અવાર-નવાર
અવાર-નવાર
"અવાર-નવાર આવતી રહેજે" કહેતા, ચંદુ ગાંધીએ તેર વરસની જીવીના બરડે હાથ ફેરવતા પારલે ગ્લુકોના ચાર બિસ્કીટનું નાનું પેક હાથમાં મૂક્યું. ચંદુ ગાંધીનો હાથ , એક સાથે અનેક વીંછીની માફક જીવીને તેના બરડે ડંખ મારી ફરતા હોય તેમ અત્યારે પીડી રહયા હતા,પરંતુ ચાર દિવસથી ભૂખ્યા પેટની પીડા સામે તેને આજે તે વેદના વામણી લાગતી હતી.
તેર વરસની 'જીવી' વાને ઊજળી પણ બાપ વગરની છોકરી, તેની 'માં, દિવાળીથી ટીબીથી પીડાતી હતી એટલે મહિના પહેલા ગામનું ફરતું સરકારી દવાખાનું 'માં,ને તેના ઝુંપડેથી ઉપાડી ગયેલ. જીવી ભણેલી તો હતી નહીં, પણ એટલી અબુધ નહતી કે ચંદુ ગાંધીના બરડે ફરતા હાથની ભાષા, તે ન સમજે, ચંદુની મુરાદ સમજવામાં તે પાવરધી હતી. પરંતુ મુશ્કેલીમાં હંમેશા છેલ્લું પગલે રહેલો ...ચંદુ યાદ આવતો... જીવીની વ્યાજબી જરૂરિયાત...એક પાર્લે ગ્લુકોનું પડીકું... અને ચંદુનો બરછટ હાથ એના કુંવારા બરડે ફરતો, ક્યારેક ચોકલેટના બદલે તે ગાલ સુધી પહોચી ચુમટો પણ ખણે, જીવી હંમેશા તેના આ ચંદુવાળા છેલ્લે પગલે સાવચેત રહેતી. અને ચંદુને છેટે રાખી ખપ પૂરતો વ્યવહાર રાખતી.
જીવીને આ નંદાયેલી જિંદગી કોઠે પડી ગઈ હતી. સોળ વરસની થઈ ત્યાં માંએ સાસરે વળાવી, ત્યારે જીવીને થયું કે તેના 'અવાર-નવાર'ના એક ટાણાંના દિવસો ગયા, પણ આશા ઠગારી હતી, ચોથે મહિને તેનો ઘરવાળો ગામમાં વ્યાપેલી મહામારીમાં ખપી ગયો. સાસરિયાં તો હવે એને ડાકણજ માનતા.આવતા વેત જીવી તેના ધણીને ભરખી ગઈ તેવું માનવાવાળા હવે તેને મહેણાં મારતા, " ભાદરવાની ભેંસ જેવી ફાલી છે, લાજ શરમ નેવે રાખી " . અને આમ જીવીને સાસરિએ પણ હવે ઓરમાયું ચાલુ થતાં... પાછા 'અવાર-નવાર'ના એક ટાણાંના દિવસોની એંધાણી તેણે ભાળી. પણ પેટની આગ સામે 'માં, બાપની આબરૂ બંડ પોકારવા ઊંચી થતાં તેનું મન અટકાવતું હતું.
એક દી જીવીનો સસરો, તેને ઘરમાં એકલી ભાળી ભૂરાયો થયો, આમ "નાળાંના પાણી નેવે ચડવા મથતા" જોઈ, જીવીના આંતર મને આખરે બંડ પોકાર્યું અને સાસરિયું છોડ્યું, ને સરકારી દવાખાને ખોટા દરદના બહાને દાખલ થઈ, ડોકટરે તેનું જુંઠાણું પકડ્યું, ત્યારે પૂરી બીના કહેતા, ડોકટરની દયાથી દવાખાને દાખલ થયેલા દર્દીઓના છૂટક કામે લાગી શકી.
.... સરકારી દવાખાનના સ્પેશિયલ રૂમમાં ચાલતા એર-કન્ડિશનમાં પણ ચંદુ ગાંધીને કપાળે 'ઝરી' ફરકી ચમકી રહી હતી, તેને ચશ્મા ઉતાર્યા અને ઝ્ભ્ભાની બાંયથી કપાળનો પરસેવો લૂછતાં ખાટલે પડેલી લકવાગ્રસ્ત પત્ની જોતાં ઘેરો નિસાશો નખાઈ ગયો.ત્યાં તેને મોબાઇલમા તેના દીકરાનો કેનેડાથી ફોન આવ્યો, બાપુ 'માં, ના શું સમાચાર ? ચંદુએ હકીકત કહેતા જણાવ્યુ કે, અંહી તે અઠવાડીયાથી છે, બધા રિપોર્ટ કરાવ્યા, અને ડોકટરોએ કોફરન્સ કરી. તેઓ એ નિદાન ઉપર આવ્યા છે.. કે દીકરા તારી 'માં, ના મગજમાં લોહીના કણો બાઝી ગયા છે, આપણો કેસ ફેલ છે, માત્ર તેને મેનેજ કરવાનો રહેતો હોવાથી, ડોક્ટર કહે છે માં ને ઘેર લઈ જાવ, જેથી અંત સમયે તે ઘરના વાતાવરણમાં જીવ છોડે તો તેને કોઈ ઉચાટ ન રહે. તેઓ માને આજે રાજા આપે છે". "ભલે બાપુ તમે હેરાન ના થતાં કોઈ બાઈ રાખી લેજો, તમે ખરચની જરાપણ ફિકર ન કરતાં" ...
.... જીવીને છેલ્લા આંઠ મહિનાથી ચંદુ હાળે ફાવી ગયું... એમ કહેવા કરતાં.. જીવીને અંહી બંગલે રાખી તેના દ્વારા ચંદુની લકવા ગ્રસ્ત પત્નીની દેખભાળ કરાવી તે ચંદુને ગોઠી ગયું હતું.. ચોવીસે કલાક.. ઘરમાં હરતું ફરતું આંકડે મધ જોઈને ચંદુની આંખયું ઠરેલી તેમાં તેની તબિયત રંગીન બનતી જતી હતી. જીવીએ બંગલો એવી આત્મીયતાથી સંભાળી લીધોકે જાણે પોતાનું ઘર. ભીષ્મ પિતાની જેમ મોતની રાહ જોઈ સૂતેલી ચંદુની પત્નીની પડખે રહી જીવી સેવા કરતી રહેતી. "તૂટીની કોઈ બૂટિ નહીં" આખરે "સાવિત્રી" નામ પ્રમાણે ચંદુની પત્ની ચંદુ પહેલા યમરાજા પાસે પહોચી ગઈ. ઓન લાઈન કાણ મોકાણ, બેસણું પત્યુ ત્યારે ચંદુને સાવિત્રીના મોતના દુ:ખથી અધીક દુ:ખ, ચંદુને જીવીને હવે છૂટી કરવી પડશે તેનું હતું. જેની સેવા માટે જીવીને રાખી હતી, તે સાવિત્રી હવે ધામમાં સીધાવી ગઈ હતી તો જીવીને બંગલે રાખવી કેવી રીતે ?..તેનો કોઈજ ઉત્તર ચંદુને મળતો ન હતો !
આજે સાવિત્રીનું તેરમું પતી ગયું હતું, અને ચંદુના કે સાવિત્રીના જે કોઈ સ્વજનો આવ્યા હતા તે દિલાસો આપતા વિખરાયા. બચ્યા માત્ર બે જાણ.. એક બાજુ વરસોની દબાવી રાખેલી ખોરી દાનત સાથે ચંદુ.. અને બીજી બાજુ દુનિયાના ટપલા ખઈ તૈયાર થયેલી જીવી.
તે દિવસે બપોરે,ચંદુએ શબ્દો ગોઠવીને બોલતો હોય તેમ ચાલુ કર્યું... "હું માત્ર તારી સાથે આડો સબંધ રાખી શકીશ 'જીવી'. સીધો સબંધ હવે આ ઉમરે રાખી શકીશ નહીં". જીવીને નિરુત્તર જોઈ ચંદુ બબડ્યો "ઓલી જીવી"... આ ગામનો મેરાઈ કપડાં સિવે ત્યારે માપમાં થોડી છૂટ રાખે છે... ખબર છે ને ? , તેમ તું સબંધમાં થોડી છૂટ રાખજે હો. બંગલામાં રોજ નહિતો અઠવાડિયે દસ દિવસે આવતી રહેજે, નહિતો આખરે મહિને એકાદ દિવસ તો જરૂર આવવાનું રાખજે. અંહી તને કોઈ રોકવાવાળું નથી તું જ માલિક, અને કોઈ પૂછે તો કહી દેવાનું કે ચંદુ શેઠને ત્યાં રસોઈ કરવા જવું છું. હું તને અત્યારે મબલખ પૈસા આપી સાચવું છું તેમ સાચવતો રહીશ. મારી વ્યાજની આવક જ મહિને લાખ રૂપિયાની છે, તારે કોઈ ચિંતા નહીં, મહિને આંટો મારીશ તોય તારો પગાર સાચો"..
જીવીને ચૂપ રહેલી ભાળી ચંદુએ પૂછ્યું.. અરે જીવી " મારી વાત ગોઠી કે નહીં ?
ચંદુની ચકોર નજરે નોઘ લીધી કે .. જીવીનો ચહેરો ગુમસુમ હતો.. તેને તો ચંદુનો બંગલો જોઈતો હોય તેમ લાગ્યું !
આખરે જીવીના હોઠ ફફડયા.. તે કોઈ વિચારમાં હોય તેમ ધીમેથી બોલી,," હું પગારની થોડી ભૂખી છું ચંદુ ?
ચંદુએ તેને પગાર ઉપરાંત છ હજાર વધારાના બોનસ લેખે આપ્યા અને ચંદુએ તેનો બરછટ હાથ જીવીને બરડે ફેરવ્યો ત્યારે તેનાથી ઊંચા સાદે બોલાઈ ગયું ' મન થાય ત્યારે પાછી આવતી રહેજે, હક્ક સમજી.જીવી કોઈ પ્રતીભાવ દાખવ્યા વગર પગારની નોટોને બ્લાઉસમાં સરકાવી, અને પાછું જોયા વગર સડસડાટ ચાલી નીકળી.
.... ત્રણ મહિના વિત્યા, પરંતુ ચંદુને જીવીના દીદાર.. ન તો દુકાને થયા,… કે ન તો બંગલે !!! એક સવારે દુકાને જતાં પહેલા આજે જીવીના ઠેકાણે જવા વિચારી, ચંદુ તેનું એક્ટિવા જીવીના ઝૂંપડવાસે લઈ ગયો.. સાર્વજનિક બંબે ( પાણીના જોડાણે), ઘેરાયેલી એક બાઈને જીવીનું ઠેકાણું પૂછ્યું, તેણે જણાવ્યુ… અરે ચંદુ ભાઈ ફિકર ના કરશો... તમારાં ગાંધીયાણુંનું જેટલું બાકી હાથે તે તમને ફટ કરતાં રોકડું મળી જશે ! બીજી બોલી જીવીના ભાગ્ય ખૂલી ગયા, એ તો બે મહિનાથી મોટા માણસ સાથે બંગલામાં રહેવા ગઈ છે. ત્યાં ત્રીજી આવી વાતમાં ટાપસી પુરવતા બોલી અને બોલી પેલી બજારમાં અંગ્રેજી સ્કૂલ છેને એની સામે આવેલો સફેદ રંગનો બંગલો છે ત્યાં રહે છે અમારા જીવી બહેન.
"આ જીવલી હવે જીવી બહેન" ! ચંદુનું મન આજે માંકડું બનેલું, એટલે દુકાનની દરકાર વગર તેણે એક્ટિવા જીવીના ઠેકાણે જવા દોડાવ્યું .બંગલાના ચોકીદારે તેને પ્રવેશતા રોકતા, તેણે જીવી બહેનને મળવું છે કહ્યું,અને ચંદુ, વિરાટ બાંગ્લામાં પ્રવેશતા આભો રહી ગયો. વધારે કઈ વિચારે ત્યાં તેની નજર વિલચેરમાં એક વડીલને બેસાડી બગીચાની સેર કરવી રહેલી જીવલી ઉપર પડી. ચંદુ તેની પાસે જઈ ચડ્યો. વિલચેરવાળા સદગૃહસ્તની નજર ચંદુ ઉપર પડતાં તેણે જીવી તરફ જોયું. અને જીવીએ ચંદુ વતી જબાવ આપ્યો " એ મારા જૂના સાહેબ છે, હું એમને ઘેર તેમની પત્નીની સેવા માટે જતી હતી. ચંદુએ જીવીએ જાણી જોઈને 'રહેતી હતી" ની જગ્યાએ 'જતી હતી' એવું કીધું તેની નોધ લીધી" અને તેના માંકડું બનેલા મનમાં હજુ મેલી મુરાદો ઉછાળા મારી રહી હતી. વિલચેરવાળા સદગૃહસ્તે ચંદુને ઇશારાથી સામે રહેલી નેતરની ખુરશીએ બેસવા કીધું, અને ચંદુએ વિશાળ બંગલાનું વિહંગાવલોકન કરતાં બેઠક લીધી.
થોડીક વારમાં એક છોકરાને જીવી સાથે ટ્રે લઈને આવતો જોયો. પાસે આવીને જીવીએ ચંદુ પાસે ટેબલ ઉપર વિદેશી બિસ્કિટનો ડબ્બો મુકયો અને ચાનો કપ આપ્યો. ચંદુની નજર હવે જીવી ઉપર બરાબર નજર પડતાં જોયું, માથે સિંદુર અને મંગલસૂત્ર સાથે ઊભેલી જીવીના મો ઉપર સાહબી કરતાં અત્યારે સંભ્રાત સમાજની ખુમારી વધારે હતી. ચંદુએ કોઈ સંમોહનમાં બેઠો હોય તે અવસ્થામાં બિસ્કિટ પોતાના મોમાં મૂક્યું ત્યાં વિલચેરવાળા સદગૃહસ્ત બોલ્યા, "સાહેબ હું ખર્યુ પાન આજ કાલ કરતાં મને પંચીયાસી થયા, હું કેટલા દિવસનો મહેમાન ? પરંતુ પાછળથી કોઈ ડખો કે બબાલ ન થાય એટલે મે જીવી હાળે કોર્ટ મેરેજ કરેલા છે, એ મારો બહુ ખ્યાલ રાખે છે."
આ સાંભળી ભરપૂર ક્રીમવાળા બિસ્કિટનો ટુકડો ચંદુને તેના ગળે ફસાતો હોય તેમ લાગ્યો, અને હવે કડવા બનેલા તે ટુકડાને ધક્કો મારવા કપમાં રહેલી પૂરી ચા મોઢામાં ઠાલવી. કળ વળતાં સદગૃહસ્તને હાથ જોડી પાછો ફરવા જાય ત્યાં તેઓએ જીવીને ચંદુને વળાવા સાથે મોકલી.
રસ્તામાં જીવી ગુસ્સા સાથે બોલી, " ફટ'રે ચંદુ, મે મારી આખી જિંદગી, મારા માં બાપની આબરૂ, સાસરિયાંની ખાનદાની અને અમારા સમાજની પ્રતિષ્ઠા તેમજ મહાદેવની ડેરીએ કરેલી મારી છેડા છેડી, કોઈ કરતાં કોઈને કાળી ટીલી લાગે નહીં એવું હું જીવી. જિંદગીમાં સારા મોકા 'અવાર-નવાર' નથી આવતા, તે તારા હાથે, ખુદ તક જતી કરી છે."
..ત્યાં સુધીમાં બંગલાનો દરવાજો આવી ગયો હતો. ચંદુ બાહર નીકળ્યો ત્યારે તેના માંકડું બનેલા મનના ઉછાળા હજુ જપ્યા નહતા.