Vishnu Bhaliya

Classics Thriller

4.2  

Vishnu Bhaliya

Classics Thriller

દરિયો દુશ્મન નથી !

દરિયો દુશ્મન નથી !

12 mins
1K


દરિયો દુશ્મન નથી !

દરિયામાં દિશા દેખાડતી દીવાદાંડી દૂરથી દેખાઈ. વિશાળ જળરાશિથી ઊભરાતો દરિયો દેખાયો, અણિયારી ભેખડોમાં અથડાતી લહેરોનો ઉન્માદ પણ હવે સ્પષ્ટ સંભળાયો. અંગે અંગમાં રોમાંચ થઈ આવ્યો. મેં એકદમ ચાલ વધારી. ઉત્સાહપૂર્વક એકલી જ આગળ વધી ગઈ. કિરીટમામા ને મયૂરી થોડાં પાછળ છૂટી ગયાં. ઘણું ચાલી ગયેલા પગ આજે થાકતા નહોતા. કદાચ આ કદી ન માણેલાં વાતાવરણની અસર હતી, ક્યાં પછી પ્રકૃતિએ પગમાં ભરી દીધેલું ગજબનું ઝનૂન. પણ આજે જરાય થાક વર્તાતો જ નહોતો. નહિતર ત્યાં શહેરમાં તો સ્કૂટી વગર એક કિલોમીટર પણ મારે ચાલવાનું થાય તો પગ ન ઊપડે. જ્યારે અહીં તો બસ ચાલ્યા જ કરું. ડૂબતી જ જાઉં... આ હૂંફાળી હવામાં, આ ડહોળા દરિયામાં, આ લાપરવાહ લહેરોમાં અને ઊગી નીકળેલાં સોનેરી સપનામાં. સામે દેખાતા મહાકાય મહેરામણને પણ જાણે પગલાં માંડતી વટાવી જાઉં !

જમણી તરફ સિમેન્ટ કંપનીનો મોટો ખડકલો ને ત્યાંથી વણાંક લઈને બંદરમાં સરકતી સાંકડી ખાડી. અત્યારે જાણે એ મૌન સૂતી ન હોય ! મને લાગ્યું વીળના પાણી ઊભરાશે એટલે જરૂર કોઈ ખારવો એ ખાડીનું પાણી માપવા, જાળ લઈને દોડી આવશે. મેં એ સાંકડા કાદવિયા પટ્ટાને આંખમાં સમાવી લીધો. આવું ફરી પાછું ક્યારે જોવા મળે ? મારા જેવા શહેરી જીવને તો એ મોકો ફરી ભાગ્યે જ મળે ! પણ અહીં જે રહેતા હશે, આ દરિયાની ગોદમાં કાયમ સૂતા હશે, આ ખારી ખુશબૂ રોજ શ્વાસમાં ભરતા હશે, આ નાના-મોટા વહાણો લઈ રત્નાકરમાં રોજ રમતા હશે એમને કેવી મજા આવતી હશે નહિ ? મારું હૈયું બેઘડી મીઠી કલ્પનાઓમાં સરી પડ્યું. ત્યાં થયું :'એ સતત દોડધામને સિમેન્ટ કોંક્રીટના ગીચોગીચ જંગલને છોડીને અહીં કાયમ રહેવાનું હોય તો કેવું સારું !'

મારા મોંમાંથી નીકળેલો એ હળવો નિસાસો, વહાણવટી માતાના મંદિર ઉપર ફરકતી લાલા પતાકાના ફફડાટ સાથે ભળી ગયો. ત્યાં મને ખ્યાલ આવ્યો કે મારા પગલાં હવે છેક મંદિર સુધી આવી ગયા છે. મેં નજર ઊંચી કરી, ક્ષણાર્ધમાં આખું મંદિર માપી લીધું. નયનોમાં નૂર ઊભરાયા, દૃશ્ય જ એવું નયનાકર્ષક લાગ્યું. અને મારા ધબકારા ભીતર સળવળ્યા : 'કેવું શાંત ઊભું છે મંદિર ! કોણ જાણે કેટલાય વર્ષોથી અડીખમ હશે. અહીંથી નીકળીને આ અફાટ મહાસાગરમાં અદૃશ્ય થઈ જતાં કેટલાય વહાણોને તેણે જોયા હશે ! રોજ આ સામેની ક્ષિતિજને ચીરીને જ્યારે સૂર્ય બહાર નીકળતો હશે ત્યારે નક્કી તેનું પહેલું કિરણ આ મંદિરના શિખરને ચૂમતું હશે.'

મારી જમણી તરફ એક મહાકાય મોજું ભેખડ સાથે અથડાયને વિરમી ગયું. ઊઠેલી વાછટની કેટલીય ઝીણી બુંદો મને ભીંજવી ગઈ. અંદરથી અને બહારથી. બીજી જ ક્ષણે એ લહેરને અભિમાન છોડી સફેદ ફીણ બની જતા મેં જોઈ. એટલીવારમાં પાછા વળી જતાં દરિયાનાં પાણી સાથે એ સફેદ ફીણ, પાછું પાણી જેવું પાણી બની જતું. હું થોડીવાર આ ખેલ જોયા જ કરી. મોજું આવતું... અથડાતું... શોર ઊઠતો અને વળતાં પાણીએ પાછું એ મોજું ફીણમાંથી પાણી બની જતું. જાણે કુદરતનું કોઈ ગૂઢ રહસ્ય એમાં ઘૂંટાતું હોય એમ હું અપલક તેને જોયા કરી. પછી એક ઝટકે મન ખંખેરીને ધ્યાન ત્યાંથી હટાવ્યું. ગેબી હાસ્ય અનાયાસે મારા મોં પર ઊપસી આવ્યું.

મેં પવનથી ઊડવું ઊડવું થઈ રહેલો મારો દુપટ્ટો ઠીક કર્યો. થોડી સંકોચાઈ પણ ખરી. આસપાસ કોઈ હોય એવો આભાસ ન થયો. લાગ્યું: બસ ! દરિયો, મંદિર ને હું. અને હા, પેલી દીવાદાંડી. જોયું તો અત્યારે પણ તે મને તાકી રહેલી. લાચારીભરી. મારાથી એક ભારે શ્વાસ લેવાઈ ગયો. હું તેને વટાવીને આગળ નીકળી ગયેલી. મમ્મીના જુના ફોટોગ્રાફમાં આ દીવાદાંડીનો ફોટો મેં ઘણીવાર જોયેલો. હૂબહૂ આ જ હતી. હા, હવે થોડી જર્જરિત જરૂર થઈ હતી. પણ, એની સાથે મમ્મીના સંભારણાં હજી ચોંટેલા તો હશે જ. મને તેની દીવાલો પર હાથ ફેરવવાનું મન થઈ આવ્યું પણ અફસોસ હવે તેની ફરતે મજબૂત દીવાલ ચણાઈ ગયેલી. સમયનો કાટ એને ચઢી ગયેલો. ક્યાં કોઈ બચ્યું છે તે એ બચે ?

ભીની રેતી મારા પગ નીચે આવી. મેં કંઈક યાદ આવતા પાછળ ફરીને જોઈ લીધું. મને હવે અચાનક ખ્યાલ આવ્યો કે હું એકલી એકલી જ ઘણી આગળ નીકળી ગઈ છું. હું, મયૂરી ને કિરીટમામા સાથે જ ફરવા નીકળેલાં. જોકે હમણાં તો મામા હજી ઘણે છેટે દેખાયા.

મયૂરી આમતો મામાની દીકરી. તો પણ મારી સખી વિશેષ. મોબાઇલમાં એની સાથે હું ખૂબ વાતો કરતી. જ્યારે કિરીટમામા ખાસ કંઈ બોલે નહીં, બિલકુલ શાંત સ્વભાવના. અને કદાચ એટલે જ ગંભીર વધારે લાગતા. અહીં જ ઊભા રહી એમની રાહ જોવાનો મને ક્ષણિક વિચાર આવ્યો.

પછી થયું:'ચાલ્યા આવશે ધીરે ધીરે.. હું મંદિરે પહોંચતી તો થાઉં !'

એ લાપરવાહ વિચાર સાથે હું ફરી ખોવાઈ ગઈ. આ દરિયાની દુનિયામાં. પાણીની બોટલ અને બેગ એક તરફ મૂક્યા. પગ ખારા પાણીમાં ઝબોળ્યા. પાણી વધારે ઠંડું હતું કે મારી ત્વચા વધારે મુલાયમ હતી એ ખબર ન પડી. જે હોય તે પણ મને દરિયો વધારે ઠંડો લાગ્યો. સ્વર્ગીય આનંદ મળ્યો હોય એમ રોમેરોમમાં રોમાંચ થઈ આવ્યો. મેં મનોમન મામાનો આભાર માન્યો. શબ્દો મારી સ્વરપેટીમાં સળવળ્યા: ' સારું થયું મામા તમે હજી આ દરિયાની દુનિયામાં રહો છો. એ બહાને મને અહીં આવવા તો મળ્યું. બાકી, આ દુનિયા હું ક્યારે જોઈ શકત ?' અંતરતલમાં ઊભરો ચઢી આવ્યો.

જોયું તો મંદિરની મૂર્તિ બિલકુલ દરિયા સામે. જાણે મા દરિયાને કહેતી ન હોય: 'હું બેસી છું હજી ખારવાના રખોપા કરવા..'

મેં માતાના દર્શન કરીને નજર દૂર સીમાડે સ્થિર કરી. પાછળ વળીને પેલી દીવાદાંડીને ફરી એકવાર આખેઆખી આંખોમાં છાપી લીધી. મયૂરી અને મામા સામેના ખડક પરથી મને જોઈને હરખાતાં ઝડપથી આવી રહેલાં. કદાચ આ સ્થળ વિશે મારી આટલી દિલચસ્પી તેમને મારા કરતાં પણ વધારે ભાવવિભોર કરતી હતી, મને તો એવું જ લાગ્યું.

"મંદિરમાં દર્શન કર્યા ?" મયૂરીએ હાંફતા હાંફતા મને પાછળથી પૂછ્યું. પગથિયાં ચઢતાં તેને થોડો શ્વાસ ચઢી ગયેલો.

હું હજી 'હા' કહું એ પહેલાં તો કિરીટમામાનું મીઠું ફરમાન મારા કાને અથડાયું.

"સરિતા ! બહુ આઘે, ધારમાં નહિ જાતી. પવન થોડો વધારે છે આજ."

મેં ઊંડા ખડક નીચે ધ્યાનમગ્ન નજર ખેંચી. એકબીજામાં ગૂંચવાતાં અસંખ્ય મોજાં પર ફીણોટાં ઊઠી રહેલાં. જ્યારે દૂર ઝાંખી ક્ષિતિજને પેલેપાર દરિયો નીરવ શાંતિ ઓઢીને સૂતેલો જણાયો. જાણે કોઈ યુગદ્રષ્ટા વિચારમગ્ન અવસ્થામાં લીન ન હોય ! બિલકુલ એવું જ લાગે.

એટલીવારમાં આ વિશાળ ખડકની ડાબી તરફ એકાએક મારું ધ્યાન ખેંચાયું. જોતાવેંત મારી આંખ સહેજ પહોળી થઈ. છ-સાત નાની નાની દેરીઓ બિલકુલ દરિયા સામે ખોડાયેલી. મને વધારે વિસ્મય તો એ થયું કે એક સફેદ લાદીથી મઢાયેલ દેરી આગળ એક વૃદ્ધ દંપતી ભાવપૂર્વક પ્રસાદી ધરી રહેલું. એક દસેક વર્ષનો છોકરો પણ તેમની સાથે ઊભેલો. કદાચ તેમનો પૌત્ર હશે.

મેં એ તરફ જવા પગ ઉપાડ્યા. એમને મારે કંઈક પૂછવું હતું ક્યાં પછી માત્ર કુતૂહલવશ. એ હું નક્કી નહોતી કરી શકતી. પણ બીજી જ ઘડીએ કોણ જાણે કેમ ઉપડેલા પગ પાછા અટકી ગયા. મયૂરી મારી પાસે જ ઊભેલી. તે મારા વદન પરના ભાવ વાંચવા મથી રહી હતી. હું જાણે દરિયાની ભમરીમાં અટવાઈ હોય એમ કેટલીયવાર ગોળ ગોળ ફર્યા કરી. મેં દરિયા સામે આક્રંદ કરતી મા અને દરિયા પર ફિટકાર વરસાવતી મા વિશે ઘણી વાતો સાંભળી હતી, વાંચી હતી પણ આ દૃશ્ય તો એનાથી બિલકુલ વિપરીત. ત્રણેમાંથી કોઈના મુખ પર જરા સરખો વિષાદ નહોતો. મને સહેજે કલ્પના આવી ગઈ કે વર્ષો સુધી આ ખારવાએ ખારા દરિયાને ખુમારીથી ખૂંદ્યો હશે. અને કદાચ આ દેરીમાં પોઢેલો દીકરો પણ દરિયાને જ ધર્યો હશે !

"સરિતા, બેટા ! આજે ઓગણીસ વરસ પછી મને એમ થયું મારી બેન પાછી આવી. એના ગામમાં. આ દરિયાને મળવા, આ દીવાદાંડીને મળવા ! એ જ્યારથી પરણીને અમદાવાદ ગઈ ત્યારની પાછી ગામમાં આવી જ નથી. ન તો ભાઈને મળવા કે ન તો દરિયાને. પણ આજે તું આવી તો સારું લાગ્યું. તારી માનું હવે આ દરિયા પરથી મન જ ઊઠી ગયું."

મામા મારી નજીક આવી ગયેલા. તેમના અણધાર્યા અવાજથી મારી વિચારતંદ્રા તૂટી. તેમના શબ્દો મેં ધ્યાનથી પકડ્યા. તેમાં ભરેલી ગંભીરતા પણ પકડી. પેલા દૃશ્ય પરથી એકાએક દૃષ્ટિ હટાવી મેં એમની તરફ આંખો માંડી. એમના શબ્દોમાં અને આંખમાં અગાધ ઊંડાણ લાગ્યું.

"આ દેખાઈ એ જ દીવાદાંડીને ?" મેં ઉત્તર સામે હોવા છતાં ઔપચારિક સવાલ કર્યો. મારા ધબકારા વધ્યા. મારી માની કોઈ વાત હતી જે મામાના હૃદયમાંથી વહેતી વહેતી મારા સુધી આવી રહેલી. એકદમ મારું હૃદય ભેદાયું. તે જોર કરી ઊઠ્યું.

" હા, એ જ. ત્યારે તો અંદર પણ જવા દેતા." મામાના મુખ પર મને કોઈ અદૃશ્ય ભાવ દેખાયા. એ સુખદ હતા કે દુઃખદ એ હું નક્કી ન કરી શકી. પરંતુ તેમના અંતરમાં ઊર્મિનું વલોણું ચાલતું હશે એ નક્કી.

"મામા, મમ્મી હવે કેમ અહીં આવતી નથી ? હમણાં પણ મેં બહું કીધું. તો મને કે, તારે જવું હોય તો જા પણ હું કદી નહિ આવું !" હું થોડું અટકી. મામાની આંખોમાં કંઈક શોધવા પ્રયત્ન કર્યો. કદાચ મારી માનું અતીત... મૂંઝાયેલા મને પછી મેં આગળ કહ્યું: "એની વાતમાં હું કંઈ વધારે ઊંડે તો ઊતરી નહીં, પણ હવે લાગ્યું કે કૈંક તો છે જ !"

"બેટા ! તારી માને દરિયો ખૂબ ગમતો. અમે બેન-ભાઈ નાના હતા ત્યારે સાંજે દરરોજ આ દીવાદાંડી એ જ રમતાં હોય. દરિયો જોઈને એ તો ગાંડી થાય ! મારા બાપુજી અને તારા નાના, એનું ધ્યાન રાખવા જ મને એની સાથે મોકલે. ક્યારેક તો એ મને, જો... ત્યાં... સામાકાંઠે ઝાંખા ઝાંખા ખારવાનાં ઝુંપડાં દેખાઈ એમાં ખેંચી જાય." મામાએ ખાડીને બીજે કિનારે દેખાતાં ઝુંપડા તરફ મારું ધ્યાન દોર્યું. કોઈ ધૂંધળો પટ્ટો ત્યાં અંકાયેલો. એ તરફ જોતાવેંત મારા મગજમા ખારવાનું એક કાલ્પનિક ચિત્ર ઊપસાવી આવ્યું. મામાનો માર્મિક સ્વર ત્યાં ફરી સંભળાયો. " એ લોકો સાથે જ એને વધારે મજા આવે. વહાણમાં બેસવાનો પણ બહુ ચસ્કો. એની બહેનપણી પણ બધી ખારવણ. અરે ! દરેક માછલીના નામ પણ એને તો આવડે." હું સાંભળતી ગઈ... પીગળતી ગઈ... અને, શબ્દો કાનમાં પડઘાયા ગયા. આ દરિયાનો ઘૂઘવતો શોર તેમાં જાણે તાલ પુરાવતો રહ્યો. મને ખેંચતો રહ્યો...!

કિરીટમામાની આંખો પણ ભૂતકાળનાં ભૂલાયેલાં ભૂખર પાના ફંફોસતી હોય એમ ઝીણી થઈ ગયેલી.

"પછી ? હવે કેમ મમ્મી અહીં આવવાની ના પાડે છે ?" રહસ્ય કહો કે કુતૂહલ પણ વાત જાણવાં મારું હૈયું અધીરુ બન્યું. એમાં ધબકારા વધારે જોરથી ધબકવા માંડ્યા. માએ કેમ વર્ષો સુધી મને કંઈ કહ્યું નહીં ? મેં પણ ક્યાં માનાં ભૂતકાળમાં કદી ડોકિયું કરવા કોશિશ કરી છે ! અધીરાઈ જોર કરી ઊઠી.

કિરીટમામા એક ક્ષણ મૌન બની ગયા. સાવ શૂન્યમય. હું પણ અતીતમાં ખોવાયેલ મારી માની કેટલીક ક્ષણો આસપાસ શોધવા લાગી. પછી હળવેકથી ધીર-ગંભીર અવાજે મામા બોલ્યા:

" દીકરી ! વાત તો વર્ષો પહેલાની છે, પાછી ભયાનક ને દર્દીલી પણ. કોણ જાણે કુદરતને ત્યારે શું સૂઝ્યું !! એ ક્ષણ આજે યાદ કરું છું તો પણ મારા પગ ધ્રૂજી જાય છે." તેમનો નીકળેલો નિઃશ્વાસ મને સાંગોપાંગ તડપાવી ગયો.

બે-ચાર ક્ષણ તો હું સાવ સ્તબ્ધ. અચાનક જાણે દૂર દૂર કોઈ દાવાનળ ભભૂકી ઊઠ્યો હોય ને એના ભડકા મારી ભીતર ઊઠતાં હોય એમ હું દાઝી ગઈ. કદાચ વાત મારી કલ્પના બહારની જ હતી. મારી માએ દરિયા જોડે નાતો બાંધ્યો હતો એ એકાએક કેમ તૂટી ગયો ? એવું ભયાનક તો શું બની ગયું ? એવી તે વળી શી વાત હતી ? મારી અંદર સવાલોના સણકા ઊઠ્યાં. રહસ્ય જાણવાની મારી તાલાવેલી એકદમ પ્રબળ બની. હવે મને લાગ્યું કે વાત ખૂબ મોટી છે. પાસે ઊભેલી મયૂરી પણ ચોંકી ગયેલી. કદાચ તેને પણ આ વાત આજે જ જાણવા મળી કે શું ? વાતનો છેડો પકડી મામા, મૂંગા મૂંગા પેલી ખોડાયેલી દેરી આગળ ચાલ્યા ગયા. તેમની શૂન્યમય આંખો ક્ષણભર દરિયાને તાકી રહી. તેમના ગંભીર મોં પર વધારે ગંભીરતા ફરી વળી. હું ને મયૂરી બેચેન શ્વાસ ભરતી તેમની પાછળ પાછળ ખેંચાઈ.

"એ વખતે તારી મમ્મીએ ખારવાઓ સાથે વહાણમાં ગણપતિ વિસર્જન કરવા જવાની જીદ પકડેલી. કોઈ રીતે માને જ નહીં. મને પણ સાથે આવવા ચઢાવ્યો. બાપુજીને અમે પૂછ્યું ત્યાં પહેલા તો બાપુજી ભડકયાં. કહે: વહાણમાં જવાનું આપણું કામ નહીં. એ લોકો તો ખૂબ બહાર (દૂર) જાય ! પણ, તારી મા કોઈ કીધી માની જ નહીં. એટલે પછી ન છૂટકે બાપુજી પણ અમારી સાથે વહાણમાં આવ્યા. ખાસ તો એનું ધ્યાન રાખવા જ ! પાછી તારી મા તોફાન પણ એવા જ કરે. એટલે પિતાજી તેને ક્યાંય પણ મોકલતા પહેલા ખૂબ વિચાર કરતા. એ વખતે હું ભેગો જ હતો. આ અહીં સામે જ વહાણ હતું ! પણ...."

આ ભારેખમ 'પણ' પછી અટકી ગયેલા વાક્યની મેં મનોમન કલ્પના કરી જોઈ. એ ભયાનક ક્ષણની કલ્પના. પણ ખાસ કાંઈ ઊપસ્યું નહિ... એ ક્ષણનો અંદાજો કેમે કરી નહોતો આવતો. તો પણ કોણ જાણે કેમ મારુ અંગે અંગે ધ્રૂજી ગયું.

હું લાગણીવશ પૂછવા જતી હતી 'પછી શું થયું ?' ત્યાં, વચ્ચે મયૂરી બોલી પડી :"પણ... શું પપ્પા ?"

"બેટા !" હળવા નિસાસા સાથે કિરીટમામાએ વાત આગળ વધારી. "એ દિવસે અમે ખાડીમાંથી બહાર નીકળ્યા ત્યારે પવન શાંત હતો. અને પછી ધીરે ધીરે વધતો જ ગયો. હું અને બાપુજી તો પહેલીવાર દરિયે જતા હતા, તારી મમ્મી તો અગાવ પણ ઘણીવાર વહાણમાં બેસેલી. જોકે, ખાડીની બહાર, દરિયામાં નીકળવાનો એનો પણ આ પહેલો જ અનુભવ. ત્યારે જેટી પર તો જાણે આખો ખારવાડો ઊભરાયેલો. લગભગ બધા જ વહાણોમાં નાની મોટી ગણપતિની મૂર્તિ હતી. એક પછી એક જયકારો બોલાવતા વહાણો છૂટતાં રહ્યાં. પિતાજી તો ડરતા ડરતા, માંડ માંડ વહાણમાં ચઢેલા. ઘણા તો અમને જ તાકી તાકીને જોતા. અમે જે વહાણમાં ચઢ્યા'તા એમાં ગણપતિની મોટી મૂર્તિ મધ્યમાં બેસાડેલી. બાપુજીએ હાલકડોલક થતા વહાણમાં સંતુલન ન જળવાતા કૂવાથંભનું દોરડું જકડી રાખ્યું. અને તારી મમ્મી તો બીજી ખારવણ સ્ત્રીઓ સાથે વાતોએ વગળી ગઈ. મારા પગ પણ સ્થિર નહોતા રહેતા. વહાણ તો આખું પુરુષો અને સ્ત્રીઓથી ખચાખચ ભર્યું'તું.... " તેમના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો હોય એમ અવાજ ભારે થઈ ગયો. તેઓ થોડીવાર અટક્યા.

"આ બરાબર સામે વહાણ ઊભું રાખ્યું. ખલાસીએ બધાને ઘણી સૂચનાઓ આપી. પિતાજી એકબીજાનો સહારો લેતા આગળ આવ્યા. એમને હતું ગણપતિ વિસર્જન થાય એ પહેલા બાપાને પ્રાર્થના કરી લઉં. પણ વહાણ જાણે કાબૂ બહાર જતું રહ્યું હોય એમ પછડાટ લેતું રહ્યું. ગણપતિની મૂર્તિને એક સાથે ઘણા લોકોએ ઉપાડીને દરિયામાં પધરાવી.. પણ એ સમયે બધા લોકો એક તરફ થઈ જતા વહાણ એ તરફ નમી ગયું. બધાનો હા ચઢી ગયો. અને એટલીવારમાં તો એક મોટો મોંજો વહાણમાં ચઢી ગયો. વહાણ નમી જતા હાહાકાર મચ્યો. અને એમાં..... !!! બાપુજી સહિત કેટલાય લોકો દરિયામાં ફેંકાઈ ગયા. બિચારા બાપુજી... એમને તરતા પણ ન આવડે. બીજા ઘણા વહાણો તરત આવી ગયા. પરંતુ બાપુજીને દરિયો સીધો જ ગળી ગયો કે કેમ !! પણ આસપાસ દેખાયા જ નહિ ! તારી મમ્મી તો રાડયું નાખીને ગાંડા જેવી થઈ ગઈ. બીજા બધાય લોકોને તો ખારવાઓ એ બચાવી લીધા. પણ ! આ ભૂખ્યો દરિયાઓ માત્ર આમારા બાપને જ ભરખી ગયો. લગભગ ત્રણેક કલાકની શોધખોળ પછી એમની લાશ મળી. અમારી જાણે દુનિયા જ લૂંટાઈ ગઈ. બસ ! ત્યારથી તારી મમ્મીએ આ દરિયાને એનો દુશ્મન માની લીધો. હું તો હવે આ વાત પચાવી ગયો પણ તારી મમ્મી હજી આ વાતને ભૂલી નથી.!" મામા વાત પૂરી કરતા આડું જોઈ ગયા. કદાચ એ માટે કે હું તેમની નમ બની ગયેલી આંખો જોઈ ન જાઉં.

હું પણ જોકે પૂરેપૂરી વલોવાઈ ગઈ. અંતરમાં ચીરો પડ્યો.

ક્ષણાર્ધની ચૂપકીદી પછી મારા હોઠે આવી ઊભું: 'કેટલા વર્ષો વીતી ગયાં આ વાતને ! તોય મમ્મી દરિયાને દુશ્મન માનતી હશે ? પણ, હવે ક્યાં સુધી એ વાતને પકડી રાખવાની?

અને, મારું દિલ ભારે થઈ ગયું: ' આ ખારવાઓએ અત્યાર સુધીમાં કેટલા બાપ, ભાઈ કે દીકરા દરિયાને સોંપી દીધા હશે !!!'

મારા ભીતરથી ઊઠેલો નિ:શ્વાસ ખુદ દરિયાએ પણ સાંભળ્યો હશે. યુગોથી ઊછળીને થાકી ગયો હોય એમ એની સતહ પર જાણે મૌન ઓળાઓ પથરાઈ ગયા.

હું દૂર પેલા વૃદ્ધ દંપતીને ઘર તરફ જતા જોઈ રહી. સહેજ ઝૂકી ગયેલી વૃદ્ધ દીવાદાંડી પણ તેને જોતી હોય એવી મને પ્રતીતિ થઈ. હું અપલક એમને જોયા જ કરી... ઘડીક એ દંપતીને તો ઘડીક પેલી દીવાદાંડીને... ઘડીક મામાની સ્તબ્ધ આંખોને તો ઘડીક લહેરાતા દરિયાને...

મને થયું : 'હમણાં જ મા પાસે દોડી જાઉં અને પૂછું "મા, હવે દરિયાને ક્યાં સુધી દુશ્મન માનીશ ? હવે મન ખંખેરી નાખ. તે મારું નામ 'સરિતા' રાખ્યું તો સરિતા પણ આખરે તો દરિયામાં જ ડૂબે છે ને ! યુગોથી એનું મીઠું પાણી, દરિયાના ખારા પાણીમાં ઠાલવે છે તોય આ દરિયો તો ખારો જ રહ્યો છે. પણ સરિતાએ ક્યાં હજી કોઈ ફરિયાદ કરી છે ! નથી સરિતાએ વેર રાખ્યું નહિ ખારવાએ. તો તમે શું કામ.... !"


Rate this content
Log in

Similar gujarati story from Classics