STORYMIRROR

nayana Shah

Children Stories Classics Inspirational

4.7  

nayana Shah

Children Stories Classics Inspirational

પારસમણિ

પારસમણિ

12 mins
1.0K


હું હવે આથી વધુ સહન નહીં કરી શકું. બધાને શું થઈ ગયું છે એ જ મને સમજાતું નથી. નાની નાની બાબત પૂછવાની હોય તો પણ ભાભી. ઘરનાંને ભાભી પર એટલું બધું હેત છે કે જાણે એ વર્ષોથી આ ઘરમાં રહેતાં હોય. હજી તો એમને આ ઘરમાં આવ્યે માંડ એક મહિનો થયો હશે. મારું એકચક્રી શાસન આ ઘરમાંથી પૂરું થઈ ગયું હતું ! હવે પડદાના કાપડની પસંદગી હોય કે સવાર કે સાંજની રસોઈ બનાવવાની હોય, એની પસંદગી ભાભીની રહેતી. ઘરમાં ભાભી પ્રત્યે દિવસે દિવસે મને નફરત થતી ગઈ. હવે મારું કામ માત્ર એ જ રહેતું કે નાની નાની બાબતમાં ભાભીનું અપમાન કરવું. મમ્મી, પપ્પા કે મોટાભાઈ મને જે લાડપ્યાર કરતા હતા તેમાં કોઈ ભાગ પડાવે એ મને મંજૂર ન હતું. ભાભી પાસે એવું કંઈક હતું કે જે ભાભીને મળે એ ભાભીના ગુણગાન ગાતાં થાકે જ નહીં. મને લાગતું કે ભાભી જાદુગર છે. જાદુગર શબ્દે હું બેચેન બની ગઈ. મોટાભાઈ જેવા શાંત, ગંભીર માણસ લગ્ન બાબત જાતે પસંદગી કરશે તેવું કોઈએ ક્યારેય વિચારેલું નહીં. એમ.એસ.સી માં ભાઈને સુવર્ણચંદ્રક મળ્યાના સમાચારથી પપ્પા- મમ્મી ખુબ ખુશ હતાં. થોડા જ દિવસોમાં તેમને તેમની કોલેજમાં જ નોકરી મળી ગઈ, ત્યારે મમ્મી- પપ્પાએ કહેલું, " બેટા, તેં તો અમારી ખુશી બેવડાવી દીધી."કાયમ ગંભીર અને શાંત એવા મોટાભાઈ બોલેલા, " હું તમારી ખુશીમાં એક વધારો કરવા માગું છું. મને સ્નેહા પસંદ છે અને...." મોટાભાઈ એ વાક્ય અધૂરું છોડી દીધેલું. જો કે એમને વાક્ય પૂરું કરવાની જરૂર પણ નહોતી પડી.

સ્નેહા મોટાભાઈની સાથે જ અભ્યાસ કરતી હતી. ઘણી વાર એ ઘેર આવતી. પણ અમે એ બાબતને ખાસ મહત્વ આપ્યું ન હતું. કારણ કે કોલેજમાં એ મોટાભાઈની 'પ્રેક્ટીકલ પાર્ટનર' હતી. પણ અમે એવું નહીં ધારેલું કે મોટાભાઈ 'પ્રેક્ટીકલ પાર્ટનર'ને 'લાઈફ પાર્ટનર'(જીવનસાથી) બનાવશે. હા, પણ મોટાભાઈની વાત દરેક જણ માની જતું. પપ્પા -મમ્મીને વિશ્વાસ હતો કે મોટાભાઈની પસંદગીમાં ક્યાં જોવાનું ના હોય. તેથી સ્નેહા બાબત ઘરમાં કોઈએ વિરોધ કર્યો ન હતો. મોટાભાઈ ખૂબ ઓછું બોલતા, છતાં જે બોલતા તે ટૂંકમાં અને સામેની વ્યક્તિના હૃદય સોંસરવું ઉતરી જાય એવું બોલતા. મોટાભાઈના હૃદયમાં ઘરના બધા પત્યે પ્રેમ હતો. હું ઘરમાં સાૈથી નાની હોવાને કારણે ખૂબ વહાલી હતી. પણ હવે આ બધાના મન પર કેવળ સ્નેહા ભાભી છવાઈ ગયા છે. હું ઈર્ષાથી જલી જતી. હવે મારી પસંદગીનું જાણે કે કંઈ મહત્વ રહ્યું ન હતું. એક દિવસ હું કોલેજથી આવી ત્યારે મમ્મીએ કહ્યું, " નાનકી તું માસી બની ગઈ. "અને જ્યારે મેં જાણ્યું કે મોટીબહેનને ત્યાં બાબો આવ્યો છે તો હું ખુશ થઈ ગઈ. પણ બીજી જ મિનિટે મારી ખુશી ઊડી ગઈ. કારણ કે મમ્મી થોડા દિવસ માટે મોટીબેન પાસે રહેવા જવાની હતી. હવે ઘરમાં મારે વારંવાર ભાભીની સાથે જ વાત કરવી પડશે. ભાભી મારી સાથે પ્રેમાળ વર્તન રાખતાં પણ મને જ ભાભી ગમતાં ન હતાં. કારણ કે તેમને કારણે જ બધા મને લાડપ્યાર ઓછો કરતાં હતાં. ઘરમાં જાણે એમનું સામ્રાજ્ય સ્થાપાઈ ગયું હતું.

ભાભી નહીં ગમવાનું બીજું કારણ એ પણ હતું કે મેં કલ્પના કરેલી કે ભાભી મારી નિકટની સહેલી બની જાય. છેલ્લા દસ વર્ષથી હું ઘરમાં એકલી હતી કારણ કે મોટીબહેનના લગ્ન થઈ ગયેલાં. મને પિક્ચર જોવા અને ફરવાનો ખૂબ શોખ હતો. જ્યારે ભાભી તો પિક્ચર જોતાં જ નહીં અને ઊપરથી કહેતાં, " નાનકીબહેન, પિકચર જોવામાં પૈસા અને સમય શું કામ બગાડો છો ? " અને એ તો આખો દિવસ ભરવા - ગૂંથવાનું, વાંચવાનું અને બીજા કોણ જાણે કેટલાય કામ કર્યા કરતાં. સાંજના સમયે મોટાભાઈ ઘેર આવે ત્યારે તેમની સાથે કોઈ દિવસ ટેબલ ટેનીસ, કે બેડમીન્ટન રમતાં. કારણકે મોટા ભાઈને રમવાનો ખુબ શાેખ હતો. અને તેથી અમારા બંગલાના કમ્પાઉન્ડમાં જ આ બધુ રમવાની વ્યવસ્થા કરેલી. મને રમતો પ્રત્યે ભારે સુગ હતી. હું વિચારતી કે મારી બહેનપણીઓ ગ્રીવા, સેંથી, શ્યામા બધાંય તેમની ભાભી સાથે પિક્ચર જોવા જાય છે, હોટલમાં જાય છે, ફરવા જાય છે, જયારે મારી ભાભીને તો આવો કશોય શોખ નથી. આ બધી વાતો યાદ આવવાથી હું બેચેન હતી. એમાંય જાણયું કે મમ્મી મોટીબહેનને ત્યાં રહેવા જવાની છે, ત્યારે હું ત્યાંથી તરત મારી રૂમમાં ગઈ અને ખૂબ રડી. બીજે દિવસે હું કોલેજ ના ગઈ, કારણ કે મમ્મી જવાનાં હતાં. મમ્મીએ જતાં પહેલાં મને એની પાસે બોલાવીને કહેલું, " નાનકી, ભાભી સાથે હળીમળીને રહેજે." મારી આંખમાં આંસુ આવી ગયાં. મેં કહ્યું," મમ્મી, હવે તો મારી પરીક્ષા નજીક આવી રહી છે. તું ના જાય તો સારું. " હું જાણતી હતી કે મારા આ શબ્દાેની મમ્મી પર કંઈ અસર થવાની નથી. અને થયું પણ એમ જ. અમારી વાત ચાલુ હતી એટલે અમને ખ્યાલ ન હતો કે ભાભી અમારી પાછળ આવીને ઊભાં છે. મારા ખભે હાથ મૂકતાં બાેલ્યાં," પરીક્ષા છે એટલે તમે વાંચજો. હું છું ને ? તમને ક્યારેય મમ્મીની ઉણપ સાલવા ન દઊં." ભાભીના શબ્દોથી મમ્મી ખુશ થઈ ગયાં હતાં. બાજુની રૂમમાંથી પપ્પા પણ છાપું વાંચતાં વાંચતા આવેલા અને મમ્મી તરફ જોતાં બોલેલા, " તું ય શું, સ્નેહા છે પછી તારે શી ચિંતા ?" પપ્પાના હાસ્યથી વાતાવરણ હળવું બની ગયું હતું. ભાભીનો એક હાથ અત્યાર સુધી પાછળ રાખેલો તે આગળ લાવતાં અમે જોયું કે એમના હાથમાં થેલી હતી. મમ્મી ના હાથમાં મૂકતા ભાભી બોલ્યાં, " મમ્મી, મોટીબહેનના બાબા માટે મેં થાેડા રમકડાં બનાવ્યાં છે. મોટીબહેનને આપી દેજો. " પપ્પાએ થેલી ખાેલી વારાફરતી રમકડાં બહાર કાઢવા માંડ્યાં. ખૂબસૂરત ઢીંગલીઓ, મોતીનાં રમકડાં અને બીજા ઘણા બધા રમકડાં હતાં. રમકડાં ખરેખર સુંદર હતાં. પણ મેં તો ક્યારેય એવું વિચાર્યું ન હતું કે રમકડાં ઘેર બનાવી શકાય. રમકડાં જોતાં મારું મન ખુશ તાે થઈ ગયેલું પણ બીજી જ પળે ઈર્ષા મારા મન પર છવાઈ ગઈ. હું મોં બગાડતા બોલી, " આટલી બધી મહેનત કરવાની શું જરૂર ? આવાં રમકડા બજારમાં પણ મળે છે......" પપ્પા મારી સામું જોઈને બોલ્યા, " નાનકી, આપણે બાગમાંથી ફૂલ તોડીને એનો હાર ભગવાનને ચઢાવવા જાતે બનાવીએ છીએ. હાર તો બજારમાં પણ મળે છે. પરંતુ જાતે બનાવેલા હારની વાત જુદી છે. દરેક ફૂલ પરાેવતી વખતે આપણને ભગવાનનું સ્મરણ થાય છે. તેની પાછળ એક પ્રેમની ભાવના છુપાયેલી છે. આ રમકડાંની બાબતમાં પણ એવું જ છે." પપ્પાએ ભાભીનો પક્ષ લીધો એ મને ના ગમયું. હું ગુસ્સામાં બીજા રૂમમાં જતી રહી. પણ દિવસે-દિવસે ભાભી પ્રત્યે મારી ઈર્ષા વધતી જ રહી.એક દિવસ મારી બહેનપણી સાથે હું મારા રૂમમાં બેસીને ગપ્પાં મારતી હતી. મેં કહ્યું," ઘરમાં ખાવાની મજા નથી આવતી. હોટલમાં પંજાબી અને ચાઈનીઝ વાનગીઓ ખાવાની જે મજા છે એ ઘરનાં ભાખરી- શાકમાં ક્યાં છે ? " મને એ વખતે ખ્યાલ ન હતો કે ભાભી ચા-નાસ્તા આપવા માટે મારી રૂમમાં આવ્યા છે. પરંતુ ત્યારબાદ વારંવાર ઘરમાં પણ પંજાબી અને ચાઈનીસ વાનગીઓ થવા માંડી. મોટાભાઈ તથા મમ્મી- પપ્પા વખાણી વખાણીને ખાતાં. મને પણ ખૂબ ભાવતી. સાચી વાત એ હતી કે બજાર કરતાં પણ ભાભીના હાથની વાનગીઓ સારી બનતી. પણ હું ક્યારેય મારા મોંએ વખાણ કરતી નહીં. મને એમાં નાનમ લાગતી. બળતામાં ઘી હોમાતું હોય એમ પપ્પાએ એક દિવસ ભાભીને કહ્યું, " સ્નેહા, આવું બધું તું નાનકીને શિખવાડજે. એને તો બસ પિક્ચર જોવાં, હોટલમાં ખાવું અને સરસ કપડાં પહેરીને ફરવું એ જ શોખ છે. "આ સાંભળતા હું જમતાં જમતાં ઊઠી ગઈ અને ક્રોધે ભરાઈને બોલી, " મારે આવું બધું શીખવાની કંઈ જરૂર નથી. આ બધી પંજાબી વાનગીઓ ઘીમાં થાય છે. મને તો આવું બધું પચતું નથી. મારી તબિયત સારી નથી." અને પગ પછાડતી હું રૂમમાં જતી રહી.

થોડી વાર થઈ હશે ત્યાં ભાભી મારી રૂમમાં આવ્યાં. એમના હાથમાં થાળી હતી. તેમાં ખીચડી, શાક, છાસ અને પાપડ હતાં. મારા ટેબલ પર થાળી મૂકતા બોલ્યા, " નાનકીબહેન, તમારી તબિયત સારી નહોતી તો મને કહેવું હતું ને ! મને ખબર નહીં. તમે જમી લો. " મેં છતાં પણ મક્કમ પણે ના જ કહી. ભાભી મને મનાવતાં બોલ્યા, " નાનકીબહેન, તમે નહીં જમો ત્યાં સુધી હું પણ નહીં જમું. " હવે મારો જમ્યા વગર છુટકો ન હતો. મેં ચૂપચાપ જમી લીધું. મારું મન ઘણીવાર મને કહેતું, " હું ખોટું કરું છું." પણ સતત ભાભીના વખાણ મારાથી સહન થતાં ન હતાં. દર વર્ષે અમારી નાતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થતો અને એના જે પૈસા આવે તેમાંથી ગરીબ વિદ્યાર્થીઓને ચોપડીઓ તથા ફી મળતાં. એ વર્ષે કાર્યક્રમ દરમિયાન જ મને ખબર પડી કે ભાભી કથ્થક અને ભરતનાટ્યમ બંને શીખેલા છે. તે ઉપરાંત એ સંસ્કૃતનાં પણ વિદ્વવાન છે. એમને ઉપનિષદ અને વેદો વિશે ચર્ચા કરતા સાંભળી હું સ્તબ્ધ બની ગઈ હતી. ભાભીના આવા તો અનેક સ્વરૂપો મને જોવા મળેલાં. મારી જે નીકટની બહેનપણીઓ હતી તે પણ હવે મારા ભાભીને વધુ મહત્વ આપતી.

ભાભી ક

ાર્યક્રમની પ્રેક્ટિસ દરમિયાન ખૂબ થાકી જતાં. કારણ કે તેમને કાર્યક્રમનું સંચાલન સંભાળેલું. રાત્રે થાકીને ઘેર આવ્યા હોય તો પણ તે જલદીથી રસોઈ બનાવી મોટાભાઈ સાથે વાંચવા બેસી જતાં. કોઈક વાર એ અને મોટાભાઈ કલાકો સુધી કોઈક વિષય પર ચર્ચા કરતાં, કારણકે મોટાભાઈ પી.એચ.ડી કરી રહ્યાં હતાં. તેમાં ભાભી ખૂબ મદદરૂપ બનતાં. શિયાળો આવ્યો ત્યારે તો ભાભીએ કમાલ કરી. ઘરના દરેક જણ માટે સ્વેટર બનાવેલાં. મારા માટે પણ શાલ અને ગરમ બ્લાઉઝ બનાવેલાં. હું જોતી જ રહી. અત્યાર સુધી તો અમે કાયમ બજારમાંથી જ ગરમ કપડાં ખરીદતાં હતાં. ભાભીના આવવાથી ઘરની દીવાલોને નવું રૂપ મળ્યું હતું. ફેંકી દેવા જેવી વસ્તુઓમાંથી પણ સુંદર 'વોલપીસ' બનાવતાં. જેવી કે રેતી, નારીયેળના કૂચા, કે શરબત પીને ફેંકી દીધેલી સ્ટ્રો. તેઓ રંગબેરંગી કાગળના ફૂલો બનાવી ફૂલદાનીમાં મુકતાં. અને દિવાળી દરમિયાન તો જાતે જ કાર્ડ બનાવી બધાને મોકલતાં.

એકવાર મમ્મીએ કહ્યું,"સ્નેહા ,નાનકી માટે મેં એક છોકરો જોઈ રાખ્યો છે. તું જોઈ આવજે, તને કેવો લાગે છે. આ નવા જમાનામાં તમારાં જુવાનિયાંઓની પસંદગી મારા જેવી વૃદ્ધાને શું ખબર પડે ? " ભાભી ઝટ દઈને બોલ્યાં, " મમ્મી, અત્યારથી શું છે ? નાનકીબહેન, બી.એ.ના છેલ્લા વર્ષમાં છે. હજી તો આપણે એમને એમ. એ. કરાવીશું." મને ભાભી પર ખૂબ ગુસ્સો ચઢેલો. માનસશાસ્ત્ર જેવા વિષયમાં એમ.એ.કરવાનું મને સ્વપ્ન પણ ના આવે. હું તો લગ્નની બાબતથી ખુશ હતી. કારણ કે માનસશાસ્ત્રથી હું એટલી બધી કંટાળી ગયેલી કે હું મનમાં વિચારતી કે લગ્ન થાય તો બીજે જ દિવસે ભણવાનું છોડી દઊં. એટલે હું ભાભી સામે ગુસ્સે થઈને જોતાં બોલી, " એમ. એ. થઈને શું કરવાનું ? તમે જ એમ. એસ. સી. થઈને શું કર્યું ? એમ. એસ. સી.થવું તો સહેલું છે પણ એકવાર માનસશાસ્ત્ર જેવા ડ્રાય સબ્જેક્ટ ( શુષ્ક વિષય) માં એમ. એ. તો કરી જુઓ, ખબર પડે. " ભાભી કશું પણ બોલ્યા વગર માત્ર મારી સામે જોઈને હસેલાં.. મને ભાભીનું હસવું ગમ્યું ન હતું.

એકવાર મેં મારી મોટી બહેન પાસે મારી હૈયાવરાળ ઠાલવી. તેણે મને એક યુક્તિ બતાવી. હું બજારમાંથી સુંદર મઝાનો ટેબલકલોથ ખરીદી લાવી અને ઘેર આવી ટીવી પર મૂકીને બોલી, " આ મેં ખુબ મહેનતથી અંકોડીથી ભર્યો છે. "ઈર્ષામાં હું એટલી અંધ બની ગયેલી કે જૂઠું બોલતાં પણ અચકાઈ નહીં.

ભાભી ધ્યાનથી જોવા લાગ્યાં. પણ મારા દિલની ધડકન વધી ગઈ. મને થયું કે હમણાં ભાભી કહેશે કે આ તો બજારુ છે.પણ મારા આશ્ચયૅ વચ્ચે ભાભી બોલ્યાં, " નાનકીબહેન, બહુ જ સરસ છે. મને શીખવાડશો ?" હવે હું ગભરાઈ ગઈ ,પરંતુ હિંમતપૂર્વક બોલી ," કેમ, ઘરમાં આ એક તો ટેબલકલોથ મારો કરેલો છે. બીજાની શું જરૂર છે ? " ભાભીએ ટેબલકલોથ હાથમાં લઈ ગડી વાળતાં બોલ્યા, " આ રૂમાલ તમે તમારા સાસરે લઈ જજો. હું જે રૂમાલ કરીશ તે અહીં રાખીશ." ભાભીએ તો હસતાં હસતાં સ્નેહનીતરતા સ્વરે કહેલું. પણ મારે તો બહાનું જોઈતું હતું. બોલી, " તમે શા માટે મારી બનાવેલી વસ્તુ આ ઘરમાં રાખો ? આ ઘર તમારું છે. એમાં તમારી બનાવેલી વસ્તુઓ જ રાખજો. " અને હું ત્યાંથી મારી રૂમમાં ગઈ. જોકે મારું મન કહેતું હતું કે આ ખોટું છે. છતાં પણ ભાભીનું અપમાન કર્યાનો મને આનંદ હતો. કારણ કે એમનો પક્ષ લેનાર મમ્મી ન હતી. એ મામાને ત્યાં રહેવા ગયેલી. તે રાત્રે મને પેટમાં સખત દુખાવો ઉપડ્યો. હું મારી રૂમમાં રડી રહી હતી. બાજુમાં જ ભાભીની રૂમ હતી. મારો રડવાનો અવાજ સાંભળી મારી પાસે દોડી આવ્યાં. કયાંય સુધી તેમના પ્રેમાળ હાથનો સ્પર્શ થતો રહ્યો. એટલા દુ:ખાવામાં પણ મને એ સ્પર્શ ગમ્યો. પણ દુ:ખાવો અસહ્ય બનતા ભાભીએ ફોન કરી ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે કહ્યું કે તરત જ દવાખાને દાખલ કરવી પડશે અને ત્યાં મને તાત્કાલિક એપેન્ડિક્સનું ઑપરેશન કરવું પડ્યું. રાત-દિવસ જોયા વગર ભાભીએ મારી ખૂબ સેવા કરી. મને થયું કે ભાભીને મેં અન્યાય કર્યો છે. હું એમનું આટલું અપમાન કરતી તો પણ ભાભી ચૂપ રહેતાં. અત્યારે તો જાણે ભાભી જ મારી માં બની ગયેલા. મેં એક વાર કહ્યું," ભાભી, તમે તો મને મમ્મીની ખોટ સાલવા જ ના દીધી. "ત્યારે ભાભીએ હેતથી મારો હાથ ઝાલીને કહ્યું," નાનકીબહેન, મોટી ભાભી તો માં બરાબર હોય છે. " મને થયું ભાભીના આદર્શ કેટલા ઊંચા છે ! અને બીજી જ મિનિટે મને થયું કે એટલે જ ભાભી મેં કરેલું અપમાન ગણકારતા નહીં હોય. અને મારા હૃદયમાં ભાભી માટે સ્નેહનો સાગર ઊમટવા લાગ્યો. પરીક્ષાઓ નજીક આવી રહી હતી. તેથી મેં ભાભીને કહ્યું, " ભાભી, આ વર્ષે હું પરીક્ષા નહીં આપું. " ભાભી તરત બોલ્યાં, " જોજો, નાનકીબહેન એવું કરતાં. આપણી જિંદગીના એક વર્ષની કિંમત કેટલી બધી હોય છે ! એને આમ વ્યર્થ વેડફી દેવાનો શું અર્થ ? નાનકીબહેન, આપણી જિંદગી ટૂંકી છે અને શીખવાનું-જાણવાનું ખૂબ." મેં દલીલ કરતાં કહ્યું, " પણ ભાભી, હું કોલેજ જઈ શકતી નથી. હવે મને શું આવડે ? " જો કે એ તો મને ભણવું બિલકુલ ગમતું ન હતું એ માટેનું બહાનું જ હતું. બીજે દિવસે ભાભી મારી રૂમમાં આવીને મને કહે, " નાનકીબહેન, ચાલો હું તમને શીખવાડું. " હું કંઈ જવાબ આપું એ પહેલાં એમણે શીખવાડવાનું ચાલુ કરી દીધું. મને નવાઈ લાગી કે ભાભીને માનસશાસ્ત્ર ક્યાંથી આવડે ? પણ એમની ઊદાહરણ આપવાની, સમજાવવાની રીતથી હું એટલી પ્રભાવિત થઈ ગઈ હતી કે હું ભાભી ને પૂછ્યા વગર ના રહી શકી, " ભાભી, તમને માનસશાસ્ત્ર ક્યાંથી આવડે ?"

ભાભી હસીને બોલ્યાં, "મારી ખાસ બહેનપણી માનસશાસ્ત્ર સાથે એમ. એ. થયેલી હતી. હું નવરાશના સમયે એની સાથે લાઈબ્રેરી જતી. એ માનસશાસ્ત્રના એટલાં તો વખાણ કરતી કે હું માનસશાસ્ત્ર શીખવાની લાલચ રોકી ના શકી. અને નાનકીબહેન, કોઈ પણ વિષય મન દઈને શીખીએ તો અઘરો નથી. " હું ભાભીની સામે જાેઈ જ રહી. આજે મને ભાભી જુદા જ લાગતા હતાં. હું બોલી, " પણ ભાભી, તમને તો બીજું ઘણું બધું આવડે છે. તમે ક્યારેય શીખ્યાં એ મને કહો. " ભાભી મારી વાત સાંભળી થોડાક ગંભીર થતાં બોલ્યાં, " નાનકીબહેન, મને લાગે છે કે હજી તો મારે ઘણું શીખવાનું બાકી છે. મારા પપ્પા સંસ્કૃતના વિદ્વાન હતા. તેમની ઈચ્છા મને સંસ્કૃત શીખવાડવાની હતી. નાનપણથી જ એ મને સંસ્કૃત શીખવાડતાં કે જ્યારે બાળકો રમકડાં રમી કાલીઘેલી ભાષા બોલે ત્યારે હું સંસ્કૃતના શ્લોકો બોલતી. પપ્પા નિશાળે જાય કે તરત મારી મમ્મી મને નૃત્ય શીખવાડતી. કારણ નૃત્યમાં એ પારંગત હતી. પછી તો મેં સંસ્કૃતની બહારની પરીક્ષાઓ આપી. સંસ્કૃત મન દઈને શીખેલી, તેથી ઉપનિષદ તથા વેદોનો અભ્યાસ કર્યો. નૃત્યની તાલીમ તો ચાલુ જ હતી. ચાર વર્ષ પૂરાં થતાં હું નૃત્ય શીખવા માંડેલી. પ્રથમ કથ્થક અને ત્યાર બાદ ભરતનાટ્યમ અને હું કોલેજમાંથી હતી ત્યારે બંનેના આરંગેત્રલ પણ આપી ચૂકેલી. તે ઉપરાંત નિશાળમાં રજાઓ પડતાં જ હું જુદા જુદા વર્ગો ભરતી. તેથી મને સીવણકામ આવડી ગયું. હું જાતે જ કપડાં સીવું છું. મારા માતા-પિતાએ મને એવા સંસ્કાર આપેલા કે મને હંમેશા નવી નવી વસ્તુઓ શીખવાની ધગશ રહેતી. તેઓ મને એક પણ મિનિટ વેડફવા દેતાં ન હતાં. તેઓ કહેતાં કે જિંદગીની દરેકે દરેક મિનિટનું મૂલ્ય હોય છે. તેને ગપ્પાં મારવામાં કે બેસી રહેવામાં વેડફવું ના જોઈએ.

પછી તો વેકેશન પડે કે તરત જુદા જુદા વર્ગો ભરતી. ક્યારેક' વોલપીસ' બનાવવાના, તો ક્યારેક રમકડા બનાવવાના, ભરતગૂંથણના તો ક્યારે મહેંદી અને મેકઅપના. ત્યારબાદ વાનગીઓ બનાવતાં શીખવા માટે વર્ગો ભર્યા. મમ્મી-પપ્પા પાસે પૈસા તો પુષ્કળ હતાં જ એટલે નોકર- રસોઈયા કામ કર્યા કરતાં. મારી પાસે જે સમય મળતો તેનો ઉપયોગ હું આ રીતે કરતી. " ભાભીની વાત સાંભળી હું મુગ્ધ બની ગઈ. " પણ ભાભી, તમારામાં એવું શું છે કે જે તમને મળે એ તમારું થઈ જાય છે ? " ભાભી હસીને બોલ્યા, " જાદુ ! " પછી કંઈક ગંભીર થતાં બોલ્યાં," નાનકીબહેન, હું હંમેશા સામેની વ્યક્તિનો વિશેષ ખ્યાલ રાખું છું કે જેથી કોઈને મનદુઃખ ના થાય. તે ઉપરાંત હું મારા વાચનને લીધે દરેક ક્ષેત્રનું થોડું ઘણું જ્ઞાન મેળવી લઉં છું. જેથી દરેક વ્યક્તિ સાથે તે વિષય પર થોડી ઘણી વાતચીત કરી શકીએ. અને સામેની વ્યક્તિમાં આપણે રુચિ લઈએ તો એને આપણા પ્રત્યે માન થાય જ. " આજે તો ભાભીના જ્ઞાનનો ભરપુર લાભ હું ઊઠાવું છું. તેમણે આપેલી હિંમતથી હું એમ. એ. થઈ એ તો ઠીક પણ મને એમ. એ. માં સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે સૌથી પહેલાં ભાભી ને પગે લાગી હતી. ભાભીના હાથમાં સુવર્ણચંદ્રક મુકતા હું બોલી ઊઠી ," ભાભી, હું લાેઢું હતી, તમારા પારસમણિના સ્પર્શે સોનું બની ગઈ છું. આની પર સૌ પ્રથમ હક્ક તમારો જ છે. મારી વાત સાંભળી ભાભી મને વહાલથી ભેટી પડ્યાં.


Rate this content
Log in