં સુરક્ષિત હાથોમાં સોંપ્યા છતાં નોકરી ઉપર કાર્ય કરતું માતૃ હૈયું પોતાની ઢીંગલીની ચિંતામાં ધડક્યા કરતું. ઘરે આવી રાત્રીનું ભોજન કરાવી, દીકરી ને ઊંઘાડી, પછી મોડી રાત્રી સુધી એ પોતાના ભરત ગૂંથણના ગૃહઉદ્યોગને વિકસાવવા પાછળ મંડી પડતી. ક્યારેક દીકરીની અન્ય શારીરિક માંદગીઓ તો ક્યારેક આર્થિક ઉપાજન માટે આખી આખી રાતના ઉજાગરાઓ ! જીવનના સાત વર્ષ વિશ્રામ કે જપ વિના સતત જાગતા જાણે વિતાવ્યા હતા. લોકોની આગળ હાથ ફેલાવવાનો સહેલો વિકલ્પ એના સ્વાભિમાનથી ભરેલ હૈયાંને મંજૂર ન હતો. પણ જીવવાનો સાચો રસ્તો સરળ પણ ક્યાં હોય છે ? ક્યારેક વીજળીનું બિલ સમયસર ન ચુકવાતું તો ક્યારેક ફ્લેટનું ભાડું ચૂકવવા અઠવાડિયા ચઢી જતા... દર ક્ષણ નવી કસોટી, દર પગલે નવો સંઘર્ષ... આ સંઘર્ષ શારીરિક અને માનસિક તાણ અને થાક સ્વરૂપે એ અંતિમ સાત વર્ષોથી એક પણ દિવસની છુટ્ટી વિનાજ સતત એકલી અટુલી વેઠી જઈ રહી હતી...
વીજળીના ભયંકર ચમકારા અને વાદળનો હૈયુંને હચમચાવી મુક
નાર ધ્વનિ સુવર્ણા પર જાણે કોઈ અસર ઉપજાવી શકવાને સક્ષમ જ ન હતા. એના જીવનમાં ઉપસ્થિત વાવાઝોડા સામે આ વાવાઝોડાની કોઈ હેસિયત જ ક્યાં હતી ? સુવર્ણાએ એક દ્રષ્ટિ આકાશ તરફ નાખી... આજે એનો થાક ચરમસીમા એ પહોંચી ચૂક્યો હતો... ભવિષ્યની ચિંતાઓ વર્તમાનને ગરજી ગરજીને ડરાવી રહી હતી... મનનને કેવી શાંતિ ! ન કોઈ ચિંતા, ન તાણ, ન માનસિક ભાર... ન વર્તમાન, ન કોઈ ભવિષ્ય... ન આખી રાતના ઉજાગરાઓ, ન ઢીંગલીની ચિંતામાં દર ક્ષણ, દર સ્થળે ધ્રુજતું, વલોવાયેલું હૃદય...
ના, આમ એકલા અટૂલા હવે આગળ ન વધાશે... હવે એક પણ રાત્રી ઊંઘ વિના પસાર ન કરાશે... પોતાની ઢીંગલીને આજીવન આવી નિસહાય અને કરુણ પરિસ્થિતિમાં ન નિહાળાશે... આખરે જીવન આગળ વધારવાનો હવે કોઈ અર્થજ ક્યાં બચ્યો હતો ? એક એક દિવસ ઘસડીને ગમે તેમ આગળ ધપાવવાથી શું મળવાનું હતું ? આને જીવન કહેવાય ? અન્ય સફળ જીવનોની આગળ એનું આ નિષ્ફ્ળ જીવન કેવું છોભીલું લાગતું હતું ! આવા નિરર્થક અને બિનઉપયોગી જીવનનું વળી મહત્વ કેવું ? બાલ્કનીનો સળીયો બન્ને હાથોમાં પરોવી સુવર્ણા એ પોતાનું શરીર ઊંચું ઉઠાવ્યું. દસમાં માળ ઉપરથી ઊંચાઈનું ઊંડાણ આંખો એ સ્પષ્ટ માપી લીધું. હવામાં તરતું શરીર ભોંયતળિયે પછડાવવા થોડીજ સેકન્ડનો સમય લાગશે. પણ એ થોડાજ સમયને અન્ય છેડે બધીજ સમસ્યાઓ, મુશ્કેલીઓ, વિડંબણાઓમાંથી હંમેશં માટેનો છુટકારો... સળિયા છોડી હવામાં શરીર છોડવા તૈયાર થયેલા અર્ધજાગ્રત મનને જાગ્રત મને ઢંઢોળ્યું.
અંદરના ઓરડામાંથી સંભળાયેલા ધારદાર અવાજથી સુવર્ણા ચોંકી. દોડતી ભાગતી પોતાની ઢીંગલીની સુરક્ષાની ચિંતા સાથે એ શયનખંડ માં પ્રવેશી. દીકરી ના હાથ ના સ્પર્શ થી પલંગ ને અડકી ને ગોઠવેલી ટ્રિપોય પરથી ભોંય પર ફેલાયેલી દરેક વસ્તુઓ એણે સાચવી ને સચકી દીધી. માસુમ ચ્હેરા પર ની સુંદરતા નિહાળી આંખો ની પાંપણ ભેજયુક્ત બની . પોતાની ઊંઘતી ઢીંગલી ને પ્રેમ ભર્યા આલિંગન માં સમાવી એના નજીક લપાઈને એણે શાંતિથી આંખો મીંચી દીધી.
વહેલી સવારે બારણાં પરની ઘંટડીથી ગાઢ નિંદ્રા તૂટી. ઘડિયાળ પર તકાયેલી અર્ધ ખુલ્લી આંખો વિસ્મયમાં પહોળી થઇ. રવિવારની વહેલી સવારે આમ કોણ આવી પહોંચ્યું ?
બારણું ઉઘાડતાંજ સામે એક અપરિચિત સ્ત્રી ઉભી હતી :
"આપજ સુવર્ણા જી છો ?"
અજાણી સ્ત્રીને વિસ્મયપૂર્વક અને મૂંઝવણ ભર્યા સ્વરે ઉત્તર અપાયો :
"જી હા, હુંજ સુવર્ણા છું..."
હાથોમાંની આમંત્રણ પત્રિકા સન્માનપૂર્વક સુવર્ણાના હાથમાં થમાવતી સ્ત્રીની આંખોમાં ચમક આવી :
"આ આમંત્રણ પત્રિકા ટપાલ મારફત મોકલવાની જગ્યા એ આપ જેવી સ્ત્રી શક્તિને વ્યક્તિગત મળી હાથોહાથ એનું માન પહોંચાડવું વધુ યોગ્ય લાગ્યું..."
સ્ત્રીના દરેક શબ્દો સાથે સુવર્ણા પ્રત્યેની આદરની લાગણી છલકાઈ રહી હતી. સુવર્ણા હજી પણ કોયડો ઉકેલી શકી ન હતી. ચ્હેરા પરના ભાવો અંતરની મૂંઝવણ પ્રતિબિંબિત કરી રહ્યા હતા.
"પણ આ આમંત્રણ...? જી માફ કરશો હું કઈ સમજી નહીં..."
સુવર્ણાના ખભે પ્રેમપૂર્વક હાથ મૂકી સ્ત્રીએ પોતાનો પરિચય આપ્યો :
"જી, હું શહેરની મહિલા કલ્યાણ સંસ્થાની મુખ્ય સચિવ છું. આ મહિને મહિલા દિન નિમિત્તે શહેર ની સફળ અને આદર્શ મહિલાઓ નો સન્માન સમારંભ યોજાયો છે . જુદા જુદા ક્ષેત્રો માં પોતાનું આગવું પ્રદાન કરેલ સ્ત્રીઓ ને સત્કારવા માટે શહેર ના ખૂણે ખૂણે થી પ્રેરણાદાયી સ્ત્રીઓ ની સાચી જીવન વાર્તાઓ ભેગી કરવા માં આવી હતી . જે અંતર્ગત એક સ્ત્રી એ આપની અને આપની દીકરીના જીવનની સાચી હકીકત લખી મોકલાવી હતી. પોતાના જીવન માં આવી પડેલી અણધારી મુસીબતો થી પોતાનું જીવન ટૂંકાવવા ઇચ્છતી એ સ્ત્રી માટે તમારું દ્રષ્ટાંત બધીજ મુસીબતો સામે બહાદુરી થી સામનો કરવા ની હિમ્મત આપી ગયું. પોતાની ઓળખ છુપી રાખવાની શરત જોડે એણે આપનો આખો જીવન સંઘર્ષ અને આપની ખુમારી શબ્દેશબ્દ નિરૂપી મોકલાવી હતી. પોતાને માટે અને પોતાના જેવા અન્ય સંઘર્ષમય જીવન માટે આપ જેવી નીડર સ્ત્રીઓ પ્રેરણાનો સ્ત્રોત બની જીવવાની નવી દિશા દેખાડતી હોય છે- એ માટે આપનું નામ એણે સન્માન મેળવનારી સ્ત્રીઓની યાદીમાં સામેલ કરવા સૂચન કર્યું હતું. ખરેખર આપ જેવી સ્ત્રીઓ જ સાચી નારી શક્તિનું સ્વરૂપ છે. આપનું સન્માન કરી આપ ની જેવી હિમ્મતી સ્ત્રીઓથી અન્ય સ્ત્રીઓ પ્રેરણા ગ્રહણ કરે એજ અમારું ધ્યેય છે. આશા રાખું આપ જરૂરથી પધારશો અને હા, આપની દીકરીને પણ જરૂરથી લાવશો..."
બારણું વાસી સુવર્ણા બાલ્કની ઉપર પહોંચી. આમંત્રણ પત્રિકા વાંચી એની નજર આકાશમાં ડોકાઈ. વાવાઝોડું સમી ગયું હતું. સૂર્ય સુંદર ચળકતો પ્રકાશ પાથરી રહ્યો હતો, સુવર્ણાના હસતા, ખીલેલા ચ્હેરાની જેમ જ ! એનું નિરર્થક જીવન નવા ચળકતા પ્રકાશમાં તદ્દન અર્થસભર, સાર્થક અને ઉપયોગી દીસી રહ્યું હતું ! હવે એને જીવવું હતું, સંપૂર્ણ હ્નદયથી... ન જાણે કેટલા જીવન એને જીવતા નિહાળી જીવી રહ્યા હતા... એ બધાને માટે...
''ચાલતો રહે મુસાફર,
મંઝિલ મળે કે ન મળે,
તને ચાલતો નિહાળી ગાફિલ;
કેટલાયે મંઝિલે પહોંચ્યા છે..."