Rohan Vamja

Inspirational Tragedy

4.6  

Rohan Vamja

Inspirational Tragedy

'મા'

'મા'

6 mins
22.1K


કડેડાટ.... કડાકા ભડાકાના અવાજો સાથે વીજળી આકાશેથી ઊતરી ધરતીમાં સમાઈ રહી છે. કાળીડિબાંગ એ મેઘલી રાત્રે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સમય રાત્રિના અઢી વાગ્યે પહોંચીને થંભી ગયો છે. શહેરના લગભગ તમામ ગલી -રસ્તા સૂમસામ ભાસી રહ્યા છે. પ્રકૃતિએ આજે સવારથી જ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે અને સાક્ષાત વરુણદેવ ચોમેર ફરી વળ્યા છે.

એવે ટાણે રાત્રિના અંધકારમાં ભારે પગે એ દર-બદર ભટકતી આશરો મેળવવા સરકારી કોલોનીમાં પહોંચી. હા, એ ગર્ભવતી છે અને અત્યારે પ્રસવપીડા વેઠી રહી છે. પણ હાય રે! એના નસીબની બલિહારી, પરિવારે આવી હાલતમાં એને તરછોડી દીધી. જે પરિવારને અત્યાર સુધી એણે ઘણું બધું આપ્યું હતું એ જ કૃતઘ્ની પરિવારે છેલ્લા છ મહિનાથી એને ઘરમાંથી કાઢી મૂકી હતી. એને ઘણીવાર એ ઘરમાં માર પડ્યો હતો અને બહાર તગેડી મૂકવામાં આવી હતી છતાં એ મૂંગે મોઢે બધું જ સહન કર્યે જતી.

પણ છેલ્લીવારનો માર એનાથી સહન ન થયો અને એ ચોધાર આંસુએ ઘરને આખરી વખતના રામરામ કરી નીકળી પડી. પરિવારના સભ્યોને તો એ ય કયા ખબર હતી કે એ ગર્ભવતી હતી! જે મળે એ ખાઇ પીને અને જયાં ત્યાં જેમતેમ રાત્રિઓ પસાર કરી એણે આ દુ:ખભર્યા છ મહિના વિતાવ્યા હતા. પણ એ પોતાની આ વ્યથા કથા કોને સંભળાવે? એ કયા મોઢે પોતાની વિતકકથા વર્ણવે? મૂંગી જો હતી, ભગવાને એને જીભ તો આપી હતી પણ એમાં વાચા પૂરવાનું બાકી રાખી દીધું હતું. એ જયાં જતી ત્યાંથી લોકો એને હડધૂત કરી કાઢી મૂકતા.

આજે તો ઉપરવાળો પણ એની આકરી કસોટી કરી રહ્યો છે. ધોધમાર વરસાદ અને પવનના તેજ સુંસવાટા વચ્ચે એનું શરીર સો ને માથે બે ડિગ્રીએ તપી રહ્યું છે. શરીરમાં હોય એટલું જોર ભેગું કરી એ પોતાના બાળકને જન્મ આપવા મથી રહી છે. આખું શરીર તૂટી રહ્યું છે અને મનથી પણ એ ભાંગી પડી છે. આમેય સગર્ભાવસ્થા દરમિયાન સરખો ખોરાક ન થવાને કારણે એનું શરીર લેવાઇ ગયું છે જેથી એ અત્યારે પ્રસવ માટે પૂરતું બળ કરી શકતી નથી.

છેલ્લો ઊંડો શ્વાસ લઈને પરમપિતાને યાદ કરી એણે શરીરમાં વધી હતી એ બધી તાકાતનો એકસાથે ઉભરો ઠાલવ્યો અને એ જ પળે એ બેશુદ્ધ થઈ ગઈ. સૃષ્ટિના નવા આગંતુકને પોતાની કોખે જન્મ આપતી વેળાનું દ્રશ્ય એ નિહાળી પણ ન શકી. એના શરીરના ધબકારા ધમણની માફક એકદમ તેજ ચાલવા લાગ્યા. શરીરમાંથી જીવ નીકળી ગયો હોય એમ એ સાવ નિશ્ર્વેતન થઈને એમ જ પડી રહી.

અર્ધાએક કલાક પછી એ જયારે ભાનમાં આવી તો એના આનંદનો કોઈ પાર ન રહ્યો! આખરે જે એકમાત્ર કારણ અને આશાએ એ જીવી રહી હતી તે આશા ફલિત થયાની મંગળ ઘડી આવી પહોંચી. એનું અંગેઅંગ

રોમાંચિત થઈ ઉઠ્યું. બાજુમાં જ રહેલા પોતાના શિશુનું એ દ્રશ્ય એના માટે અહર્નિશ આનંદ ઊપજાવનારું બની રહ્યું. પોતાના બાળકને એણે વહાલભરી ચુમીઓથી નવડાવી દેવા ચાહ્યું, પણ સાવ નંખાઈ ગયેલા ડિલે એ ઊઠી ન શકી. મહામહેનતે એણે બાળકને પોતાની નજીક લઈ સોડમાં લપાવ્યું અને જેમતેમ કરી રાત્રિ પસાર કરી નાખી.

સૂર્યદેવ પોતાના સાત ઘોડાવાળા રથમાં સવાર થઈ પોતાની પ્રિય સખી વસુંધરાને મળવા આવી પહોંચ્યા છે. વરુણદેવ એને રગદોળી-ધમરોળી વિદાય લઈ ચૂકયા છે. થોડો ઉઘાડ થતાં બહાર લોકોની ચહલપહલ વર્તાય છે. એને પણ થોડીવારની વિશ્રામની પળો બાદ હવે રાહત અનુભવાય છે. હળવે રહી ઊભી થઈ એ બાળકને સાથે લઈ કોલોનીના પાછળના ભાગમાંથી આગળના ભાગે આવે છે, પણ માંડ થોડું ચાલ્યા બાદ કમ્પાઉન્ડની દિવાલ પાસે ફસડાઇ પડી ત્યાં જ બેસી જાય છે.

એટલામાં એણે બાળકને જન્મ આપ્યો છે એવી ખબર પડતાં અમુક સન્નારીઓ એના માટે ખાવાનું લઈ આવે છે, પણ હવે એને કોઈના પર પણ વિશ્વાસ રહ્યો નથી. એને એમ લાગે છે કે એ બધી સ્ત્રીઓ એના બાળકને ઝૂંટવી જશે એટલે એ તેમને પોતાની કે બાળકની નજીક ફરકવા જ દેતી નથી અને તેમને તગેડવાની કોશિશ કરે છે. પેલી સ્ત્રીઓ ઘરેથી લઈ આવેલું ખાવાનું તેનાથી થોડે દૂર મૂકી અંદરોઅંદર કાંઈક બબડતી પાછી જતી રહે છે. છતાંયે એને તો એવો જરાસરખો પણ ખ્યાલ નથી કે તે સ્ત્રીઓ તો તેના શરીરને ઊર્જા મળી રહે અને તે પોતાના બાળકને સ્તનપાન કરાવી શકે એ માટે ભોજન લઈને આવી હતી, એનું તો ધ્યાન પણ એ બૈરાઓએ મૂકેલ અન્ન તરફ ગયું નથી; એનું ધ્યાન તો બસ એના બાળકમાં જ પરોવાયેલું છે.

થોડીવારમાં સામેના જ ઘરમાં રહેતા ચાર-પાંચ યુવાનો ત્યાં આવે છે અને એમને આ વાતની જાણ થાય છે. યુવાનોને એના માટે હમદર્દી ઊભરાય આવે છે. આથી એમાંના બે યુવાનો થોડીવાર પછી એમની ઉપર રહેતા કાકીને ત્યાંથી ખાસ સુવાવડી માટેનો બનાવેલો ખોરાક લાવી તેની બાજુમાં જ મૂકી જાય છે. પણ એ તો હજી ય એના શિશુમાં જ મશગૂલ છે અને એને તો એમ જ લાગે છે કે આ છોકરડાંઓ પણ પોતાના બાળકને એની પાસેથી છીનવી લેવા જ આવ્યા છે. એ થોડી થોડી વારે પોતાના બાળક સામે અને ક્યારેક આ યુવાનો તરફ નજર નાખી લે છે. પ્રસવ પછી એનામાં વાત્સલ્યનું ઝરણું ફૂટી નીકળ્યું છે. એટલે જ તો એ સામે ખાવાનું પડેલ હોવા છતાં અને કેટલાય દિવસથી ભૂખી હોવા છતાં એની તરફ નજર સુધ્ધા નાખ્યા વગર પોતાના બાળક પર જ ધ્યાન આપી રહી છે. પણ એને એટલો ખ્યાલ તો આવી જ ગયો છે કે આ છોકરાઓ એને કે એના બાળકને કોઈ હાનિ પહોંચાડે એમ નથી. છતાંય માની મમતાવશ એ છોકરાઓમાંથી કોઈને પણ પોતાની કે બાળકની પાસે ફરકવા દેતી નથી. એ બોલી શકતી નથી, નહી તો કહી દેત કે "ખબરદાર જો મને કે મારા શિશુને હાથ લગાડ્યો છે તો!"

થોડીવારમાં એક છકડો રીક્ષામાં ત્રણ માણસો ત્યાં આવ્યા અને પેલા છોકરાઓ સાથે કાંઈક વાતચીત કરવા માંડ્યા. કદાચ આ છોકરાઓએ જ એમને બોલાવ્યા હશે એવું એને લાગે છે! એ ત્રણમાંનો એક માણસ એની નજીક આવતાં જ એ ઊછળી પડી અને એના બાળકને એ લઈ જશે તો એ બીકે બરાડા પાડવા લાગી, પણ પેલા ભાઈને એની કાંઈ અસર ન થઈ, એ તો ખૂબ જ ત્વરાથી એને જાડા દોરડા વડે રીક્ષા સાથે બાંધી દે છે. એ એમાંથી છુટવા આમથી તેમ વલખા મારે છે, પણ શરીરની શકિત હણાઈ ગઈ હોવાથી એ કેમેય કરી છુટી શકતી નથી. આ બાજુ પેલો માણસ હવે આસાનીથી એના બાળકને ઊંચકી રીક્ષામાં મૂકી દે છે. પોતાનું બાળક છીનવાઈ જતું જોઈ એની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે છે, પણ દોરડાથી બંધાયેલી એ હવે કાંઈ કરી શકે એવી સ્થિતિમાં જ નથી.

ઘરઘરાટીના અવાજો સાથે છકડો ચાલુ થાય છે અને એને બાંધેલું દોરડું રીક્ષાવાળા ભાઈ છોડી નાખે છે. આગળ રીક્ષાને પાછળ રઘવાયી થયેલી એ, શહેરના ટ્રાફિકને ચીરતાં આગળ ને આગળ ધપ્યે જાય છે. પોતાના છીનવાયેલા બાળકને પાછું મેળવવા ધમપછાડા કરતી માની સ્થિતિ અકલ્પનીય છે. સાવ નંખાઈ ગયેલા શરીરે પણ એ રીક્ષાની પાછળ દોડતી જ જાય છે. રસ્તે પસાર થતાં લોકો પણ રીક્ષા પાછળ એને દોડતી નિહાળી વિસ્મય અનુભવે છે. પણ એને કશાયની પરવા નથી. ચારે બાજુથી પસાર થતાં વાહનો વચ્ચે એને તો બસ બે જ વસ્તુ દેખાય છે; પોતાનું બાળક અને એને ઊપાડી જતી રીક્ષા.

અંદાજે દસેક કિલોમીટરનું અંતર કપાઈ ગયું છે. શહેરની ભીડભાડવાળી ગીચતા પાછળ રહી ગઈ છે. શરીરમાં નબળાઈ હોવા છતાં આટલું દોડવાથી એને આંખે અંધારા છવાતા જાય છે, છતાંય એ દોડતી જ રહે છે. આખરે એક મોટા વરંડાવાળા મકાનની આગળ આવી રીક્ષા ઉભી રહે છે અને રીક્ષાવાળો એના બાળકને રીક્ષામાંથી નીચે ઊતારી મૂકે છે. ત્યાં પહોંચતાવેંત જ એ પોતાના વ્હાલસોયાને વ્હાલી વ્હાલી ચૂમીઓથી નવડાવી દે છે. એ અત્યારે કપરી દુઃખભરી યાતનાઓ વેઠ્યા બાદ ફૂલગુલાબી સુખદ પળોનો આસ્વાદ માણી રહી છે. એના ધાવણમાંથી વ્હાલપનું ઘોડાપૂર ઊમટી એના બાળકના પેટમાં ઠલવાય રહ્યું છે. આખરે તો એ પણ મા જ છે ને! ગાયમાતા!! દૂર ક્ષિતિજે પ્રકૃતિ સાત રંગોના શણગાર સજી ખિલી ઊઠી છે.

(કલ્પનારૂપી પાંખો ચડાવેલી સત્યઘટના પર આધારિત)

- રોહન વામજા


Rate this content
Log in

Similar gujarati story from Inspirational