માતા પિતા
માતા પિતા
બીનાએ બાયપાસ સર્જરી કરાવી હતી. એના પતિ બકુલભાઈ પત્ની પાસે ખડે પગે રહ્યા હતા. ઘેર આવ્યા ત્યારે મોટા દીકરાએ સમાચાર આપ્યા કે "માસી આવે છે. એમને અહીં આવવાની શું જરૂર છે ? એમના આવવાથી કંઈ મમ્મી ને સારૂ થઈ જવાનું હતું ! પપ્પા, તમે જ કહ્યું હશે નહીં તો એમને કયાંથી ખબર ? જુઓ પપ્પા તમે આ રીતે બધાને ભેગા કરો એ દરમ્યાન રસોઈ અને બીજા કામ મારી પત્ની મોનાને કરવા પડે છે. "
"થોડા સમયની વાત છે. તારી મમ્મીને સારૂ થાય પછી તો અમે ત્રીજા માળે જતાં રહીશું. આપણે વાત થયેલી જ છે કે અમે જયાં સુધી તારે ત્યાં રહીશું ત્યાં સુધી અમે તને નિયમિતપણે પૈસા આપીશું. માેટીમાસી સાથે માસા તથા તેમનો દીકરો પણ આવવાનો છે. હું કામવાળી ને વધારે પૈસા આપી દઈશ."
"એ તો આપશો જ ને ! એમાં કંઈ ઉપકાર નથી કરતાં."
પરંતુ જયારે એના મોટામાસી આવ્યા ત્યારે મોના માટે બનારસી સેલુ લાવ્યા હતા. મોટા દીકરા માટે શેરવાની, તેવું જ નાના દીકરા તથા તેની પત્ની માટે તથા બનેવી માટે લેંઘા ઝભ્ભાનું કાપડ લઈ આવેલા. એનો દીકરો માસી માટે એમના પ્રિય લેખક શરદબાબુની ચોપડીઓ લઈને આવેલો. માસી તમારે હાલ આરામ કરવાનો છે તો તમારો સમય કયાં પસાર થઈ જશે એ પણ ખબર નહિ પડે."
પરંતુ એની મોટીબહેને તો એના ગળે સોનાની ચેઈન પહેરાવી દીધી. બોલી,"જો બીના, મારી ઉંમર થઈ છે. હવે આપણે આ જન્મમાં મળી શકીશું કે કેમ એ પણ ખબર નથી. બનારસથી અમદાવાદ પ્લેનમાં આવી તો પણ થાકી ગઈ. પણ તારા વિષે જાણ્યું ત્યારે મારો જીવ બળતો હતો. બીના, હવે માબાપ તો છે નહિ. પરંતુ મોટીબહેન અને બનેવી માબાપની જગ્યાએ હોય છે."
"મોટીબહેન તમારી વાત સાચી છે. તમે આવીને મારા માથે હાથ ફેરવ્યો ત્યારે મને લાગ્યું કે મારો રોગ ભાગી ગયો છે."
બીજે દિવસે સવારે માસીનો દીકરો ઉઠી ને પહેલાં એના માબાપને તથા માસામાસી ને પગે લાગ્યો. માસીએ આટલું બધુ આપ્યું એટલે નાની વહુ પણ નીચે આવી ગઈ કારણ એ બંને વહુઓ ને દંભ કરવો હતો કે અમે બધા ભેગા રહીએ છીએ.
માસીના દીકરાને ખરીદી કરવા જવું હતું. તો બીનાના બંને દીકરાઓ એની જોડે જવા તૈયાર થયા. જતાં પહેલાં એમના દીકરાએ પૂછી લીધું કે, "મમ્મી, બનારસમાં કોને માટે
શું શું લાવવું છે એની યાદી મને આપી દે."
"તને જે યોગ્ય લાગે તે આપણા પડોશીઓ માટે લઈ લેજે. ત્યારબાદ માસીને પણ પૂછી લીધું કે ,"તમારે બજારમાંથી કંઈ લાવવું છે ? "
એટલું જ નહિ પરંતુ ઘરની બહાર નીકળતી વખતે એ બધા વડીલોને પગે લાગી ને નીકળ્યો. બીનાના બંને છોકરાઓ તો કયારેય માબાપ ને પગે લાગતાં ન હતાં. બહાર જતી વખતે પણ માબાપ ને પૂછતાં ન હતાં કે, "તમારે કંઈ લાવવું છે ? એ તો ઠીક પરંતુ જયારે એમના પપ્પા લાકડી લઈને વહેલી સવારે દૂધ લેવા જતાં હોય તો પણ કોઈ દીકરો કે વહુઓ કહેતાં નહિ કે અમે લઈ આવીશું.
માસાના દીકરાને ખબર પડી ગઈ હતી કે એના માસામાસી એકલાં જ ત્રીજા માળે રહે છે. બંને ભાઈઓ પણ જુદા રહે છે. જો કે દરેક જણ બાજુમાં આવેલ ગણેશ મંદિરમાં દર્શન કરવા જતાં હતાં. એ જોઇને એમનો માસીનો દીકરો બોલ્યો, "કાલથી તમે ગણેશ મંદિર દર્શન કરવા ના જતાં. કારણ તમે જે ઈશ્વરની ભક્તિ કરો એના ગુણ તમારે અપનાવવા જોઈએ. ગણેશજી તો માનતા હતા કે સારી દુનિયાની પ્રદક્ષિણા તો માબાપની પ્રદક્ષિણા બરાબર છે. મેં આવતાની સાથે જ જોઈ લીધું કે તમે માબાપને તરછોડો છો. એટલુંજ નહિ પરંતુ તમે રાત્રે તમારા પપ્પા પાસે પૈસા માંગતાં હતાં એ પણ મેં સાંભળ્યું. પપ્પાએ તમને નાને થી મોટા કર્યા એનો હિસાબ તમને આપે છે ? આખી જિંદગી તમારા માટે મહેનત કરી. અરે, તમે પૃથ્વી પર પણ માબાપની કૃપાથી આવ્યા છો. તમે ગમે તેટલી તીર્થયાત્રા કરશો તો પણ ઈશ્વર રાજી નહીં થાય. દુનિયામાં માબાપ જ એવા છે કે તમારી ભૂલો માફ કરે. હું તો આજે પણ કહું છું કે હું ચાર્ટર એકાઉન્ટન્ટ થયો તે માબાપના આશીર્વાદથી. તમારા ઘરમાં શાંતિ પણ કયાંથી હોય ! જે ઘરમાં માબાપને પ્રેમ ના મળતો હોય એવા ઘરનું પાણી પણ ના પીવું જોઈએ. એટલે જ અમે કાલે પાછા બનારસ જઈએ છીએ."
બંને છોકરાંઓએ ઘણી વિનંતી કરી અને કહ્યું, "તમે થોડા દિવસ રોકાઈ જાવ. અમારા માતાપિતા પ્રત્યેનો પ્રેમ પણ જોઈને જાવ." બંને છોકરાંઓના બોલવામાં સચ્ચાઈ હતી. ત્યારબાદ તો તેઓ બીજા બે દિવસ રહ્યા એ દરમ્યાન એમને માતાપિતા પ્રત્યેના વલણમાં ઘણો જ ફેર જોયો. ખરેખર એ લોકો જાણે સમજી ગયા હતાં કે ૬૪ તીરથ માતાપિતાના ચરણોમાં જ છે.