ધૂળેટીનો રંગ
ધૂળેટીનો રંગ
"હાલ એય આંકલા, જલદી ફુગ્ગાની મોટી કોથળી ભરી લે અને પાકા કલરનાં થોડાં પાઉચ સાથે લઈ લે, મોડું થાય છે. પછી મજા મરી જાશે !" એક્ટિવા પર સવાર થઈ આવેલો અમિત ધૂળેટી રમવા થનગની રહ્યો હતો. "હા ભાઈ હા, મારે ય ઉતાવળ જ છે. પણ આ બધું સરખું ભરી તો લેવા દે એલા!" હાંફળો-ફાંફળો થતો અંકિત જલદીથી એટલું બોલીને પોતાના કામમાં લાગી ગયો. પોતાના ગામથી નજીકના શહેરમાં ભણતા બંને, અહીંયા રૂમ ભાડે રાખીને રહેતા હતા.
પ્રવાહી કલર ભરેલા ફુગ્ગા, કલર પાઉડરના પાઉચ એવું બધું બે મોટી કોથળીમાં ભરીને અમિતે એક્ટિવા શહેરના મુખ્ય માર્ગ તરફ મારી મૂક્યું. પણ કોને રંગવા જવું હતું એમને, જે સામે મળે એ દરેકને, ખાસ કરીને એમની ઉંમરની છોકરીઓને! આ એમનો છેલ્લા ચાર વર્ષથી ધૂળેટીના તહેવારનો ક્રમ હતો.
જેવી કોઈ છોકરી વાહન પર સામેથી કે બાજુમાંથી આવતી દેખાય એટલે બંને પોતાના હાથમાં ફુગ્ગા લઈ એમની ઉપર છુટ્ટા ઘા કરે, એમના ચહેરા પર કલરની મુઠ્ઠીઓ ભરી ફેંકે. સામેવાળા રંગે રંગાયેલા હોય કે ન હોય, એમને કાંઈ ફરક ન પડે. એમાંથી કોઈ કોઈ તો બિચારી નિર્દોષ, ક્યાંક બહાર જતી હોય એવી છોકરીઓ ય એમની હડફેટે ચડી જાય. એમનો શિકાર મુખ્યત્વે જુવાન છોકરીઓ જ રહેતી. અને આવી રીતે રંગ ઉડાડ્યા બાદ એમના સ્કૂટરને ફુલ સ્પીડે મારી મૂકતા. હેરાન થયેલામાંથી કોઈ એમની વિરુદ્ધ ફરિયાદ કરતું નહિ એટલે એમના આવા અટકચાળાઓને વેગ મળતો. અને પછીના વર્ષે બમણા જોરથી વધુ ખૂલીને આવા છાકટાંવેડાં કરતા.
"એ... લે... લે... લે... આવી! આવી! એ બાજુ લે." સામેથી મોપેડ પર સવાર બે બુકાનીધારી છોકરીઓને આવતી જોઈને અંકિત બૂમો પાડવા લાગ્યો. અમિતે ય એક હાથમાં બે ફુગ્ગા પકડી, એક હાથ લીવર પર રાખી એક્ટિવા સામેથી આવતી છોકરીઓ બાજુ દબાવ્યું. છોકરીઓએ ય એમને પોતાની તરફ આવતા જોયા ને મોપેડ ચલાવતી છોકરી થોડી ગભરાઈ. બંનેને બહાર પ્રસંગમાં જવાનું હોવાથી રંગોથી ખરડાવાની ને કપડાં બગડવાની બીક લાગી. એટલીવારમાં તો બંનેના ચહેરા અને છાતીના ભાગે રંગોથી ભરેલાં ફુગ્ગા ધડાધડ અથડાયા.
અજાણી છોકરીઓને રંગ ઉડાડી પિશાચી આનંદ લેતા બંને ભાગી જવાના વેંતમાં લાગ્યા. અમિતે છોકરીઓ સામે જોતા જોતા અને એમની દયનીય હાલત પર હસતા હસતા એક્ટિવાનું લીવર ખેંચ્યું. આંખના પલકારામાં આ બધું બની ગયું હતું. છોકરીઓ પણ હવે એમને ક્રોસ કરી ગઈ હતી. અંકિત અને અમિતે આગળની બાજુ મોઢાં ફેરવતા બંનેની રાડ ફાટી ગઈ. સામેથી એમનો કાળ બની ધસમસતો આવી રહેલો ટ્રક એમનાથી બસ વીસ-પચીસ ફૂટ જ દૂર હતો...!