mariyam dhupli

Drama Thriller

5.0  

mariyam dhupli

Drama Thriller

શિફ્ટ

શિફ્ટ

11 mins
539


આજે સવારથીજ હું ઘરની સાફસફાઈ પાછળ મંડી પડી હતી. આજે મારે આખા ઘરને ચળકતું કરી મૂકવું હતું. આજથી સુધીર અહીં મારી જોડે રહેવા આવવાના હતા. અંતિમ બે મહિનાથી હું અહીંજ રહેતી હતી. અહીં હું મારી મરજીથી શિફ્ટ થઈ હતી. હા,એકલીજ. સુધીર પોતાના માતાપિતા જોડે રહેતા હતા. એજ ફ્લેટમાં જ્યાં તેઓ મને લગ્ન કરી રહેવા લઈ ગયા હતા.  

એ ફ્લેટ મને પહેલેથીજ બહુ ગમતું ન હતું. કદમાં ઘણું સાંકડું. એકજ કોમન રસોડું, બે નાના શયનખંડ અને ચાર ડગલામાં પૂરું થઈ જતું એક ડ્રોઈંગ રૂમ. આવા નાનકડા ફ્લેટમાં મારે સાસુ સસરા જોડે સમાધાન સાધી જીવવાનું હતું. મને એમના તરફ કોઈ અણગમો ન હતો. પિયરમાં પણ તો હું મમ્મી પપ્પા જોડે રહેતીજ હતી ને. હા, પણ મારા મમ્મી પપ્પા અત્યંત મુક્ત વિચારશ્રેણી ધરાવતા હતા. વાતેવાતે રોકટોક નહીં. બાળકો પર પૂરો ભરોસો. પેઢી વચ્ચેના અંતરને તેમણે મૈત્રી જોડે ભરી નાખ્યું હતું. પણ સુધીરના માતાપિતા . . . . .

કોણ આવ્યું ? કોણ ગયું ? મોડું કેમ થયું ? જલ્દી કેમ આવ્યા ? મોડે કેમ ઉઠ્યા ? આવા કપડાં કેમ પહેર્યા ? કોના જોડે વાત કરતી હતી ? કોનો કોલ આવ્યો હતો ?

ઉફ્ફ . . . . . !

ઘર નહીં જેલ જોઈ લો. એ ફ્લેટમાં અંતરજગત માટે કે સંબંધની ગોપનીયતા કે ' પ્રાઈવસી ' માટે ન કોઈ સ્થળ હતું, ન અવકાશ.  

લગ્નના થોડા મહિનામાંજ મારો જીવ રૂંધાવા લાગ્યો હતો. મેં સુધીર સામે મારુ હૈયું ઠાલવી દીધું હતું.

" ચલોને સુધીર આપણે જુદા ઘરમાં રહેવા જઈએ. અહીં મારો શ્વાસ રૂંધાય છે. મેં એક મકાન જોયું છે. નજીકમાંજ છે. આ ફ્લેટથી બહુ દૂર પણ નથી. આપણે તમારા માતાપિતા પર એક નજર પણ રાખી શકીશું. આવતા જતા રહેશું. એમના પ્રત્યેની દરેક ફરજ નિભાવીશું. બહુ નજીક રહેવાથી સંબંધો ગૂંગળાઈ જશે. થોડા અંતરેથી તાજી હવા મળતી રહેશે. સંબંધો સચવાઈ જશે, સુધીર. " 

સુધીરે મારી વાત ધ્યાનથી સાંભળી હતી. એમનો એ ઊંડો મૌન વિરામ આજે પણ મને બરાબરથી યાદ હતો. એમણે મારી તરફ જોયું હતું અને એમના સ્વભાવ જેવા જ શાંત અને ધીરજસભર શબ્દોમાં સ્પષ્ટ ના પાડી દીધી હતી.  

" નહીં મયુરી. આ ઉંમરે હવે હું એમને એકલા ન છોડી શકું. પપ્પા ઊંચું સાંભળે છે. મમ્મીને હાઈબ્લડ પ્રેશર અને હાર્ટ પ્રોબ્લેમ છે. દૂરથી કાળજી રાખવી અને એકજ ઘરમાં સાથે રહી એમની દેખરેખ કરવી એ એકજ વાત નથી. જમીન આસમાનનો તફાવત છે. હું જાણું છું એમનો સ્વભાવ થોડો આકરો છે. તું જે રીતે એમને પ્રેમ કરવા ઈચ્છે છે અને જે આધુનિક ઢબે એમની કાળજી કરવા ચાહે છે એ એમની જૂની વિચારશ્રેણી જોડે બંધબેસતા નથી. પણ હું સમજુ છું ને. તું એ બંનેને ચાહે છે. બંનેને ખુશ કરવા ઈચ્છે છે. પણ થોડો સમય લાગશે. ધીરજ ધરવી પડશે. હું તારી જોડે છું. તને ચિંતા શેની ? અને તુજ કહે. એ બંનેએ મારા કાજે આખું જીવન ખર્ચી નાખ્યું. હવે આ ઉંમરે હું એમને પીઠ દેખાડું ? " 

એ પ્રશ્ન જોડે સુધીરે પોતાનો હેતસભર હાથ મારા માથે મૂકી દીધો હતો. જાણે ગરમ તવા ઉપર કોઈએ ઠંડુ એ.સી મૂકી દીધું હોય.  

સુધીરની આજ ખૂબીને કારણે તો હું અરેન્જ મેરેજના થોડાજ અઠવાડિયામાં એમના પ્રેમમાં પડી ગઈ હતી. એ પોતાના હૃદયની વાત પણ સામેવાળાના હૃદયની પરિસ્થતિ સમજી વિચારી આગળ ધરતા. એટલે એમના અભિપ્રાયોમાં ભાવનાત્મક વજન આવી જતું. જેનો વિરોધ કરવો સામેવાળા માટે એક મોટો પડકાર બની જતો.  

એ સમયે મેં મારુ મન વાળી લીધું. સુધીરની વાત સીધી ગળે ઉતરી ગઈ. ઠીક છે ને યાર. માતાપિતા છે એમના. સુધીરને જેટલો પ્રેમ કરે છે એટલો મને નથી કરતા. જેટલો એમની ઉપર વિશ્વાસ મૂકે છે મારી ઉપર નથી મૂકતા. જેટલું એમની ખુશી વિશે વિચારે છે એટલું મારુ ખુશી અંગે નથી વિચારતા. કોઈ વાંધો નહીં. કદાચ એક દિવસ . . . . . જેમ સુધીર મારા પ્રેમમાં હતા, મને માનસન્માન આપતા હતા, મારા દિલની વાત સમજતા હતા તેમ એકદિવસ એ લોકો પણ . . . . . મનને મેં સમજાવી દીધું.  

પણ મનને સમજાવવું જેટલું સહેલું હતું એટલું પરિસ્થિતિને સંભાળવું નહીં. સુધીરતો સવારમાંજ નોકરી માટે નીકળી જતા અને છેક મોડી સાંજે પરત થતા. એમના માતાપિતા જોડે એમના કરતા પણ વધુ સમય પસાર કરવું મારા ભાગે આવતું. હું અકળાઈ ઊઠતી. રસોડામાં રેડિયો સાંભળી ન શકાય. મિત્રો જોડે વાત કરવાનું એકાંત મળે નહીં. મમ્મીનો કોલ હોય તો પણ મારી આગળપાછળ ફરતા સુધીરની માતાના કાન આખો દિવસ સરવા જ હોય. એમનો ફોન પર વાર્તાલાપ થતો હોય ત્યારે તો હું એમને સંપૂર્ણ એકાંત પૂરો પાડતી. બેઝિક એથિક્સ. પાયાગત શિષ્ટાચાર. પણ એ બધાની પાસે હોય એવું જરૂરી નથી.

કશે બહાર નીકળવું હોય તો સો પ્રશ્નો. એમને જવાનું હોય ત્યારે ફક્ત મને સૂચના મળી જતી. સાંજ સુધી આવી જઈશ. લોટ બાંધી રાખજે. કદાચ મારા બહાર જવાથી ઘરનું સમયચક્ર વિખેરાઈ જશે એ ભયને કારણે કદી એમની જોડે ભેગા જવાનું આમંત્રણ જ ન મળતું. હું દીકરી બનવા તૈયાર હતી પણ એમને વહુનીજ સીમામર્યાદા મંજૂર હતી.  

મને સુધીર જોડે ઘર માંડવું હતું. ચાર ભીંત વચ્ચે ફક્ત સમય પસાર કરવો ન હતો. પતિપત્નીના સંબંધ વચ્ચે ફરજપૂર્તિ અને હકાધિકાર સિવાય અન્ય પણ એક પાસું હોય છે. રોમાન્સનું પાસું. પણ કદાચ સુધીરના માતાપિતા એ સ્વીકારવા તૈયાર જ ન હતા કે એમને એ વિશે કોઈ માહિતી જ ન હતી. મેં કદી મારા સસરાને મારી સાસુમાનો હાથ થામતા નિહાળ્યા ન હતા. ન કદી એમના માથામાં કોઈ ફૂલ સજાવતા. ન કદી એમના ખભે સ્નેહથી હાથ મૂકતા.  

" રમા, ચ્હા. "

" રમા, ગીઝર .. "

" રમા, મારી દવા. "

" રમા, મારો ટોવેલ. "

બસ ખપ પૂરતા શબ્દો. એ શબ્દોથી વર્ષોથી ટેવાઈ ગયા હોય એમ મારી સાસુમા પણ ટ્રેઈન રોબર્ટ જેમ છૂટેલા આદેશનું તરતજ પાલન કરી નાંખતા. આખો દિવસ યંત્ર જેમ સમય પર ગોઠવેલી ઘરની પ્રવૃત્તિઓ અને સાંજ પડતા ટીવીની સિરિયલો. મેં કદી એ દંપતીને બાગમાં હાથમાં હાથ પરોવી વોક કરતા નિહાળ્યા ન હતા. સસરાનું નિવૃત્ત જીવન ચ્હાના પ્યાલાઓ અને સમાચારપત્રના ઢગલા જોડે સમાધાન સાધી બેઠું હતું. વડીલ હોવું એટલે બાળકો જોડે સતત ધાકભર્યા અને કડક વલણમાં રહેવું એજ એમનો જીવન મંત્ર હતો.

મારુ યુવાન શરીર અને યુવાન આત્મા એ નિષ્ક્રિય જગતમાં રૂંધાઈ જતા. સુધીર ઘરે ન આવે ત્યાં સુધી એ ઘર ઘર નહીં, જેલ લાગતું. મોટેથી હસાય નહીં. વ્યંગ કોઈને સમજાય નહીં. મન તો થતું હું પિયર જતી રહું. મમ્મી પપ્પા પાસે. ફરીથી મારો અભ્યાસ શરૂ કરી દઉં. જે રીતે કમ્પ્યુટરમાં અનડૂનો વિકલ્પ હોય છે. કાશ એવો વિકલ્પ જીવનમાં પણ હોય.  

પરંતુ લગ્ન અનડૂ કરવા એ તો સાચું નિરાકરણ ન હતું. સુધીરનો એમાં કોઈ વાંક ન હતો. એ એક આદર્શ પતિ હતા ને એક આદર્શ પુત્ર પણ અને આદર્શ હોવા માટે તો પારિતોષિક મળવું જોઈએ, ડિવોર્સ રૂપી સજા નહીં.  

મારો આખો દિવસ સુધીરની રાહ જોવામાં નીકળી જતો. સાંજે જયારે એ પરત થતા ત્યારે એજ ઘર જેલ મટીને સ્વર્ગ લાગવા માંડતું. જાણે મારા નિષ્પ્રાણ શરીરમાં ફરી પ્રાણ આવી જતા.  

તાણ અને ખુશીની આ સંતાકૂકડી મારા નિષ્ક્રિય મગજને પજવી રહી હતી. ધીમે ધીમે હું હતાશામાં ધકેલાતી ગઈ. મારા વિચારો હકારાત્મકતાનો સાથ છોડવા માંડ્યા. સુંદર ભવિષ્ય ફક્ત એક કલ્પના બનીને રહી ગયું હોય એમ હું જીવનથી હાર માનવા લાગી. બધું એવુજ રહેશે. કશું બદલાશે નહીં. સુધીર એક સુશીલ પુત્ર હતા. કમી મારામાંજ હતી. હું એક સુશીલ પુત્રવધુ બની ન શકી. એ વાત મનમાં દ્રઢ થતી ચાલી અને મારા અંતરને કોતરવા લાગી. એ વિચારો એટલા પ્રભાવશાળી બન્યા કે મને આખી આખી રાત ઊંઘ ન આવતી. સવારે પથારી છોડવાનું મન ન થતું. કોઈ પણ કામમાં જીવ ન લાગતો. જમવાનું મન ન થતું. એવું લાગી રહ્યું હતું કે હવે જીવવા માટે કોઈ કારણ જ બચ્યું ન હતું. અગાઉ ગમતી દરેક પ્રવુત્તિઓમાંથી મારા રસ રુચિ ઊઠી ગયા હતા. મને પહેલા જેમ જોક્સ ગમતા ન હતા. હસવું તો હું ભૂલી જ બેઠી હતી. મને આત્મહત્યાના વિચારો આવતા.  

સુધીરથી મારી એ હાલત જોવાઈ રહી ન હતી. મને એ પરિસ્થિતમાં જોવું એમના માટે અસહ્ય હતું. તબીબે મારા ડિપ્રેશન માટે દવાઓ અને મેડિટેશનના પ્રિસ્ક્રિપશન જોડે વાતાવરણ બદલવાની સલાહ આપી. સુધીર મને થોડા દિવસ માટે પિયર મૂકી ગયા. ત્યાં દરરોજ ઓફિસ પછી તેઓ મને મળવા આવતા. અમે બંને ટેરેસ ઉપર જતા. તેઓ મારા માથે હાથ ફેરવી નિયમિત આશ્વાસન આપતા.  

" સૌ ઠીક થઈ જશે. તું ચિંતા ન કર. હું છું ને તારી જોડે. " 

હું એમના ખભે માથું ટેકવી દેતી. મારી આંખો મૌન વહી પડતી અને એ ખારા પાણીમાં મને એ કામચલાઉ વિરામ પછી આવનારા એકલાઅટૂલા એજ કાયમી તાણયુક્ત દિવસો દેખાઈ આવતા. એ દ્રશ્ય નિયમિત મારી હતાશાને વધુ પ્રજ્વલિત કરતા. મારુ ડિપ્રેશન એટલું જ ઘેરું બનતું. પરિણામ સ્વરૂપ મારી માનસિક પરિસ્થિતિ દિવસે દિવસે વધુ વણસી રહી હતી.  

એક એવાજ રવિવારે સુધીર મને ઘરે પરત લઈ જવા આવ્યા. હું તૈયાર થઈ ગઈ. એમ પણ ઘરે પરત તો ફરવાનું જ હતું. પિયરમાં કેટલા દિવસ રોકાઈ રહેતી ? સુધીર પણ મારા વિના એકલા પડી ગયા હતા. એ કહેતા નહીં પણ એમનો ચહેરો બધીજ ચાડી ખાઈ જતો.  

ટેક્ષીની અંદરથી મને બહાર તરફનું શહેર અત્યંત ધમાલિયું અનુભવાઈ રહ્યું હતું.  મારા કાન ઉપર બધાજ અવાજો જાણે એકીસાથે પ્રહાર કરી રહ્યા હતા. મારા બંને કાન મેં મારા હાથ વડે જોરથી ભીંસી દીધા.  

" શું થયું મયુરી ? તું ઠીક છે ? "

સુધીરનો વ્હાલસભર હાથ મારા ખભે હતો. હું આગળ કંઈક કહું એ પહેલા ટેક્ષીને બ્રેક લાગી. મારી આંખો આશ્ચર્ય પૂર્વક ટેક્ષીની બહાર ડોકાઈ રહી. હજુ ઘર તો આવ્યું ન હતું.  

" આવ તને કંઈક દેખાડવું છે. "

મને જરાયે રસ ન હતો. છતાં સુધીરનું દિલ રાખવા હું હતાશ તનમનને સંકેલતી ટેક્ષીની બહાર નીકળી.  

એક પુરુષ ક્યારનો અમારી રાહ જોઈ રહ્યો હતો. અમને નિહાળતાંજ એણે હાથમાંની ચાવી દ્વારા બારણું ખોલ્યું અને બીજીજ ક્ષણે અમે મકાનની અંદર તરફના વિસ્તારમાં પ્રવેશ્યા.  

" આવો સર. આવો મૅડમ. આપ આરામથી બધું જોઈ લો. હું બહાર રાહ જોઉં છું. "

અમારા માટે મકાન ખુલ્લું મૂકી એ બહાર તરફ જતો રહ્યો. મને કશું સમજાઈ રહ્યું ન હતું. સુધીર મારો હાથ પકડી મને મકાન દેખાડવા આગળ વધ્યા. એક મોટું વિશાળ સીટિંગ રૂમ, સામેની તરફ મોટો શયનખંડ, અટેચ બાથરૂમ ટોયલેટ અને એક ખાસ્સું મોટું રસોડું.  

" આ મમ્મી પપ્પા માટે છે. એમને ગમશે ને ?" 

મને કશો ઉત્તર આપવો ન હતો. હું મૌન રહી. મારા તરફથી કોઈ ઉત્તર મળશે નહીં એની ખાતરી થતા એમણે મારા હાથ પરની પકડ મજબૂત કરી.  

" લેટ્સ ગો. " 

હું એમની જોડે નિ:શબ્દ દોરવાતી ગઈ. મને થયું મકાનની બહાર જવાનું હશે પણ સુધીરના ડગલાં દાદર ચઢવા માંડ્યા. એમનાં હાથ થકી દોરવાતી હું પણ ઉપરના માળ પર પહોંચી ગઈ. મારી આંખો હેરતથી ચારે દિશામાં ફરી વળી. નીચે નિહાળેલ વિસ્તાર જેટલોજ પહોળો વિસ્તાર. એક વિશાળ ડ્રોઈંગ રૂમ, એક મોટો શયન ખંડ, અટેચ બાથરૂમ ટોયલેટ અને એક ખાસ્સું મોટું રસોડું. ડ્રોઈંગ રૂમના ખૂણે એક બાલ્કની અને બાલ્કનીના ખૂણામાં એક દરવાજો. જેના બીજી તરફ નીચે ઉતરતી દાદરો.  

" આ આપણા માટે. જો તને ગમ્યું હોય તો વાત આગળ વધારું. એરીયો થોડો સૂનો છે. અહીં અવરજવર ઓછી છે. પણ ખૂબજ સરસ ભાવમાં મળી રહ્યું છે. " 

સુધીરના શબ્દો ઉપર વિશ્વાસ ન આવતો હોય એમ હું એમને હેરતથી તાકી રહી. એમણે ટેવ પ્રમાણે મારા માથે હેતથી હાથ મૂક્યો.  

" સોરી. થોડું મોડું થયું. પણ દેર આયે દુરુસ્ત આયે. તેં મારા માટે ઘણું સહન કર્યું છે. યુ ટ્રુલી ડિઝર્વ ધીઝ. મમ્મી પપ્પા નીચે હશે અને આપણે અહીં ઉપર. તારી પરવાનગી વિના કોઈ અહીં ઉપર ન આવશે. તારું પોતાનું રસોડું હશે. પોતાની પ્રાઈવસી હશે. તારે બહાર જવા માટે પાછળ તરફ બાલ્કનીવાળી દાદર છે. તારે કોઈને કશો જવાબ આપવાનો ન હશે. તારા મિત્રોને બોલાવવા હોય તો તું બોલાવી શકીશ. તારે કોઈને કશું પૂછવાની જરૂર નથી. મમ્મી પપ્પા એકજ મકાનમાં હશે એટલે મને પણ અપરાધભાવ ન અનુભવાશે. આપણે એમની જોડે પણ રહીશું છતાં થોડા અંતરે. "

સુધીરના શબ્દોએ મને ફરી એમના પ્રેમમાં પાડી દીધી. પહેલા કરતાં પણ ઊંડા પ્રેમમાં. એક જ ક્ષણમાં મારા જીવનનો નકશો બદલાઈ ગયો. મનમાં ફરી હકારાત્મક વિચારોની લહેર ઊઠવા લાગી. પરિસ્થિતિ બદલાશે. જીવન બદલાશે. હું અને સુધીર . . . . હૅપ્પીલી એવર આફ્ટર . . . . . મારી હતાશાનો રંગ આછો થવા લાગ્યો. ઘોર અંધકાર પછી આશાની એક હળવી કિરણ જીવનને સ્પર્શી રહી હતી. જીવન ફરી જીવવા યોગ્ય લાગી રહ્યું હતું. હું સુધીરને વળગી પડી અને મારા રુદનની ધાર એમના સશક્ત ખભા ઉપર હળવેથી છૂટી પડી. એમનો હૂંફવાળો હાથ મારા માથે હતો.  બાલ્કનીમાંથી આવી રહેલી મુક્ત હવા સંબંધોને ઓક્સિજન પૂરો પાડી રહી હતી.  

" ચિંતા ન કર. આપણે જલ્દી જ અહીં શિફ્ટ થઈ જઈશું. આઈ પ્રોમીસ."

જીવનના એ નવા ઉજળા વળાંક જોડે આખરે અમે ઘરે પરત થયા.  

પરંતુ જીવનના વળાંકો અત્યંત અટપટા હોય છે. તમે એના એક પ્રશ્નનો ઉત્તર તૈયાર કરો છો ત્યાં તો જીવન એક નવોજ પ્રશ્ન તમારી આગળ ધકેલી દે છે.  

એક નવો પ્રશ્ન . . . .

" સુધીર. તું ગાંડો તો નથી થઈ ગયો. કોઈ એ મકાનમાં પગ ન મૂકશે. એ વિસ્તાર કેવો ભેંકાર છે ! અને બધા જ જાણે છે ત્યાં આત્માનો વાસ છે. તેથીજ એ મકાન કોઈ ખરીદવા નથી માંગતું અને પાણીના ભાવે તને મળી રહ્યું છે. "

સુધીર ટેવ પ્રમાણે પોતાની મમ્મી આગળ ડોકું નમાવી ઊભાં હતા, એમના મોઢામાંથી એક પણ શબ્દ બહાર નીકળવાની હિંમત દાખવી રહ્યો ન હતો.

હું જાણતી હતી કે એ એમના મમ્મીનું માન જાળવતા હતા. પણ આ વખતે તો હદ જ થઈ ગઈ.  

ભૂત ? 

આત્મા ?

સુધીર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. એક ભણેલા ગણેલા શિક્ષિત પુરુષ.  

મારા સ્વપ્નનાં જે મહેલના સુધીરે દર્શન કરાવ્યા હતા એ મને આંખો આગળ વેરવિખેર થતું દેખાઈ રહ્યું. મારુ મન ફરી મને હતાશા તરફ ધકેલી રહ્યું. જાણે જીવન જીવવાનું કારણ મારા હાથમાંથી છટકી રહ્યું હતું. હું ગૂંગળાઈ ઊઠી અને પહેલીવાર મારો અવાજ એ ઘરમાં મોટેથી ગૂંજયો.  

" ભૂતપ્રેત સૌ બહાના છે. સાચી વાત તો એજ છે કે મને અને સુધીરને કોઈ ખુશ જોઈ શકતું નથી . . . . . . "

આટલા શબ્દો ઉચ્ચારી હું ફ્લેટની બહાર તરફ દોડી ગઈ ! હંમેશ માટે . . . . . . !

યાદો વાગોળતા સાફસફાઈને અંતિમ સ્પર્શ આપ્યો જ કે બહાર તરફથી કેટલાક ડગલાઓનો સ્વર સંભળાયો. સુધીર હતા. એ કોઈની જોડે વાત કરી રહ્યા હતા. બહાર તરફથી બારણું ચાવી ફેરવી ખોલવામાં આવ્યું. બારણું ખોલી રહેલા માણસે સુધીરની માફી માંગી.  

" સાફસફાઈ માટે કામવાળાને કહ્યું હતું. પણ એ લોકો આવ્યા નહીં. સોરી. આપ જરા સાફસફાઈ . . . . . . "

બારણું ખોલતાંજ આગળના શબ્દો અટકી પડ્યા. ચારેકોર સાફ અને ચળકતું મકાન નિહાળી મૌન થુંક ગળા નીચે ઉતરી ગયું .  

સુધીર અને એના મમ્મી પપ્પાએ એકબીજા તરફ નજર કરી.  

ધ્રુજતા હાથે મકાનની ચાવી સુધીરના હાથમાં થમાવી એ માણસ શીઘ્ર મકાનની બહાર નીકળી ગયો. એ જ માણસ જે અમને પહેલીવાર મકાન જોવા લાવ્યો હતો.  

" મેં તો પહેલાજ કહ્યું હતું. આ મકાનમાં આત્માનો વાસ છે. પણ મારી સાંભળેજ કોણ છે ? અહીં તો જીવિત લોકો કરતા . . . . . . . . . "

સુધીરની કડક થયેલી આંખોથી એમની મમ્મીએ આગળનું વાક્ય સંકેલી લીધું. છણકા જોડે એ અંદર તરફ જતા રહ્યા. સુધીરના પિતા પણ એમને હાથ આપવા અને સામાનની વ્યવસ્થા કરવા પાછળ દોરવાઈ ગયા.  

" સારું એવું ફ્લેટ નકામું વેચી નાખ્યું. ખબર નહીં કેમ ? "

પોતાના પપ્પાના શબ્દો સાંભળ્યાજ ન હોય એમ સુધીર મકાનની ચારે દિશામાં સંતોષથી નજર ફેરવી રહ્યા. એમના હોઠ ઉપર એક મીઠું સ્મિત ફરકી ગયું. કોઈ ન સાંભળી શકે એટલા મંદ સ્વરમાં એ ધીમેથી બોલ્યા.  

" મેં મારુ વચન પૂરું કર્યું મયુરી. શિફ્ટ થઈ ગયો. કાશ તેં થોડી ધીરજ ધરી હોત." સુધીરની આંખોમાં પાણી હતું.

મને મારી જાત ઉપર રીસ ચઢી. સાચેજ મેં થોડી ધીરજ ધરી હોત તો . . .

તો ન તો હું ગુસ્સામાં ભાન ભૂલાવી એ ફ્લેટમાંથી બહાર નીકળી ગઈ હોત. ન સુધીર મારી પાછળ આવ્યા હોત. ન હું મુખ્ય રસ્તા ઉપર ધસી ગઈ હોત. ન ટ્રક જોડે ઠોકાઈ હોત. ન મારા શરીરે પ્રાણ ત્યાગી દીધા હોત.


Rate this content
Log in

Similar gujarati story from Drama