Kalpesh Patel

Abstract Drama Tragedy

4.9  

Kalpesh Patel

Abstract Drama Tragedy

વિરહ

વિરહ

2 mins
529


ઝૂમકું ડોસીના ત્રણેય દીકરાઓ ગામની સોનાથી અધિક ઉપજાઉ જમીન છોડી રળવા દૂર દૂર વેરાઈ ગયેલા. એમની વહુવારુઓને ગામના ગોબર ગાળાની સૂગ. મા પ્રત્યે ભારોભાર લાગણી, પણ વીસ નહોર વારીના તાબે હોઇ ગામથી દૂરી રાખતા. ત્રણ વરસના વહાણા પછી આ દિવાળી જેવા સપરમા દિવસોમાં ત્રણેય દીકરાઓ તેમના વસ્તાર સાથે ઘરે આવ્યાં છે; શિશુના કલ્લોલથી ઝૂમકું ડોસીનું સૂનું સૂનું ઘર ગાજી ઊઠે છે. ખોરડાની દીવાલો સાથે અથડાઈને પાછી વળતી હવાના નિ:શ્વાસ સિવાય જે ઘરમાં બીજો શબ્દ સંભળાતો નહોતો તે ઘરમાં બંગડીનો રણકાર, ઝાંઝરનો ઝણકાર, બાળકોનો કલશોર, મોટેરાંઓની વાતના તડાકા – આ બધું ઘરને ખચી દે છે; ઝૂમકું ડોસીના સ્નેહ અને વાત્સલ્યની હૂંફ વાતાવરણમાં વ્યાપી જાય છે. જીવનના તાણાવાણા વણાતા જાય છે ને સુખી સંસારની સુંદર ભાત ઊપસી આવવાની તૈયારીમાં જ છે, ત્યાં ઝૂમકું ડોસીના મનમાં વિષાદ વિયોગ ચોરપગલે આવીને આગામી વિરહ વચ્ચોવચ પોતાનું આસન પાથરીને બેસી જાય છે, આ દિવાળીની રજાઓ પછી શું ?

આગામી વિરહ-વિયોગનો વેધ લાગતાંની સાથે જ એની શ્યામ છાયા તેમની ઊંઘ હરામ કરી નાખે છે. વહેલી સવારે બિસ્તર છોડી રસોડે ઘૂસી ચૂલો પેટવી રોટલાનો લોટ બાંધી ઢેબરા બનાવવા બેઠા. ઢુંકડા વિરહની અકળ વેદનાના ભારથી તેમની વાચા હવે મૌનને તળિયે જઈને બેસે છે, ને એ રીતે, આ ઘરમાં પરિવાર મિલન પહેલાંની જે શૂન્યતા હતી, તે ઝૂમકું ડોસી ફરી વિસ્તરતી અનુભવે છે.

એ સમજતા હતા કે આ છેલ્લી વાર બધાં ભેગાં બેઠાં છે, દીકરાઓ ને તેમનું કુટુંબ તો અટાણે હારે છે. પણ એ બધાંની ભેગો વિરહ ઝૂમકું ડોસીના મનમાં પોતે પણ ગોઠવાઈ ગયો છે ! વારસોથી તેમના પતિના અવસાન પછી આવી ઘણી વિરહની ઘડીઓ વેઠી છે. પણ આ વખતની વાત અલગ છે એટલે એને ઉવેખવાની હામ તેમની પાસે નહતી; ને નિરર્થક, કામમાં ખુપેલા રહી ઘસી આવતી નિસ્તબ્ધતાના જુવાળને ખાળવા મથી રહે છે.

આમ આખરે સવાર થયું. પંખીઓનો ટહુકાર બહાર તો થયો ઘરમાં બાળકોના કલશોર થયો. મોટો ને વચોટ, તેઓની વ’વ અને તેઓનાં બાળકોને લઈને મોંસૂઝણું થાય તે પહેલાં જવાનાં હતો તેઓને રોટલા અને શિખ આપી ઓવરના લઈ વળાવ્યાં ! આમ સૂરજ ઊગતાં તો ઘર અર્ધું ખાલી થઈ ગયું. પછી તો વિરહના અખંડ સામ્રાજ્યની આણ આગોતરી વિસ્તરવા જ લાગી. ઝૂમકુંને એક જ કામ રહ્યું – નાનાંને તેના વસ્તાર સાથે ભાથું બંધાવી વિદાય કરવાનું. મલાજાને કારણે તે નાના સાથે ધીમે અવાજે વાત કરતી, મર્યાદાને કારણે નાના ની વ’વ ખડખડાટ હસતી નહીં, પણ સ્મિત ધારણ કરતી એ પણ તેમને પગે પડી. એમને વિદાય કરીને જ્યારે સૂના ઘરમાં ઝૂમકું ડોસી આવી, ત્યારે જાણે વિજય પામેલા “વિરહને” ચરણે એ ફસડાઈ પડી. તેમની છાતી ગરગડીયા લેતી ગરજતી હતી, બિડાતી આંખે અને ધીરા પડતાં શ્વાસે જોયું તો નાનકાની દીકરી તેમને માથે હાથ ફેરવતી જાણી પોતે હજુ એકલી નથી જાણી હાશકારો લીધો......!

નાનકાની દીકરી પણ ઝૂમકું ડોસીના વિરહમાં ગાડીના દરવાજાના પગથિયે રૂંધાયેલે હૈયે ફસડાઈ હતી !


Rate this content
Log in

Similar gujarati story from Abstract