પુણ્ય
પુણ્ય
ઋત્વી ઉદાસ જરૂર હતી. કદાચ એના જેટલું દુઃખ કોઈને પણ ના હોય એ સ્વાભાવિક છે. રાજસ તો હજી કોલેજના છેલ્લા વર્ષમાં હતો. ઋત્વી અને એનો પતિ ભવિષ્યના સોનેરી સ્વપ્ન જોઈ રહ્યા હતા કારણ રાજસ આઈ.ટી.માં હતો અને કેમ્પસ ઈન્ટરવ્યુમાં પસંદ થઈ ગયો હતો. પતિપત્ની બંને ખુશ હતાં. રાજસનું નોકરીનું સ્થળ પણ કંઈ ખાસ દૂર ન હતું.
પરંતુ કયારેક મનુષ્ય વધુ પડતી ખુશી જોવા રહેતો ન હોય એવું પણ બને. ઋત્વી અને એના પતિની જિંદગીમાં એવું જ બન્યું. ઋત્વીનો પતિ એક રાત્રે સૂઈ ગયો પછી એ ઉઠી જ ના શક્યો.
અત્યાર સુધી તો બધા ખુશ હતા કે ગામમાંથી શહેરમાં આવ્યા. કારણ કે ગામનો સરપંચ દૂરદર્શી હતો. એને ગામના લોકોને ભેગા કરીને કહ્યું કે અત્યારે તો આપણે બધા સુખી છીએ. પૈસો પણ બધા પાસે છે એટલે તમારી જ્ઞાતિના બધા આ પૈસા શહેરમાં મકાનમાં રોકી લો. તમારા બાળકો મોટા થશે ત્યારે એમને ભણવા માટે શહેરમાં જ જવું પડશે. બાળકો તમારાથી દૂર થઈ જશે. સરપંચની આ વાત બધાને પસંદ પડી ગઈ હતી. પરિણામ સ્વરૂપ શહેરમાં બધાના પોતાના મકાન થઈ ગયા. જો કે સરપંચે જ જમીન વગેરેની વ્યવસ્થા નિ:સ્વાર્થ ભાવે કરી હતી. સરપંચના નિર્ણયથી બધા ખુશ હતાં. જમીનના ભાવો તો દિવસે દિવસે વધતાં જ હતાં. બધા સરપંચને મનોમન આશીર્વાદ આપતાં હતાં. સારા માઠા પ્રસંગે બધા ભેગા થઈ જતાં.
ઋત્વીના પતિના મૃત્યુના સમાચાર સાંભળતાં જ બધા ભેગા થઈ ગયા હતા. અંતિમ ક્રિયા માટે કોઈને પણ ખાસ દોડાદોડ કરવી ના પડી. બધાનો સ્વભાવ પણ સારો અને મદદરૂપ થયેલો.
ઋત્વી કોલેજમાં લેકચરર હતી. પૈસાની તો તકલીફ પડે એવું ન હતું. પતિના વિમાના પણ ખાસ્સા પૈસા આવવાના હતા. એમાં ય એના પતિની નોકરી ચાલુ હતી એ દરમ્યાન એ મૃત્યુ પામ્યો હતો.એટલે એના પણ પૈસા ઘણા આવવાના હતા. જ્ઞાતિવાળાને હતું કે ઋત્વી પાસે પૈસા તો ઘણા આવશે. તેથી એને પતિની અંતિમ ક્રિયા પાછળ ઘણોજ ખર્ચ કરવો જોઈએ. બધા ઋત્વી પાસે જઈને એને કહેતાં, " જનાર વ્યક્તિ બધુંજ અહીં મુકીને ગયો છે. ઋત્વીને થતું કે એ કહી દે કે, " બધા બધું જ અહીં મૂકીને જ જાય છે." એમના તેરમા ઉપર એવો જમણવાર કરજો કે બધા કાયમ માટે યાદ કરે. તેરમાની વહેંચણીમાં પણ વાસણના બદલે ચાંદીના સિક્કા આપજો. બધા સગા જમે તો જ મૃત વ્યક્તિને પહોંચે.
અને તમારે કયાં પૈસાની ખોટ છે ? ઋત્વી વિચારતી હતી કે હજી પતિની રાખ પણ ઠંડી પડી નથી અને લોકોને જમવાની પડી છે !
ઋત્વી કશું બોલી નહિ પરંતુ મનમાં એક નિશ્ચય કર્યો. જયારે જ્ઞાતિવાળાને ખબર પડી કે તેરમાનું જમવાનું રાખ્યું નથી ત્યારે બધા અંદરોઅંદર વાતો કરવા લાગ્યા, " બધા જમે નહિ તો મૃત વ્યક્તિ ને પહોંચે નહિ. એને પહોંચે તો એના આત્માને તૃપ્તિ મળે. ઋત્વી કંજૂસ છે. પતિ પાછળ જમણવાર પણ રાખતી નથી. "
જયારે કેટલાકે ઋત્વીને આ બાબત વિષે કહ્યું તો એને સ્પષ્ટ શબ્દોમાં કહી
દીધું કે, " હું માત્ર ધાર્મિક વિધિમાં જ માનું છું. જમણવારમાં નહિ. કદાચ જમણવાર પણ કરૂ તો બધા કહેશે એમાં શું ? પૈસો હોય તો કરે. જમેલું તો બે દિવસમાં ભૂલી જશે.
ખરેખર તો તેરમાના જમણવારનો અર્થ છે કે તમે શોકમાંથી મુકિત મેળવો. એટલા માટે લાડુ બનાવી ગળ્યું મોં કરવામાં આવે છે. શોકમાં આપણામાં એટલે જ સોળ દિવસ પૂજા નથી થતી કારણ ઈશ્વર ઈચ્છે છે કે મારી પૂજા પ્રસન્ન ચિત્તે કરો. સમય જાય એમ દુઃખ ઓછું થતું જાય. માટે હું વહેંચણ કે જમણવાર નહિ જ રાખું. તમે બધા તો સોળ દિવસ પછી પૂજા કરશો કારણ તમારૂ દુઃખ ઓછું થઈ જશે પરંતુ એક પત્ની જ વરસી વાળતાં સુધી સેવા પૂજા નથી કરી શકતી. કારણ કે એનું દુઃખ એટલું જલદી ઓછું થતું નથી.
"સમાજમાં જે ખોટી માન્યતાઓ છે એની સામે મારો વિરોધ છે. લક્ષ્મીપૂજન કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન નથી થતાં. ખરેખર તો તમારી આવકના દસ ટકા પણ જો તમે જરૂરિયાત મંદોને મદદ માટે ખર્ચ કરો એ સાચું લક્ષ્મીપૂજન છે. માટે અમારે ત્યાં કયારેય અમે લક્ષ્મીપૂજન નથી કરતાં. કારણ અમે અમારી કમાણીમાંથી જે રકમ જરૂરિયાતમંદો માટે વાપરીએ એ જ સાચું લક્ષ્મીપૂજન છે. જે અમે બારેમાસ કરીએ છીએ. "
જ્ઞાતિમાં અંદરોઅંદર ઋત્વી કંજુસ છે એવી વાતો વહેતી થઈ ગઈ.
રાજસના કાને પણ એ વાત આવી તેથી જ એને એની મમ્મીને કહ્યું ત્યારે એની મમ્મીએ કહ્યું, "દીકરા, મેં કંજૂસાઈ નથી કરી. હું તો કોલેજમાં અર્થશાસ્ત્ર શીખવાડુ છું. મને ખબર છે કે પૈસા ખર્ચવાથી સમાજમાં ઘણા બધા કમાઈ શકે. પૈસો ફરતો રહેવો જોઈએ.
સંસ્કૃત વિદ્યાપીઠમાં ગરીબ ઘરના બાળકો ભણે છે. જે ત્રિકાળ સંધ્યા કરે છે. એથી જ આપણને સમાજમાં કર્મકાંડી બ્રાહ્મણો મળી રહે છે. બધાને ચાંદીના સિક્કા આપવા કરતાં આવા વિદ્યાર્થીઓને જમાડીને દક્ષિણા આપવી વધુ સારૂ. આસપાસના શહેરો અને નગરમાં ઘણી બધી સંસ્કૃત વિદ્યાપીઠો છે ત્યાં હું અને તારા પપ્પા નિયમીત જતાં અને કેટલાય વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ અમે મદદ કરતાં. સ્કૂલોમાં જઈ ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરી દેતાં.
બેટા, બધા જ્ઞાતિવાળાને જમાડવાથી પુણ્ય પ્રાપ્ત થતું નથી. એટલે જ આપણામાં કહેવત છે કે, " હાથે તે સાથે ." લોકો તો જમવા માટે કંઈક કારણ શોધતાં જ હોય છે. હું જમણવારની વિરોધી નથી. તારા લગ્ન વખતે જમણવાર રાખીશું. એટલું જ નહિ કોઈનો પણ વ્યવહાર લઈશું પણ નહિ. લોકો પુણ્યનો અર્થ એટલે જમણવાર જ સમજે છે.
લોકોને પહેરવા માટે ચંપલ પણ હોતા નથી. નોટો ચોપડીઓ પણ નથી હોતી. એમને મદદ કરવી એ જ મારી દ્ષ્ટિએ પુણ્ય છે. લોકોની વાતો પર ધ્યાન આપી આપણે આપણા મૂળભૂત વિચાર કે સંસ્કાર બદલવાની જરૂર નથી. પુણ્યનો અર્થ દરેકની દ્ષ્ટિ એ જુદો છે. બેટા, લોકોને જે બોલવું હોય એ ભલે બોલે "
ઋત્વી ઈશ્વરને પ્રાર્થના કરતી હતી કે સમાજ પુણ્યનો સાચો અર્થ સમજે.