mariyam dhupli

Drama Romance Thriller

4  

mariyam dhupli

Drama Romance Thriller

અવગત

અવગત

10 mins
436


દિવાળીના તહેવારના આગમન માટે ફક્ત દસ જ દિવસો રહ્યા હતા. ઘણું બધું કરવાનું હતું, ઘણું બધું ખરીદવાનું હતું. એ સુમિલ જોડેની મારી પહેલી દિવાળી હતી. લગ્ન પછીની અમારી સૌ પ્રથમ દિવાળી ! હું ખૂબ જ ઉત્સાહિત હતી. હમણાં સુધી આટલા વરસો મેં મમ્મી-પપ્પા ને ભાઈ-બહેન જોડે દિવાળી ઉજવી હતી. પણ આ વખતે હું મારા હમસફર જોડે દીવાઓ પ્રગટાવવાની હતી, ફટાકડાઓ ફોડવાની હતી, મીઠાઈઓનો આનંદ માણવાની હતી, ખરીદીઓ કરવાની હતી અને નવા વર્ષને મારા નવા ઘરમાં શરૂ થયેલા, મારા નવા જીવન સફરમાં આવકારવાની હતી. 

મારો ઉત્સાહ મારી લાંબી શોપિંગ લિસ્ટમાં ઝળહળી રહ્યો હતો. જાણે કે હું આખી દુનિયા ખરીદી લેવા ઈચ્છતી હતી. મમ્મી-પપ્પા, ભાઈ-બહેન, સાસુ-સસરા, નણંદ-દેવર બધા માટે એકથી એક ચઢિયાતી ભેંટ મારે ખરીદવી હતી. 

સુમિલને મારા મનની વાત મેં સીધી જ કહી દીધી હતી,

"સુમિલ, મારે આ દિવાળીને મારા જીવનની સૌથી સુંદર દિવાળી બનાવવી છે. તમે સાથ આપશો ને ?"

સુમિલે મારા તરફ સ્નેહપૂર્વક નિહાળી મારી લાગણીઓને પોતાની પલકો ઉપર આદરપૂર્વક ગોઠવી દીધી હતી.

"તારી જેવી ઈચ્છા."

આટલું કહી તેઓ ઓફિસ માટે નીકળી ગયા હતા. એ એમનો સ્વભાવ હતો. એમને બહુ એક્સ્પ્રેસિવ થવું કે લાગણીઓને લાંબા સંવાદોમાં ઢાળવું ફાવતું નહીં. કદાચ એટલે જ તેઓ મને બહુ બાથમાં ભરતા નહીં કે અચાનકથી આવી મારી કેડમાં હાથ ભેરવી મને ચોંકાવતા નહીં. માથું માનપૂર્વક ચૂમી લેતા પણ હોંઠ પર... બધાનો પ્રેમ અભિવ્યક્ત કરવાનો અંદાજ એકસરખો થોડી હોય ! દીદીએ પણ મને એમ જ સમજાવી હતી, જયારે મારા મનની દુવિધા મેં એને જણાવી હતી.

 "બધા જ શાહરૂખખાન ન હોય, ખુશ્બુ !"

મેં મનને સમજાવી દીધું હતું. ફિલ્મના કીડાઓ પડદા ઉપર જ સળવળે. વાસ્તવમાં તો માન-સન્માનમાં જ પ્રેમના અણુઓ ભેગા કરી લેવાના હોય. 

સુમિલ ઓછું બોલતા, પણ અર્થપૂર્ણ બોલતા. એ દિવસે પણ નામના જ શબ્દોમાં એમણે મને વચન આપી દીધું અને પછી વધુ સંવાદોની જગ્યાએ વધુ કર્મોમાં રોકાણ કર્યું. ઓફિસમાંથી અર્ધા અર્ધા દિવસની રજાઓ મૂકી મારી જોડે દિવાળીની તૈયારીઓમાં હાથ આપવા મેદાનમાં ઉતરી ગયા. 

એ દરેક જગ્યાએ મને લઈ ગયા જ્યાં હું એમને દોરી ગઈ. મોટા બજારથી લઈ સાંકડી ગલીકૂંચીઓમાં પણ. હું ખૂબ જ ખુશ હતી. બસ એક જ વિચાર મનમાં ઝરણાં જેમ વહી રહ્યો હતો, કે આ ખુશીને કોઈની પણ નજર લાગે નહીં. 

પણ નજર તો લાગી !

એ બે મોટી મોટી આંખો. એની અંદર સળવળી રહેલી બે ભય ઉપજાવતી કીકીઓ. એ વેધક નજર જાણે પોકારી પોકારીને કહી રહી હતી કે મારી ખુશીઓ ઉપર ટૂંક સમયમાં જ પૂર્ણવિરામ લાગવાનું હતું. મારા મનમાં એ ઘડીએ એવો ધ્રાસ્કો પડ્યો હતો કે હું વર્ણવી ન શકું. 

દીવાઓ ખરીદી, પાસેની શેરડીની રસની દુકાનમાં અમે શેરડીનો રસ ઓર્ડર કરી ગ્લાસ આવવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે પહેલીવાર મારી નજર એના પર મંડાઈ હતી. દૂર અંતરેથી લેધર જેકેટ પહેરેલ,  એક જગ્યાએ ઊભી બાઈકને જાણીજોઈને જોરજોર એક્સિલેટર દઈ રહેલા એ યુવકમાં જાણે બદલાનો લાવા ખદબદી રહ્યો હતો. કાળા રંગના ઘટ્ટ ગોગલ્સ માથે ચઢી બેઠા હતા. જે રીતે એ અમારી દિશામાં નિહાળી રહ્યો હતો, એ જોઈ લાગી રહ્યું હતું કે એ કોઈના ખૂનનો પ્યાસો હતો.

હું થરથરી ઊઠી. સુમિલ તરફ નિહાળવાની હિંમત મારામાં ન હતી. એ એક જ ક્ષણમાં જાણે ભૂતકાળ મારા મન પર એકીજોડે અનેક ટકોરા પાડવા લાગ્યો. કોલોનીથી લઈ શાળા સુધી, ને શાળાથી લઈ કોલેજ સુધી, ને કોલેજથી લઈ ફેસબુક-ઈન્સ્ટા સુધી મારી તરુણાવસ્થા, યૌવનકાળ બધું જ આંખો આગળ સુનામી જેમ ઉછળવા લાગ્યું.

મારો પહેલો ક્રશ નીતિન, મારો પહેલો બોયફ્રેન્ડ આમોલ, પછી બીજો, ત્રીજો, ચોથો, એક પછી એક... ટાઈમપાસ, ગંભીર સંબંધો, પેચપ, બ્રેકપ, દગા -મળેલા અને આપેલા બંને, ફ્રેંડઝોન, પ્રપોઝલ,  રિજેક્શન, ટચ, કિસ અને ઘણું બધું...

લગ્ન પહેલાની હું અને લગ્ન પહેલાંનુ મારું પ્રેમ વિશ્વ !

અને એ વિશ્વ વચ્ચે હું એ ચહેરાને કશે નીરખી લેવા મંથન કરવા લાગી. પણ એ એટલું સહેલું ન હતું. ખબર નહીં, એની જોડે કયા સ્વરૂપમાં સંબંધ રચાયો હતો, તૂટ્યો હતો, ખબર નહીં ! મેં એને અપરિપક્વતાની કોઈ કાચી ક્ષણે કોઈ વાયદો કર્યો હતો કે પછી અન્ય કોઈ વધુ યોગ્ય લાગતા પાત્ર માટે ઠુકરાવ્યો હતો. કદાચ આમ જ મનના મનોરંજન માટે ચેટિંગમાં એની જોડે દિવાસ્વપ્નાઓમાં રાચી હોઉં કે સખીઓના કહેવા ઉપર મદિરાપાન અને ઉંમરના જોશમાં અર્ધબેભાન હાલતમાં એની જોડે ક્લબમાં ઠુમકાઓ લગાવ્યા હોય. મેં એને મન બહેલાવવા માટે પાસે આવવા દીધો હોય ને એણે મને ગંભીરતાથી લઈ લીધી હોય ? ! એટલી ગંભીરતાથી કે મારો પીછો કરતા કરતા એ દરેક સ્થળે પહોંચી રહ્યો હતો. 

એ દિવસે તો શેરડીનો રસ ઝડપથી ગટગટાવી હું સુમિલ કશું કળી શકે એ પહેલાં જ ત્યાંથી એમની જોડે ઘર તરફ ઉપડી પડી હતી. એ પણ બાઈક લઈ પાછળ ઘર સુધી પહોંચી ગયો હતો. મને આખી રાત્રી ઊંઘ આવી ન હતી. અહીંથી ત્યાં પડખું બદલતી રહી હતી. સુમિલ જોડેનો ગૃહપ્રવેશ, લગ્નના ફેરા, એમના જોડેની પહેલી મુલાકાતથી લઈ એમની જોડે માણેલી દરેક ક્ષણ આંખો આગળ આવી મને સંવેદનાઓથી ભીંજવી રહી હતી. સુમિલની માતા મને દીકરી જેવો જ સ્નેહ આપી રહ્યા હતા. એમના પિતા પણ મારી દરેક રીતે દેખરેખ રાખતા. મેં તો કદી સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે મને સુમિલ જેવા  જીવનસાથી મળશે. એટલા સીધા, એટલા સરળ અને એટલા કાળજી દાખવનાર. 

એ તો સારું કે પપ્પાએ એમની પસંદગી કરી હતી. જો મારી પસંદગીની વાત કરું તો પેલો ડરપોક કીરીટ, જે પ્રેમ કરવા માટે માતા-પિતાની પરવાનગી જરાયે ન લે, પણ લગ્ન તો મમ્મીની પસંદગીથી જ કરવાનો હતો. કે પછી પેલો આરવ ? જેને પ્રેમ કરવાની સાબિતી આપવા માટે એણે મને હોટેલના ઓરડામાં આમંત્રણ આપ્યું હતું. આમંત્રણ ન સ્વીકાર્યું એટલે પ્રેમ ત્યાં જ સ્વાહા ! એવા તો બીજા અગણિત નમૂનાઓ જીવનમાં આવ્યા ને ગયા. 

કેટલાક તો યાદશક્તિમાંથી ભૂંસાઈ પણ ગયા અને જે યાદ રહી ગયા એ બધા શીખેલા પાઠ સમા જ. આ બધામાં કશે પેલો બાઈકવાળો પણ હશે...

પણ જો સુમિલને એની જાણ થઈ તો?! એ પણ લગ્ન સંબંધના આ તબક્કે?! 

મારો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. મમ્મીની વાત કાનમાં પડઘા પાડી રહી હતી.

"દીકરીની જાત કાચ જેવી હોય. એક તિરાડ પડે કે જીવન બરબાદ થઈ જાય. આપણું વર્તમાન સાચવી લઈએ તો ભવિષ્ય સુધરી જાય. નહિતર જો ભૂતકાળનો એકાદ તણખો ઊડતો ઊડતો કશેથી આવી ચઢે તો આખો વર્તમાન બાળીને રાખ કરી નાખે."

મારે સુમિલને કોઈ પણ કિંમતે ગુમાવવા ન હતા. મને આટલો સુંદર પરિવાર ગુમાવવો ન હતો. પણ પેલી બે વિફરેલી આંખો...

બીજે દિવસે હું અને સુમિલ કપડાં ખરીદવા શોપિંગ મૉલ ગયા હતા. પેલો યુવાન પણ ત્યાં પહોંચી ગયો હતો. હું અને સુમિલ જ્યાં જ્યાં ગયા એ દરેક સ્થળે એ પાછળ પાછળ અનુસર્યો. મારે એનો ચહેરો ધ્યાન દઈ તાકવો હતો. પરંતુ સુમિલ મારી જોડે હતા. મારે કોઈ જોખમ ઉઠાવવું ન હતું. ખરીદીની વચ્ચે મેં વોશરૂમ જવાનું બહાનું કર્યું. ઉતાવળ જોડે હું વોશરૂમ તરફ ધસી ગઈ. ત્યાંથી ચારે તરફ નજર દોડાવી. એ કશે દેખાયો નહીં. મારા હૃદયના ધબકારા બહાર સુધી સંભળાઈ રહ્યા હતા. થાકી હારીને હું ફરીથી સુમિલ પાસે જઈ પહોંચી. સુમિલ બિલની ચૂકવણી કરી રહ્યા હતા, એ જ સમયે મારી નજર પડખે ઊભી વ્યક્તિ પર ગઈ. એ જ હતો. હું નખશીખ ધ્રુજવા લાગી. 

"સુમિલ ! તબિયત સારી નથી લાગતી. ઘરે જઈએ ? બાકીની શોપિંગ કાલે કરી લઈશું."

ટેવ પ્રમાણે એમણે મારી વાતમાં હામી પૂરાવી અને હું સુમિલનો હાથ થામી એ દુકાનમાંથી ને પછી મૉલમાંથી બહાર નીકળી આવી. 

એ રાત પણ માંડ માંડ પસાર થઈ.

ત્યાર બાદ તો દિવાળીની તૈયારીઓ માટે અમે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એણે અમારો પીછો કર્યો. 

હું સમજી ગઈ કે ભૂતકાળના આ સાયાથી સરળતાથી પીછો છૂટશે નહીં. આવનારું તોફાન ખૂબ જ પ્રચંડ હશે ! જે ખબર નહીં, કેટલું નુકસાન કરશે, કેવી તબાહી મચાવશે અને મારા ભાગ્યમાંથી શું શું છીનવી જશે ?

સુમિલ આમ તો અત્યંત શાંત સ્વભાવના હતા. પણ જો એમને મારા ભૂતકાળમાંથી એવી કોઈ માહિતી હાથ લાગી ગઈ, જેનાથી એમના અહમને ઠેસ લાગે તો... એમનો અહંકાર ઘવાયો તો... 

અહમ !

અહંકાર !

અહમ તો માનવીને હોય, અહંકાર તો એનો ઘવાય.

પ્રેમ ને ન તો અહમ નડે, ન અહંકાર. 

પ્રેમના વિશાળ સમુદ્રમાં તો હજારો ભૂલોની નદી ચૂપચાપ આવીને ભળી જાઈ ને કોઈને એની ભનક પણ ન લાગે !  

પણ આ તો મારું મન હતું. 

મારા વિચારો હતા. 

ને મારો પ્રેમ !

સુમિલની પ્રતિક્રિયા હું નિર્ધારિત ન કરી શકું. હા, કલ્પના જરૂર કરી શકું ને એ કલ્પના જ તો મારો જીવ લઈ રહી હતી. 

દસ દિવસો ક્યાં પસાર થઈ ગયા એની ખબર પણ ન પડી. સાસરેની મારી પહેલી દિવાળી જો આખરી બની ગઈ તો... એ એક જ વિચારે મનના દરેક દિપક બૂઝાઈ ગયા હતા. 

દિવાળીની આગલી રાત્રે હું મારા શયનખંડની બાલ્કનીમાં ઊભી હતી. આખું ઘર દીપકના પ્રકાશથી ઝળહળી રહ્યું હતું. ગાર્ડન એરિયાનું દરેક વૃક્ષ વીજળીના શણગારથી ઝગમગી રહ્યું હતું. રસોડામાં તૈયાર થઈ ચૂકેલા પકવાનોની મ્હેક ચારે દિશામાં પ્રસરી રહી હતી. દૂર દૂર સુધી આકાશ આતશબાજીથી પ્રકાશી રહ્યું હતું. દરેક તરફ ખુશીની ઉજવણી થઈ રહી હતી. ફક્ત મારું મન ગમગીન હતું. ભવિષ્યની ચિંતાએ વર્તમાનના ઉત્સાહને ઠંડોગાર કરી નાખ્યો હતો. મારી નજર શૂન્યાવકાશમાં ભમી રહી હતી અને એનું કેન્દ્ર બની હતી, પેલી બે સળવળતી આંખો, જે બદલાની પ્યાસી હતી. 

અચાનકથી કંઈક ખડકાટ થયો. જાણે કશુંક અફળાયું. હું ચમકી. મારી તંદ્રા તૂટી અને મારી જડ આંખો ચેતના ગ્રહણ કરતી પરિસ્થિતિની ચકાસણી કરવા મથી. 

ગાર્ડન એરિયાના અત્યંત પાછળના વિસ્તાર તરફ બે શરીર વચ્ચે જપાજપી થઈ રહી હતી. કોઈને એ જપાજપીની જાણ ન થાય એની તકેદારી રાખી રહ્યા હોય, એમ એ બે શરીર શક્ય એટલો ઓછો અવાજ કર્યા વિના ઘર્ષણમાં ઉતર્યા હતા. મારું હૈયું અતિ ઝડપે ધબકી રહ્યું. શ્વાસ હૂંફાળા થઈ ઉઠ્યા. હાથપગમાં આછું કંપન અનુભવાઈ રહ્યું. હું સમજી ગઈ !

પેલી બે બદલાની ભાવનામાં સળવળતી આંખો મારી ગૃહસ્થીમાં પ્રવેશી ચૂકી હતી. ખબર નહીં, એણે સુમિલને શું કહ્યું, શું નહીં. પણ ચોક્કસ એવું કશુંક કહી દીધું હતું કે શાંત, ધૈર્યવાન સુમિલના હાથ ઉઠી ગયા હતા. હું તરત જ બાલ્કની છોડી પરિવારના અન્ય સભ્યો ન જાણી શકે એ રીતે ગાર્ડન એરિયામાં ધસી ગઈ. જેમ જેમ યુદ્ધમાં ઉતરેલા એ બે પડછાયાઓની નજીક હું પહોંચી રહી હતી, તેમ તેમ મારા પગની ઝડપ ઓછી થઈ રહી હતી અને શરીરનું લોહી થીજી રહ્યું હતું. મારી આંખો આગળ મને મારું લગ્નજીવન ટુકડે ટુકડા થઈ, વેરવિખેર થતું દેખાઈ રહ્યું હતું. આંખો ડરથી સુષ્ક થઈ ઉઠી હતી. મારો ભૂતકાળ મારા વર્તમાનનમાં પ્રવેશી મારા ભવિષ્યને ઉજાડી મૂકવા ગૃહપ્રવેશ કરી આવ્યો હતો. મને મારી જાત પર રીસ છૂટી રહી હતી. નકામા લોકોને જીવનમાં મોજ ખાતર પ્રવેશ આપવાની કિંમત ખૂબ મોંઘી પડી શકે, એ મારી અપરિપક્વતા સમજી શકી ન હતી અને એનું પરિણામ મારી પરિપક્વતાને વેઠવાનું હતું. 

બંને પડછાયાઓના નજીક પહોંચતા મને એમનો દબાયેલો અવાજ ધીમે ધીમે સ્પષ્ટ સંભળાવા લાગ્યો. હું શોક્ગ્રસ્ત થઈ ગઈ. મારા ડગલાં સ્તબ્ધ થઈ ગયા. આગળ વધવાની જગ્યાએ હું ગાર્ડન એરીયાના ઘટાદાર વૃક્ષ પાછળ લપાઈ ગઈ. બંનેના શબ્દો કાનની જોડે મારા હૈયામાં પણ અથડાવા લાગ્યા.

"સુમિલ, તેં મને દગો આપ્યો. હું ફક્ત છ મહિના માટે આઉટડોર ગયો હતો અને તેં લગ્ન કરી લીધા ? ! પ્રેમ મને કર્યો અને લગ્ન..."

એ શબ્દો સાંભળતા જ હું આખેઆખી બરફ બની ગઈ. કાનના પડદા એક ક્ષણ માટે બહેર મારી ગયા. આખી સૃષ્ટિ આંખો આગળ ભમવા લાગી. પીડાની એક એવી આગ અંતરમાં સળગી ઊઠી જેનાથી રોમેરોમ ભડકી ઉઠ્યો. મારા શ્વાસ મને ભીંસવા લાગ્યા. કીકીઓ આગળ અંધકાર છવાઈ ગયું. મને થયું હું ત્યાં જ ઢળી પડીશ. પણ ત્યાં જ સુમિલના શબ્દો સંભળાયા,

"મેં તને દગો નથી આપ્યો, હેમંત ! માફ કરજે. પણ હું તને પ્રેમ નથી કરતો. તારી તરફની લાગણીઓ ફક્ત શારીરિક આકર્ષણ હતું, એનાથી વધુ કશું જ નહીં. એ વાત ત્યારે સમજાઈ જયારે હું ખુશ્બુને મળ્યો. જયારે એને જોવા ગયો ત્યારે એકાંતમાં ના પાડી દેવાનો મારો ઈરાદો હતો. પણ ખબર નહીં, એને નિહાળતાં જ... હું કશું કહી શક્યો નહીં. ઈટ વોઝ લવ એટ ફર્સ્ટ સાઈટ. એ ત્યારે તો ન સમજાયું. પણ જેમ જેમ એને મળતો ગયો, સમજતો ગયો, એની જોડે વાતો કરતો ગયો એમ એમ હું એના વધુને વધુ પ્રેમમાં પડતો ગયો. પ્રેમ શું હોય, એ હું એને મળીને સમજ્યો. આમ સોરી, યાર ! પણ આજ સત્ય છે. હું તારો ગુનેહગાર છું. તને જે સજા આપવી હોય એ આપ. પણ, પ્લીઝ ! ખુશ્બુનો આ બધામાં કોઈ દોષ નથી. એને..."

સુમિલના શબ્દોએ મારા શરીરના લોહીમાં ફરી ઉષ્મા ભેગી કરી આપી. હું કંઈ વિચારી શકું એ પહેલાં વિરામ પામેલી જપાજપી ફરી આરંભાઈ. 

"યુ બ્લડી ચિટ !"

સુમિલ પર થયેલા આક્રમણને આગળ વધતો અટકાવવાનો એક જ ઉપાય હતો. હું વૃક્ષની આડમાંથી બહાર નીકળી આવી. 

બંને શરીર છોભીલા બની સંકેલાઈ ગયા. પેલી બે આંખોમાં લોહીનું પૂર ઉમટી રહ્યું હતું. હું એ આંખોની અત્યંત સામે આવીને ઊભી રહી ગઈ. સુમિલની નજર હજી પણ ઢળેલી જ હતી. 

મેં પેલી વેધક દ્રષ્ટિ આગળ મારા બંને હાથ જોડી દીધા. 

"વી આર સો સૉરી ! જે કંઈ પણ થયું એ બદલ હું તમારી માફી માંગુ છું. અમે બંને તમારા અપરાધી છીએ. તમે જે સજા આપશો એ અમને મંજૂર હશે. હું સુમિલને ખૂબ જ પ્રેમ કરું છું. એમની ખુશી માટે કંઈ પણ કરી શકું છું. તમારો નિર્ણય મને અને મારા આવનારા બાળક બંનેને મંજૂર હશે."

સુમિલની આંખો ચમકી. ત્વરિત મારી દિશામાં ઊઠી. મારી આંખોના ઝળઝળિયા એની આંખોમાં ઉઠેલા અચંભાને મૌન હામી પૂરાવી. દિવાળીના દિવસે પરિવારના સામે જે સરપ્રાઈઝ એમને આપવા ઈચ્છતી હતી, એ આ રીતે આપવું પડશે એની મેં કલ્પના પણ ન કરી હતી. 

મારી રુદનની ધાર વહી નીકળી. અનિશ્ચિત ભવિષ્ય આગળ થાકીને મેં જાણે હથિયાર નાખી દીધા. 

એજ ક્ષણે મારો ચહેરો બે અજાણ્યા હાથમાં આવ્યો. એણે માનપૂર્વક મારું કપાળ ચૂમી લીધું. 

"કોંગ્રેચ્યુલેશનસ ! ઑલ ધી બેસ્ટ ! હૅપ્પી ન્યુ યર !"

હું અવાક રહી ગઈ. મને દિલથી શુભેચ્છાઓ પાઠવી, સુમિલ તરફ દ્રષ્ટિ કર્યા વિના જ એ શક્ય એટલી ઝડપે અમારા પ્રાંગણમાંથી અદ્રશ્ય થઈ જવા આગળ વધી ગયો. 

"આ'મ સૉરી ખુશ્બુ !"

સુમિલનો ગળગળો અવાજ મારા કાન પર પડ્યો. મારી નજર હજી પેલા પડછાયા ઉપર હેરતથી મંડાઈ હતી. મારા મોઢામાંથી સહજ શબ્દો સરી પડ્યા, 

"પ્રેમના વિશાળ સમુદ્રમાં તો હજારો ભૂલોની નદી ચૂપચાપ આવીને ભળી જાય ને કોઈને એની ભનક પણ ન લાગે !"

સુમિલનો હાથ મારા ખભે આવી અડ્યો. 

"અરે, સુમિલ ! ખુશ્બુ ! ક્યાં છો બંને ?" 

અમારો પરિવર અમારી રાહ જોઈ રહ્યો હતો. નવા વર્ષને નવી ખુશીના સમાચાર જોડે આવકારવા હું અને સુમિલ એકબીજાનો હાથ થામી ઘરની અંદર તરફ પ્રવેશ કરવા આગળ વધ્યા. 

પાછળ ગાર્ડન એરિયામાં શું ઘટી ગયું, એની કોઈને ભનક પણ ન લાગી !


Rate this content
Log in

Similar gujarati story from Drama