Kalpesh Patel

Classics Fantasy

4.9  

Kalpesh Patel

Classics Fantasy

ખાંપો

ખાંપો

4 mins
1.3K


મેરુ મેરાઈને આટલી પીડા તો ગઇ શીતળા સાતમે સાપ કરડ્યો'તો ત્યારે પણ નહોતી ઉપડી ! મેરુ આખોય દિવસ અને રાત તરફડતો રહ્યો. આખા શરીરે જાણે લાય લાગી હોય તેમ તે સૂઈ કે સ્થિર બેસી પણ શકતો નહોતો. મેરુ મેરાઈ આજ ત્રીસ વરસથી ગામમાં દરજીની દુકાન માંડીને બેઠો છે પણ આટલી ગુંગળામણ તેણે કદી અનુભવી નહોતી. પરભુ આમ તો ખાધે-પીધે સુખી અને પાંચ માણસમાં પુછાતો. ગામ અખાના બૈરાંનો માણીતો મેરાઈ, તેની નજર મેઝર ટેપથી પણ કાતિલ, નજર માંડે અને ચોલી ચણિયા કપડાંને વેતરી ઊભી વારમાં સિવિ આપે. ફાટેલા કે જારી ગયેલા લૂગડાંને રફુ કરી અદ્દલ નવા બનાવી દે. કોઈ આડી વાત નહીં કે કોઈ આડી લાઈન નહીં. ગામના બૈરાં નિસંકોચ તેની પાસે ગમેતે ઘડીએ જાય એવી તેની શાખ..

પણ આજે કોઈ કાળ ચોઘડિયે  તે ખરી ભીંસમાં આવી ગયો હતો. મેરુને ઘડીક તો થયું કે તેની છાતીના પાટિયા ક્યાંક ભિડાઈ ન જાય ! દુકાને જરા પણ ચડતર કામ નહોતું તો પણ બપોરનું શિરામણ કરવા ઘરે ન ગયો. તેની ભૂખ-તરસ ઉડી જાય તેવું તો તે બિચારાથી આજ સવારે અડવીતરું થતા થઇ ગયું હતું ને !

વૈશાખી સવારમાં ગામના પાદરે કરસનની બીજીવાર ની વ'વ 'કજરીએ' આજે રામજી મંદિરની પછીતે આવેલી મીઠા પાણીની વાવના પાણીમાં છબછબિયા કરી વાવ પાસે પડતર જમીનમાં કૂણું ઘાંસ કાપી તેની ગંજી બનાવી, ઘડીક પોરોખાઈ ફૂટીનીકળેલ બોરડીના બોર ચૂંટી ખોબલો ભર્યો તે ખાટા બોર ચગરતી ચગરતી તે ઉતાવળે પગલે ઘરભણી વહેતી થઇ. હવેલીએ દર્શન કરવા ગયેલી સાસુ સમરથ પાછી આવી જાય એ પહેલાં ગમાણમાં ગાયને ઘાંસનું નિરામણ અને જો આગિયારસનું ફરાળ તૈયાર ન થાય તો તો સમરથ ડોસી, બિચારી કજરીનો જીવ ચૂંટી નાખે ! સમરથનો ત્રાસ એટલો તો અસહ્ય હતો કે કાજરીને ઘણી વાર રામજી મંદિરની વાવને ગોઝારી ઠેરવી દેવાના વિચાર આવી જતાં. પણ માં બાપ વગરની મોસાળે ઉછરેલી મામાં મામીની આબરૂનો વિચાર આવતાં અટકી જતી. કજરીનો વર કરસન તો આખો દિવસ ખેતરે ખેતી કરવામાં રચ્યો રહે.

સાસુના ત્રાસથી છટકવા કજરી ઘણી વખત રાતે રડતાં રડતાં કરસનને બધી વાત કરતી પણ તેનો પાણી વગરનો માવડિયો ધણી માની સામે કશું બોલી શકતો નહીં. કજરી જેવી રૂપમાં હતી તેટલી જ કામમાં પણ પાવરધી હતી. આખા ઘરના કામનો ઢસરડો એકલી ઢસરતી. આ બધા તરસમાં બે ટાઈમનો રોટલો માટે કોઇની ઓશિયાળી ન હોવાથી બધોય ત્રાસ વેઠતી. અત્યારે પણ માથા પર ઘરની ગાય માટે સિમ કાપેલ ઘાંસની ગંજી માથે મૂકી બોર ખાતી ઝડપથી ઘરભણી જતી હતી પણ વાટમાં પોતાના ગામના ગોરમા'રાજને ભાળી ગઈ અને માવતરના સમાચાર જાણવા તે જેવી સાદ પાડવા ગઈ અને તેણે ઠેસ લાગી ગઈ અને માથા ઉપર રહેલી ઘાંસની ફાંગોળાઈ અને બીજે કોર તે પણ જમીન પર પછડાણી. સાવ નવાનકોર ચણિયા ચોળીને રસતે રહેલ ગોખરુથી ઉઝરડા ભરાઈ ગયા હોવાથી ખાંપો ભરાઈ ચાર જગ્યાએ ફાટી ગયા. નવા નક્કોર ચણિયા ચોળી ધૂળમાં ખરડાયા તે વધારામાં.

કજરી બિચારી થરથરી ઉઠી. સમરથ ડોસીને ખબર પડે તો તો બિચારી કજરીની ચામડી જ ઉખેડી નાખે. સાસુ હવે તો હવેલીથી આવતી પણ હશે. કજરી ઘડીક બેબાકળી બની ગઈ પણ સાસુના ભયે જ કજરીને રસ્તો સુઝી આવ્યો. ગવરી દોડતીક મેરુ મેરાઈની દુકાને પહોંચી ગઈ. મેરૂ ગામ આખાના બૈરાંઑના લૂગડાં સિવતો અને ફાટેલાને રફૂ એવું તો સરસ કરી આપતો કે પહેરનારને પણ ખબર પણ ન પડે કે આ તેણે ફાટેલું કપડું પહેરેલું છે ! મેરુ મેરાઈ તેની દુકાને સંચા ઉપર કઈ કપડું સીવી રહ્યો હતો . કજરીએ મેરુને વિનંતી કરી તેના ખાંપો ભરાઈ ફાટેલા ચણિયા ચોળીને રફૂ કરી દેવા આજીજી કરવા લાગી. મેરુની દુકાને અત્યારે કોઈ ઘરાક પણ નહોતું કે રસ્તા પર હજુ અવરજવર પણ શરુ થઇ ન હતી. સમરથ ડોસીના ડરથી થરથરતી અને હાંફતી કજરીને જોઈને, મેરુને તો "આંકડે મધ દેખાણું." મેરુ સમજી ગયો કે અત્યારે ગરજ માં કજરીને અડપલું કરી લઈશ તો પણ કશું બોલશે નહીં. મેરુ એ હાથમાં લીધેલું કામ પડતું મેલ્યું અને કજરીને બીજા લૂગડાં આપી, પરદા પાછળ જઇ ફાટેલા ચણિયા ચોળી કાઢી આપવા કીધું . કજરીની નજર તો પરદાઓ વીંધતી રસ્તા પર હતી કે ક્યાંક તેની સાસુ ટપકી ન પડે ! જયારે ઠેર ઠેર ફાટેલા પરદા પાછળ કપડાં બદલી રહેલી કાજરીના કસાયેલા દેહ જોઈ મેરુની નજર તો સંપૂર્ણ બગડી ચુકી હતી.

ફાટેલી ચોળીને મેરુએ તેના ઢીંચણે ઉંઘી કરી ભરાવી અને પછી સોયથી તણા-વાણા જોડી રફૂ કરવા લાગ્યો. પણ તેની નજરતો ઝડપથી શ્વાસ લેતી વખતે ઊંચા-નીચા થતા જતાં ગવરીના વક્ષસ્થળ પર વારંવાર અથડાયા કરતી હતી અને તેથી જ રફૂ કરવામાં વાર લાગતી હતી. કજરી ગજબની ગભરાઈ ગયેલી હતી. સાસુનો ભય તેના અણુએ અણુમાં એવો વ્યાપી ગયો હતો કે માપ લેવાને બહાને મેરૂએ ક્યારે તેની કાયા સાથે અડપલું કરી લીધું તેની કજરીને કશી ગમ પડી નહીં. 

કપડાંને રફુ થઈ જતાં તે જટ પટ પહેરી, ઘાંસની ગંજી લઇ તે તો સીધી તેના ઘેર ભાગી ! ગમાણમાં ગાયને ઘાંસ નિરી દિઘું. ઝપટ કરીને મોરૈયો ચૂલે ચડાવી દીધો અને ડેલીએ વાસીદું વળવા લાગી . સમરથ ડોસીના આવતા વેત દરરોજની જેમ કજરીએ તેમણે પ્રણામ કરી પ્રસાદ માંગ્યો સમરથ ડોસીએ એક દ્રષ્ટિ કજરી તરફ ફેરવી પણ ખાંપો ભરાઈ ફાટેલા ચણિયા ચોળીની કશી ગંધ ડોસીને કળાઈ નહીં ત્યારે ઠેઠ કજરીનાના ધબકારા હેઠા બેઠા. મનોમન નેરુનો આભાર માન્યો અને હાસકારો લીધો .

ખાટમાં પડખે તેની પત્ની હોવા છતાં મોડી રાત સુધી મેરુ બીડીનાં ઠુંઠાં ઉપર ઠુંઠાં ફૂંકતો રહ્યો પણ તેને ઊંઘ આવતી ન હતી. મધરાતે જાગી ગયેલી પત્નીએ મેરુને લાડ લડાવતા મેરુને વળગી. પણ રોજ કરતાં અલગ ડખોળાયેલ મેરુ હોવા છતાં સમરથની માફક તેને પણ મેરુના હૃદયે  કોઈ ફરક દેખાયો નહીં અને તે પાછી ઊંઘી ગઈ.

ગામ આખના ખાંપાને સરખા કરવામાં કાબેલ મેરુને આજે તેના મનમાં ભરાયેલ ખાંપાને રફુ કરી સાંઘવામાં તો નાકે દમ આવી ગયો. બીડી પીતાં પીતાં તે વિચારમાં હતો. ફટ રે મેરુ શરણે આવેલ એ સંતાન સમાન હોય , અને તે આ શું કર્યું ?' અને મેરુ મેરાઈ બાજુમાં રહેલી પત્નીને હડસેલી ઠીક ગઈ સવારે તેની દુકાને ઠીક પરદા પાછળ હાંફી રહેલી કજરીની જેમ જ હાંફવા લાગ્યો. ભાલબલા   લૂગડાંને ભરાયેલ ખાંપો સરખો સરખા કરનાર કાબેલ મેરુ આજે તેના "ચરિતરને" ભરાયેલ ખંપાને રફુ કરવા અસમર્થ હતો. ઘોર પછતાવામાં તેનું પ્રાણ પંખેરૂ ક્યારે ઊડી ગયું તે, તેણે પડખે સૂઈ રહેલી તેની પત્ની ને પણ ખબર ન પડી.


Rate this content
Log in

Similar gujarati story from Classics