Kalpesh Patel

Drama Tragedy Classics

4.9  

Kalpesh Patel

Drama Tragedy Classics

કનૈયો ~આજની દેવકીનો ધબકાર

કનૈયો ~આજની દેવકીનો ધબકાર

3 mins
764


ગોમતીના લગ્ન થયા કેડે તો કેટકેટલાયે ચોમાસાં પસાર થઈ ચૂકયા હતાં. સામે ગમાણમાં બાંધેલી આ ટીલડી ગાયને ત્રણ સુખરૂપ વિત્યા પછી આ ચોથું આ વેતર ચાલતું હતું હતું. ગોવિંદના ઘરમાં આવ્યા પછી ગોદાવારીએ ફળિયામાં જે લીંબુડી વાવી હતી તેની પર અત્યારે લુંમેલુંમ લીંબુ બાઝ્યાં હતા. ઘાઘરી પોલકું પહેરીને પોતાના આંગણે કુકા ~ કોડી  રમવા આવતી કંચન ભાભીની આ કંકુડીના પેટે આ બીજું છોકરું ફરકતું થઈ ગયું હતું. વૈદના ઓસડિયા, ડોક્ટરના અખતરાં અને ભુવાના દોરાં ધાગા કરવા છતાં ગોમતીનો ભરથાળ ગોવિંદ લાચાર હતો, અને ગોમતીની કુંખ સતત કનૈયા માટે તલસતી હતી. આજ લગી ક્યારેય ગામ પંચાતિયાઓની વાત સાંભળીને પોતાના ખાલી ખોળા વિષે કદી આટલું લાગી આવ્યું નહોતું, જે આજે ગામ આખાયમાં ફજેતીના ઢંઢેળાનું કારણ બનવાથી તેનું રોમેરોમ ભડકી ઊઠ્યું હતું.

ગામના દરવાજે સોનું ઘાંચીને પતાસા અને ફૂલના થાળ સાથે સ્વાગતમાં ઊભેલો જોઈ મોહન મોચી એ રૂવાબથી સોનું ઘાંચીને આંગણે તેની દીકરી ચંપાનું, તેના દીકરા કેશવ દ્વારા પાણિગ્રહણ કરાવવાનો ઝપાટો કર્યો. પરણવા આવેલી જાનને પૂરા દસ તોલા સોનાના દાગીના મોહન મોચીને પહેરામણી અને બસેર ચાંદીના કડલા કેશવના હાથમાં મુખ જોવાના થમાવીતા મોહન મોચીનો હકારો મળતા. ઢોલ ઢબૂકવા લાગ્યાં. શરણાઈના સૂર હવામાં રેલાવા લાગ્યાં.

સોનું ઘાંચીએ જાન હેમખેમ પ્રસંગ પતાવી વહેલા સાર કોઈ ખટપટ વગર વળાઈ જાય તેમ ઈચ્છતા, તે ઝાપટાંની ફિરાકમાં હતો. કારણ કે તેની ચકોર ચાંપાડીનો પગ ઓણ હોળીએ શંભુ કુંભાર હારે કુંડાળે પડી ગયેલો. ચંપાનું પેટ પોત પ્રકાશે તે પહેલા રાતોરાત સાસરી ગામ પોતાની વ'વ ભેરી ચાંપાને રવાના કરી. છ સાત મહિને, મા દીકરી મોસાળથી હેમખેમ પાછા આવ્યા. ચંપાના ડિલ પર ચડેલી ચરબીને મોસાળની સાહબીનું થીગડું મરેલું, અને સોનું ઘાંચી ડિંગ માર્યે રાખતો પરંતુ. આખું ગામ ચંપાનાં ડીલની ચરબી અને ચમક , શંભુ હાળે લફરાંને આભારી હતી તે  વાત જાણી ગયું હતું. આમ ગામમાં તો ચંપાને પરણાવવી ભારે પડતી ભાળી ત્યારે સોનુએ આ મોહન મોચીના કણિયા કેશવને સગપણ નક્કી કરેલું.

અત્યારે ગામના સરપંચ અને ગોરની હાજરીમાં હસ્તમેળાપ વિધિ પતાવી, બલા વળગાડી દીધી હોવા છતાં છતાં સોનુંને પોતાની ચમાર  કોમના ખટપટિયા નાતીલાની નારદવેડાની બીક લગતી હતી અને જાન વળાવવાની ઉતાવળ કરતો હતો. પરંતુ છાંટો પાણીના ચક્કરમાં જાનૈયા તો ઠીક પણ ખુદ મોહન મોચી અને ચંપાનો વર કેશવ કણિયાના પગ મહુડાના નશે સાથ છોડતા હતા.

બીજે દિવસે બપોર પછી જાનૈયાની નશો ઉતાર્યો, સોનુંએ ઢોલીને ઢોલીને બોલાવવા કોઈને દોડાવ્યો. આ મથામણમાં ખાસ્સો ટાઈમ વીતી ગયો. શિયાળા ટૂંકા દિવસની વહેલી સાંજે ગોધૂલિ સમયે ગોમતી અને તેની ટીલડી ગાયને મારગમાં ભાળી જાનૈયાના ગોર મહારાજ શુભ શુકન સાંપડી ગયા માનીને જાન વળાવવાની તૈયારી કરતાં હતા ત્યાં સોનું ઘાંચીની વ'વે ના પાડી ! 

કન્યાની માંએ તે સાંજે જાનને  રોકી દીધી. જાનૈયાઓ તો ખુશ પડ્યા, જે એકરાત એક ટંક જે વધારાનું ખાવાનું અને પાછું પીવાનું મળ્યું એમ માનીને, સાંકડે-માકડે રોકાઈ ગયા !

આ આખી વાતથી અજાણ ગોમતીનો વર ગોવિંદ તો તેના ખેતરે ખાટમાં થાક્યો પાક્યો બીડી પીતો પડેલો પણ ગામના ખટાસ~વાદિયાએ તેની પાસે જઈને "ગોમતી વંઝીયાણ" ની માળા જપતા જપતા એવી તો મરચું મીઠાયુક્ત ભળતી સળતી રજૂઆત કરી હતી કે તેનું રુંવાડેરુવાડું સળગી ઉઠયું. સોનું ઘાંચીની વ'વ નું ગોમતી પર ઠોકેલું વાંઝીયામેણું તેને એવું તો કઠણ લાગ્યું કે ધરતી મારગ દે, તો પોતે અબ ઘડી ખડી જાય.

સાંજ વીતી અને રાત પડી ગઈ છતાં ભાંભરડા નાખતા બળદને ચરવા માટે એણે ખીલેથી નોખા નો'તા કર્યા. અરે ગામના રામજી મંદિરની બીજે દિવસે મંગળા આરતીની ઝાલર સંભળાણી છતાં ઊઠ્યો નહીં. જાણે મૂઢમાર પડ્યો હોય તેમ સુનમુન ટૂંટિયું વાળીને પડી રહ્યો.

બપોર થતા ખેતરથી થાક્યો પાક્યો ગોવિંદ ગાડું લઈને આવી પહોંચ્યો. ગોમતીની થયેલી નાલેશીમાં ગોવિંદને ચોખ્ખું પોતાનું હીણપન દીસતું હતું ! એટલે તો ઘરે આવ્યા પાછી તે ગોમતીની હાળે આંખ પણ મેળવી શકતો નહોતો.

નિરાશ દેખાતી ગોમતીને કેમ મનાવી તેનો વિચાર કરતાં.. કરતાં, ગોવિંદના મનમાં એક આગિયો ઝબકી ગયો કે આ દેવકી- જાસોદા 'વાળી' કળજુગમાં કેમ ના કરાય ?…. ગોવિંદના પગમાં થોડું જોર આવ્યું. ઊભા થઈને તેણે ગોમતીને પેટછૂટી વાત કરી. અને પછી તો તે દોડ્યો ચંપાના પેટના રતનનું સગડ લેવા શંભુ કુંભારના નીભાળે.

સવારે સુરજદાદા પોતાના સંપૂર્ણ દર્શન કરાવે તે પહેલાં તો ખડકીએ તાળું દઈને તે ગોમતીને લઇ, શંભુએ ચિંધેલા સરનામે દોડી ગયો.

ગોમતી અને ગોવિંદ.........વરસ કેડે રામજી મંદિરે, અનાથ આશ્રમથી દત્તક લીધેલા દીકરાની બાબરી ઉતારવા ગયા ત્યારે, શંભુ તેમાં પોતાની શકલ ભાળી, એ તો હરખીલો થઈ ગયો અને પતસા વ્હેચતો ગામ આખામાં ફરી વર્યો પણ, સાચો હરખ તો કેશવને પરણી અને બીજે જ મહિને વિધવા થયેલી ચંપાને થયો હતો.

"કેશવ"ના વિયોગમાં રહેતી ચંપા હવે જ્યારે, ગામ આખાયમાં છોરાને લઈ રૂવાબથી ફરતી ગોમતીને જોતી, ત્યારે તેને ગોમતીની કુંખમાં રહેલ છોરામાં, તેને "કનૈયો" દેખાતો હતો !

તે હવે સ્વગત ગણગણતી 'કનૈયા' તું મુજ આંગણ ભલે ન આવ. હ્રદય મારું તને સમર્પિત છે 'ધબકાર' બનવા તું નજરે જરૂર આવતો રહેજે !


Rate this content
Log in

Similar gujarati story from Drama