અન્યાય
અન્યાય
"સ્પૃહા, હું ઘેર આવું છું ત્યાં સુધી તું તથા શેષ તૈયાર રહેજો. આપણા ત્રણેય જણાની બેગ તૈયાર કરી દેજે. તારી મમ્મી બહુજ સિરિયસ છે. ડોકટરે કહ્યું છે કે લાગતાં વળગતાંને બોલાવી લો. તારી મમ્મીએ ખાસ આપણને બોલાવ્યા છે." સ્પંદને પત્નીને સૂચના આપી.
"કેમ એમની મોટી દિકરી, જમાઈ, દિકરો એની પુત્રવધૂ નથી કે આપણને યાદ કર્યા ! મેં જિંદગીમાં તમારી વાત હમેશાં માની છે. પરંતુ આ વખતે હું માનવાની નથી. "
"સ્પૃહા, આવા સમયે આપણે ના જઈએ તો આપણામાં અને એમનામાં કંઈ ફરક જ કયાં રહે ? શેષ હવે તો બારમામાં આવ્યો એ બધું જ સમજતો થઈ ગયો છે. એને કેવા સંસ્કાર પડે ! એને માફ કરતાં શીખવાડવું જોઈએ.એમને યોગ્ય લાગે એવું વર્તન એ કરે આપણને યોગ્ય લાગે એ વર્તન આપણે કરવાનું. "
આમ તો સ્પૃહાની ઈચ્છા પિયર જવાની હતી જ નહીં. પરંતુ પતિની ઈચ્છા હતી અને સમાજમાં ખરાબ ના લાગે એટલે એ જવા તૈયાર થઈ હતી. એક સ્ત્રી શું કરી શકે ? એને તો હંમેશા માતાના પ્રેમની કલ્પના જ કરી હતી. પિતાને તો એને જોયા જ ન હતાં. સામાન્ય રીતે બાપને દિકરી ખૂબ વહાલી હોય. જયારે કોઈ બહેનપણીને એના પપ્પા સાથે જુએ તો એને થતું કે મારા પપ્પા હોત તો મને જરૂર વહાલ કરત. મમ્મી તો જાણે સ્વાર્થની જ સગી હતી. ઘણી વાર એ વિચારતી કે આ મારી અપર મા તો નહિ હોય ?
એ તો દિકરાના પ્રેમમાં અંધ થઈ ગઈ હતી. જયારે એના ભાઈને એક્સીડન્ટ થયો અને ઓપરેશન કરાવવાનું હતું ત્યારે મોટી દિકરી પાસે પૈસા માંગવાને બદલે એની માએ એની પાસે પૈસા માંગ્યા હતાં. જો કે મોટી દિકરી કરોડપતિને ત્યાં પરણી હતી. તેમ છતાં પણ પૈસા એની પાસે જ માંગ્યા હતાં. એના પતિએ એ શરતે પૈસા આપ્યા હતા કે એ પાછા નહિં લે. એને પતિની આ વાત ગમી ન હતી. આજ માએ એની સાથે કેટલો અન્યાય કર્યો હતો ? એને પરિક્ષા વખતે વાંચવું હોય તો પણ મોટીબહેનને કામ બતાવવાને બદલે એને જ કામ બતાવતી. એ ના પાડે અથવા મોટીબહેનને કામ કરવાનું કહે તો કેટકેટલાં શબ્દોના બાણથી એને ઘાયલ કરતી. એક બેવાર તો એ આત્મહત્યા કરવા જતી રહી હતી. દિકરો એટલે તો જાણે કે દેવનો દીધેલો. એના લાડપ્યારને કારણે એ ખરાબ સોબતે ચઢી ગયો હતો. એટલું જ નહિ પણ દારૂની લત પણ લાગી હતી. પરંતુ તો પણ એની મમ્મી એનો બચાવ કરતી. એની પત્નીને પણ ઉંચા સાદે કશું કહેતી નહિં.
જયારે એના લગ્ન થયા ત્યારે એને લાગ્યું કે હું પિયરથી છૂટી
. કયારેક પિયરમાં કોઈ તહેવાર દરમિયાન બંને બહેનો ભેગી થતી તો એની મમ્મી મોટીબહેનના હાથમાં પૈસા મુકતી જયારે એને કશું જ ના આપતી. ધીરે ધીરે એને પિયર જવાનું બંધ કરી દીધું. એની મમ્મી બોલાવતી તો પણ એ જતી નહિ.
એનો પતિ કહેતો, "તારી મમ્મી તને બહુ જ યાદ કરે છે." ત્યારે એ કહેતી કે એમાંય એનો કોઈ સ્વાર્થ હશે. કવિઓ અને લેખકો માનું કેવું સુંદર વર્ણન કરે છે ! પણ મારુ એવું નસીબ જ કયાં છે ?
"સ્પૃહા, તું તૈયાર નથી થઈ, જલદી ચલ. અને શેષ તારે વાંચવા માટે જે ચોપડીઓ જરૂરી હોય એ લઈ લે."સ્પંદન એકી અવાજે બોલી ઉઠયો. સ્પૃહા મન વગર તૈયાર થઈ.
જયારે એ લોકો ત્યાં પહોંચ્યા ત્યારે એની મોટીબહેન, બનેવી, ભાઈ ભાભી બધા એની માને વિંટળાયેલા હતાં. સ્પૃહાને જોતાં જ એની મમ્મી એની સામે જોતી જ રહી. સ્પૃહાની આંખોમાં કોઈ જ ભાવ ન હતાં. એની મમ્મીએ સ્પૃહાને પાસે બોલાવીને પલંગ પર બેસવા કહ્યું. પછી તૂટક તૂટક શબ્દમાં બોલી કે,
"તમે બધા મારી વાત ધ્યાનથી સાંભળજો. સ્પૃહા મારી પોતાની દિકરી છે. મોટી દિકરી તથા મોટો દિકરો એ મારા પતિની પહેલી પત્નીના સંતાન છે. પતિના અવસાન બાદ બંને અનાથ થઈ જશે એવી તમારા પપ્પાને ચિંતા હતી. કારણકે લગ્ન બાદ મેં કહેલું કે હું મારૂ પોતાનું બાળક ઈચ્છું છું. મારી ઈચ્છા તમારા પપ્પાએ પુરી કરી પરંતુ મારી પાસે વચન માંગેલું કે તું તારા બાળક કરતાં પણ એમના બંને બાળકોને મારા બાળક કરતાં પણ અધિક રાખીશ. તેથી મોટેભાગે તમને અન્યાય ના થાય એટલા ખાતર વારંવાર સ્પૃહાને મારાથી અન્યાય થતો રહ્યો. પૈસાની તૂટ હોવા છતાં પણ હું મોટી દિકરીનો વહેવાર સાચવતી કે એને ઓછું ના આવે. હું મારૂ વચન તો નિભાવી શકી પણ સ્પૃહાને અન્યાય થતો રહ્યો. "
બંને ભાઈબહેન સ્તબ્ધ થઇ ગયા. એમને તો ખબર પણ ન હતી કે આ એમની અપર મા છે. ત્રણેય સંતાનોની આંખોમાં આંસુ આવી ગયા.
સ્પૃહા તો એટલુંજ બોલી શકી, "હું કાયમ માટે તારૂ સંતાન હોવાનું ગૌરવ અનુભવીશ.આટલો મોટો ત્યાગ તો કોઈ મહાન સ્ત્રી જ કરી શકે. "
સ્પૃહા સામે જોઈ એના બંને ભાઈબહેન બોલી ઉઠયા, "તું મનમાં સહેજ પણ ઓછુ ના લાવીશ. અને મમ્મી અમે સ્પૃહાનું ધ્યાન રાખીશું." સ્પૃહા સામે જોઈ એની મમ્મી બોલી, "સ્પૃહા બેટા, મારી એક ઈચ્છા છે કે મને અગ્નિદાહ મારો દોહિત્ર શેષ આપે" આટલું બોલતાં સદાને માટે એમની આંખ મિંચાઈ ગઈ.