વ્યવહાર
વ્યવહાર
ઈશાનીએ ફરીથી દીકરીને ફોન કર્યો. પરંતુ દીકરીએ ગુસ્સે થતાં કહ્યું, "મમ્મી, મેં તને કહ્યુંને કે મને સમય નથી. મારા સિવાય પણ બીજી બે બહેનો છે. હું ત્યાં આવી શકું એમ નથી. તું જાણે છે કે મારો એક દીકરો બારમામાં છે અને બીજો દસમામાં છે. હું તારે ત્યાં કયાંથી આવી શકું ? "
"ગમે તે કર પણ તારે આવવું જ પડશે. મારી તબિયત સારી નથી. મારી ચાકરી કોણ કરશે ? નહિ તો તું મને તારે ઘેર લઈ જા." મમ્મી તું તો જાણે છે કે અમારે ત્યાં ત્રણ રૂમ જ છે. બંને છોકરાઓનું આ અગત્યનું વર્ષ છે. અમે બંને જણ હાલ રસોડામાં સૂઈ જઈએ છીએ. મમ્મી તું પૈસાની ચિંતા ના કરીશ હું પૈસા મોકલાવતી રહીશ. તું ત્યાં કોઇ ર૪ કલાકની બાઈ રાખી લે."
"મારે તારા પૈસાની જરૂર નથી હું કંઈ ભિખારી નથી. પેલી બંને જણીઓ અમેરિકા અને ન્યુઝીલેન્ડ જઈને બેઠી છે. મેં તો તમારા માટે પૈસાદાર સાસરિયાં શોધ્યા છે. હું તમારે માટે ઘણું કરૂ છું તો ય મારે આજે જરૂર છે ત્યારે તમે છટકબારી શોધો છો ? બંને જણીને તો મારી કોઈ કિંમત નથી. તું બાજુના શહેરમાં છું. તને બબ્બે છોકરાંઓ સાથે અઘરું ના પડે એટલે મેં કેટલું કર્યું છે ! આંબાહળદર અને લીલી હળદર તને ખૂબ ભાવે એટલે દરવખતે કિલો કિલો આથીને જાતે બસમાં આપવા આવતી. બધી ભાજીઓ પણ સમારીને આપી જતી હતી. નાસ્તો કે અથાણાં તો હું ખાસ આપવા આવતી. તું બધુંજ ભૂલી ગઈ ? "
"મમ્મી હું કશું ય ભૂલી નથી. પણ મનુષ્ય સંજોગોનો ગુલામ હોય છે. સંજોગો પ્રમાણે વર્તન કરવું જોઈએ. મમ્મી તું યાદ કર તું નોકરી કરતી હતી ત્યારે અમે બધી બહેનો 'બેબી સિટીગ'માં રહેતા
હતા. તે સામે અમારી કોઈ ફરિયાદ ન હતી. કારણ તું અમને પ્રેમ કરે છે એ વાત અમે સમજતાં હતાં."
"તારી બંને બહેનોને જે જોઈતું હોય એ મંગાવી લે છે પાપડને અથાણાંના પાર્સલ થોડા થોડા સમય એ થતાં જ હોય છે. હું કંઈ પૈસાની ગણતરી કરતી નથી. મેં તમારા બધા માટે ઘણુંજ કર્યું છે. હું નોકરી ના કરતી હોત તો તમે આટલાં લહેરથી મોટા ના થયા હોત. "
"મમ્મી તું ગુસ્સામાં શું બોલે છે એ તને ખબર છે ? "
"મને તો બધી ખબર પડે છે. મેં શું ખોટું કહ્યું. ?તમે બધાં માબાપની જવાબદારીમાંથી છટકવા માંગો છો. એના કરતાં તમે જન્મ્યાં જ ના હોત તો સારુ. "
"મમ્મી હવે મારી સહનશીલતાનો અંત આવી ગયો છે. જો મમ્મી અમે તારી પર બળજબરી નથી કરી કે તું અમને જન્મ આપ. ગરીબ હોય કે ધનવાન દરેક પોતાની રીતે બાળકો ઉછેરે જ છે. તેં અમને એટલા માટે મોટા કર્યા કે ભવિષ્યમાં તું અમારી પાસે વળતર માંગી શકે ? મમ્મી માબાપ અને સંતાનો વચ્ચે પ્રેમનો સંબંધ હોય છે, તેં તો અપેક્ષાઓ રાખી ! માબાપ અને સંતાનો વચ્ચે પ્રેમને બદલે વ્યવહાર બનાવી દીધો. જયાં હક્ક અને ફરજની લેવડદેવડ થતી હોય ત્યાં પ્રેમ ના ટકે."
"મને ભાષણ આપવાની જરૂર નથી. મેં અત્યારસુધી જે કર્યુ એનો તમારામાંથી કોઈ ને ગુણ ના રહ્યો. " અને ગુસ્સે થઈ ઈશાનીની મમ્મીએ ફોન કટ કર્યો.
ઈશાની વિચારતી હતી કે અત્યાર સુધીની મમ્મીની તકલીફમાં એ દોડીને આવતી હતી. માબાપનું કરવાની દરેક સંતાનોની જવાબદારી છે. પરંતુ આજે તો મમ્મી એ જે કંઈ કર્યુ એનો હિસાબ આપતી રહી. જયાં વ્યવહાર હોય ત્યાં પ્રેમ કયાંથી ટકે ?