STORYMIRROR

nayana Shah

Tragedy Inspirational

3.4  

nayana Shah

Tragedy Inspirational

મંદિર

મંદિર

7 mins
426


જોનારાની આંખો ઠરે એવું સુંદર જોડું જોતાં જ બોલી ઊઠવાનું મન થાય કે, "ખરેખર ભગવાને ફુરસદના સમયે આ યુગલ બનાવ્યું હશે. કેટલો ભક્તિભાવ બંને જણામાં ઠાંસી ઠાંસીને ભર્યો હશે." તમે મંગળામાં તો આરતી સમયે તેમને અચૂક જોઈ શકો. અરે, કેટલાક તો એવું કહેતા પણ મેં સાંભળેલા કે, "મંદિરમાં દર્શન કરવા તો ઘણાય આવે છે પરંતુ આટલી નિયમિતતા કે ભક્તિભાવ બહુ ઓછાંમાં જોવા મળે. "મંગળા આરતી વખતે તો બંને જણા નાહીં ધોઈને ઘરની સેવા કરીને આવે છે. બહુ ઓછાને એ વાતની ખબર હશે કે એમના ઘરની સેવામાં પણ એ શણગાર, રાજભોગ કરે છે. મંદિરમાં દર્શન કરવા આવે એ પહેલા તો એમના ઘરના ભગવાનને મંગળાભાેગ ધરાવીને આવે છે. અરે, રાજભાેગમાં તો જે ભોગ ધરાવે છે એ તો આગલે દિવસે ફુરસદના સમયમાં સામગ્રી બનાવી દે. આ તો દર્શનની વાર હોય તો કોઈ વાર વાત નીકળે એટલે ખબર પડે. બાકી એક વાત તો નિશ્ચિત છે કે આવું યુગલ જોવા ના મળે. પૃથ્વી પર સતત ભગવાનનું સ્મરણ થતું રહે છે અને આવા પુણ્યશાળી આત્મા વડે જ આ પૃથ્વી પર પ્રભુ વરસાદ વરસાવે છે, નહીં તો દુકાળ પડે. 

રાત્રિના સમયે પણ ભજનમંડળીમા હાજર. આ યુગલ ના હોય તો એવું લાગે કે કંઈક ખૂટે છે. એક પછી એક ભજનની રમઝટ બોલાવતા જ હોય. અરે, ધાર્મિક નાટકોમાં પણ તેમનું પાત્ર તો હોય જ. મંદિરમાં આવનાર બધા જ કહેતા, " નિવૃત્તિ તો આને જ કહેવાય. જે પ્રભુ ભક્તિમાં લીન રહે. " બપોરના સમયમાં પણ આસપાસના પડોશીઓને બોલાવીને ભાગવત વાંચે. ભાગવત પૂરું થાય એટલે રામાયણ વાંચે. ચૈત્ર મહિનો આવે તો ઓખાહરણ વાંચે. હાેળી વખતે રસિયા ગાય. કોઈને ત્યાં વિવાહ હોય તો વિવાહ ખેલ કરાવવા પણ જાય.

થોડો સમય વાર-તહેવારે મોડું થાય તો માળાજી બનાવવામાં મદદ કરે. સાથે-સાથે ભગવાનના ભજનો તો ચાલુ જ હોય. ક્યારેક આ યુગલના પુરુષને પૂછવામાં આવે કે તમે ઘણું કરો છો તો કહે બધી ઈશ્વરની લીલા છે. એ જેમ અને જેટલું કરાવે એટલું કરીએ છીએ. ઉપરવાળો બધું આપે છે. ઘણા સમય બાદ મને આ યુગલનું નામ ખબર પડી. લાલભાઈ અને લલીતા. હું એકદમ બોલી ઊઠી, " લલીતા તેા એક ગાેપીનું નામ હતું. એને પણ કૃષ્ણમાં પ્રેમ અનહદ હતો. " હું ઘેર પણ આવીને મારા સાસુ ને કહેતી ," આવું ભક્તિભાવવાળુ યુગલ આ કળીયુગમાં ભાગ્યે જ જોવા મળે." ત્યારે મારા સાસુ કહેતા, " બેટા, સાચા દિલથી ભક્તિ કરનારને મંદિર જવાની પણ જરૂર પડતી નથી. આપણામાં કહેવત છે કે' મન ચંગા તો કથરોટમેં ગંગા. ' જેને જે ઇચ્છા હોય, સમય હોય એ પ્રમાણે કરે. વિઠાેબા તાે હંમેશા ભક્તના વશમાં રહે છે. પંંઢરપુરમાં તો પુંડરીક્ષે ઈંટ ફેંકીને ભગવાનને રાહ જોવાનું કહ્યું. ભગવાન રાહ જોઇને ઊભા ઊભા થાકી ગયા તો કમરે હાથ મૂકીને ઊભા રહ્યા. આજે પણ પંઢરપુરમાં ભગવાનની મૂર્તિ ઊભી જ છે. અને કમરે હાથ રાખીને ઊભા છે. રુક્ષ્મણી પણ ત્યાં નથી. ભગવાનને તો રુક્ષ્મણીથી પણ વિશેષ પ્રેમ તેમના ભક્તો ઉપર છે. 'મંગળા કરે એનું મંગળ થાય. ' એ વિધાન પાછળ પણ વિજ્ઞાન રહેલું છે. સવારે ચોખ્ખી હવામાં ફરવાથી ભરપૂર પ્રાણવાયુ મળે. એથી તમારી તબિયત સારી રહે. તમે એ માટે વહેલા ઊઠો. તેથી રાત્રે પણ તમે વહેલાં સૂઈ જાવ. આપણાે તો આખો ધર્મ વિજ્ઞાન સાથે જોડાયેલાે છે. પરંતુ જ્યાં સાક્ષાત ભગવાન બિરાજતા હોય તેનું વાતાવરણ જ અદભૂત હોય છે. ત્યાં જવાથી તમને સારા સારા વિચારો આવે. સત્સંગ થતો હોય તો બે સારા શબ્દો તમારા કાને પડે. અને નિવૃત્ત જીવનમાં મારી તારી કરવાને બદલે ભગવત સ્મરણ તો ઉત્તમ છે. હું એકાએક બોલી ઊઠી," બા, મેં તો સાંભળ્યું છે કે પંઢરપુરમાં પ્રથમ પગથિયું નામદેવજીનું છે. એમને ત્યાં સમાધિ લીધી હતી. અને તેમની અંતિમ ઇચ્છા હતી કે દર્શનાર્થે આવતા ભક્તોની ચરણરજ મારા પર પડે અને આ પગથિયાં પરથી જ ભક્તો જાય. " 

હું થોડીવાર અટકી અને બોલી ," બા, અહીંના મંદિરમાં પ્રભુ સાથે તેમની પટરાણીઓ પણ છે. મને તો થાય છે કે આ લાલભાઈ અને લલીતા અહીં સમાધિ લેશે. અને એમનું પણ પ્રથમ પગથિયું બનશે. આવું ભક્તિભાવવાળું યુગલ પણ પ્રભુ બનાવે છે, " નિયમિત અમારા ઘર પાસેથી મંદિર જવા પસાર થતા એ યુગલને જોઈ મને મનમાં ઘણો જ આનંદ થતો કે અમે પણ નિવૃત્ત થઈને આવી જ જિંદગી વિતાવીશું. બિલકુલ પ્રભુમય બની જવાની પણ એકદમ મજા છે. આજ છે જાણે સુંદરતમ જિંદગી. અમને પણ આવી જિંદગી જીવવી ગમશે. બસ બા, તમે આશીર્વાદ આપો અમે પણ પ્રભુભક્તિમાં લીન બની જઈએ." 

મારા સાસુ મારી સામે જોતા બોલ્યા, "બેટા, ઉત્તમ ઈચ્છાઓ તો ઈશ્વર જરૂર પૂરી કરે અને સાચા દિલથી કરેલી પ્રાર્થના તો ઈશ્વરને પણ સાંભળવી પડે." 

દિવસો તો ઝડપથી પસાર થતા હતા. એવામાં એક દિવસ મારી બેનપણીનો ફોન આવ્યો કે અમે મુંબઈથી તારા શહેરમાં આવી ગયા છીએ. એટલું જ નહીં, પણ તારા ઘરથી ખૂબ જ નજીક છીએ. આમ તો હું તને તરત જ ફોન કરવાની હતી. પરંતુ મને થયું કે ઘર વ્યવસ્થિત ગોઠવાઈ જાય પછી જ તને બોલાવું. તું તો જાણે છે કે મારા સાસુને આ શહેરનું કેટલું આકર્ષણ છે. કારણ કે આ

શહેરમાં રહીને મોટા થયા છે. એટલે જ હવે નિવૃત્તિના થોડા વર્ષો બાકી હતા એટલે જ હવે અમે આ શહેરમાં બદલી કરાવી દીધી. હવે આપણે નજીક છીયે અને અવારનવાર મળતા રહીશું. પહેલાંની જેમજ સાથે જ ખરીદી કરવા કે પિકનિક પર પણ સાથે જઈશું. પણ આજે તો તું મારે ઘેર આવજે જ. 

 આમ તો મારી બહેનપણીને ખાસ તકલીફ પડે એવું ન હતું કારણ બાપદાદાનું ઘર હતું જ. એમાં સાફસૂફી કરાવી ત્યાં જ રહેવા આવી ગઈ હતી. હું એને ઘેર ગઈ મને દૂરથી જોઈને જ એ મારી પાસે દોડી આવી. ઘણા વર્ષો બાદ અમે મળતા હતા તેથી એ એની સોસાયટીની વચ્ચોવચ દોડી આવી અને મને ભેટી પડી. અમારા બંનેની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયા. એ જ સમયે દૂરથી પેલું યુગલ આવતું જોયું. અમે એની બાજુના ઘરમાં જ પ્રવેશ્યા. ત્યારે મારાથી બોલાઈ ગયું," તું ખૂબ નસીબદાર છું. " ત્યારે મારી બહેનપણી બોલી ઊઠી, " તું પણ ક્યાં ઓછી નસીબદાર છું. ખરેખર તો આપણે બધી બહેનપણીઓ નસીબદાર છીએ. કારણ સાસરીમાં આપણું સ્થાન ક્યારેય ઘરની વહુનું નથી રહ્યું. આપણને આપણા સાસુ-સસરા દીકરીની જેમ જ રાખે છે એથી વધુ સારું નસીબ શું હોઈ શકે ? 

એ તો એક વાત છે. પરંતુ હું તો તને એવું કહેવા માંગું છું કે તારો પડોશ ખૂબ સારો છે. તારી બાજુનું ઘર લલીતાને લાલભાઈનું છે. કેટલાં ભક્તિવાન માણસો છે. ઘરમાં પણ મંગળા, શણગાર, રાજભાેગ બધું જ કરે છે. અને નિયમિત વિઠ્ઠલનાથજીના મંદિરમાં મંગ઼ળા કરવા આવે છે અને ઉત્થાપનમાં તો એમની હાજરી અચૂક હોય. ખરેખર તને ખૂબ સારો પડોશ મળ્યો છે. પ્રભુ તો કહે છે કે હું હંમેશ ભક્તના હૃદયમાં રહું છું. સવારે ઊઠતાંની સાથે આવા પવિત્ર માણસોના દર્શન થાય એથી વધારે સારું શું નસીબ હોય ? એટલે જ કહું છું કે તું નસીબદાર છું. " 

અરે, તને ખબર છે કે તમે જે ભગવાનની ભક્તિ કરતા હોવ એના સદગુણો તમારામાં આવે તો એ ભક્તિ સાર્થક થઈ ગણાય. તું બાજુમાં રહેતા લાલભાઈ અને લલીતાની વાત કરે છે ને ? તો સાંભળ, જો અહીંથી સામેની લાઈનમાં ચોથુ મકાન છે જે જર્જરીત હાલતમાં છે ને ! તને ખબર છે કે એ મકાન કોનું છે ? એ મકાન લલિતાની સાસુનું છે. હજી એના સાસુ જીવે છે. લગભગ પથારીવશ છે. એના સસરાની વ્યાજની આવક ઘણી છે. એમાંથી જ બધો ખર્ચ થાય છે. લલીતાએ કહી દીધું છે કે હું એમની ચાકરી કરવાની નથી. એટલે સવાર સાંજ બે બાઈઓ રાખી છે. એક સવારે આવે અને બીજી સાંજે આવે. સસરાના પૈસે અનાજ પાણી ભરાય છે. રસોઈવાળી બાઈ રસોઈ કરી જાય છે. સવારની થોડી વધુ કરેલી રસોઈ એ રાતવાળી બાઈ સાંજે ગરમ કરીને આપે. જેથી સવારની રસોઈ એના સાસુને રાતે જમાડે. તહેવારના દિવસોમાં બાઈએ રજા પાડી હોય તો લલીતા એના સાસુને નવડાવે પણ નહીં કે માથું પણ ના ઓળી દે. એના સાસુ તો દયાને પાત્ર છે. " ના હોય, આટલી ભક્તિ કરનાર માણસ આવું કઈ રીતે કરી શકે ? હજુ પણ આગળ સાંભળ. એની નણંદે આવે ત્યારે એ કહે કે તમે તો અમારી વિરુદ્ધ તમારી માને ચઢાવવા આવો છો. તમારે તો મિલકત જોઈએ છે. એટલે જ આંટા મારો છો. થોડો વખત પહેલાં એના સસરા મૃત્યુ પામ્યા ત્યારે આ જ લલિતા અને લાલભાઇ એ બહેનોને કહી દીધું હતું. તમારે અહીં દરરોજ આવવાની જરૂર નથી. તેરમું અને વરસી એક જ દિવસે પતાવી દેવાના. ખોટા ખર્ચા કરવાના નહીં. આમ તો અમે આ ખર્ચ કરવા પણ માંગતા ન હતા. પણ તમારી મા રડી કકળીને ખોટા ખર્ચ કરાવે છે. તમારા બાપની મિલકતની આશા રાખતા હો તો ભૂલી જજો. અમે તમને એક પૈઈ પણ આપવાના નથી. એટલું જ નહિ, આ લલિતા એના ભાઈ સાથે ઝઘડીને બાપની અડધી મિલકત લઈ આવી. એ ઉપરાંત કોર્ટમાં જવાની ધમકી પણ આપી. ખરેખર તો આવી વ્યક્તિઓના મોં સવારના જોવા ના પડે તો સારું. " અરે વિઠ્ઠલનાથજીની ભક્ત આવું કઈ રીતે કરી શકે ? મારા માનવામાં આવી વાત આવતી જ ન હતી. 

પુંડરીક્ષને મળવા ભગવાન આવ્યા ત્યારે એ માતા પિતાની સેવામાં મશગુલ હતો. તેથી ભગવાનને કહ્યું," હું માતા-પિતાની સેવા કર્યા બાદ આવું છું. ત્યાં સુધી તમે મારી રાહ જુઓ. એટલું બોલતા એને ઈંટ ફેંકી. જેની પર ભગવાન ઊભા રહ્યા. ભગવાન જ્યારે થાકી ગયા ત્યારે કમરે હાથ રાખીને ઊભા રહ્યા. વિઠ્ઠલનાથજીના ભક્ત આવા ! દરેક સંતાન પોતાના માતા-પિતાની સાથે સ્નેહ ભાવથી સાથે રહેતા અને સેવા કરતાં થઈ જાય તો સમાજના મોટાભાગના પ્રશ્ન ઊકલી જાય. અરે ઘર જ મંદિર બની જાય. પછી મંદિર જવાની જરૂર ના પડે. મારા સાસુની વાત મને યાદ આવી, " બેટા, મન ચંગા તો કથરોટમાં ગંગા." એ કેટલી સાચી વાત હતી ! બાકી માણસાઈ વગર કરેલું કોઈપણ કૃત્ય પછી એ ધર્મને લગતું હોય કે ફરજને લગતું હોય એના માઠા ફળ ભોગવવા તમારે તૈયાર રહેવું જ પડે. માણસમાં માણસાઈ ના હોવી એ ઈશ્વરનું મોટામાં મોટું અપમાન છે. આવા લોકોએ તો જાતને પૂછીને જ મંદિર જવું જોઈએ. " એટલું બોલતાં હું ઊઠીને ઘર તરફ જવા લાગી. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy